મોટે ભાગે આપણે લખાણની ભાષા અને બોલચાલની ભાષા વચ્ચે ફરક નથી
કરતાં. ચીની લખાણ ૫૦૦૦ વર્ષથી પણ વધારે જૂનાં છે. મેસોપોટેમિયાની કીલાકાર (કે
શરાગ્ર) લિપિ [cuneiform script] લગભગ
૪૦૦૦ વર્ષ જૂની છે. પરંતુ સૌથી જૂની હિંદુ લિપિ, બ્રાહ્મી[i], આજથી
લગભગ ૨૩૦૦ વર્ષ પહેલાં રચાયેલ સમ્રાટ અશોકના શિલાલેખોમાં જોવા મળે છે. તો શું
હિંદુસ્તાનીઓ તે પહેલાં લખતા જ નહોતા? આપણે એ બાબતે બહુ ચોક્કસપણે કહી શકીએ તેમ
નથી.
સિંધુ સંસ્કૃતિનાં સંજ્ઞાચિહ્નો અને અશોકના શિલાલેખો વચ્ચે આશરે
૧૫૦૦ વર્ષનો ફરક છે, જે ગાળામાં કોઈ લિપિ
જોવા નથી મળતી. કેટલાંક ટળવળાવતાં સૂચનો જોવા મળે છે કે ઋષિઓએ આકાશમાંના તારાઓ
જોડીને બારાખડીની રચના કરી હતી, પણ આ વાતને કોઈ ઠોસ
પ્રમાણ નથી મળતું. કેટલાંક લોકોનું માનવું છે કે બ્રાહ્મી ખરોસ્થી
પરથી ઉતરી છે. ખરોસ્થી પોતે મધ્ય એશિયાના ઈંડો-ગ્રીક રાજાઓના વપરાશની અર્માઈક
લિપિ પરથી ઉતરી આવી હોવાનું મનાય છે.આ વિષે પણ પ્રમાણ નથી મળતાં. એમ પણ બન્યું હોય
કે સત્તા પ્રસ્થાપિત કરવાના આશયથી મૌર્ય સમ્રાટોના હુકમ અનુસાર આ લિપિને વિકસાવાઈ
હોય. કંઈ ચોક્કસપણે નથી કહી શકાતું. એટલું નિશ્ચિતપણે કહી શકાય કે લગભગ બધી ભારતીય
લિપિઓ બ્રાહ્મીમાંથી ઉતરી છે.
જૈન પુરાણશાસ્ત્રો અનુસાર, માનવ
જાતમાં સભ્યતાની સંસ્કૃતિ લાવનાર પહેલા તિર્થંકર, ઋષભદેવ,નાં
દીકરીનું નામ બ્રાહ્મી હતું, જેણે આ લિપિ વિકસાવી
હોવાનું કહેવાય છે. આમ તેમને જ્ઞાનનાં દેવી, સરસ્વતી, સાથે
સાંકળવામાં આવે છે. હિંદુ ધર્મ અનુસાર, સરસ્વતીને
શારદા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે નામની એક લિપિ લગભગ
૧૫૦૦ વર્ષ પહેલાં બ્રાહ્મીમાંથી ઉતરી આવી છે.
બૌદ્ધ ધર્મીઓ બુદ્ધના વિચારોને જૂદી જૂદી પ્રાકૃત ભાષાઓમાં લખવા
માટે ભ્રાહ્મી લિપિનો પ્રયોગ કરતા.બ્રાહ્મણો પ્રત્યાયનનાં આ નવાં માધ્યમ વિષે
સાશંક હતા. તેઓ છેક ઈ.સ.૧૦૦ સુધી લેખિત ભાષાનો વિરોધ કરતા રહ્યા અને માત્ર મૌખિક
પ્રત્યાયનને જ અનુસરતા રહ્યા. આ કારણે મોટા ભાગની હિંદુ લિપિઓ ઈ.સ. પૂર્વે ૪૦૦થી
ઈ.સ. ૪૦૦ વચ્ચેના ગાળમાં જેમ જેમ લેખિની
સ્વીકૃત થતી ગઈ તેમ તેમ વિકસેલી જોવા મળે છે. આ ગાળામાં લખાયેલા ઘણા ગ્રંથો તે
પહેલાં મૌખિક રૂપે જ સદીઓથી હસ્તાંતરિત થતા રહ્યા હતા.
જ્યારે જ્યારે મને સાંભળવા મળે છે કે મહર્ષિ વ્યાસે લખાવ્યા
મુજબ ગણેશજીએ લહિયા તરીકે મહાભારતનો ગ્રંથ લખ્યો, કે
હનુમાનએ પાંદડાં પર રામાયણ લખ્યું, કે
વાનરોએ રામ નામ લખીને પથરા તરાવીને રામ સેતુ બાંધ્યો, ત્યારે
ત્યારે સવાલ થાય કે એ લોકોએ કઈ લિપિ વાપરી હશે? કે
પછી આ બધી કહાનીઓ હિંદ ઉપખંડમાં લિપિના ઉદય થયા બાદ જ પ્રચલિત થઈ? બીજા
શબ્દોમાં કહીએ તો આ બધી કહાનીઓ મૌર્ય યુગ પછી જ પ્રચલિત થઈ હશે?
શરૂ શરૂમાં તો લખાણ માત્ર રાજાઓના દરબારો પૂરતું જ સીમિત હતું.
બધાં લખાણ તાડ પાન, કે ક્યારેક શિલાલેખ
કે ક્યારેક તામ્રપત્ર, પર જ લખાતાં. જૈન અને
બૌદ્ધ સાધુઓએ ધર્મગ્રંથોની અનેક નકલો કરવામાં ખૂબ સમય અને મહેનત લગાડીને આ પ્રથાને
બહુ પ્રચલિત કરી.
ચીનમાં આશરે ઈ.સ, ૧૦૦માં
કાગળની શોધ થયા પછી લખાણને ખરી, વ્યાપક, સ્વીકૃતી
મળતી ગઈ. ઈસ્લામના વધતા જતા પ્રસાર સાથે કાગળ આખી દુનિયામાં પહોંચ્યો. કુરાનમાં
ખુદા અક્ષરજ્ઞાનવિહિન પયંગબર મુહમ્મદને ‘વાંચવા'નું
કહે છે, અને તે રીતે યહૂદી પરંપરામાં મૌખિક શબ્દ
કરતાં લેખિત શબ્દનાં વધારે મૂલ્યને પ્રસ્થાપિત કરે છે. આમ કરવા માટે ધર્મ ગ્રંથોની
અનેક નકલો કરવાનું જરૂરી બની રહ્યું.
મુસ્લીમો દ્વારા 'પુસ્તક'ને
જે મહત્ત્વ મળ્યું તેની બહુ જ વધારે અસર ભારત પર પડી. દસમી સદી બાદ આપણા ભગવદ ગીતા
કે રામાયણ જેવા ગ્રંથોની વધતી લોકપ્રિયતાની સાથે તમિળ, ઓડીયા, બંગાળી,
અને દેવનાગરી તો ખરી જ, જેવી પ્રાદેશિક
લિપિઓનો પણ વિકાસ થતો ગયો.પુસ્તકોને કારણે હવે પારંપારિક શ્લોકોને કંઠસ્થ કરવાની
જરૂર ન રહી. બસ નજીકનાં પુસ્તકાલયમાં જાઓ, અને
પુસ્તકોનાં પાનાંઓ ઉથલાવીને આપણે જરૂરી માહિતી મેળવી લો…...
‘મિડ-ડે' માં જુલાઈ ૨૭,૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ
v
અસલ અંગ્રેજી લેખ, Mother
Brahmiવૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર જુલાઈ
૧૭, ૨૦૧૪ના રોજ Indian Mythology
• Mahabharata
• Modern
Mythmaking • Ramayana
• Society
• World
Mythology ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
§ અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ જુલાઈ ૬, ૨૦૧૬
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો