- તન્મય વોરા
અંગ્રેજીમાં બહુ પ્રચલિત ‘Status quo’ને આપણે ગુજરાતીમાં 'હાલની પરિસ્થિતિ' કહી શકીએ. કોઈને કોઈ સંજોગો અને પ્રયત્નો (કે તેમના અભાવ)ને કારણે 'હાલની પરિસ્થિતિ' નિર્માણ પામે છે. મોટા ભાગે આપણે 'હાલની પરિસ્થિતિ' સાથે સંતુલન સાધી લેતાં હોઈએ છીએ.અને એક વાર સંતુલન સાધી લીધા પછી 'હાલ ચાલ ઠીક ઠાક હૈ, સબ કુછ ઠીકઠાક હૈ ' જેવી મનોદશામાં આપણે સરી પડતાં હોઈએ છીએ.
એક દેડકાને દર અડધા કલાકે ૫૦ સે.ના દરથી ઉષ્ણતામાન વધતું જતું હોય તેવાં પાણી ભરેલાં વાસણમાં મૂકી દેવાયો. પાણી લગભગ અસહ્ય તાપમાને પહોંચી ગયું તો પણ દેડકો એ પાણીમાં જીવતો રહ્યો. જ્યારે બીજા એક દેડકાને એવાં વાસણમાં મૂકવામાં આવ્યો જ્યાં પાંચ મિનિટમાં જ પાણી ઉકળી ગયું. દેડકાએ બહાર નીકળવા બહુ જ ધમપછાડા કર્યા, પણ આખરે તે મૃત્યુ પામ્યો.
પરિવર્તન ગમે તેટલું મોટું હોય, જો તે ધીરે ધીરે થતું અનુભવાય તો તેની સાથેનું આપણું અનુકુલન પણ વધારે સહેલાઈથી શક્ય બને છે. પણ જો પરિવર્તન બહુ જ ઝડપથી બને, તો સાવ નાનો ફેરફાર પણ આપણે નહીં સ્વીકારીએ.
'હાલની પરિસ્થિતિ' કોઠે પડી જાય એટલે તેના પક્ષકારોની સંખ્યા પણ વધતી જાય છે. માનવ પ્રકૃતિ પરિવર્તનશીલ નથી, એટલે પરિવર્તનનાં નામ માત્રથી ભય પામતો બીજો એવો વર્ગ પણ ફેલાતો જાય છે જે પરિવર્તનનો (જીજાનથી) વિરોધ કરવા મંડે.પરિવર્તનને કારણે આપણે પણ ફેરફારો કરવાની અસગવડ પણ વેઠવી પડે છે. વળી હવે પછીની પરિસ્થિતિ બાબતે પરિવર્તન એક અનિશ્ચિતતાનું વાતાવરણ પણ ઊભું કરે છે. એ અનિશ્ચિતતાના વિચાર પણ માંડ માંડ ગોઠવાઈને થાળે પડેલ સ્થિતિને કઠે છે.
થોડાં વર્ષો પહેલાં હુ પ્રક્રિયા સુધારણાની એક પરિયોજનાના અમલ માટે મારાં સહકાર્યકરો સાથે ચર્ચા કરી રહ્યો હતો. મારા એક ઉપરી સાથીએ ભારપૂર્વક કહ્યું કે, 'આવી વિગતપ્રચૂર પ્રક્રિયાના અમલ કરવા માટે આપણે બહુ નાનાં છીએ. વળી આપણા કોઈ ગ્રાહકે પણ આવી પ્રક્રિયાના અમલ કરવા બાબતે ક્યારે પણ કહ્યું નથી.' 'જૈસે થે'નો આટલો મજબૂત બચાવ સાંભળીને હું એકવાર તો થીજી ગયો.જ્યારે વરિષ્ઠ સંચાલકો જ 'જૈસે થે'ના બચાવપક્ષમાં હોય, ત્યારે બાકીની ટીમને તેમાં જોડાઈ જવા માટે આમંત્રણ આપવું નથી પડતું. તેઓ તો ખુશી ખુશી જ એ રાગ આલાપવા મંડી પડશે.
સુધારણાની સિદ્ધિ માટેની સફરની શરૂઆત કરતાં પહેલાં જ 'જેમ છે તે બરાબર જ છે'ના ચાહક વર્ગને ઓળખી લેવો જરૂરી છે. તેઓ આ પ્રકારનાં વિધાનો કરતાં જોવા મળશે:
- “તમને તો ખબર જ છે કે પહેલાં પણ આપણે આ બાબતે પ્રયત્નો કરી ચૂક્યાં છીએ, અને અસફળ પણ રહી ચૂક્યાં છીએ.”
- “આપણે અત્યાર સુધી આમ જ કરતાં આવ્યાં છીએ."
- “આપણને તો આ રીત જ કામ લાગતી રહી છે.”
- “આ કેમ કરીને થાય? બહુ મોંઘું પડી શકે છે / બહુ જ મુશ્કેલ નીવડી શકે છે.”
- “આપણી પાસે સમયની ખેંચ છે.”
- “આ બધાં માટે આપણે તો બહુ નાનાં પડીએ.”
- “પણ ફેરફાર કરવાની જરૂર જ શું છે?”
- “આપણું વરિષ્ઠ મંડળ ક્યારે પણ સહમતિ નહીં આપે.”
- “આ પહેલાં આપણે કદી પણ કર્યું નથી.”
- “હમણાં થોડો વખત બાજૂએ મૂકી દઈએ. જ્યારે યોગ્ય તક મળશે ત્યારે ફરીથી તેના વિષે વિચાર કરીશું.”
- “આપણાં ગ્રાહકો (ફલાણાં ફલાણાં હિતધારકો) ક્યારે પણ સ્વીકારશે નહીં.”
- “આ પરિયોજના માટે નાણાં વિભાગે મંજૂરી આપી છે કે નહીં તે પહેલાં તપાસી લેજો.”
- “આપણો પગ એમનાં જેવાંઓનાં પેંગડામાં ન પડે.”
- “કારણ વગરનો વધારાનો ખર્ચ આવી પડશે.”
- “પહેલેથી જ એટલા બધા અવરોધો તો છે જ, એમાં વળી એક નવો શા સારૂ ઉમેરવો?”
ખરી કમનસીબી તો એ છે કે આપણે પરિવર્તન કરી લઈએ એટલી રાહ જોવા બજારનાં પરિબળો તૈયાર નથી. તે તો તમારા પર પરિવર્તન લાદે છે. એટલે યોગ્ય પરિસ્થિતિ તો એ જ છે જેમાં આપણે સામેથી સુધારણા માટેનાં પરિવર્તનો કરવા માટે તૈયાર રહેતાં રહીએ.
'જૈસે થે'ના બચાવનાં વિધાનો તમે પણ સાંભળ્યાં જ હશે. એ સમયે તમારો પ્રતિભાવ કેવો રહેલ?
Ø અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો