- ગૅરી મૉન્ટી
વ્યવસાયિક દુનિયામાં ઉંબરો કેમ કરી ઓળંગવો ? દેખીતી રીતે સીધા સરળ લાગતા સવાલનો જવાબ શોધવા બેસીએ ત્યારે તેની ગહનતાનો અંદાજ આવશે. કોઈ પણ નીવડેલા (કે નીવડવા માટે કટિબદ્ધ) અગ્રણીનો ઉદ્દેશ્ય કોઈ પણ બાબતનાં દરેક મહત્ત્વનાં પાસાંને તેનાં સરળ, મૂળભૂત સ્વરૂપમાં લાવી અને પછી તેના પર ચર્ચાવિચારણા કરીને એક સંતુલિત,રચનાત્મક નિર્ણય લેવાનો હોય છે. આ ઉદ્દેશ્ય કાયમ સિદ્ધ કરી શકાય તે માટે કરીને તે પોતાની વ્યક્તિગત તેમ જ સામુહિક પરંપરાગત માન્યતાઓ પણ ઘણે અંશે આધાર રાખે છે. આવી પૌરાણિક માન્યતાઓ અને કથાઓનાં શાસ્ત્રમાં છે શું? અડતાં કરમાઈ જાય એવું, કંઇક અંશે ધુંધળુ અને વ્યાપાર ઉદ્યોગથી જોજનો દૂર લાગશે આ શાસ્ત્ર. પણ સાવ એવું છે નહીં. જ્યાં સામાજિક નેટવર્ક મહત્ત્વની ભૂમિકા ભજવી શકે હોય તેવી દરેક પરિસ્થિતિઓમાં એ વ્યાપારને ટકાવવામાં, મોટા પાયે વિકસાવવામાં અને વ્યાપાર હિતોનાં સંરક્ષણ કરવા માટે તે બહુ જ કામની વસ્તુ છે.
આવો, આ શ્રેણીના આ બીજા લેખમાં આપણે હવે થોડાં ઊંડાં ઉતરીએ અને જોઈએ કે શી રીતે તે પોતાની આવી રસપ્રદ ભૂમિકા ભજવે છે....
આ શ્રેણીના પહેલા લેખમાં આપણે નોંધ્યું હતું કે પૌરાણિક માન્યતાશાસ્ત્રનાં ચાર પાસાં છે :
- રહસ્યવાદી
- સ્થૂળ
- સામાજિક, અને
- માનસિક
ખરેખર 'રહસ્યમય' એટલું બધું ગૂઢ છે ખરૂં ?
વ્યાપાર ઉદ્યોગ કે સંચાલનશાસ્ત્રના સંદર્ભમાં રહસ્યવાદ સામાન્ય જીવનની ઘટમાળના ઈન્ન્દ્રીયાતીત જેટલો ગૂઢ નથી. હકીકતમાં તો એ જમીન સાથે જોડાયેલ , સાવ જ વાસ્તવિક વિષય છે. તાત્વિક રીતે 'રહસ્યવાદ'નો પ્રયોગ વ્યાપાર ઉદ્યોગ જગતના અનુભવોની ધાક અને તેના સંદર્ભમાં લેવાતાં વલણોમાં તાર્કિક રીતે ન સમજાવી શકાતાં તત્વો માટે કરાતો હોય છે. આ પ્રકારનાં વલણનું ઘડતર આસપાસનાં વાતવરણનાં ખરબચડાં અને ઉથલપુથલ થતાં રહેતાં પાસાંઓ પર આધારીત છે, કેમકે વાતવારણના આ વણકલ્પેલા ફેરફારો ક્યારેક ટકી રહેવામાં પણ ફાંફાં પડી જાય તેવી મુશ્કેલીઓનાં સ્વરૂપમાં તો ક્યારેક વિકાસની અદ્ભૂત તકો બનીને સામે આવી ઊભી રહેલી અનુભવાય છે. આ પરિસ્થિતિઓનાં એક મૂર્ત સ્વરૂપમાં વ્યાપાર જગતમાંની એકબીજાં સાથેનો સહકાર કે એ જ લોકો સાથે થતી સ્પર્ધાનાં સ્વરૂપમાં આ પરિસ્થિતિઓ મૂર્ત થતી જણાતી હોય છે.સહકાર અને સ્પર્ધા વચ્ચે એક અનોખું સંતુલન રચી શકવા માટે સહસ્પર્ધા શબ્દનો એક અભિનવ પ્રયોગ પ્રચલિત થયો છે.
સહસ્પર્ધા
બ્રાંડૅનબર્જર અને નેલબફ્ફ તેમનાં ક્લાસિક પુસ્તક Co-opetitionમાં ગેમ થિયરીને કામે લગાડે છે. તેઓ વ્યાપાર જગતને PARTS (Players, Added value, Rules, Tactics, and Scope)નાં સ્વરૂપે જૂએ છે. પહેલાં હળીમળીને વધારેને વધારે મૂલ્યવૃદ્ધિ માટે સહીયારા પ્રયાસ કરાય છે, જેથી થાળીમાંનો લાડુ મોટો બને અને સરવાળે દરેકને કંઇક વધારે જ મળે. હવે જેમ જેમ લાડુ મોટો થતો જાય અને બધાંને વધારે હિસ્સો મળવા લાગે તેમ તેમ દરેક ખેલાડી પોતાને ભાગે મોટો હિસ્સો કેમ આવે તેની સ્પર્ધામાં ઉતરવાનું ચાલુ કરે છે. આ તબક્કે કોઈની બાદબાકી કરીને પોતાનો હિસ્સો વધારવાની વાત નથી. આમ ખેલમાં બધા રમે (સહકાર આપે), પણ બીજાં કરતાં પોતાને વધારે હિસ્સો મળે તે માટે સ્પર્ધા પણ કરે. સહકારમય સ્પર્ધાનાં આ વાતાવરણને સહસ્પર્ધાનું નામ અપાયું.
બ્રાંન્ડેનબર્જર અને નેલબફ્ફ પૂરક \ complementorનો એક સાવ જ નવો વિચાર પણ રજૂ કરે છે. જ્યારે મૂળ વસ્તુનું મૂલ્ય તેની સાથે રહેલી સાથીદાર વસ્તુનાં મહત્ત્વને કારણે વધવા લાગે ત્યારે એ સાથીદાર વસ્તુ પૂરક ભૂમિકા ભજવે છે એમ કહી શકાય. ફિલ્મ જોવાં ગયાં હોઈએ ત્યારે હાથમાં ખારી શીંગ કે પૉપકોર્નનું પડીકું હોય તો ફિલ્મ જોવાની મજા કેટલી વધી જાય છે ? તેમાં પણ જો કોઈ પ્રિયજન નો સાથ હોય તો ! કોને કારણે શેની વધારે મજા આવે છે ?
પણ પૂરક જ સ્પર્ધક બની જાય તો ? (અહીં આપણે યુધિષ્ઠીર બનીને 'નરો વા કુંજરો વા'ની જેમ 'કદાચ એમ પણ બની તો શકે' જેવો પ્રતિભાવ જ આપવાનાં !) ખારી શિંગ અને ફિલ્મના સહકારમાં આવતે અઠવાડીએ રજૂ થનાર એક ધમાકેદાર ફિલ્મનું ટ્રેલર પણ ઉમેરાય તો ? આવતે અઠવાડીએ હવે ખારી શીંગનું પડીકું એ જ હશે પણ આપણે બીજી ફિલ્મ જોવા બેઠાં હશું ! ગુગલ, યાહુ, માઈક્રોસૉફ્ટ, એપલ, જાવા, ઇન્ટેલના અરસપરસના દાખલાઓને બારીક નજરે જોશું તો એક સમયે તેઓ એકબીજા માટે પૂરક ભૂમિકા કદાચ ભજવાતાં હશે પણ મૂળે તો સ્પર્ધક છે તે વાત છતી થશે.
(એમ એસ) ઑફિસ મૅક પર ચાલે છે ને ! ક્વીક ટાઈમ પીસી પર જોઈ શકાય છે ! એડૉબ અને એપલનો 'ફ્લેશ' સાથે કેવો વ્યવહાર છે ? 'ઑફિસ'નાં વર્ડ કે 'એક્ષેલ' કે 'પાવર પોઇન્ટ'માં ઑપન ઑફિસનાં ફાઈલ એક્ષ્ટેન્શનથી ફાઇલને 'સેવ' કરવાની સગવડ પણ છે, તો ઑપન ઑફિસમાં (એમ એસ) ઑફિસનાં ફાઈલ એક્ષ્ટેન્શનમાં 'સેવ' કરવાની સગવડ પણ છે ! પૂરકની ભૂમિકા પુરી થઈને સ્પર્ધકની ભૂમિકા ક્યાં શરૂ થાય તે જ સમજ ન પડે તેવી વ્યવસ્થા રચાય છે ને !
જેને આ બધી વાતો સાથે પૂર્વાપરનો બહુ નાતો નથી તેવાંને આ દાખલાઓ આપો તો તેમનું મગજ ચકરાઈ જ જાય ને! આજે સાથે ને કાલે સામે એવા સંબંધો કાયમ માટે રહેતા હોય એવી વાત ભયમિશ્રિત રોમાંચક છે પણ તેનું મૂળ ક્યાં છે તે સમજાવવું એ ખરો, ગૂઢ,પડકાર છે. અહીં જ ઘુંટાય છે ખરૂં રહસ્ય !
થોડી મજા કરીએ
આ પ્રકારનાં 'રહસ્ય'નું ખરૂં મહત્ત્વ સમજાય છે ? આવો, આ બાબતે થોડી મજા કરીએ. થોડા મિત્રોને ત્રણ ગ્રુપમાં વહેંચી નાખો. પહેલું ગ્રુપ 'સહકાર'માં માનતું હોય, બીજું માત્ર ‘સ્પર્ધા’માં માનતું હોય અને ત્રીજું ‘સહસ્પર્ધા’માં માનતું હોય. હવે દરેકને તેમના વેપાર ભવિષ્યમાં કઈ દિશામાં આગળ વધશે એવો સવાલ પૂછો અને પછી તેમની ચર્ચામાં તેમના ગ્રુપને સોંપાયેલ વિચારસરણીથી અલગ વિચારસરણીનો મસાલો ભેળવો અને પછી તેમના જવાબોની મજા માણો.
પરિણામો બધાંની કલ્પના બહારનાં આવે તો નવાઇ ન પામજો !
- શ્રી ગૅરી મૉન્ટીના લેખ, Leadership and Mythology#1: Purpose of mythનો અનુવાદ
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ઓક્ટોબર ૨૧, ૨૦૧૫
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો