જ્યારે પણ હું કોઈ રાજકીય નેતાનો, લોકોને દેખાડવા માટે, હાથમાં સાવરણો પકડેલો ફોટો જોઉં છું, ત્યારે ત્યારે મારાં શરીરમાં ધ્રુજારી થઈ આવે છે. સાવરણો કચરાને સાફ કરી
નાખવા માટે છે. તેને હવામાં લહેરાવવાથી તો એ કચરો ચારે બાજુ ફેલાશે. પણ, આવી બધી બાબતોની ચોખલાઈની આજે કોને પરવા છે !
એક પ્રતિક તરીકે, સાવરણો, ભારતની તેમ જ
પશ્ચિમની, સંસ્કૃતિની
કેટલીક રસપ્રદ બાબતો કહી જાય છે.
સાવરણો (કે વધારે પ્રચલિત 'ઝાડૂ') ફરકાવતાં દેવી 'શીતળા' (ઠંડાં) તરીકે ઓળખાય છે. તેમને આપણે વધારે પ્રચલિત રીતે ચામડી પર થતા 'શીતળા', 'અછબડા' જેવા રોગોનાં
નિયમન કરનાર દેવી તરીકે ઓળખીયે છીએ.મોટે ભાગે તેમના એક હાથમાં ઘડો કે જોળો હોય છે
અને તે ગર્દભ પર સવારી કરતાં કલ્પવામાં આવે છે. જ્યારે જ્યારે શીતળાના વાવડ હોય
ત્યારે તેમને દહીં અને લીમડાનાં પાનની પૂજા કરી મનાવવામાં આવે છે. એ જ્યારે
ક્રોધિત થાય ત્યારે રોગ ફેલાય છે અને જ્યારે તેઓ શાંત થઈ જાય છે ત્યારે રોગ મટી
જાય છે. આમ તે જરી- મરી
('જ્વર' [તાવ]અને 'મરુ' [રણ]જેવાં
ધગધગતાં) અને 'શીતળા' (ઠંડાં) એમ બંને સ્વરૂપે જોવા મળે છે.
ભારતમાં ઝાડૂ, નજર ઉતારવા
માટે ઝાડફૂંક કરવા માટે પણ વપરાય છે. અહીં ભૌતિક કચરો નહીં પણ બૂરી નજર સ્વરૂપનો
કચરો દૂર કરવાની વાત છે. જો કે આ મહદ્ અંશે અંધશ્રદ્ધાનો વિષય છે, જેને કોઈ વૈજ્ઞાનિક તથ્યનો ટેકો નથી. આ માટે જે ઝાડૂ વપરાય છે તે તેની આંખ
જેવી શુકનિયાળ છાપને કારણે મોરનાં પીછાંમાંથી બનાવેલ હોય છે. ઘણી વાર આ માટે
ઘોડાની પુંછડીના કે યાકની પુંછડીના વાળનો પણ ઉપયોગ કરાય છે. હિંદીમાં 'જાડ દેના'નો અર્થ કોઈને ધમકાવી નાખવું એમ પણ થાય છે. અહીં એ વ્યક્તિએ તેણે કરેલી
ભૂલમાંથી તેને સાફ કરી દેવાની ભાવના છે.
યાકની પુંછડીમાંથી બનાવેલ માખી ઉડાડવાની પીંછી 'ચામર' કહેવાય છે. તેનો વધારે ઔપચારિક ઉપયોગ રાજાઓની આસપાસનાં
વાતાવરણને સાફ રાખવા માટે થતો જોવા મળે છે. આમ એ રાજાની સત્તાનું પ્રતિક પણ છે.
જ્યારે મોરનાં પીંછાંમાંથી બનાવેલ 'મોરછા' એ દીવાન કે વજીર જેવાં તેનાથી થોડી ઉતરતી કક્ષાનાં લોકો માટે વપરાય છે.
એટલે જ રામને 'ચામર' ઢાળવામાં આવે
જ્યારે કૃષ્ણને 'મોરછા' ઢાળવામાં આવે.
શીખોમાં ચામરનો ઉપયોગ રાજાઓ માટે નહીં પણ તેમના પવિત્ર ગ્રંથ 'ગ્રંથ સાહેબ' માટે જ કરવામાં આવે છે. આમ 'ગ્રંથ સાહેબ' એ ભગવાનના સેવક છે એમ પ્રતિપાદિત થાય છે.
૧૬મી સદીથી જ પશ્ચિમમાં ઝાડૂને ડાકણ- ચૂડેલ સાથે
સાંકળવામાં આવેલ છે. ડાકણને પોતાના ઝાડૂ પર સવાર એવી કૂબડી ડોશીનાં રૂપમાં જોવામાં
આવે છે. ઘાસની લાંબી સળીઓને એક છેડેથી ભારીની માફક એક ડંડા સાથે બાંધીને આ ઝાડૂઓ બનાવવામાં આવતાં હોય છે.
કેટલાંક લોકોની એવી માન્યતા છે કે મધ્યયુગમાં ઘર સાફ કરવા માટે કેટલીક ગૃહિણીઓ
આવાં ઝાડૂનો ઉપયોગ કરતી. બે પગ વચ્ચે રાખીને તેના પર હલનચલન કરવાથી જાતીય વાસના પણ
સંતોષાતી. આમ કરતાં જે સ્ત્રીઓ પકડાઈ જતી તેમને 'ડાકણ'ની છાપ મારવામાં આવી. સમયાંતરે આવી મજૂરીની કામ કરનારી
સ્ત્રીઓને 'વેઠીયણ ભારી (faggots)' તરીકે બોલાવાતી. આમ તેમનાં સંબોધનમાં ઘરની સફાઈનાં વૈતરાંને ઉતારી પાડવાની
ભાવના હતી. પોતાનાં બળતણ તરીકે લાક્ડાં એકઠાં કરીને ભરીઓ બનાવવાનાં કામ કરનરી
વૃદ્ધ સ્ત્રીઓને પણ 'વેઠીયણ ભારી' તરીકે બોલાવાતી.
કૉલેજોમાં રેગીંગ દરમ્યાન નવા વિદ્યાથીઓએ છાત્રાલયના
જૂના વિદ્યાર્થીઓની રૂમ્સને પણ સફાઇ કરનારી બાઈઓની જેમ જ સાફ કરી આપવા પડતા. આમ 'વેઠીયણ ભારી (Faggot)' કે માત્ર 'ભારી (Fag)' આવા નવા વિદ્યાર્થીઓને તુચ્છકારથી બોલાવવાનાં સંબોધન તરીકે પણ વપરાશમાં
લેવામાં આવે છે. Fagનો એક બદજબાની અર્થ બીડી કે સીગરેટનો કસ (સુટ્ટો) મારવો પણ થાય છે. ૨૦
સદીમાં,
અંગ્રેજી ભાષા બોલતાં લોકોમાં સ્ત્રૈણ દેખાતા પુરુષ માટે Fag વપરાવાનુ શરૂ થયું, જે આજે સજાતીય પુરુષ માટે વપરાતું પણ થઈ ગયું છે.
પશ્ચિમમાં એમ મનાય છે કે આકાશમાં ઊડી જતાં પહેલાં પોતાની
રહીસહી નિશાનીઓ ભૂંસી નાખવા માટે ડાકણો લાકડાંના ડંડા સાથે સળીઓની ભારીમાંથી
બનાવેલ ઝાડૂનો ઉપયોગ કરતી હશે. હિંદુસ્તાનમાં એક સમયે નીચી વર્ણનાં લોકોને રસ્તા
પર ચાલતાં પડેલાં તેમનાં પગનાં નિશાન ભુંસતાં જવા માટે આવાં ઝાડૂ વાપરવાનું
કહેવાતું હતું. માનવ સમાજની આ એક ભયાનક વિચિત્રતા છે કે ઝાડૂ લઈને ગામની શેરીઓને
સાફ કરનારને જ ચોખ્ખાં ન ગણીને "અસ્પૃશ્ય" ગણવામાં આવ્યાં!?!?
- 'ધ મિડ ડે ' માં માર્ચ ૨૩,૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ
- અસલ અંગ્રેજી લેખ, Brooms are for Sweeping વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર જુલાઈ ૯, ૨૦૧૪ના રોજ Indian Mythology • Modern Mythmaking • Society ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
§ અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ મે ૧૧, ૨૦૧૬
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો