બુધવાર, 8 જૂન, 2016

અજબ મોહપાશ - દેવદત્ત પટ્ટનાઈકરાજા કે ગોવાળ કે પુજારી કે મત્સ્ય કે પછી મોહપાશમાં ઝકડતી મોહિનીનું એમ કોઈ પણ સ્વરૂપ વિષ્ણુ ધરી લેતા રહે છે. આ નારી સ્વરૂપમાં તેઓ દેવો કે દૈત્યો કે પછી સંન્યાસીઓને પણ મોહિત કરી લેતા જોવા મળે છે. આમ કરવા પાછળનો તેમનો આશય માત્ર સામાજિક વ્યવસ્થાને જાળવી રાખવાનો છે. શિવ સાથે યુતિ કરીને તેઓ એક પુત્ર, અયપ્પા,ને પણ જન્મ આપે છે. આમ નર સ્વરૂપમાં જ જેમની મૂળ ઓળખ છે તેવા ભગવાન સામાજિક વ્યવસ્થા જાળવવા માટે કરીને સંતાનને પણ જન્મ આપવા સુધી જાય છે.આ કહાનીની બહુ બાબતો બહુ નોંધપાત્ર છે. એકેશ્વરવાદી ધર્મોની જેમ ભગવાનની જાતિ પુરુષ જ હોય તેમ અહીં જરૂરી નથી ગણાયું. સંતાનોપ્તતિએ સ્ત્રી જાતિ માટે જ મર્યાદિત નથી ગણાયેલ. માયા અને ઇન્દ્રિયાતીત સુખોને દૈવી કક્ષા સુધી વિસ્તરતાં બતાવાયેલ છે. મોહિની તરીકે સ્ત્રી એક સીધી સાદી પત્ની જ નથી કે નૃત્યાંગના તરીકે તે માત્ર પુરુષ પૂરતી જ સીમિત નથી.

આવું બધું એક હિંદુ કથામાં શક્ય છે? યુરોપિયનો જ્યારે હિંદુસ્તાનમાં આવ્યા ત્યારે આવી ઘણી કહાનીઓને તેમણે હિંદુ બાયલાપણાંનાં કે પૌવાર્ત્ય વ્યભિચારનાં એક વધારે પ્રતિકનાં રૂપમાં જોઈ. તેઓ પોતાને ત્યાં તો એવી દુનિયા જ જોવા ટેવાયેલ હતા જેમાં ભગવાન બહુ સ્પષ્ટપણે નરજાતિના જ હતા : તેઓ દુનિયાને બચાવવા દીકરીને નહીં પણ દીકરાને જ મોકલે, જાતિય સમાગમ વગર જ પુત્ર જ્ન્મ થાય કે તેમને પોતાની પત્ની સુદ્ધાં ન હોય. નારી જાતિ સાથે, કે સમલિંગી, કામની કદર પણ થઈ શકે એવો કોઈ અભિગમ તેને ગળે જ ન ઉતરે. એટલે આવા હિંદુઓની તેઓ મશ્કરી કરે એ સ્વાભાવિક જ ગણાય તેમ કહી શકાય.જ્યારે તેઓ શાસક બન્યા ત્યારે તો આવી મજાક બહુ જ આવેશમય બની રહી.

એટલે હિંદુઓ કંઈક અંશે સંરક્ષણાત્મક અને દોષિત ભાવને સ્વીકાર કરતા બની ગયા. એ લોકોએ આ કહાનીઓની મજા હંમેશ માણી હતી પણ તેને 'બુદ્ધિગમ્ય' ક્યારે પણ નહોતી બનાવી. આમ પ્રદેશી શાસકોને સમજાય તેવી ભાષામાં કેમ મૂકવી તે ખયાલ ન આવવાથી તેઓએ આ કહાનીઓમાં જ સુધારાઓ કરવાનું શરૂ કર્યું. હવે તેમણે યુરોપિયનોને પસંદ પડે તેવાં સંસ્કરણો પર ધ્યાન આપવાનું ચાલુ કર્યું, જેમ કે એવી કહાનીઓ જેમાં બ્રહ્મચર્ય કે સ્વનિયમનનાં ગુણગાન હોય કે જેમાં સ્ત્રીઓને પ્રલોભનની વસ્તુ રૂપે દેખાડવામાં આવી હોય.ખ્રિસ્તી મિશનરીઓની જેમ સમાજ સુધારમાં લાગેલ ચુસ્ત બ્રહ્મચારી સાધુઓ હવે હિંદુત્વના પ્રતિનિધિ તરીકે આગળ કરાતા હતા નહીં કે મારકણી અદાઓના હાવભાવથી લલચાવતી કુમારિકાઓ. હિંદુ ધર્મને પાશ્ચાત્ય દૃષ્ટિકોણથી સુધારવામાં આવ્યો.

યુરોપિયનોના ગયા પછી ભારત અમેરિકા સાથે સંપર્કમાં આવતું થયું. ૧૯૬૦ની આસપાસના સમયમાં અમેરિકાએ જાતીય માન્યતાઓ બાબતે હિપ્પીવાદ કે યુદ્ધ સામેના દેખાવો જેવા ક્રાંતિકારી ફેરફારો થતા જોયા હતા. વિષયાસક્ત હિંદુ સંસ્કૃતિની પુનઃખોજ જણાય તે કક્ષાનાં પુસ્તકો પણ તેઓએ લખ્યાં. હિંદુ દેવીદેવતાઓ કેવાં ઊભયલિંગી હતાં તેની તેઓ લંબાણે ચર્ચા કરવા લાગ્યા. હવે ભડકવાનો વારો હિંદુઓનો હતો.

હિંદુત્વમાં તો બ્રહ્મચર્ય અને સ્વનિયમનને જ મહત્ત્વ અપાતું હતું ને ? આપણાં પુરા ણોની કથાઓમાં પણ આ પ્રકારની જ કથાઓ છે ને ? આપણાં માતાપિતા અને શિક્ષકોએ પણ આપણને આ જ તો શીખવાડ્યું હતું ને ? લોકોએ જોરશોરથી તેમનો વિરોધ નોંધાવવા પ્રયાસ કર્યા તો 'એમ નકાર જવાનો કોઈ જ અર્થ નથી’, ‘તમને બધી ખબર નહી હોય; પણ હવે અમને તો છે’, ‘તમારી સંસ્કૃતિ વિષે અમે તમને માંડીને સમજાવીશું !' જેવાં વિધાનોથી એમનાં મોઢે ડૂચા દઇ દેવાયા.

આમ એક શાબ્દિક વૈચારિક યુદ્ધની રેખાઓ દોરાઈ ચૂકી. આજે પણ એ રેખાઓ ભુંસાણી નથી. આ બધાં યુદ્ધનાં મૂળમાં એક પક્ષે છે વિદેશી શાસન પહેલાંની સ્થિતિથી વિદેશી શાસન દરમ્યાન અને તે પછીની સ્થિતિમાં થયેલ ભારતની સંસ્કૃતિમાં પરિવર્તનો માટેની માહિતીનો અભાવ અને બીજે પક્ષે છે ભારતમાં રહેલ સાંસ્કૃતિક અને સામાજિક વૈવિધ્યની પૂરતી સમજનો અભાવ. ભારતમાં એક પ્રદેશની એક જાતિને જે અને જેટલી ખબર હોય છે તે અને તેટલી ખબર બીજા પ્રદેશની એ જ કે અન્ય કોઈ જાતિને ખબર જ નથી હોતી. કેટલીય અદભૂત વાતો કયાં ક્યાં ઢબુરાઈ પડી છે તેનો પણ જરા સરખો અંદાજ બાંધી શકાય તેમ નથી.આપણે એ ક્યારે પણ ભૂલવું ન જોઈએ કે આજે જેમ કેટલાય વિદ્વાનો કલાકો સુધી સંસ્કૃત પુસ્તકો વાંચી શકે તેમ પહેલાંના સમયમાં લોકો અભ્યાસ નહોતાં કરતાં.

પણ હા, હિંદુસ્તાનનાં પુરાણશાસ્ત્રોમાં કંઈ કેટલીય, ચિત્રવિચિત્ર, કહાનીઓ ભરી પડી છે. બહુ થોડાં લોકોને તેમાંની બહુ જ થોડી કહાનીઓ વિષે બહુ જ થોડી થોડી ખબર છે. જેના વિષે ખબર નથી તે તો અસ્તિત્ત્વ ધરાવે છે તેમ પણ નથી માનવામાં આવતું. વળી મોટા ભાગનાં લોકો પોતાનાં સ્વમાનનું માપ જ પોતાનાં જ્ઞાનની કક્ષાથી કરતાં હોય છે, એટલે તેમનાં જ્ઞાનમાં જેટલાં વધારે છીંડાં બતાવો તેટલો તેમનો ગુસ્સો વધારે. એ ગુસ્સામાં ને ગુસ્સામાં પુસ્તકોની હોળી કરીને કે તેમના પર પ્રતિબંધ લાદીને કે જોરદાર વિરોધ પ્રદર્શનો કરીને તેઓ પોતાનાં ઘવાયેલાં સ્વમાનને પુનઃસ્થાપિત કરવા મંડી પડે છે. પોતાના માનસિક વિકાસનાં બારણાં બંધ કરી બેઠેલ, આવાં છોકરાં જેમ રીસાયેલ, લોકો સાથે આપણે ગુસ્સે થવાથી શું વળશે ? તેમને તો આપણા પ્રેમ અને અનુગ્રહની જ ખરી જરૂર છે, હેં ને?