આપણે લાગણીઓને જાતિ સાથે સાંકળી દેવા ટેવાયેલાં છીએ. કડક
સ્વભાવને મર્દાનગી સાથે તો મૃદુતાને નારી
સ્વભાવની સાથે સાંકળીશું; પ્રભાવ જમાવવાને પુરુષ સ્વભાવ તો આજ્ઞાંકિતતાને નારી સ્વભાવ સાથે; તર્કને પુરુષ પ્રકૃતિ સાથે તો સર્જનાત્મકતાને નારી
પ્રકૃતિ સાથે કે બુદ્ધિને પુરુષ પ્રકૃતિ સાથે તો કોઠાસૂઝને નારી સ્વભાવ સાથે કે
ઘુસણખોરીને મર્દાનગી સાથે કે સ્વીકૃતિને નારી સ્વભાવ સાથે કે સત્તાને નર પ્રકૃતિ
અને પ્રેમને નારી પ્રકૃતિ સાથે કે પછી સીધાસાદાપણાંને પુરુષ પ્રકૃતિ સાથે અને
વ્યવહારકુશળતાના આટાપાટા નારી પ્રકૃતિ સાથે જ સાંકળવામાં આવે છે. અસરકારક અને સફળ
નેતૃત્વ માટે દરેક વ્યક્તિએ પોતાની નર અને નારી એમ બંને પ્રકૃતિઓને ખીલવા દેવી
જોઈએ તેમ કહેવાય છે. એનો અર્થ તમને યોગ્ય જણાય તેમ કરશો તો ચાલશે !
નર મગજ અને માદા મગજ જૈવિક રચનાની રીતે તો ખાસ અલગ નથી, એકમાં ટેસ્ટોટેરોન ભર્યું પડ્યું છે તો બીજામાં
ઑએસ્ટ્રોજન. એટલે સંકટ જેવી ખાસ પરિસ્થિતિઓમાં બંનેની પ્રતિક્રિયામાં કંઈક તો ફરક
રહેવાનો. ઉછેર અને શિક્ષણ જેવાં બાહ્ય સામાજિક પરિબળો પણ બંનેના ફરક બાબતે કંઈક ને
કંઈક ભૂમિકા તો ભજવતાં જ હોય.
આંકડાઓની દૃષ્ટિએ અમુક લાગણીઓને પુરુષ કે સ્ત્રી સાથે
વધારે સાંકળી શકાતી હોઈ શકે, પરંતુ વધતી જતી ઉમર, બાહ્ય પરિબળો સાથે સંપર્કના વ્યાપ કે સાંસ્કૃતિક પરિમાણોનાં વૈવિધ્યને
કારણે આ ફરકમાં નાટ્યાત્મક વધારો થતો જોવા
મળે છે. હિંદુ પુરાણોમાં રામ અને કૃષ્ણની સરખામણીમાં રામને વધારે પૌરુષ અને
કૃષ્ણને વધારે સ્ત્રૈણ વર્ણવાયેલા જોવા મળે છે.ઘણાં ચિત્રો કે મૂર્તિઓમાં કૃષ્ણને
વાળની સેર બાંધેલા અને નાકમાં વાળી પહેરેલા પણ બાતાવાયેલા જોવા મળશે. પરંતુ રામ
અને કૃષ્ણ એ બંને મૂળે તો વિષ્ણુના જ અવતાર છે, જે ખુદ શિવનાં પૌરુષની સરખામણીમાં થોડા કદાચ સ્ત્રૈણ કહી શકાય.
પણ મજાની વાત તો એ છે કે મથુરાની સ્થાનિય દંતકથાઓમાં
પૂર્ણપુરુષ કૃષ્ણ સાથે રાસ રમવા માટે કરીને શિવ ગોવાલણોનું રૂપ લે છે અને એટલે જ
ત્યાં એ, બહુ પ્રેમથી, ગોપેશ્વર તરીકે ભજવામાં આવે છે. એ જ રીતે તમિળનાડુની
દંતકથાઓમાં એક સ્ત્રી ભક્તનાં બાળકને જન્મ કરાવવા માટે કરીને શિવ દાયણનું પણ રૂપ
ધરે છે. જેમ અન્ય અપ્સરાઓની મદદ લેવાને બદલે ક્યારેક વિષ્ણુ મોહિનીનું સ્વરૂપ ધરી
લે છે તેમ શિવ પણ તેમનાં પત્ની ગૌરીની મદદ લેવાનું ક્યારેક ટાળે છે.
કહેવાય છે કે દેવીઓમાં પોતાનાં અસ્ત્રશસ્ત્ર સાથે
લડાઈનાં રણમેદાનમાં ઉતરી પડતાં દુર્ગા કરતાં શરમાળ ગૌરી વધારે સ્ત્રૈણ જણાય છે.
પરંતુ નારીનાં રૌદ્ર સ્વરૂપની મૂર્તિ તો એક હાથમાંની ખોપરીમાંથી લોહી પીતાં, બીજા હાથોમાં ફરસી જેવાં હથિયારોવાળાં કાલિકા જ છે.
વૈરભાવથી બળબળતાં દ્રૌપદી કરતાં બધી આપદાઓ મુંગે મોઢે સહન કરી લેતાં સીતા કદાચ
વધારે સ્ત્રી જેવાં કહી શકાય.
કોઈ પણ રીતે જોઈએ તો પણ પૌરાણિક માન્યતાઓ સામાન્યતઃ
સ્વીકૃત એવી લિંગભેદની માન્યતા સાથે બંધ નથી બેસતી, તેમાં પણ હિંદુ પૌરાણિક માન્યતાઓ તો ખાસ. પાશ્ચાત્ય પુરાણોમાં તો દેવ
ખચિતપણે નર જ છે. દરેક પુરાણોમાં એક સમયે મહત્ત્વનું સ્થાન ધરાવતી હતી એવી
દેવીઓનું તો નામોનિશાન મટી ગયું છે. તેમનું સ્થાન હવે બહુ બહુ તો મા, દીકરી, બહેન કે પત્ની તરીકે જ રહ્યું છે. હિંદુ પુરાણશાસ્ત્રોમાં તે આ બધું હોવાની સાથે સાથે કંઈક વિશેષ પણ જોવા મળે
છે.સમસ્યા એ વાતની છે કે દેવ કે દેવીઓનાં ચિત્રો કે મૂર્તિઓમાં આપણે તેમના
સંબંધોને સમાજનાં જાતિપ્રેરિત ચોકઠાંમાં પ્રતિબિંબીત થતા જોઈએ છીએ. આ પૂર્વધારણા
વિષે ફેરવિચાર કરવાનો સમય કદાચ પાકી ગયો છે.
પુરાણોમાં નરને મન તરીકે અને નારીને એ મન દ્વારા નજરે
પડતાં આસપાસનાં વિશ્વ તરીકે રજૂ કરાયેલ છે. આમ જે ખયાલોને કોઇ ચોક્કસ લિંગ સાથે
સાંકળી નથી શકાતા તેને આ રીતે લૈંગિક સ્વરૂપમાં ઢાળવામાં આવે છે. શકય છે કે કોઈ એમ
પણ પૂછે કે નારી મન શામાટે નહીં? આ માટે મન એ આસપાસની દુનિયાથી ચડિયાતું છે તેવી પૂર્વધારણાને કારણભૂત કહી
શકાય. આમ પુરાણોમાં લિંગ પદાનુક્ર્મ પર ભાર મુકાતો જોવા મળે છે. પરંતુ મૂળ કારણ
કંઈક અલગ જ છે. હિંદુ અધ્યાત્મશાસ્ત્રમાં મન (આંતરિક વિશ્વ) અને સમાજ (બાહ્ય
વિશ્વ) વચ્ચે એક બહુ નાજુક સંબંધ રહેલ છે, અલગ અલગ વિચારસરણીઓ મુજબ બંનેને એકબીજાંથી ચડિયાતાં ગણાવાતાં આવ્યાં છે.
વેદાંતમાં સમાજ એ માયા છે, જ્યારે મન શિવ (માયામુક્ત) છે. તાંત્રિક પુરાણોમાં સમાજ શક્તિ છે જે શબ
જેવાં મનમાં ચેતના પૂરી તેને શિવ બનાવે છે. મનને નર અને સમાજને નારી સ્વરૂપ ગણવા
પાછળનું એક માત્ર કારણ એ છે કે મનના ખયાલોને 'મૂર્ત' તો બહારના
સમાજમાં જ કરી શકાય. આમ નરની પુનરુત્પાદન શક્તિને વહેવારમાં ઉતારવા માટે તો નારી દેહ
જ કામ આવી શકે છે.
આ દૃષ્ટિએ મનને દર્શાવવા માટે નર સ્વરૂપ જ વધારે યોગ્ય
જણાય છે, જ્યારે મન
દ્વારા વ્ય્વહારમાં સર્જાતું 'દ્રવ્ય' નારી સ્વરૂપ
વડે જ દર્શાવવું ઉચિત જણાય છે. આમ નર એ (નર કે માદા) સર્જક છે જ્યારે નારી એ તેનું
(નાન્યતર) ઉપક્રમ - સર્જન - છે. જેવો (જેવી) સર્જક તેવું સર્જન. જો શિવ જેવા તટસ્થ સર્જક હોય તો તેનું
સર્જન કાલિ જેવું બની રહે છે જે હંમેશાં પ્રક્ષુબ્ધ રહે છે, અને સતત ધ્યાન માગતું રહે છે.
જ્યારે સર્જક દરેક બાબતોમાં ધ્યાન આપતા શંકર હોય છે
ત્યારે તેમનું ઉપક્રમ ગૌરીને જેમ શાંત બની રહે છે. જો સર્જક નિયમોને અનુસરનારા રામ
હશે તો ઉપક્રમ ક્યાં તો સીતા જેમ શાંત અને આજ્ઞાંકિત થશે કે પછી થશે સુપર્ણખા
જેવું થશે, જે ધ્યાન પણ
માગશે અને કોઈપણ પ્રકારનાં દબાણને સહેલાઈથી વશ નહીં થાય.
જો સર્જક કૃષ્ણ જેવા હશે તો ઉપક્રમ ક્યાં તો પ્રેમની
માગણી કરતાં સત્યભામા કે પ્રેમ આપતાં રૂકમણિ કે ક્યારેક બીજાંના હોવા છતાં પોતા
તરફ ધ્યાન ખેંચતાં રહેતાં રાધા કે દ્રૌપદી જેવાં હશે. એ જ રીતે, જેવા દેવ તેવાં દેવી. જેવા ટીમના નેતા, તેવી તેમની ટીમ. યસ્ય રાજા તસ્ય પ્રજા. જેવાં સર્જક
તેવું તેમનું ઉપક્રમ. સર્જક (મન) ન હોય તો ઉપક્રમ પણ સંભવ નથી. જ્યારે દેવી એ
પ્રકૃતિ છે જે માનવીય નિયમનથી પર છે. તેમને માનવીની જરૂર નથી, પણ માનવીને તેના સિવાય ચાલે તેમ નથી.
'ધ ઈકોનોમિક ટાઈમ્સ' માં મે ૯,૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ
- અસલ અંગ્રેજી લેખ, Masculine and Feminine Leaders વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર જુલાઈ ૧૬, ૨૦૧૪ના રોજ Indian Mythology • Mahabharata • Myth Theory • Ramayana • Society ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
§ અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ જુન ૨૨, ૨૦૧૬
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો