- હરીશ ભટ
હરીશ ભટ છેલ્લાં ૨૭ વર્ષથી ટાટા ગ્રૂપની કંપનીઓમાં મહત્વનાં પદ પર કામ કરતા રહ્યા છે, જેમાં ટાટા ગ્લોબલ બેવરેજીસ લિ.નાં મૅનેજિંગ ડીરેક્ટર અને ટાઈટન લિ. ના સીઓઓ તરીકેનાં તેમનાં યોગદાન તેમની કામગીરીનાં નોંધપાત્ર સીમાચિહ્નો છે. હાલમાં તેઓ ટાટા સન્સની ગ્રૂપ એક્ઝીક્યુટીવ કાઉન્સિલના સભ્ય તરીકે કાર્યરત છે. ‘હિંદુ બીઝનેસલાઈન’ અને ‘મિન્ટ’ જેવાં અખબારોમાં તેઓ નિયમિતપણે માર્કેટીંગ ક્ષેત્રના અનુભવો વિષેનાં સૂક્ષ્મ નીરિક્ષણો ઉપરાંત મૅનેજમૅન્ટની વિવિધ બાબતો પર પોતાનો આગવો દૃષ્ટિકોણ રજૂ કરતા રહે છે. તેમનું પુસ્તક TATAlog: Eight Modern Stories From A Timeless Institution વર્તમાન બેસ્ટસેલરની યાદીમાં મોખરાના સ્થાને છે.
અંગ્રેજ નાટ્યકાર કવિ
શેક્સપિયર અને તેમનાં અનેક નાટકો
માટે તો કદાચ કોઈને પણ ઓળખાણ ન કરાવવી પડે. શેક્સપિયરનાં લખાણોમાં માનવ જાતની
ખાસિયતોને બહુ ઝીણવટથી રજૂ કરાતી રહી છે. ખૂબીની વાત એ છે કે તેમનાં લખાણો આજે ૪૫૦
વર્ષ પછી પણ સમાજની કેટલીય બાબતો માટે પ્રસ્તુત જ રહેલાં જોવા મળે છે. નેતૃત્ત્વ
વિષેની કાર્યશાળાઓમાં વિષયની સમજનાં ઊંડાણને સમજવામાટે પણ તેમનાં લખાણો પ્રયોજાતાં
રહ્યાં છે.
બહુ જ જાણીતાં કથનોને મૅનેજમૅન્ટ સૂક્તિઓનાં
રૂપમાં, આજે અહીં શેક્સપિયરના એ ખજાનાની એક ઝલક માત્ર હરીશ
ભટ આપણી સમક્ષ રજૂ કરે છે.
કોઈ વિના (ન) ચાલે!
આખું જગત એક રંગમંચ છે, અને બધાં જ સ્ત્રી પુરુષો
તેનાં પરનાં પાત્ર માત્ર છે. તેમનું આગમન અને નિર્ગમન
નિર્માયેલ જ છે. - એસ યુ લાઈક ઈટ
ભારતમાં કેટલીય વ્યક્તિઓની આસપાસ તેની અનિવાર્યતાનો
કરિશ્મા ફેલાઈ ગયેલો જોવા મળે છે. આપણે ખુદ પણ આપણા સિવાય ન ચાલે એમ સંન્નિષ્ઠપણે
માનતાં હોઈએ છીએ, એટલે
લાંબી રજાઓ પર જવાનું ઠીક, પણ આપણી
આસપાસનાંને બે ઘડી પણ છૂટાં નથી મુકતાં. શેક્સપિયર બધાંને રંગમંચ પર પોતાની નક્કી
થયેલ ભૂમિકા ભજવતાં પાત્રો કહીને આ માન્યતાના લીરા ઉડાડી મૂકે છે. વાત પછી સંસ્થામાં
આપણી બહુ મહત્ત્વની ભૂમિકા વિષે હોય કે આપણાં અંગત જીવન વિષે, આ સત્ય સમજ્યે અને સ્વીકાર્યે જ આપણું ભલું છે.
આપણું આવવાનું અને જવાનું નિશ્ચિત તો છે જ, પણ વળી સાથે સાથે તેના પર આપણો બહુ અંકુશ પણ નથી. આપણા આવ્યા પહેલાં પણ જગત
ચાલતું હતું, અને ગયા પછી પણ ચાલતું જ રહેશે. એનો અર્થ એમ
નહીં કે આપણા ભાગે આવેલી ભૂમિકા ભજવવામાં આપણે કોઈ કચાશ રાખવી જોઈએ !
સારી રીતે ભજવેલ ભૂમિકા
આપણને પડદો પડશે ત્યારે તાળીઓથી વધાવશે તો આપણા પાઠની કચાશ આપણો હુરિયો પણ
બોલાવશે. વખાણથી ફુલાઈ ન જવાનું કે ટીકાથી નિરાશ ન થવાનું શીખવામાં આપણી જીવનની
કલાકારી સમાઈ જાય છે. બધાં જ લોકો બધાં પાત્રોને એક સરખો ન્યાય ન પણ કરી શકે. આપણી આવડત અને પસંદગી મુજબ, આપણે લાયક, પાત્રમાં એકાકાર થવાનું પણ આપણે શીખવું
રહ્યું. શેકસપિયરનાં નાટકો આપણને ૪૫૦
વર્ષથી આ વાત શીખવાડે છે.
હસીમજાક પણ કામનાં છે
સાહેબ મારા,
ઐયાશી ઉત્તેજિત તો
કરે છે અને પછી ઠંડા પણ કરી પાડે છે....તે અભરખા જગાવે છે પણ કામ કરવાથી દૂર રાખે
છે' - મૅકબેથ
ભારતની ઘણી કંપનીઓમાં
કામના સમયે વાતાવરણ બહુધા બહુ ગંભીર જોવા
મળે છે. આપણા સમારંભો અને મિટિંગોમાં થતી વાતચીતના શબ્દો અને સૂર વાતાવરણને બોઝિલ
બનાવી નાખતા જોવા મળે. જેમ જેમ આપણે સંસ્થાની ઊંચી પાયરીએ પહોંચવા લાગીએ તેમ તેમ
આપણી આપણા પર મજાક કરી લેવાની આદત કે કોઈ કોઈ વાર હળવાશના સૂરથી પણ વાતચીતને આગળ
વધારી શકવાની આવડત ભૂલતાં જતાં હોઈએ એમ લાગ્યા કરે છે. પરંતુ એવાં કેટલાય વરિષ્ઠ
સંચાલકો છે જેઓ ઘણીવાર અમુક વાત પર ભાર મૂકવા કે સરળતાથી સમજાવવા માટે કે વાતાવરણમાં
પેદા થયેલી ગરમીને ઠંડી પાડવા હાસ્યની મદદ લેતાં જ હોય છે.શેક્સપિયર આપણને સમજાવે
છે બહુ જ ગંભીર, લગભગ કરૂણ કહી શકાય,એવા સંજોગોમાં પણ હાસ્ય ઘણી વાર બહુ મોટું કામ કરી આપે છે. મૅકબેથનો દારૂડિયો
મજૂર કિંગ ડંકનનાં ખૂન થવાની અને તેની લાશ મળી આવવા જેવી ભયાનક ઘટનાઓ વચ્ચે પણ આવા
પદ્ધતિસરનાં વર્ણન કરતા ઠુમકા મૂકવાનું ચૂકતો નથી. પ્રેક્ષકો તેની સાથે ભલે સહમત ન
થાય, પણ નાટકની આવી ગંભીર ક્ષણોમાં પણ તે પ્રેક્ષકોનાં
મોં પર હાસ્યની સુરખી તો રેલાવી જ રહી શકે છે. તે જ રીતે, 'હૅમ્લેટ'માં ઑફેલીઆની કરૂણ આત્મહત્યા પછી તેની કબર ખોદવાનાં દૃશ્યો સમયે પણ ત્યાં બેએક
વિદૂષકો મસ્તીમજાક કરતા જોવા મળે છે.આ હાસ્ય ઘટના પ્રેક્ષકોનું ધ્યાન એ પછી આવનારા
ગંભીર પ્રસંગો તરફ કેન્દ્રિત કરીને આખાં નાટકને એક બહુ ઊંચા સ્તર પર લઈ જાય છે.
આપણે, સંચાલકોએ, પણ મુશ્કેલ પરિસ્થિતિઓમાં હાસ્યની મદદથી
પરિસ્થિતિને પહોંચી વળવા માટે નવા જ માર્ગ ખોળી કાઢવાની ઉર્જા મેળવી લેવાનું શીખી
લેવા જેવું છે.
બોલતાં પહેલાં ધ્યાનથી
સાંભળો
‘સાંભળો બધાંનું, પણ કહો પોતાનું'. - હૅમ્લેટ
આપણે મોટા ભાગે
સાંભળવા તરફ ઓછું ધ્યાન આપતાં હોઈએ છીએ. તેમાં પણ આપણા સંચાલકોને તો બોલવાનો જાણે
શોખ જ લાગે ! અને જો પોતાની સિધ્ધિઓ, પોતાનું દૃરગામી
દર્શન,તમારી જગ્યાએ હું હોઉં તો શું કરૂં એવો જો વિષય
મળી ગયો તો તો પછી પૂછવું જ શું !આજકાલ તેમાં
વિજાણુ ટેક્નોલોજીની સંભાવનાઓ, લૈંગિક વૈવિધ્ય, સાંસ્કૃતિક સંવેદના કે પોતાનાં પત્નીને
ઘરકામમાં મદદ કરવાનાં ઉદાહરણો દ્વારા નારી સમાનતા જેવા વિષયોનો ઉમેરો થયો છે.આ
સંદર્ભમાં ઓછું બોલવું અને વધારે સાંભળવું એવી શેક્સપિયરની શીખ ૪૫૦ વર્ષ પછી પણ એક
ખાસ અગત્ય ધરાવતી જોવા મળે છે. હૅમ્લેટમાં તે કહે છે, 'તમારા વિચારોને વાચા ન આપશો.'
મૂળ મુદ્દે તેઓ જો કંઈ પણ બોલવું જ પડે તો
પહેલાં પૂરતો વિચાર કરી લેવા પર ભાર મૂકે છે. તે જ રીતે પોતાની સાંભળવાની
ઈન્દ્રિયને સતેજ કરવાથી આપણે બીજાં લોકોના વિચારોને ધ્યાનપૂર્વક આપણામાં અંદર
ઉતરવા દઈએ છીએ. બીજાંના વિચારો અને લાગણીઓને ધ્યાનપૂર્વક સાંભળીશું નહીં તો આપણને
નવું નવું શીખવાના રસ્તા ક્યાંથી મળશે? આપણા બતાવેલા
રસ્તા પર આપણી સાથે ખભેખભો મેળવીને ચાલશે કોણ?
તમારી આગવી શૈલીનાં અનોખાપણાંને નિખારો
‘અને
બધાંથી ઉપર : તમે જે છો તેમ જ બની રહો' - હૅમ્લેટ
ઘણા સંચાલકોને, જાણ્યેઅજાણ્યે, પોતપોતાના આદર્શ સંચાલકોની શૈલી અને કાર્યપદ્ધતિ મુજબ કામ કરવાનું ગમતું હોય
છે. કદાચ આટલા સારૂ જ સ્ટીવ જૉબ્સ, રિચાર્ડ બ્રૅન્સન, માર્ક ઝુકરબર્ગ અને એવા અતિસફળ
લોકોની જીવનશૈલી પરનાં પુસ્તકો ભારે માંગમાં જોવા મળે છે. તો વળી, કેટલાક સંચાલકો તો
પોતાની જ સંસ્થાના સફળ વરિષ્ઠ સંચાલકોની શૈલીનાં બીબાંમાં ઢળી પડતા જોવા મળે છે.
એમાં એમની એ લોકો તરફની વણકહી ભક્તિ ક્યાં તો કારણભૂત હોય કે પછી હોય રાજકીય
સીમાની ફાયદાકરાક જ બાજૂએ રહેવાની મનોવૃત્તિ. ભલે કોઈ પણ વ્યક્તિત્વ ગમે તેટલું
અનુકરણીય આદર્શ હોય, પણ શેક્સપિયર આ આંધળી ભક્તિની વૃત્તિથી ન દોરાવા માટે બહુ સ્પષ્ટ ભાષામાં, આપણને ફરી એક વાર હૅમ્લેટના
સંવાદ વડે, સંદેશ આપે છે. આ એક જ વાક્યમાં તેઓ
કેટકેટલું કહી ગયા છે.
આપણી ખરી નેતૃત્ત્વ શક્તિ આપણી અનોખી શૈલીનાં સકારાત્મક પાસાંઓને નિખારવામાં જ ખીલી ઊઠી શકે છે. બીજાં સફળ
સંચાલકોની સબળ કાર્યપદ્ધતિઓમાંથી શીખવું જરૂર જોઈએ, પણ તેને કારણે આપણી આંતરિક શક્તિઓને કુંઠિત ન થવા દેવી જોઈએ. જેમ કે જો કોઈ
સંચાલક ગ્રાહકની જરૂરિયાતો સમજવા માટે પદ્ધતિસરનું સંશોધન કરવા કે મહત્ત્વનો
નિર્ણય લેતાં પહેલાં પોતાના ઉપરી કે સહકર્મચારીઓ સાથે તેની ચર્ચા કરી લેવા ટેવાયેલ
હોય તો તેને જૉબ્સની નાટકીય ઢબે કામ કરવાની શૈલી ક્યાંથી ગોઠે? ચામડીનાં રંગસૂત્ર
સફેદ હોય અને હંસની ચાલ શીખી લીધી હોય તો પણ કાગડામાં હંસની વિવેક બુદ્ધિ આવે તેમ
જરૂરી તો નથી ને!
પ્રેરણાનાં બળથી પહાડ પણ ચળાવી
શકાય
‘...મારા થોડા, ખુશખુશાલ થોડાક, મારા બંધુઓની ટોળી, જે આજે મારી સાથે લોહી
વહાવશે, એ જ મારો ભાઈ... - પંચમ હેન્રી
પોતાના પ્રેરક દાખલા
થકી, પોતાના સાથીઓને કેવાં
કેવાં અસંભવ પરિણામો સિદ્ધ કરવા તરફ એક ખરો નેતા દોરી જઈ શકે છે તેનાં ઉદાહરણો તો
શેક્સપિયરનાં નાટકોમાં ઠેકઠેકાણે જોવા મળશે. આનું સૌથી યાદગાર કથન પંચમ હેન્રી વડે
(એ જ નામનાં નાટકમાં) એજિંનકૉર્ટનાં યુદ્ધ
મેદાન પર કહેવાયું છે. પોતાના થાકેલાં હારેલાં અંગ્રેજ દળોને ઘણાં વધારે
શક્તિશાળી અને સંખ્યાબળમાં પણ મોટાં અને સરંજામથી પણ વધારે સજ્જ એવાં ફ્રેન્ચ
લશ્કર સાથે બાથ ભીડાવવા માટે પંચમ હેન્રી તૈયાર કરી રહેલ છે.
કોર્પોરેટ જગતના દરેક સંચાલકે આ આખાં વ્યક્તવ્યને આત્મસાત કરી રાખવું જોઈએ.
એક્દમ કપરા સંજોગોમાં, સાવ જ અશક્ય લાગતાં લક્ષ્યને પાર કરવા માટે પોતાનાં સાથીઓને કેમ પ્રેરિત કરી
શકાય તેનું આનાથી વધારે સારૂં નાટ્યાત્મક ઉદાહરણ બીજે ક્યાંય જોવા નહીં મળે. આવા
હતા પંચમ હેન્રીના શબ્દો: “આજથી માડીને યુદ્ધના અંત સુધી, એમાં આપણી આ ભુમિકા હંમેશાં યાદ કરાતી રહેશે... મારા થોડા, ખુશહાલ એવા થોડાક, મારા બંધુઓ, જે મારી સાથે આજે લોહી
વહાવશે તે મારો ભાઈ બની રહેશે; અને જે સજ્જનો આજે ઈંગ્લેન્ડમાં મશરૂની તળાઈ પર સૂતા છે તેઓ પોતાની જાતને અહીં
ન હોવા બદલ કોસ્યા કરશે અને આજે સંત ક્રિસ્પિન દિવસે આપણી સાથે લડાઈમાં ઊભા
રહેલાની વાતો સાંભળશે ત્યારે પોતાની મર્દાનગી વિષે શરમાશે.'
અને આવા અદ્ભૂત નેતાદ્વારા પ્રેરણા સભર જુસ્સાથી ઉર્જાન્વિત થયેલ અંગ્રેજ
સૈન્ય સાવ જ અશકય દેખાતા વિજયને વરે છે.
શેક્સપિયરનો સંદેશ સાવ સાદો છે: પોતાના સાથીઓનો જુસ્સો પ્રજ્વળાવી રાખવો એ તો
નેતાનું પ્રાથમિક કર્તવ્ય છે, તેમાંય જો સંજોગો વિપરિત હોય તો તો ખાસ.
- ડીસેમ્બર ૨૮, ૨૦૧૪ના 'મિન્ટ'ના અંકમાં પ્રકાશિત થયેલ શ્રી હરીશ ભટના અસલ અંગ્રેજી લેખ, Meet Shakespeare, the manager’s guru પરથી ભાવાનુવાદ
§ અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ, ૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૬
અનુવાદકની પાદ નોંધઃ
વિવિધ કથનોને દર્શાવવા માટે અહીં લીધેલ ઈમેજીસ
ઇન્ટરનેટ પરના અલગ અલગ સ્ત્રોતો પરથી લીધેલ છે. વિષયને સરળતાપૂર્વક રજૂ કરવા માટે
એ કથનોના અનુવાદ તેમાં અનુવાદકે ઉમેરેલા છે, પરંતુ એ ઈમેજીસના પ્રકાશન હક્કો જે તે મૂળ રચયિતાના અબાધિત છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો