ઍયન રૅન્ડ અને તેમની બે
બહુખ્યાત નવકલથાઓ - ફાઉન્ટનહેડ
(સર્વપ્રથમ આવૃતિ - ૧૯૪૩) અને ઍટલસ શ્રગ્ડ (સર્વપ્રથમ આવૃતિ - ૧૯૫૭) - હંમેશાં ચર્ચાને ચકડોળે રહ્યાં છે. કેટલીક ચર્ચાઓ ભલે નકારાત્મક પણ રહી હશે, પણ બહુધા આ ચર્ચાઓ દ્વારા બંને નવલકથાઓનાં તેમ જ ઍયન રૅન્ડની ફિલૉસૉફીનાં
જૂદાં જૂદાં પાસાંઓ પર જૂદા જૂદા દૃષ્ટિકોણથી પ્રકાશ પડાતો રહ્યો છે. પુસ્તકોનાં પ્રકાશન પછી આજે પચાસ વર્ષો પછી પણ આ પુસ્તકોનું દર વર્ષે વેચાણ
લાખો નકલોમાં છે.
ઍયન રૅન્ડની યાદ અને વિચારસરણી
વિષે સુવ્યવસ્થિત કક્ષાએ ચર્ચા વિચારણાઓ થતી રહે અને તે સંદર્ભમાં જે કંઇ સાહિત્ય
લખાતું રહે તેને એકસૂત્રમાં બાંધવા માટે ઍયન
રેન્ડ ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા કાર્યરત છે.
૧૯૯૯થી ઍયન રૅન્ડ ઇન્સ્ટિટ્યૂટ
ઍટલસ શ્રગ્ડના કોઈ એક વિષયને લઈને દર વર્ષે, વિદ્યાર્થીઓ માટે, એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરે
છે, જેમાં આખી દુનિયામાં ફેલાયેલાં
૧૬૦૦થી વધારે સ્પર્ધકો ઉત્સાહથી ભાગ લે છે. ૨૦૧૬ની સ્પર્ધા માટે $૫૭,૦૦૦ જેટલાં પારિતોષિકો પણ
આપવામાં આવનાર છે. આ સ્પર્ધા માટેની વધારે માહિતી aynrand.org/students/essay-contests પર મુલાકાત લેવાથી મળી શકશે.
૨૦૧૫ની સ્પર્ધા માટે નિબંધનો
વિષય હતો – ‘જોહ્ન ગૉલ્ટ કોણ છે?’ અને વિજેતા હતો એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો જોહ્ન થોર્પ. તેને $૨૦,૦૦૦નું પારિતોષિક મળ્યું. આખો નિબંધ અંગેજીમાં અહીં વાંચવા મળે છે.એ નિબંધના
માધ્યમ થકી આપણે પણ આજે જોહ્ન ગૉલ્ટ કોણ છે તે સમજવા માટેની ભૂમિકા બાંધીશું.
જોહ્ન
ગૉલ્ટનું વ્યક્તિત્ત્વ
જોહ્ન ગૉલ્ટ 'ઍટલસ શ્રગ્ડ'નું કેન્દ્રવર્તી પાત્ર છે,જે આમ તો નવલકથાનો 'નાયક' છે, પણ તેનું પાત્રાલેખન 'એન્ટી-હીરો / એન્ટી-વિલન'ની શૈલીમાં રજૂ કરાયું છે. એયન
રૅન્ડ જોહ્ણ ગૉલ્ટને પોતાની વિચારધારાનાં સીધાં સાદાં આદર્શનાં સ્વરૂપમાં નથી
મૂકવા માગતાં. તેમણે એવું પાત્ર ઘડ્યું છે, જેની વિચારસરણી તેનાં વ્યક્તિત્વ અને વર્તનમાંથી જોવા મળવા માંડે. આમ કરવાનો
એમનો આશય પોતાનાં પાત્રને, અને તેના થકી તેમની વિચારસરણીને, ચર્ચાની એક એવી કક્ષાએ લઈ જવાનો જણાય છે કે તમે તેને ચાહે પસંદ કરો કે ચાહે ધિક્કારો, તમારા મનમાંથી તેની છાપ જલદી
ભૂંસી ભૂંસાય નહીં.
જોહ્ન ગૉલ્ટના પિતા સમાન
પ્રોફેસર હગ ઍક્સટન તેને જ્યુપિટરનાં
મસ્તકમાંથી પૂર્ણપણે વિકસેલ ડહાપણની દેવી મિનરવા સાથે સરખાવે છે. ગૉલ્ટનો
એક બીજો સહયોગી તેને એવા પ્રોમીથીયસ સાથે સરખાવે છે જેણે માણસ
જાતને અગ્નિની ભેટ આપવાથી ભૂખે મરવા પડેલાં ગીધોને દરરોજ પોતાનાં શરીરમાંથી એક
ટુકડો માંસ આપવાનું બંધ કરી દીધેલ છે. જોહ્ન ગૉલ્ટને આજના યુગના એવો પ્રોમીથીસીયસ
છે જે હવે એવી પહેલેથી જ કોઈની પરાવશતાને પાળવાની અણછાજતી ખેરાતનું વચન પાળવા
તૈયાર નથી પુસ્તકનાં શીર્ષકમાં જ જણાવાઈ રહ્યું છે એટલસ હવે (પોતાના ખભાથી પૃથ્વીને ટેકો
કરવા તૈયાર છે પણ) તેનો ભાર વેંઢારવા તૈયાર નથી.
પુસ્તકનાં શીર્ષકથી જ પૌરાણિક
પાત્રો અને તેમની પાછળની કથાનાં હાર્દ સાથે વણી લેવાયેલ 'ઍટલસ શ્રગ્ડ'માંની ઍયન રૅન્ડની મૂળભૂત
ફિલોસોફીને જૂદા જૂદા દૃષ્ટિકોણથી રજૂ કરવા માટે 'જોહ્ન ગૉલ્ટ છે કોણ?' સવાલ એક રૂપકનાં સ્વરૂપે વાચક
સમક્ષ આવતો રહે છે. પરંપરાગત રીતે, મોટા ભાગનાં પૌરાણિક પાત્રો
દુષ્ટતાની સામેની લડાઈમાં સાચા, પણ કંઈક અંશે નબળા, પક્ષની મદદે ઉતરતાં હોય છે, અને એક વાર પોતાનું નિશ્ચિત કર્તવ્ય પૂરૂં થઈ જાય એટલે પાછાં ફરી જતાં હોય છે.
જો કે પૌરાણિક પાત્રો જેવી સામાન્ય લોકોમાં ન હોય તેવી કોઈ આગવી દૈવી ખૂબીઓ જોહ્ન
ગૉલ્ટની શક્તિઓમાં નથી, કે નથી તે એટલી હદે સામાન્ય પણ કે
તેનું આ સરેરાશપણું તેનાં અસ્તિત્વને ટોળામાંથી તેને અલગ જ ન પડવા દે. પોતાની
સ્વાભાવિક પ્રકૃતિ અનુસાર જ પોતાનાં જીવનને ઢાળવાનો અને તેની નૈસર્ગિક
સર્જનાત્મકતાની મહત્તમ ઊંચાઈઓને આંબવાનો તેનો સંકલ્પ તેની શક્તિનો સ્ત્રોત છે.
જોહ્ન
ગૉલ્ટની વિચારસરણીનું વાસ્તવ દર્શન
સામાજિક કે નૈતિક કે રાજકીય
સંજોગોએ વ્યક્તિના પોતાના ઈચ્છેલા વિકાસના માર્ગમાં જે સામુહિકના નામે અંતરાયોની
આડશો ઊભી કરી દીધી હોય તેમને હટાવી કાઢી વ્યક્તિ પોતે સેવેલાં સ્વપ્નની સિદ્ધિને
પોતાનાં જીવનનો પરમ ધ્યેય માને તો તેને પ્રશંસનીય ગુણ ગણવો એ ઍયન રૅન્ડની ફીલોસોફીનો
કેન્દ્રવર્તી વિચાર રહ્યો છે. સમષ્ટિવાદની ધૂંસરીને ફેંકી દઈ,પોતાનાં જીવનનાં દર્શનને સિદ્ધ કરવા માણસ જે કંઈ ઉત્પાદક કે રચનાત્મક કામ કરે
તેનાથી પણ તર્કબદ્ધ સમાજની રચના શક્ય બને છે તેમ ઍયન રૅન્ડના સમયથી લગભગ બે સદી
પહેલાં એડમ સ્મિથ ધ
વેલ્થ ઑફ નેશન્સમાં પ્રતિપાદિત કરી ચૂક્યા છે. મનુષ્યની નૈતિકતા વિષેનાં બહુ
સૂક્ષ્મપણે કરાયેલી તેમની રજૂઆત - થિયરી
ઑફ મોરલ સેન્ટીમેન્ટ્સ-માં એડમ સ્મિથ નોંધે છે કે, માણસ ગમે તેટલો સ્વાર્થી કેમ ન થાય, તેનાં વ્યક્તિત્ત્વમાં એવા તો કેટલાક સિદ્ધાંતો રહેલા જ હોય છે જેને કારણે તેને બીજાંઓની
નિયતિમાં કંઈક તો રસ પડે, એમનાં સુખદુઃખ તેના વિચારાધીન
બની રહે, પછી ભલેને તે તેને નિહાળતા
રહેવાના આનંદ સિવાય તેમાંથી કશું જ પામવાનો ન હોય.'
જોહ્ન ગૉલ્ટનાં જીવન દ્વારા રજૂ
થતી પોતાની ફિલોસોફીને વાસ્તવિક દુનિયાના વ્યવહારોનાં સ્વરૂપમાં રજૂ કરવા માટે
લેખિકાએ 'ઉત્પાદકોની હડતાળ' જેવાં માધ્યમનો પ્રયોગ કર્યો છે. ઈલેક્ટ્રોસ્ટેસ્ટિક મોટર જેવી એક અનોખી શોધને
યુવાન એન્જિનીયર જોહ્ણ ગૉલ્ટ ટ્વેન્ટીએથ સેન્ચ્યુરી મોટર કંપનીના માલિક સમક્ષ રજૂ
કરવામાં જ હોય છે તેવામાં માલિક અવસાન પામે છે. તેનાં વારસો હવે કંપનીમાં 'કામ પોતાની આવડત મુજબ કરો અને વળતર પોતાની જરૂરિયાત મુજબ લ્યો' જેવી સમાજવાદી વળતર નીતિ લાગુ કરે
છે. જોહ્ન ગૉલ્ટ પહેલે ધડાકે જ તેના વિરોધમાં ઊભો થઈ જાય છે. તેના વિરોધને નક્કર
કાર્યક્રમ સ્વરૂપે અમલ કરવા માટે તે 'દુનિયાની બધી જ મોટરોને જ બંધ
કરી દઈશ' એવો પડકાર ફેંકે છે.
'મોટર બંધ' કરી દેવાના તેના આ પડકારમાં
કંપનીનાં ઉત્પાદનો - મોટર-ને બંધ કરી દેવાવાળી ચક્કાજામની શ્રમિકવાદી માનસિકતા એ
જોહ્ન ગૉલ્ટની નેમ નથી. તે તો મનુષ્યના શારીરીક કાર્યો રૂપી દુનિયાનાં પૈડાંઓનાં
ચાલકબળ - માનવ બુદ્ધિની 'મોટર'-ને જ કામ કરતી બંધ કરી દેવા
માગે છે. તેની હડતાળની રીત બહુ સરળ છે - જે કોઈ બૌદ્ધિક ઉત્પાદક કામ કરતું હોય તે
બંધ કરી દેવું. આ સ્તરનાં જે લોકો આર્થિક રીતે સદ્ધર છે તેઓ તેમની
વર્તમાન સક્રિય સર્જનાત્મક પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઈ જાય. જેમને
જીવનનિર્વાહ માટે કામ કરવું જ પડે તેમ હોય તે બને એટલું સીધું સાદું શારીરીક કામ જ કરે. બીજાં પર જ નિર્ભર રહેતાં લોકો પોતાની એ નિર્ભરતાને
એ વ્યક્તિની સર્જનાત્મક આવડત પર પોતાનો હક્ક સમજે ઠોકી બેસાડે એવાં કોઈ સામાજિક કે
આર્થિક કે રાજકીય વલણો ગૉલ્ટને કબુલ નહોતાં. તે તો મદદ કરવી તો પોતાના
નિજાનંદ માટે (પોતાની શરતોએ) કરવી એમ માને છે..
હડતાળની શરૂઆતના શ્રીગણેશ સમયે, પુસ્તકના છેક બેતૃતિયાંશ ભાગ પછીથી, પહેલી વાર જોહ્ન ગૉલ્ટ દુનિયાની
સમક્ષ હાજર થાય છે. એ પહેલાં આખાં પુસ્તકમાં વારંવાર 'જોહ્ન ગૉલ્ટ છે કોણ?' સવાલ ઊભરતો રહે છે . જૂદી જૂદી
પરિસ્થિતિઓમાં આ પ્રકારની વિચારસરણીની કેમ જરૂર છે તે વાત વાચકનાં મનમાં ઉતારવાના
પ્રયત્નો લેખિકા કરતાં રહ્યાં છે. આ મહાવ્યક્ત્વય દ્વારા રજૂ થયેલ
એયન રૅન્ડની ફીલોસોફીને આપની સમક્ષ અલગ અલગ લેખો દ્વારા સમયે સમયે રજૂ કરતા રહેવાનૂ આયોજન આ શ્રેણીના
માધ્યમથી કરેલ છે.
[મૂળ અંગ્રેજીમાં આ વ્યક્તવ્યનું અનુલેખન અહીં વાંચવા મળશે.આ વ્યક્તવ્યનું શ્રાવ્ય રૂપાંતરણ પર કરાયું છે.
આ વ્યક્તવ્યનું Daryl J. Sroufeએ કરેલ અંગ્રેજી સંક્ષિપ્ત સ્વરૂપનું ગુજરાતીમાં રૂપાંતરણ 'ઍટલસ શ્રગ્ગ્ડ'ના નાયક જોહ્ન ગૉલ્ટનાં મહાવ્યક્તવ્યનું સંક્ષિપ્ત સ્વરૂપ’ પર વાંચી શકાશે.]
''જોહ્ન ગૉલ્ટ' શું છે?'
આપણાં પુરાણોમાં જેમ 'હું કોણ છું?'ની આધ્યાત્મિક ચર્ચા જૂદા જૂદા
સંદર્ભોમાં થતી રહી છે તેમ ઍયન રૅન્ડ 'એટલસ શ્રગ્ડ'માં 'જોહ્ન ગૉલ્ટ શું છે?'
દ્વારા
પોતાની વિચાર સરણી રજૂ કરતાં રહ્યાં છે. એક ખાસ્સી જટિલ વિચારસરણીને નવલકથાનાં માધ્યમથી
રજૂ કરવાને લીધે તેમને પોતાના વિચારોને રજૂ કરવા માટે
જરૂરી જણાઈ છે એવી નાટ્યાત્મકતાનું તત્ત્વ પણ પૂરતા પ્રમાણમાં મળી રહે છે.
માનવી મોટા ભાગે તો સ્વકેન્દ્રી
પ્રાણી જ છે, પણ જેમ જેમ માનવીય સભ્યતા
વિકસતી ગઈ તેમ તેમ પોતાની સલામતી અને
સુખાકારીની સાથે બીજાની સલામતી અને સુખાકારીને સાંકળી લેવાની ફાવટ તેને આવતી ગઈ. માણસ જેમ જેમ 'સભ્ય' થતો ગયો તેમ તેમ આ ફાવટને તેણે
કૌશલ્યમાંથી કળાનાં સ્તર સુધી વિકસાવી કાઢી.તે સાથે સાથે બીજાં માટે કંઈ કરી
છૂટવું તે માત્ર એક ઈચ્છનીય ગુણ જ નહીં, પણ 'પવિત્ર' વ્યવહારની પ્રસ્થાપિત પરંપરા
તરીકે સમાજમાં સ્થાન પામતું ગયું. આ કારણથી પોતાનાં હિત માટે જ
કામ કરવા માગતા જોહ્ન ગૉલ્ટની વિચારસરણી - 'હું બીજાં માટે કદી પણ જીવીશ
નહીં કે નહીં બીજાંને મારા માટે જીવવાનું ક્યારે પણ કહીશ'- ખૂબ જ ચર્ચાસ્પદ બની રહી. પોતાની આવડત અને પોતાની ઈચ્છાથી કંઈકને કંઈક
નવું જ સર્જન કરતાં (વિશ્વનાં સૌથી ઉપરનાં સ્તરનાં એકાદ ટકો) લોકોને તે પોતાના
વિચાર સાથે સહમત કરી શકે છે. જેમ પોતે શોધી કાઢેલ 'મોટર'ને નામશેષ કરી નાખી તેમ આ લોકોએ પણ પોતાના વેપારઉદ્યોગો, પોતાની શોધો, પોતાનાં સર્જનોને હવે સમાજ માટે
ઉપલબ્ધ ન કરવાની "હડતાળ" પાડી. આ હડતાળમાં ફરક એ હતો કે એ હડતાળ કંઈ માગવા માટે નહોતી, પણ કંઈ પણ ન આપવા માટે હતી ! નવલકથામાં આ હડતાળના પરિણામે
આખા સભ્ય સમાજનું માળખું તહસનહસ થઈ જતું કલ્પવામાં આવેલ છે.
પોતાનાં હિત અને તેની સામે પોતાની આસપાસનાં લોકોનાં હિત વચ્ચેની શાશ્વત લડાઈની ઍયન રેન્ડની
ફિલોસોફીની સાથે અસહમત થતો વર્ગ, એયન રૅન્ડની વિચારસરણીને મૂડીવાદના એક (વરવાં) સ્વરૂપ તરીકે પણ જૂએ છે. ઉદારમતવાદી બૌદ્ધિકો આ વિચારસરણીનો એડીચોટીનાં જોરથી વિરોધ કરી રહ્યાં છે. ગોરૅ
વિડાલે 'એટલસ શ્રગ્ડ'ને 'અનીતિમાં લગભગ નખશીખ સંપૂર્ણ (nearly perfect in its
immorality)’ કહ્યું છે. ન્યૂ યોર્ક ટાઈમ્સે તેને 'ધિક્કારની વેર ભાવના'થી લખાયેલ ગણાવ્યું. પણ 'એટલસ શ્રગ્ડ'ના કોઈપણ ટીકાકાર એમ નથી કહેતાં
કે આ નવલકથામાં સમગ્ર સમાજની વ્યવસ્થા તૂટી પડે એ હદ સુધી, વાસ્તવિક જગતના ઉદ્યોગપતિઓ કે
સર્જકો પોતાનાં સર્જનોનો નાશ કરી નાખે કે પોતાની બુદ્ધિમતાનો લાભ આપવાનું સાવેસાવ
બંધ કરી દે એમ બનતું નથી. 'એટલસ શ્રગ્ડ'માં કલ્પના કરાયેલ મૂળભૂત પરિસ્થિતિનો કોઈએ વિરોધ કદાચ એ કારણથી નથી કર્યો કે એવો
વિરોધ થઈ શકે તેમ નથી. દુનિયાના બધા જ કંપ્યુટર ઉત્પાદકો કંપ્યુટર બનાવવાનું બંધ
કરી દે, કાર ઉત્પાદકો કાર બનાવવાનું બંધ
કરી દે , ડૉક્ટરરો અને નર્સો દરદીઓની
સારવાર કરવાનું બંધ કરી દે કે એવી કોઈ પણ સર્જનાત્મક પ્રવૃત્તિ બંધ કરી દેવામાં
આવે તો તેનાં પરિણામો એટલાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તેના પર ચર્ચાને કોઈ અવકાશ જ નથી. એટલે એ ચર્ચામાં પડવાને બદલે, આવું તો વાર્તાઓની કલ્પનામાં જ
શક્ય છે તેવું માની લેવાનુ ઉદારમતવાદીઓને વધારે સહેલું પડતું જણાય છે.
પણ હજૂ સુધી આમ થયું નથી, એટલે એમ નહીં જ થાય એમ માની જ લેવા માટે પણ કોઈ કારણ નથી. પૂર્ણપણે એકહથ્થુ
મૂડીવાદી ઉત્પાદન કે વિતરણ વ્યવસ્થાએ જો ગ્રાહકોને ચૂસવામાં છાલ નથી છોડી તો જાહેર
ક્ષેત્ર કે સરકાર હસ્તકની 'કલ્યાણકારી' વ્યવસ્થાએ પણ તેનાં ગ્રાહકોને તો જ નિરાશ જ કર્યાં છે - બન્ને કિસ્સાઓમાં
(દેખીતો) ફાયદો તો મુઠ્ઠીભર લોકોએ જ અંકે કર્યો છે. તથાકથિત આદર્શ મૂડીવાદી
અર્થતંત્રોએ પણ ઊંધાં માથે પછાડો પણ ખાધી છે. એ પણ એટલું જ સત્ય છે કે
બીજાંઓને ભોગે થોડાં લોકોને ગેરવ્યાજબી ફાયદો જ થતો રહે એ વ્યવસ્થા પણ કાયમ નથી
ટકી શકી.
માનવ સ્વભાવની પોતાના હિતને
લોભનાં ચશ્માની સાવ ટૂંકી નજરે જોવાની
નબળાઈ એટલી હદે છવાયેલી જોવા મળે છે કે જોહ્ન ગૉલ્ટ જેવી પોતાનાં હિત દ્વારા
સમાજનાં હિતને સિદ્ધ કરવાની વિચારસરણી કોઈને પણ જલદી ગળે ન જ ઉતરે.
જોહ્ન ગૉલ્ટ
પહેલો નથી કે.. છેલ્લો પણ નહીં......
'એટલસ શ્રગ્ડ'માં પોતાની વિચારસરણી રજૂ કરવા માટે એયન રૅન્ડે કલ્પેલ એક લગભગ આદર્શ કહી શકાય
તેવી વ્યવસ્થા વિચારનાર તરીકે તે પહેલાં છે એમ કહી શકાય તેમ નથી. જોહ્ન
મિલ્ટનનાં 'પેરેડાઇઝ લૉસ્ટ'માં ‘ઈશ્વરે જે આ જગત માટે વ્યવસ્થા કરી છે તે બહુ સમજીને કરી છે’,
એ પ્રકારનો જ સૂર છે. સર થોમસ મોર
તેમનાં ૧૫૧૬માં પ્રકાશિત થયેલ પુસ્તક 'યુટોપિઍ'માં પણ ક્યારે પણ શક્ય ન હોય
તેવા આદર્શ સમાજની કલ્પના કરી ચૂક્યા છે. આપણાં રામાયણમાં પુરુષોત્તમ રામની જે
રાજ્ય વ્યવસ્થા વર્ણવાઈ છે તેને આપણે 'રામરાજ્ય (!?)' કહીએ જ છીએ. 'એનિમલ ફાર્મ'માં જ્યોર્જ ઓરવેલ પ્રતિપાદિત
કરે છે કે 'બધાં સરખાં છે, પણ કેટલાંક વધારે સરખાં છે'. એલ્ડ્યુઅસ હક્ષલીની 'ધ બ્રેવ ન્યૂ વર્લ્ડ' માં શ્રેષ્ઠ ક્રોમોસોમ્સમાંથી
પેદા થાય તેવી પેઢીના સમાજમાં પણ બધું સમુંસુતરૂં જ નથી ચાલતું બતાવાયું. જૂલે
વર્ને તેમની વૈજ્ઞાનિક નવલથા 'ટ્વેન્ટી થાઉસન્ડ લીગ અન્ડર સી'ના નાયક કેપ્ટન નીમોને તેની અદ્ભૂત સબમરીન 'નોટિલસ'માં, દુનિયાના વિનાશ પછી, આપણા મનુ ભગવાનની જેમ, નવસર્જન કરવા માટે સજ્જ થઈને, એ જ દુનિયાથી દૂર છૂપાઇ રહેલો બતાવ્યો છે. આપણા જ ‘મહાભારત’ના કૃષ્ણ જ્યારે જ્યારે ધરતી પર
પાપ વધી જાય ત્યારે ત્યારે જન્મ લેવા તૈયાર છે, પણ મદદ તો તેઓ તેમને જ કરશે જેની પડખે ધર્મ છે.
આમ સવાલ એ ન હોવો જોઈએ કે 'જોહ્ન ગૉલ્ટ કોણ છે?' પણ એ હોવો જોઈએ કે 'જોહ્ન ગૉલ્ટ છે ક્યાં?'
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો