મોટા ભાગે આપણે એમ
માનતાં હોઈએ છીએ કે પુરાણ એ સંસ્કૃતમાં લખાયેલ ગ્રંથ છે જે આખાં ભારતમાં પ્રચલિત
છે. પણ ખરેખર આવું છે નહીં. જેમ કે, ૧૫મી સદીમાં ઓડીયા
ભાષામાં બલરામ દાસે લખેલ લક્ષ્મીપુરાણનો જ
દાખલો લો. તેમાં આજે જે જગ્યાએ જગન્નાથ (શ્રી કૃષ્ણ)નું વિશ્વપ્રસિદ્ધ મંદિર ઊભું
છે ત્યાં બની ગયેલી એક ઘટનાની વાત છે.
આ મંદિરમાં પોતાનાં
બહેન સુભદ્રા અને મોટાભાઈ બલરામની સંગાથમાં ક્રુષ્ણ તેમના ભક્તોને દર્શન દે છે.
તેમનાં પત્ની, લક્ષ્મી, ને આ જરા પણ પસંદ નથી. આખાં નીજ મંદિરમાં લક્ષ્મી ક્યાંય
જોવા નહીં મળે. આ મંદિર તેનાં રસોડાં માટે ખાસ જાણીતું છે, જ્યાં અહીં સ્થિત કૃષ્ણને ધરાવવા માટે કરીને ખુબ બધી
વસ્તુઓ પકવવામાં આવે છે. ભગવાન કૃષ્ણ તેમનાં ભાઈ બહેનની સાથે રથયાત્રાએ તેમ જ
નૌકાયાત્રાએ નીકળે છે. માર્ગશીર્ષ (મહા) મહિનામાં પોતાનાં અદિતિ-કશ્યપ, કૌશલ્યા-દશરથ, યશોદા-નંદ, દેવકી-વાસુદેવ જેવાં પિતૃઓનાં શ્રાધા જેવાં કેટલાંય
ક્રિયાકાંડો પણ કૃષ્ણ અહીં કરે છે. દર બાર
વર્ષે તેઓ "મૃત્યુ પણ પામે છે" અને પુનઃજન્મ પણ પામે છે. તેમના માટે
અલગથી સ્મશાનભૂમિ પણ અહીં છે.
આપણી આ કહાનીમાં આગળ
વધતાં પહેલાં એક વાત ખાસ યાદ રાખીએ કે પરંપરાગત કથાકારો દેવીદેવતાઓને માત્ર
ઐતિહાસિક કે દૈવી શક્તિનાં સ્વરૂપે નથી જોતા; તેમના માટે તો એ લોકો સામાન્ય લોકોની વચ્ચે વસતાં
સામાન્ય લોકો જ હતાં જેમણે લોકોને બહુ જ ઉત્કૃષ્ટ, એમ કહોને કે બહુ જ અસામાન્ય, અદ્ભૂત, વિચારો સમજાવ્યા.
એક દિવસ, બલરામે લક્ષ્મીને એક કચરો વાળનારી
બાઈનાં ઘરમાં જતાં જોયાં. તેમણે તો બસ ધારી જ લીધું કે લક્ષ્મી તો હવે અશુદ્ધ
જ થઇ ગયાં છે. તે સાથે તેમણે તેના નાના
ભાઈને ફરમાવી પણ દીધું કે તે હવે લક્ષ્મીને ઘરમાં પ્રવેશ ન કરવા દે. કૃષ્ણએ
આદેશનું પાલન કર્યું અને મંદિરનાં કમાડ વાસી દીધાં. થોડા દિવસોમાં આ દૈવી
ભાઈબહેનને હવે કોઈ જ ખોરાક ધરવામાં આવતો બંધ થઈ ગયો. એ લોકો હવે સરખાં મુંઝાયાં.
તપાસ કરતાં જાણવા મળ્યું કે રસોઈના ભંડારમાંથી, તેમ જ બજારમાંથી પણ, બધાં જ શાક, ફળો , અનાજ અને મસાલાઓ અલોપ થઈ ગયાં છે.
પીવા માટેનાં પાણીનું ટીપું સુદ્ધાં બચ્યું નહી. ભાઇબહેન આ આપત્તિનું મૂળ, લક્ષ્મીના ઘરમાં પ્રવેશબંધીમાં, ખોળી કાઢી શકે છે. પછી તો કૃષ્ણએ
લક્ષ્મીની માફી માગી અને તેમને મંદિરમાં પાછાં આવી જવા વિનવ્યાં.
ભાઈ બહેનને સમજાઈ ચૂક્યું હતું કે સમૃદ્ધિની દેવી માટે અશુદ્ધિકરણ કે પ્રદૂષણના
ખયાલોનો જ કોઈ જ અર્થ નહોતો. ખોરાક કચરો વીણનાર કે રાજા કે ભગવાન વચ્ચે કોઈ જ
તફાવત નથી કરતો, તે તો બધાંની ભૂખને એક સમાન રીતે
સંતુષ્ટ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો, ખોરાક એ સત્ય છે, જે માનવીય ગમાઅણગમા કે અભિપ્રાયો
સાથે કોઈ જ સંબંધ કે સંદર્ભ નથી. અશુદ્ધિ જેવા વર્ણવ્યવસ્થાના ખયાલો મિથ્યા છે , અને એટલે જ માણસના અભિપ્રાયને
ત્રાજવે તોળાય છે.
આમ તો આ પૌરાણિક
કથામાં બ્રાહ્મણત્વ કે પિતૃપ્રધાનપણાનો કોઈ પાસ નથી. એ કારણે તે
આપોઆપ માર્ક્સવાદી કે નીચી જાતિનાં કે કે નારીવાદનાં સંરક્ષણની દાસ્તાન પણ નથી બની
જતી. એ બાઈબલ કે કુરાન કે માનવીય હક્કોના ઘોષણાપત્ર જેવો આદેશાત્મક કે માર્ગદર્શક
કે સૂચનાત્મક દસ્તાવેજ નથી. એને આપણે
વિચારશીલ કે પ્રતિભાવાત્મક કહી શકીએ. એ સમાજમાંના વર્ગોના ઊંચનીચના
પદાનુક્રમ અને ખોરાકની વહેંચણીના સંબંધ વિષે
સવાલ કરે છે, આપણા દૃષ્ટિકોણ ના ફલકને વધારે વિસ્તારે છે અને
મિથ્યા અને સત્ય વચ્ચેના ફરક તરફ આપણું ધ્યાન ખેંચે છે.
'ધ મિડ ડે ' માં એપ્રિલ ૬,૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ
v અસલ અંગ્રેજી લેખ, Lakshmi’s
Purana વૅબસાઇટ,
દેવદત્ત.કૉમ,પર જુલાઈ ૬, ૨૦૧૪ના રોજ Indian Mythology • Mahabharata
• Ramayana • Society ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
§ અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ એપ્રિલ ૨૭, ૨૦૧૬
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો