એક વ્યાપારી મિત્રએ મને તેની સમસ્યાનો હલ શોધવામાં મદદ કરવા
કહ્યું. એ પોતે સ્વબળે ઊભો થયેલ હતો. તેણે તેની વ્યાવસાયિક જિંદગીની શરૂઆત લગભગ
શૂન્યમાંથી કરી હતી. તેના પિતા સરકારી દફ્તરમાં ચપરાશી હતા. પણ આજે એ પોતે લાખોકરોડોમાં
રમે છે. તેનું દિલ્હીમાં એક ઘર છે, પંજાબમાં ફાર્મહાઉસીસ છે અને દુબાઈમાં ઑફિસો
પણ છે. તેના દીકરા કે દીકરીને તેની મહેનતની કહાનીમાં રસ નહોતો. એમનામાં તેના જેવી
કોઠાસૂઝ પણ નહોતી. એમને તો 'સાહેબગીરી' કરવામાં, આસપાસનાં લોકો પર હુકમો કરવામાં અને તેમના હુકમોનો લોકો અમલ
કરતાં રહે તેમાં જ રસ હતો.
મેં એ વ્યાપારીમિત્રને પૂછ્યું, "તમે તમારાં છોકરાંઓને
પ્રેમ કરો છો?"
“હાસ્તો, વળી,” મારા
પ્રશ્નથી થોડા નવાઈ પામીને તેણે જવાબમાં કહ્યું. “મને મારાં બાળપણમાં જે
કંઈ ન મળી શક્યું તે બધું જ મેં તેમને મળે તેમ હંમેશાં ચીવટ રાખી છે."
મારા ચહેરા પર સ્મિતની લહેરખી ફરી વળી. તેમણે મને તેમની સમસ્યા
સમજાવી દીધી હતી.
આપણે આપણી આસપાસની દુનિયાને કઈ નજરે જોઈએ છીએ તેનો ઘણો આધાર
આપણા ઉછેર પર રહે છે. આપણા વ્યાપારી મિત્ર ગરીબાઈમાં ઉછર્યા હતા, એ
સમયે એમને જે જોઈતું હતું તે તેની આસપાસનાં લોકો આપી શકે તે સ્થિતિમાં ન હતાં. આ
સંજોગોએ પોતાને જે જોઈએ છે તે મેળવવા માટે જે અદમ્ય જુસ્સો તેનામાં પેદા કર્યો
તેના વડે અત્યારની સિદ્ધિઓ તેઓ હાંસલ કરી શક્યા.જ્યારે એમનાં છોકરાંઓ ઉછર્યાં
સમૃદ્ધિમાં, તેમણે
જે માગ્યું તે તેમને મળ્યું. કંઈ પણ મેળવવા માટે મહેનત કરવી પડે, એ
માટે પોતે કંઈક અંશે લાયક થવું પડે એવી તો કોઈ સમજ આ નવી પેઢીમાં ઘડાઈ નહીં. પોતાની જરૂરિયાતો બાબતે અને તેમને સિદ્ધ
કરવા બાબતે, ટાંચાં
સાધનોમાં થતા ઉછેર અને સમૃદ્ધિમાં થતા
ઉછેરને કારણે જે તફાવત માણસના દૃષ્ટિકોણમાં પડે એવો જ તફાવત આ બે પેઢી વચ્ચે પણ
હતો.
મહેલની સાહ્યબી અને વશિષ્ઠ ઋષિના આશ્રમની સલામતીમાં રામ ઉછરી
રહ્યા હતા.રાજા દશરથના તે બહુ જ માનીતા પુત્ર હતા, અયોધ્યાના પાટવી કુંવર
હતા એટલે પ્રેમ અને સુખોની તેમના પર સદા વર્ષા રહ્યા જ કરતી. એક દિવસ પૂર્વજીવનમાં
જે રાજા કૌશિક હતા તેવા ઋષિ વિશ્વામિત્ર રાજા દશરથના દરબારમાં આવી ચડે છે અને
પોતાના આશ્રમ અને આશ્રમમાં થતા યજ્ઞોની દાનવોથી રક્ષા કરવા માટે રામની માગણી કરે
છે. આવડા કુમળા કુમારને આવાં કપરાં કામ માટે મોકલવા માટે દશરથનું પિતૃહૃદય માનતું
નથી. તે વિશ્વામિત્રને બહુ સમજાવે છે. પોતાનું આખું સૈન્ય તેમની સાથે મોકલવા તૈયાર
થઇ જાય છે, ખુદ
પણ સાથે આવવાની તૈયારી બતાવે છે, પણ વિશ્વામિત્રને તો રામ, અને માત્ર રામ, સિવાય બીજું કોઈ જ નથી
જોઈતું. ઘણા કાલાવાલા કર્યા પછી આખરે રામને વિશ્વામિત્ર સાથે જવું જ પડે છે.
જંગલમાં હવે તે નવાં નવાં કૌશલ્યો શીખે છે, યજ્ઞોનું દાનવો સામે સફળતાથી રક્ષણ કરે છે.
રામાયણના બાલકાંડની આ કહાની પ્રતિભા સંચાલનની ચાવી પૂરી પાડે
છે. જંગલ એ રૂપક છે જેમાં કુંવરને મહેલની બધી સુખસાહ્યબી અને એશઆરામ નથી મળતાં.
અહીં તે શીકારી માટેનો શિકાર છે જેનો કોઈ ખાસ સામાજિક મોભો નથી. તેણે પોતાની
ક્ષમતા અને બુદ્ધિનાં બળે જીવતાં જ નથી રહેવાનું, પણ પોતાની કુમળી ઉમર
હોવા છતાં આસપાસનું રક્ષણ કરવાનું છે. અહીં તો રામે એકલા સુવાનું છે, આસપાસ
પડ્યો બોલ ઉપાડવાવાળા નોકરચાકર નથી કે નથી તેની સુખાકારી પર નજર રાખનાર ગુરુ. અહીં
તો હિંસ્ર પ્રાણીઓ, પક્ષીઓ
કે સાપ જેવાં જીવજંતુઓના અવાજો વચ્ચે નીંદર કાઢવાની છે. ચિત્રવાર્તાઓમાં વાંચતાં
હોઈએ એવું મજાનું ગ્રામીણ વાતાવરણ નથી આ જંગલમાં, અહીં તો ખોરાક કે પાણી
પણ ધાર્યાં મળશે તેવી કોઈ ખાત્રી નથી.કિશોર કુંવરે પોતાનો માર્ગ પોતે જ ફેડવાનો
છે.ભાવિ રાજા માટે આ બધાંની શી માનસીક અસર પડશે? અહીં તેને જીવ બચાવવો, ભયને
વશ ન થવું, શિકાર
અને શિકારીની મનોદશા, નિયમો, વ્યૂહરચના
અને સંઘબળનું મહત્ત્વ જેવા અગત્યના પાઠ ભણવા મળે છે. આમ, રામ
જ્યારે પાછા ફરે છે ત્યારે હવે તે રાજા બનવા માટે સક્ષમ બની ચૂક્યા છે.
મહાભારતમાં પણ પાંડવો અને કૌરવો વચ્ચે બહુ સ્પષ્ટ તફાવત બતાવાયો
છે. પાંડવોનો જન્મ પણ જંગલમાં થયો હતો અને તેમણે જીવનમાં ત્રણ ત્રણ વાર જંગલમાં
રહેવા જવું પડે છે - પહેલાં દ્રોણાચાર્યના આશ્રમમાં ભણવા માટે, પછી
કૌરવો દ્વારા તેમનું લાક્ષાગૃહ બાળી કાઢવાને કારણે અને છેલ્લે દ્યુતમાં પોતાના
હિસ્સાનું રાજ્ય હારી જવાથી ૧૪ વર્ષના વનવાસ પેટે. જંગલના દરેક વસવાટમાં તેમને
રાજવટની જૂદી જૂદી બાબતો વિષે શીખવા મળે છે - કંઇ જ ન હોવું એ સ્થિતિમાં માર્ગ
કાઢવાનાં ખાસ કૌશલ્યો અને સહાનુભૂતિની દૃષ્ટિ કેળવાય છે.
પહેલાંના સમયમાં રાજાઓ તેમના કુંવરોને લડાઈનાં મેદાનમાં મોકલતા.
ત્યાં તેમને જીવનની પાશવતા, મહેલોનાં રાજકારણના કાવાદાવ અને રાજસત્તાની કિંમતના પાઠ ભણવા
મળતા. માથાં પર (જવાબદારીનો) તાજ પહેરવા માટે તેઓને તૈયાર કરાતા. જ્ઞાનનાં દેવી
સરસ્વતીની અમી દૃષ્ટિ કપરા સમયમાં જ વર્ષે છે.
સમૃદ્ધ કુટુંબોમાં ઉછરતાં છોકરા છોકરીઓને એક સારા નેતા થવા માટે
કલ્પિત સમસ્યાઓ કે સારા કે ખરાબ ઉછેરને કારણે જે માનસીક બંધારણ થાય તેમાંથી પેદા
થતો આંતરિક જુસ્સા સિવાય બીજું શું મળે છે ? સંઘર્ષમાંથી માર્ગ કાઢવાની માનસીકતા અને એ
માટે જરૂરી કૌશલ્યો સ્વબળે ઉભી થયેલ પેઢી કેમ કરીને આ પેઢીને આપી શકે? ઘણી
વેપારી કોમોમાં તેમનાં છોકરાંઓને નાની ઉમરથી જ વેપારધંધામાં પળોટવામાં આવે છે, નવી
પેઢીને નાની ઉમરે જ નવા વેપાર ધંધા શરૂ કરવા માટે કહેવામાં આવે છે. આ કામમાં મળતી
નિષ્ફળતાઓ તેમને માટે ભાવિ તાલીમ માટેનું રોકાણ છે. સફળતામાંથી કુટુંબને નવી
પ્રતિભા મળે છે. આજના વ્યાપાર ઉદ્યોગના નવાં પરિવારો તેમની નવી પેઢીને ભવિષ્ય માટે
શી રીતે તૈયાર કરે છે?
હાવર્ડ કે આઈઆઈએમની એમબીએની ડીગ્રી ભારતનાં બજારની આંટીઘૂંટીના
કોઠા સમજવા માટે પૂરતી નથી. એટલે જ કદાચ વધારે ને વધારે નવી પેઢી 'વર્ચ્યુઅલ' નવાં
સાહસો તરફ ઢળતી જોવા મળે છે - 'વર્ચ્યુઅલ' વ્યાપાર વિશ્વ તેમને ઈંટ-ચૂનાનાં અરસિક વિશ્વને બદલે વર્ચ્યુઅલ
ગેમના જેવું કંઈક અલૌકિક અનુભૂતિ કરાવતું વિશ્વ લાગતું હશે ! કદાચ લોકોની
ચિત્રવિચિત્ર ખાસીયતોની અનિશ્ચિતતાને બદલે તમે પ્રોગ્રામ કરેલા સૉફ્ટવેરના બગ્સ હલ
કરવામાં વધારે સલામતી અનુભવાતી હશે. કમસે કમ, બજારની ધૂળ-ગરમી
ફાકવી, જાતજાતનાં
લોકોની સાથે માથાફોડી કરવી તેને બદલે ઓફિસનાં ટેબલ પરથી ધારો ત્યારે ક્લિક કરો તો
તમારૂં કમ્પ્યુટર તમારૂં કહેલું તો કરે, એટલું તો નક્કી ખરૂં ને!
‘ધ ઈકોનોમિક ટાઈમ્સ' માં એપ્રિલ
૨૫,૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ
v
અસલ અંગ્રેજી લેખ, Cast
into the Forest, વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર જુલાઈ
૧૯, ૨૦૧૪ના રોજ Business
• Indian
Mythology • Ramayana
• Society
ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
§ અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ જુલાઈ ૨૦, ૨૦૧૬
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો