પેંગ્વીન પ્રકાશને વૅન્ડી ડૉનીગરનાં પુસ્તક “The Hindus: An Alternative History”ને પાછું ખેંચી લેવાનો અને તેની છપાયેલી નકલોનો નાશ કરવાનો નિર્ણય લીધો હતો તેના પ્રતિભાવમાંથોડા સમય પહેલાં હું અમેરિકાની મુલાકાતે ગયો હતો. ત્યાં મારે ઘણાં ભારતીય કુટુંબોને મળવાનું પણ થયું હતું. પોતાની જુની યાદો માટે તેઓની ખાસ લાગણીઓ મહદ અંશે જળવાઈ રહી છે. કંઈ કેટલાયે વિષયો પર બહુ રસપ્રદ વાતો પણ થાય જ. એ વાતોમાં વેન્ડી ડૉનીગરનું નામ પણ આવતું જ રહેતું હતું. જ્યારે તેમને હું એમ કહેતો કે મને વેન્ડી ડૉનીગર પસંદ છે ત્યારે તેમને બહુ નવાઈ લાગતી. 'હિંદુ દેવી દેવતાઓ વિષેના તેના વિચારો સાથે તમે સહમત છો ?' એવા તેમના સવાલમાં તેમની અકળામણ છતી થઈ રહેતી. મારો જવાબ રહેતો કે ના, હું સહમત નથી. પણ એ વાતને વેન્ડી ડૉનીગર મને પસંદ છે તેની સાથે નિસ્બત ન હોઈ શકે. હું ઘણાં લોકો સાથે સહમત નથી હોતો, પણ તેમ છતાં, એમાંના ઘણાં લોકો સાથે મને સારૂ બનતું હોય છે.
હિંદુ ધર્મએ મને પ્રેમ અને આદર કરવાનું અને ધિક્કાર ન કરવો જોઈએ એટલું તો શીખવાડ્યું જ છે. આપણે જ્યારે કોઇ પ્રત્યે નાપસંદગીનો ભાવ અનુભવીએ છીએ ત્યારે આપણી પોતાની વણઉકાયેલી સમસ્યાઓનાં વમળોમાં જ આપણે ઘેરાયેલાં રહી છીએ.
વેન્ડીનાં પુસ્તકોના સંદર્ભ તો હું ઘણા વખતથી ટાંકતો રહ્યો છું. તેમાં મને એવી ઘણી વાતો અને વિચારો વિષે જાણવા મળે છે જે બીજે ક્યાંય નથી મળ્યાં હોતાં. હું એ બધી વાતોનું અર્થઘટન મારી, નવી, રીતે કરવાનું કરી લઉં. આમ મને નવા દૃષ્ટિકોણ અને વલણો મળતાં રહે છે. કેટલાક આઈડીયા મને બહુ આકર્ષે પણ ખરા. પણ હું જે બધું વાંચું છું તે સાથે સહમત છું ખરો ? બીલકુલ નહીં. આમ પણ, વાંચનનો તો અર્થ જ આપણાં મનને ખુરેદીને નવા નવા વિચારો માટે ઉત્તેજિત કરવાનો હોય છે, આપણા વિચારો પળોટવાનો નહીં. આપણને જે ન ગમે તે વાંચવામાંથી પડતું મૂકો અને આગળ વધી જાઓ, પુસ્તક આપણને એમાં ક્યાં વચ્ચે આવે છે.
જો કે થોડાં રૂઢિચુસ્ત તથાકથિત હિંદુવાદી જૂથના બુમબરાડાને કારણે પુસ્તકની બધી જ નકલોનો નાશ કરી નાખવાનું પેંગ્વીન પ્રકાશનનું પગલું દુઃખદ જરૂર લાગે. પણ આમ કદાચથી બની રહેવાનું તો હતું જ. આજનું ભારત વધારે ને વધારે રૂઢિચુસ્ત થતું જણાય છે.આપણું સર્વોચ્ચ ન્યાયાલય માને છે લૈંગિક લઘુમતીઓ્ને 'થોડા, નામના" જ હક્કો છે, જે નક્કી કરવા માટે આપણી ધારાકીય શાસકીય વ્યવસ્થા જ પર્યાપ્ત છે. એ હક્કોને માનવીય હક્કો ગણવાની કોઈ જરૂર નથી. એટલે આપણે હવે એ વાત સ્વીકારી જ લેવી રહી કે ભવિષ્યમાં હજૂ વધારે પુસ્તકો પાછાં ખેંચી લેવાના અને તેની બહાર પડી ચૂકેલી નકલોનો નાશ કરી નાખવાની ઘટનાઓ તો બનતી જ રહેશે. આપણે તો એ જ આશા રાખી શકીએ કે એ પહેલાં બધાંની સમબુદ્ધિ પ્રજ્વળે અને અન્ય વિચારો માટે સમભાવ, અને તેથી પણ આગળ વધીને પ્રેમ, બળવત્તર બને.
વેન્ડીનાં લખાણોની તકલીફ એ છે કે તેની શૈલી બીનક્ષમાયાચક છે. હિંદુ દેવી દેવતાઓ વિષેની તેનું જાતીય મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કંઇક અંશે વધારે પડતું સરળ, અપરિપક્વ, પણ પ્રમાણભૂત દેખાય તે કક્ષાનું હોય છે. તેનાં લખાણોમાં શિવ એક શૃંગારઆસક્ત સંન્યાસી છે, રામમાં લૈંગિક ઈર્ષ્યા છે. એટલે હિંદુ શાસ્ત્રોની જેને સારી એવી જાણકારી ન હોય તેવા કોઇ પણ હિંદુની ભાવનાને ઠેસ પહોંચે તે તો સમજી શકાય. આપણને તો મંદિરોની દિવાલો પર કંડારેલી વિજાતિયલિંગી મૂર્તિઓ પણ ખૂંચે છે. અમેરિકન યુનિવર્સિટીઓ જ્યારે વેન્ડીનાં કપોળકલ્પિત લખાણોને એક ચર્ચાપાત્ર હકીકતને પ્રમાણભૂત સત્ય તરીકે આગળ કરવા લાગે ત્યારે આપણી આવી થોડી ઘણી બેચેની ધગધગતા રોષમાં પરિવર્તિત થઈ જાય છે. વધારામાં આ તથાકથિત 'સત્ય' તળ માન્યતાઓથી સાવ વિપરીત હોય એટલે એ રોષ ભડકી ઊઠીને વિરોધની જ્વાળાઓ બની રહે.
બસ, પ્રસ્તુત પુસ્તકની બાબતે પણ આવો જ રોષ ભડકી ઊઠ્યો છે. અને એક વાર ક્રોધ મનમાં ફરી વળે એટલે તર્ક માટે કોઈ જગ્યા રહેતી નથી, એટલે ગુસ્સાની રજૂઆત ખૂબજ ભાવનાપ્રધાન બનીને હિંસક પણ બની જાય તેમાં પણ આશ્ચર્ય તો નથી જ. આમાં બિનસાંપ્રદાયિક અને મવાળ વિચારધારાનાં લોકો પણ પળોટાઈ ગયાં છે. હવે તો બધાંને લડી લેવું છે. બધાં ગળું ફાડી ફાડીને વિરોધ કરવા લાગી પડ્યાં છે. આમાં કોઈ કોઈનું ક્યાંથી સાંભળે ? વેન્ડી ક્યાંક સાચાં પણ હશે, તો તેનો વિરોધ કરનારાંઓ પણ ક્યાંક સાચાં છે. હવે અહીં કોઈ ખલનાયક નથી, બધાં જ 'હીરો' બની ગયાં છે. લોકોને પોતાનામાં શહાદત જ નજરે પડે છે. જમણેરી ઉગ્રતા વેન્ડીને શહીદ બનાવી દેશે તો ડાબેરીઓ તેનાં લેખાણોને ઇશ્વરોદત્ત કથન બનાવીને મૂકશે. મજાની વાત એ છે કે મૂળ પુસ્તક તો માંડ થોડાંકે જ વાંચ્યું હશે.
પરંપરાગત રીતે ભારતમાં શિક્ષક તેનાં વિદ્યાર્થીની બૌદ્ધિક અને ભાવનાત્મક પરિપક્વતા અનુસાર પોતાવડે થતાં અધ્યાપનને ગોઠવે છે. એટલે બધાંને બધું જ શીખવાડવામાં આવે તેમ નથી બનતું. જેમ વિદ્યાર્થિની પરિપક્વતા વધતી જાય તેમ તેમ તેને નવું નવું શીખવાડવામાં આવે. પરંતુ આજના આધુનિક સમયમાં જ્યારે બધાંને એક સમાન માનવામાં આવે છે, ત્યાં તો બધાંને બધું જ શીખવાડવામા આવે એમ જ માનવામાં આવે છે. તેને પરિણામે વર્ગખંડમાંનાં વ્યાખ્યાન પ્રચાર સ્વરૂપ બની ગયાં છે. જે લોકો રૂઢિવાદી છે તે માત્ર રૂઢિવાદી શિક્ષણ જ આપવા માગે અને ઉદારમતવાદીઓ ઉદારમત પ્રચુર શિક્ષણ જ આગળ કરતાં રહે.બધાં એમ જ માનતાં હોય કે સામેનાં લોકો સાચાં નથી.એટલે સામેવાળી વિચારસરણીવાળાં લોકોએ લખેલાં પુસ્તકો પણ શત્રુની નજરથી જ જોવામાં આવે છે. સામેવાળાનાં વિચારોને મોળા પાડવા માટે પોતાના વિચારનાં વધારે પુસ્તકો લખવાને બદલે આપણે તેમનાં પુસ્તકોને જ ખતમ કરી દેવાના કે તેમના પર પ્રતિબંધ કરવાના માર્ગ અપનાવી નાખીએ છીએ.કોઈ પણ સમાજ માટે આ વલણ તંદુરસ્ત ન કહી શકાય. આમાં નથી કોઈ પ્રેમ કે નથી કોઈ ડહાપણ.
એટલે પછી આપણે હિંદુ ફિલોસૉફીનાં કાલાતીતપણાંનો સહારો લઈ, આમ પહેલાં પણ થતું આવ્યું છે અને હવે પછી પણ થતું રહેશે એમ વિચારીને મન વાળી લઈએ છીએ અને બીજાંઓની અસલામતી અને નફરતની ભાવના જોઈ જોઈને આપણા પોતાના મનોભાવોને અતિક્રમવામાં લાગી જઈએ છીએ.
ધી ટાઈમ્સ ઑફ ઇન્ડિયામાં ૧૭ જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ
-
અસલ અંગ્રેજી લેખ, Hating Wendy, વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર મે ૧૯, ૨૦૧૪ના રોજ Society ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ઓક્ટોબર ૨૮, ૨૦૧૫
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો