સીતા અને દ્રૌપદી એ હિંદુ પરંપરાઓનાં બે બહુ જ
મહત્ત્વનાં સ્ત્રી પાત્રો છે. જેટલું રામયણ મહાભારતથી ભિન્ન છે તેટલાં જ આ બંને
પાત્રો પણ એકબીજાંથી ભિન્ન છે. આ બંને મહાન સ્ત્રી પાત્રોની તુલના આપણને માનવીનાં
વ્યક્તિત્વની ખૂબીઓ તેમજ સમાજના પ્રવાહો વિષે ઘણું બધું કહી જાય છે.
સીતા અને દ્રૌપદી બંને રાજકુમારીઓ છે. બંનેનો જન્મ
અલૌકિક, પણ અકુદરતી, રીતે થયો છે. સીતાનો જન્મ ધરતી સાથે તો દ્રૌપદીનો જન્મ અગ્નિ સાથે સંકળાયેલ
છે. સીતાના પિતા, વિદેહના રાજા, જનકને જમીન ખેડતાં ખેડતાં એક બાળકી હાથ લાગે છે, જેને તે પોતાની દીકરી તરીકે અપનાવી લે છે.દ્રૌપદીના પિતા, પાંચાલના રાજા, દ્રુપદે તો, પોતાના શિષ્યો પાંડવો અને કૌરવોનો
ઉપયોગ કરીને પાંચાલને જીતવા અને તેના ભાગલા પાડવા માગતા, ગુરુ દ્રોણને રાજ્યાશ્રય આપનાર કુરુ પરિવારના વિનાશ માટે જ દ્રૌપદીને માગી લીધેલ હતાં. આમ સીતાનો જન્મ એક બાળકી રૂપે થયો હતો
તો દ્રૌપદી તો પુખ્ત વયનાં જ જન્મ્યાં હતાં. તેમને બાળપણ કે માતાપિતાના દુલારનો
લાભ જ નહોતો મળ્યો. સીતાનો ઉછેર પ્રેમભર્યાં વાતાવરણમાં થયો હતો તો દ્રૌપદીનો ઉછેર
એક કુટુંબના વિનાશને પોષતાં નફરતભર્યાં વાતાવરણમાં થયો હતો. આશ્ચર્યની વાત એ છે કે
બંનેના કિસ્સામાં તેમના ઉછેરમાં તેમની માતાઓનો બહુ ફાળો નથી રહ્યો. બંનેનો ઉલ્લેખ હંમેશાં તેમના પિતા સાથે જોડાયેલાં નામથી
જ થતો રહ્યો - સીતા જનકનાં જાનકી અને દ્રૌપદી દ્રુપદનાં દ્રૌપદી તરીકે જ ઓળખાયાં.
સીતા અને દ્રૌપદી બંને તેમના લગ્નના સ્વયંવરમાં
તીરંદાજીની સ્પર્ધાનાં ઈનામ સ્વરૂપે રજૂ કરાયેલ છે. જે બાણને ઉપાડી તેની પણછ
ચડાવવાની હતી તેના જ ટુકડા કરીને રામ સીતાનો હાથ જીતે છે, તો અર્જુન સ્થંભ પર રાખેલી ફરતી માછલીની જમણી આંખનું નિશાન હોજમાંના
પતિબિંબમાંથી જોઈને સાધવામાં સફળ થવાથી દ્રૌપદીની વરમાળાનો હક્કદાર બને છે.
રામાયણનાં કેટલાંક વૈકલ્પિક કથનોમાં એમ પણ કહેવાયું છે કે સ્વયંવર પહેલાં રામ અને
સીતા એક બાગમાં અચાનક ભેગાં થઈ જાય છે અને તેમના વચ્ચે પહેલી જ નજરનો પ્રેમ પાંગરી
ચૂક્યો હતો. દ્રૌપદીને આવી રોમાંચક પળો નસીબ નહોતી થઈ. એણે તો ખૂબ જ કઠોર થઈને, તે શુદ્ર જાતનો છે તેમ કહીને કર્ણને તીરંદાજીની સ્પર્ધામાં ભાગ લેતાં રોકવો પડ્યો હતો અને પછી -
છુપાવેશમાં રહેલા અર્જુન એવા - બ્રાહ્મણને
પતિ તરીકે સ્વીકારવો પડે છે.
સીતાના લગ્ન સાથે તેની બહેન તેમ જ અન્ય પિત્રાઈ બહેનોનાં લગ્ન પણ રામના
બીજા ત્રણ ભાઈઓ સાથે થાય છે, તો દ્રૌપદીએ તો
પહેલથી જ જેમની બીજી પત્નીઓ છે જ એવા અન્ય ચાર પાંડવ ભાઈઓની પણ પત્ની બનવાનું
સ્વીકારવું પડે છે. સીતાને ભાગે એકપતિત્વમય લગ્નજીવન આવે છે તો દ્રૌપદીના નસીબમાં
બહુપતિત્વ તેમજ બહુપત્નીત્વ આવી પડે છે.
સીતાએ તેના પતિ અને દેરનાં કર્મોની બહુ ભારી કિંમત
ચૂકવવી પડે છે. પોતાની બહેન, સુપર્ણખા,નાં રામ અને લક્ષ્મણે નાકકાન કાપીને કરેલાં અપમાનનો બદલો લેવા સારૂ કરીને
રાક્ષસરાજ રાવણ તેનું અપહરણ કરી જાય છે. દ્રૌપદીએ પોતાનાં જ કર્મોનાં ફળ ભોગવવાં
પડે છે. મહેલની લાદીઓ પર પાણીના છાબલાં ન પારખી શકનાર, અતિસંવેદનશીલ અને ગર્વિષ્ઠ એવા
જ્યેષ્ઠ કુરુ દુર્યોધનને તેણે આંધળી માના દીકરા આંધળા જ હોયને એમ કહી અપમાનિત કરેલ. આ કારણે જ દુર્યોધન તેના
પતિઓ દ્વારા તેને જુગટાનાં દાવમાં મુકાવીને જીતવાનો અને પછી ભરી સભામાં વાળથી
પકડીને ઢસરડી લાવીને તેનું ચીરહરણ કરવા જેવો અવસર ઊભો કરે છે.
સીતા અને દ્રૌપદી સાથે દુર્વ્યવહાર કરનારાઓને તેમનો ભય
પણ છે. સતી સ્ત્રીને દુર્ભાવનાથી અડવા માત્રથી પોતાનો જીવ હણાઈ જશે એ ભયથી રાવણ સીતાપર
દબાણ કરવાનું ટાળતો રહ્યો હતો. વિદુરની ચેતવણીને ધ્યાનમાં લઈને ધૃતરાષ્ટ્ર
પાંડવોને દ્યુતમાં હારેલું બધું પાછું આપી દે છે કેમ કે દૌપદીએ તેની સાથે
દુર્વ્યવહાર કરનારાઓનાં લોહીથી જ પોતાના વાળની સેર નહીં વાળે ત્યાં સુધી પોતાના
વાળ ખુલ્લા જ રાખશે તેવી પ્રતિજ્ઞા લીધી હતી.
સીતા વેર લેવા માટે ગુસ્સાથી ઊંચા અવાજે પણ બોલતાં નથી.
તેમનો પતિ આવીને તેમને ઉગારશે તેવો અડગ વિશ્વાસ તેમના ધીર ગંભીર ચહેરા પર છલકી રહે
છે. દ્રૌપદી વેર લેવા માટે શ્રાપ તો આપતાં રહે છે, પણ તેમના પતિઓ એ વેર વાળી શકશે કે કેમ તેના વિષે તેમને શંકા છે. આ શંકા અકારણ નથી.
તેને ઉપપત્ની બનાવવાના બદઈરાદાથી પોતાના રથ પર ઢસરડી આવતા જયદ્રથને તેના
પતિઓ દેહાંત દંડ પણ નથી ફટકારતા. વનવાસનાં છેક છેલ્લાં વર્ષમાં રાજા વિરાટના રસોડે
ચાકર તરીકે રહેતા તેના પતિ તેમનો ગુપ્તવાસ
જાહેર થઇ જશે એવા ભય માત્રથી કિચકને પણ મારી નાખતાં અચકાય છે.
રામ સીતાને રાવણની ચુંગાલમાંથી છોડાવે તો છે પણ આટલો સમય
તેમણે પરપુરુષની હાજરીમાં કાઢેલ છે એટલે તેમની પવિત્રતા વિષે લોકો શું કહેશે તેવા
પોતાના કુટુંબની આબરૂના ભયથી તડપતા રામનાં વર્તન સામે સીતા પોતાની પવિત્રતા સિદ્ધ કરવા અગ્નિપરીક્ષા
વહોરી લે છે. દ્રૌપદીની પતિવ્રતતા વિષે ક્યારેય કોઈ પણ શંકા નથી કરાઈ, પણ તેને પાંચ પાંચ પતિ છે એટલે તેનું જીવન એક રાણીને છાજે તેવું નહીં પણ
કોઈ સામાન્ય વ્યવસાયી સ્ત્રી જેવું છે તેવાં મ્હેણાં કાયમ તેની સામે તંકાતાં
રહ્યાં હતાં.
અંતમાં સીતાનો ત્યાગ કરીને લક્ષ્મણ સાથે રામ તેમને
જંગલમાં એકલાં છોડી મૂકે છે કેમ કે એક ધોબી જેમની પવિત્રતા પર હ્જૂ પણ આળ મૂકી
શકતો હતો તે સ્ત્રી અયોધ્યાની રાણી બને તે રઘુકુળની આબરૂને આંચ પહોંચાડતું હતું.
સીતા એક ફરફ પણ ઉચાર્યા સિવાય તેમની અવદશા સહન કરતાં રહે છે. સામે, રામ પણ ફરી વાર લગ્ન નથી જ કરતા અને એ રીતે પત્ની તરીકે સીતા માટેના પ્રેમ
અને યાદને ઉજાગર કરતા રહે છે. કુરુક્ષેત્રનાં મહાયુદ્ધની વિજયની ઘડીએ દ્રૌપદી
કૌરવોનાં રક્તથી ભીંજવીને તેમના વાળની સેર બાંધવાની પ્રતિજ્ઞા પૂરી તો કરે છે પણ
તેમના એ વિજયના ઉલ્લાસમાં તેમના પુત્રોની દ્રોણના પુત્ર અશ્વત્થામાએ અર્ધી રાત્રે
નીંદરમાં જ કરી નાખેલ હત્યાના વિષાદની કોર ઘેરાયેલી રહી હતી.
સીતાને તેમના પુત્રોના ઉછેર કરવાનો લાભ પણ મળે છે. તેમના
પુત્રો અયોધ્યાની ગાદી પણ મેળવે છે. જ્યારે દ્રૌપદી જ્યારે વનવાસનાં વરસો જંગલમાં
કાઢી રહ્યાં હતાં ત્યારે તેમના પુત્રોનો ઉછેર કૃષ્ણને ત્યાં થઈ રહ્યો હતો. તેમના
પાંચે પુત્રોની હત્યા યુધ્ધના નિયમોથી સાવ જ વિપરીત કરાઈ હતી, એવા સંજોગોમાં હસ્તિનાપુરની ગાદી અર્જુનની એક અન્ય પત્નીના વંશજ એવા
પૌત્રના ભાગે આવી હતી.
સીતા રામ સાથે પાછાં ફરી અયોધ્યાનાં રાણી ફરીથી બનવાનું
સ્વીકારવાને બદલે ધરતીમાં સમાઈ જવાનું પસંદ કરે છે ત્યારે રામ પણ પાછા ફરવાને બદલે
સરયૂ નદીમાં દેહ વિલય કરી નાખે છે. જ્યારે, હિમાલયમાં હાડ ગાળી સ્વર્ગવાસ માટે નીકળેલા પાંડવો હીમમાં ગરક થયેલાં
દ્રૌપદીની વહારે પણ નથી આવતા. યુધિષ્ઠિર તો તેમને કહે છે કે જ્યારે તેઓ હવે આ
સંસારનો જ ત્યાગ કરવા આવ્યાં છે ત્યારે આવાં મોહાશક્ત ન થવાય.
સીતા અને દ્રૌપદી બંનેને દેવીઓનું સ્થાન અપાયું છે.
રામનાં મંદીરોમાં સીતાની લક્ષ્મી સ્વરૂપ મૂર્તિ સિવાય રામની પૂજા નથી થતી એ તો બહુ
જ જોવા મળતું દૃશ્ય છે. દ્રૌપદીની પૂજા ઉત્તર તામિલનાડુનાં કેટલાંક મંદિરોમાં થતી
જોવા મળે છે. ત્યાં તેમની સાથે દુર્વ્યવહાર કરાનારાઓનું રક્ત પીતાં હોય તેવી
દેવી-અમ્મા, કાલિ અમ્મા, તરીકે તે પૂજાય છે.
આજના લેખકો સીતાને મૂકપણે દુઃખો સહન કરતી નારી તરીકે અને
દ્રૌપદીને પોતાનો હક્ક છડેચોક માગનાર વીરાંગના તરીકે રજૂ કરે છે, તો વળી પરંપરાગત લેખકોએ સીતાને પ્રેમાળ, ધીર ગંભીર, ઊંડી સમજવાળી
વ્યક્તિ તરીકે અને દ્રૌપદીને ભભકદાર પણ ડર પેદા કરી શકે તેવાં નાયિકા વર્ણવ્યાં
છે.પણ એક વાતે બધાં જ સહમત છે કે એકબીજાંથી આટઆટલી હદે ભિન્ન એવાં આ બે પાત્રોથી
વધારે જૂદાં કોઈ પાત્રો ક્યાંય પણ શોધ્યાં મળે તેમ નથી.
'ધ સ્પીકીંગ ટ્રી'માં
ફેબ્રુઆરી ૭,૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ
અસલ અંગ્રેજી લેખ, Sita versus Draupadi, વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર જુન ૨, ૨૦૧૪ના રોજ Society ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ નવેમ્બર ૨૫, ૨૦૧૫
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો