આપણને ન જોઈતી વસ્તુઓ પણ આપણે કેમ ખરીદી જ આવીએ છીએ? આપણી આસપાસ બનતી ઘટનાઓ અને લોકો પર આપણે શા માટે આપણું નિયંત્રણ કરવાનું
માનસ ધરાવતાં રહીએ છીએ? વેપાર ઉદ્યોગ
કે અન્ય કોઈ પણ વ્યાવહારિક પ્રવૃત્તિઓમાં આપણે બધું જ આપણાં પૂર્વાનુમાનો અનુસાર જ
થાય તેમ ઈચ્છીએ છીએ? આપણને ચોક્કસ 'બ્રાંડ્સ' માટે જ કેમ
આગ્રહ રહેતો હોય છે? આ બધા સવાલોના
જવાબ જાણવા માટે આપણે મનિવિજ્ઞાનનાં ક્ષેત્રમાં દાખલ થઈ ભયનાં મૂળ વિષે સમજવું
પડશે. ભય માટે કોર્પોરેટ વિશ્વમાં વધારે
સ્વીકૃત પારિભાષિક શબ્દ છે - તણાવ.
તમે એક વાતની
નોંધ લીધી છે કે દરેક હિંદુ દેવ કે દેવીનો એક હાથ ઊંચો થયેલો જોવા મળે છે. એમ
કરીને તેઓ આપણને જણાવવા માગે છે 'ભય ન રાખશો
(અભયમાન થાઓ)'. આ પરથી આપણને
એમ પણ સમજાય છે પુરાણ કાળથી આપણાં વડીલોને જીવનના રોજબરોજના વ્યવહારમાં ભયનાં
મહત્ત્વ વિષે સમજ હતી. જો ભય ન હોત તો ભૂક (અસંતોષ) ન હોત અને તો વાપરવાની, ઉપયોગ કરવાની
(ભોગ કરવાની) ભાવના પણ આપણામાં ન હોત. ઉપભોગની આપણી પ્રબળ ઈચ્છા સંસાધનોનો બલિ
ચડાવતી રહે છે, જેની કિંમત
આપણે આપણાં કર્મોથી ચૂકવીએ છીએ.આમ માનવજીવનનાં માંગથી લઈને પુરવઠાની સાંકળનાં કોઈ પણ પાસાંના મૂળમાં આપણે ભયની
હાજરી જોઈ શકીશું. ગ્રાહકો હોય કે પછી ઓડીટર્સ કે સત્તાધીશો કે ઉપરીઓ કે
પ્રક્રિયાઓ હોય, એ કોઈની પણ
સાથેનો આપણો સંબંધ ઘડાય છે ભય દ્વારા. અને તેમ છતાં કોઈ મૅનેજમૅન્ટ શિક્ષણમાં ભય
વિષે શીખવાડવામાં નથી આવતું. આ માટેનું કારણ કદાચ એ હોઈ શકે કે આપણે માનવીની વિચાર
શક્તિ પર વધારે વિશ્વાસ મૂકતાં હશું. પરંતુ એમ માનવામાં આપણે ભૂલી તો નથી રહ્યાં ને કે માણસ ગમે તેટલો
તર્કશીલ હોય પણ તેના મનના અંદરના ખૂણે ક્યાંકને ક્યાંક તો ભય અને તેમાંથી જન્મતી અસલામતી છૂપાયેલ છે !
હાથમાં વિવિધ વિશ્લેષ્ણાતમક સ્પ્રેડશીટ્સ અને તેના ઉપાયોની દરખાસ્તોની પાવરપોઈન્ટ
રજૂઆતો સાથેનાં સ્માર્ટ ટેબ્લેટ અને સુઘડ રીતે કોટ ટાઈના પોષાકમાં સજ્જ કોર્પોરેટ
યોદ્ધાને આ ભય શબ્દ થોડો ઓછો માફક આવે છે.
તણાવ કે ભયનાં
મૂળિયાં ચેતન સ્વરૂપનાં આદિ, સજીવ,માં ફેલાયેલાં જોવા મળશે. અચેતન (નિર્જીવ) વસ્તુઓથી અલગ રીતે તેણે પોતાની
જાતને ટકાવી રાખવાનું નક્કી કરી લીધું હતું. મૃત્યુને ટાળવા માટે તેણે પોતાનાં
જીવન માટે સંઘર્ષો કરવાના હતા. આ માટે જરૂરી ભરણપોષણ મેળવવાસારૂ તેણે આસપાસની
દુનિયામાં શોધખોળ કરતાં રહેવાનુ જરૂરી
હતું.જેમ જેમ નવાં જીવ સ્વરૂપો ઉમેરાતાં ગયાં
ભરણપોષણનાં સંસાધનો માટેની હરીફાઈ તીવ્ર બનતી ગઈ. ટકી રહેવા માટે પોતાના
પ્રયાસોની તકોને વધારેને વધારે સફળ બનાવવામાં વૈવિધ્ય હવે ઉત્પરિવર્તનની પ્રાથમિક
જરૂરિયાત બની રહી.
ઉત્પરિવર્તનનું
સૌથી મોટું પરિમાણ જોવા મળ્યું સજીવ સ્વરૂપોને હલનચલન કરી શકે તેવાં (ચર) પ્રાણીઓ
અને હલનચલન ન કરી શકે તેવાં (અચર),વનસ્પતિ,ની ઉત્પત્તિ. છોડ તેના ખોરાક તરફ વધે છે, પણ તેના પર નભતાં શિકારીઓથી બચવા માટે તે ભાગી નથી શકતો. પ્રાણી પોતાના
ખોરાક તરફ, તેમ જ પોતાના
શિકારીથી બચવા માટે, ભાગી શકે છે.
પ્રાણીઓની ખોરાકની સાંકળ પર નજર કરીશું તો તેમાં શિકાર માટે શિકારી દ્વારા ભક્ષ
બનવાનો અને શિકારીના મનનો ભૂખે મરવાનો ભય બહુ ચોખ્ખો દેખાશે. તેના પર બીજો એક ભય
હાવી થાય છે - કોણ બળિયું
નીવડશે તેનો. બળિયાના બે ભાગના ન્યાયે જે વધારે જોરાવર તે વધારે ખોરાક અને પ્રજનનસાથીનો વધારે સંગાથ અંકે કરી જાય.જે આખી
વ્યવસ્થાને છેક તળીયે હોય તે સૌથી વધારે
તકલીફમાં. એમાં પણ જો એ નર હોય તો સૌથી ઓછો ખોરાક અને પ્રજનનસાથીનો સંગાથ તેને ભાગે તોળાઈ રહે છે.પુરુષો વધારે આક્રમક
હોવાની પાછળ આવું કંઈક કારણ હશે? માનવી બધાં
સજીવોમાં સૌથી વધારે આગવું સ્વરૂપ છે.આપણી પાસે કલ્પનાશક્તિ (માનસ) છે, એટલે આપણે કોણ છીએ તે આપણે વિચારી શકીએ છીએ. તેમ બીજાં પણ આપણે માટે એમ જ
વિચારતાં હશે કે કેમ તે પણ આપણે વિચારી શકીએ છીએ. આમાંથી જન્મે છે ચિંતા અને બીજાં
તરફની સ્વીકૃતિનો ભય. આપણને માન, સમર્થન અને, સૌથી અગત્યનું એવું, મહત્ત્વ
(અર્થ)ની તલાશ રહે છે. આપણને આપણી પોતાની છબિ માટે પોષણ અને આપણાં શિકારી -
પ્રતિસ્પર્ધીઓ - તરફથી આપણી છબિને નુકસાન ન થાય તે માટે રક્ષણની સતત જરૂર રહે છે.
બસ, અહીંથી શરૂ થાય છે ભયનાં સ્થાપત્યનું ઘડતર.
અર્થ શાસ્ત્રના
ત્રણ સમાંતરનાં અર્થઘટન કરવામાં આવે છે - આર્થિક (આપણે પૂરતી સંપત્તિ, આવક કે વકરો પેદા કરી શકીએ છીએ? તેની બધાંને પૂરતી બની રહે તેવી વહેંચણી કરી શકીએ છીએ?;
રાજનૈતિક (આપણી પાસે આપણા શિકારને પહોંચી વળવાની કે
આપણાં શિકારીથી બચી રહેવા શકવાની સ્પર્ધામાં ટકી રહેવા માટે પૂરતી સત્તા છે ?);
કે તાત્ત્વિક (આપણે ખરેખર કોણ છીએ? આપણે સાચા અથમાં અર્થપૂર્ણ જીવન જીવીએ છીએ ખરાં?).
અહીં વ્યવસાય કે મેનેજમૅન્ટ માટેની સમગ્રતયા દૃષ્ટિ જોવા
મળે છે જેમાં આપણે આપણી જાતનું મૂલ્યાંકન
કાર્યદક્ષતાથી નાણાં કમાતાં મશીન તરીકે જ નહીં પણ સમાજના, કે આપણાં વિશ્વ સુદ્ધાંના, પરિપ્રેક્ષ્યમાં આપણાં સ્થાનના સંદર્ભમાં પણ કરીએ છીએ. ઘણી પ્રથમ હરોળની
યુનિવર્સિટીઓમાંથી બહાર પડતાં વિદ્યાર્થીઓમાં આ અભિગમ ખૂટતો હોય તેમ જોવા મળે છે. તેઓ કૌશલ્યપૂર્ણ યોદ્ધાઓ જરૂર છે પણ તેઓ ખરેખર શેના માટે
લડી રહ્યાં છે તેની તેમને ખબર નથી હોતી. ખરા અર્થનાં આ અજ્ઞાનને કારણે ઘણી વાર બહુ
વિચિત્ર, ક્યારેક જોખમી
પણ, વર્તન જોવા મળે છે.
ભયનાં બીજના
કૉર્પોરેટ પ્રવૃતિઓપરના પ્રભાવને સમજવા માટે ત્રણ પ્રકારનાં વર્તનનાં ઉદાહરણો જોઈએ
:
ગ્રાહકો અને
વેપારીઓ હંમેશાં તેમના સોદાઓમાં ભાવકાપની ખોજમાં રહેતા હોય છે. કેટલો સારો ભાવ તેઓ
ઉપજાવી શકે છે તે તેમની શક્તિનું પ્રતિક બની રહે છે. છૂટક ખરીદારી કરતું ગ્રાહક અન્યથા
પોતા તરફ નજર સુદ્ધાં ન કરતાં વ્યાપાર વિશ્વને પોતાનાં મહત્ત્વના પાઠ ભણાવવાનો
સંતોષ માને છે.સેવાઓ પુરી પાડનારાઓને ગ્રાહકને પોતાનું મહત્ત્વ સ્વીકારાય તે
બાબતનું અગત્ય બરાબર સમજાય છે. તમે પહેલી કક્ષાનાં કે બીજી કક્ષાનાં કે સૌથી
મૂલ્યવાન ગ્રાહક છો એવી ચડતી ઉતરતી કક્ષાઓ ભયને વધારે પ્રગાઢ કરે છે, કેમ કે તમે જે કક્ષાનાં ગ્રાહક છો એ મુજબનાં સ્તરની સેવાઓ તમને મળે છે. જો
તમને વધારે વફાદાર ગ્રાહકની કક્ષામાં મૂકવામાં અવ્યાં હોય તો અન્ય ગ્રાહકોની
સરખામણીમાં તમારો સેવા મેળવવા માટેનો પ્રતિક્ષા સમય ઓછો થઈ જતો હોય છે.
એક વરિષ્ઠ
સંચાલક પોતાને હંમેશાં કોઈને કોઈનાં આલોચનો હેઠળ જીવતો અનુભવે છે. ઓડીટર તેણે
અમલમાં મૂકેલ પ્રક્રિયાઓની અસરકારકતા તપાસે છે. તેનાં ઉપરીઓ તેની કામગીરીનું આલોચન
કરતાં રહે છે. તેણે શું કરવું, કેમ કરવું અને
શું શું નથી કર્યું કે ક્યાં ક્યાં તે વ્યૂહરચનાની લાઈનદોરીની બહાર છે તે વિષે
તેને સૂચનાઓ મળતી જ રહે છે. પોતાને મળતો દરમાયો તેનાં કામના પ્રમાણમાં તેને ક્યારે
પણ પૂરતો મળતો નથી લાગતો.તેનાં સહકર્મચારીઓ કરતાં તેને હંમેશ ઓછું જ મળ્યું છે તેમ
જ તે માને છે. આમ ઓછાં મળેલ વળતરનાં તર્કબદ્ધ કારણોની આપલે કામગીરી આંકણી સમયે થતી રહે છે. દરેક ત્રિમાસિક
મૂલ્યાંકનને અંતે તેને વધારે (સારી રીતે) ભાગતા રહેવા માટે પ્રોત્સાહજનક સૂચનો પણ મળતાં જ રહે છે. તે અનામી
સંસ્થાકીય માલિકીઅંશધારકની ભૂખ સંતોષવા માટે એવો સદા-ભૂખ્યો શિકારી થવા
સર્જાયેલ જણાય છે જેને માટે થોડો વિરામ કે
થોડી મજા વર્જ્ય છે.
એક બહુ જ ઉચ્ચ
કક્ષાના, સફળ, નિવેષક બેંકરને હંમેશાં સવાલ થતો કે જે લોકો સાથે તેમને મળવાનું થાય છે
તેઓને પોતે ખરેખર વિચક્ષણ બેંકર છે તેની કેમ કરીને ખબર પડે. તેમણે સૌથી સારી મનાતી
કાર ખરીદી. સૌથી વધારે શ્રીમંત ગણાતા વિસ્તારમાં ઘર લીધું, તેમાં અવારનવાર ઉત્તમ વ્યંજનો સાથેની મહેફિલો કરતા, સારામાં સારાં મનાતાં સ્થળોએ રજાઓ ગાળવા જતા, મોઘાંમાં મોંઘી ક્લબમાં ગૉલ્ફ કે બિલિયર્ડ રમવા જતા, તેમનૂં કામ કેમ
તે ચપટી વગાડતાં સિદ્ધ કરી લે તેનાં ગુણગાન ગાતા રહેતા. બધાંની નજરે ચડે એવાં
સામાજિક કાર્યક્રમો સુદ્ધામાં પણ સક્રિય ભાગ લેતા. છેલ્લે તેમણે તેમના સ્નાનગૃહમાં
સોનાનું બાથ ટબ નંખાવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. પ્રતિષ્ઠિત વ્યક્તિઓને જે
પ્રકારની ભેટ સોગાદો મળે તેવી ભેટસોગાદ, અકરામો મેળવવાથી તેઓ બહુ પોરસાતા.
માણસ કલ્પનાશક્તિ ધરાવતું એવું પ્રાણી છે જેને માત્ર
તર્કથી પાલતુ થવામાં ઢાળી ન શકાય એમ જો આપણે સ્વીકારીએ તો ભય બાબતનું જ્ઞાન
મૅનેજમૅન્ટ માટે મહત્ત્વનું બની રહે છે.અભિલાષા, તૃષ્ણા, મહાત્વાકાંક્ષા, નિયંત્રણ, સફળતા, અનુપાલન એ બધાં
માણસનાં ભયનાં સ્થાપત્યનાં ઘડતર પર પ્રભાવક પરિબળો છે.આપણે સંસ્થાઓ તરફ નજર કરીને 'અભય' દર્શાવતા ઊંચા
થયેલા હાથનાં પ્રતિકો ખોજતાં રહીએ છીએ.તેના બદલામાં વિશાળ કદ, પોલાદ અને કાચની એરકન્ડિશન્ડ શુષ્કતા,ઈ-મેલથી ચાલતા સંવાદો, ઓળખપત્રો
ધરવાથી ખુલતા દરવાજાઓ, ક્લોઝ્ડ-સર્કીટ
કૅમેરાઓ અને નજરને નડે નહીં તેમ ગોઠવેલાં માઈક્રોફોન અને સ્પીકરોથી ચાલતી સમીક્ષા
બેઠકો જેવી અવૈયક્તિક કાર્યપ્રણાલિઓ આપણા ભયને વિસ્તારે છે, પ્રગાઢ કરે છે.
‘ધ ટાઈમ્સ ઑફ
ઈન્ડિયા' માં મે ૧૪,૨૦૧૪ના રોજ
પ્રકાશિત થયેલ
v અસલ અંગ્રેજી લેખ,
The
Architecture of Fear , વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર જુલાઈ
૨૪,
૨૦૧૪ના રોજ Business
• Indian
Mythology • Modern
Mythmaking • Myth
Theory • Society
ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
§ અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ઓગસ્ટ ૩૧, ૨૦૧૬
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો