બુધવાર, 7 સપ્ટેમ્બર, 2016

ઉત્તરોત્તર પરિવર્તનની શક્તિ



- તન્મય વોરા


એકદમ ઝડપથી બદલતાં વાતાવરણમાં આપણી નજરે માત્ર જે તાકીદનું, તાત્કાલિક કે એકાએક બનતું હોય તે જ નજરે ચડે છે. મોટા ભાગે ક્રમાનુસાર થતી ઘટનાઓને આપણે ધ્યાન પર લેવાનું ચૂકતાં હોઈએ છીએ. 

તીખ્ખી, તમતમતી વાનગીનો કોઈ કોઈ વાર કરેલ ચટાકો ભારે કદાચ ન પડે, પણ એ જો આપણી જીવનશૈલીનો અનિવાર્ય હિસ્સો બનીને ગોઠવાઈ જાય તો તેનાં પરિણામો બહુ બધી જગ્યાએ પડી શકે છે. કોઈ સાથે વાયચીતમાં થયેલ એકાદ ચૂક સંબંધને કદાચ ખાટો ન પણ કરી મૂકે, પણ દરેક વખતે એવાં જ ગતકડાં થતાં રહે તો સંબંધો કદિ પણ ન સુધરી શકે એ હદે વણસી જઈ શકે છે.
જે સંસ્થામાં નાની નાની તંત્ર વ્યવસ્થાઓ એકબીજાંમાં ગૂંથાઈને એક મોટી વ્યવસ્થામાં પરિણમતી હોય અને દરેક મોટી તંત્ર વ્યવસ્થાઓ પણ એકબીજાં જોડે ક્રિયાપ્રતિક્રિયાઓ કર્યે રાખતી હોય ત્યારે પરિસ્થિતિ વધારે સંકુલ બની રહે છે. કોઈ એક જગ્યાએ લીધેલ નિર્ણય કે પગલું ક્યાંક દૂર દૂર બીજી, અકલ્પ્ય જગ્યાએ પણ, અસર કરી દેતી હોય છે. વ્યૂહાત્મક નિર્ણયો કે અમલવારીની થાપ ટુંક સમયમાં નજરે નથી ચડતી, પણ લાંબે ગાળે, અમુક ચોક્કસ પરિસ્થિતિઓ સર્જાય ત્યારે ઘાતક પણ નીવડી શકે છે. 


આ કાળાં વાદળોમાંથી એક સારી વાતનું કિરણ પણ ફૂટી તો રહ્યું જ છે. કોઈ પણ મહાન સફળતાના પાયામાં નાની બાબતોમાં કંઈક્ને કંઈક ખરૂં થયેલું રહેલ હોય છે.. સફળ કારકીર્દીઓ દરેક પગથિયે નાની સફળતાઓની સીડી પર કદમ માંડીને સિદ્ધ થાય છે.એક એક યોગ્ય સમયે કરેલ યોગ્ય કામ લાંબા ગાળા માટે વિશ્વાસનું ભાથું એકઠું કરે છે. અનુભવોનું જ્ઞાન ઝીણી ઝીણી બાબતો પર ધ્યાન આપતા રહેવાથી ઘડાય છે. ટીમનાં અતૂટ બંધન ખુલ્લાં દિલે થયેલ એક એક સંવાદથી કસાય છે. કહેવાય છે ને કે ભગવાનની ઘંટી દળે ભલે ધીમું પણ દળે એકદમ બારીક. જે ઝડપથી આવે તેને જો સચવાય નહીં તો ઝડપથી જતું પણ રહે છે. 


તેમ છતાં આપણે ધીરે ધીરે થતાં પરિવર્તનો ચૂકી તો જતાં જ હોઈએ છીએ. એમ કેમ થતું હશે? એક મહત્ત્વનું કારણ એ છે કે મહદ અંશે જે નજર સામે છે તેને તત્કાળ પ્રતિભાવ આપવામાં આપણું ધ્યાન રોકાઈ જાય છે.કરવા કરવાની પ્રવૃત્તિમાં ખર્ચાતી આપણી ઉર્જા આપણી વિચાર કરવાની પ્રજ્ઞાને સુષુપ્ત પાડી દેતી હોય છે.જે વસ્તુ ચાલી જ રહી છે તેને આપણે ઓછું ધ્યાન આપતાં હોઈએ છીએ. બહુ નજદીકની ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવા કરવામાં એ ઘટનાઓને સાંકળતું બૃહદ ચિત્ર આપણી નજરમાંથી ઓઝલ થઇ જતું હોય છે.આમ થવાથી એ વિષેની આપણા પર થવી જોઈએ તે અસર પણ મોળી પડી જાય છે.

આ સંદર્ભમાં ઠંડા પાણીને ધીમે ધીમે ગરમ કરતાં જતા એક પ્રયોગમાં એક દેડકાના પ્રતિભાવોના કરાયેલા અભ્યાસના સંદર્ભમાં બહુ ચર્ચિત અર્થાલંકાર યાદ કરવા જેવો છે.[i]

જો એક દેડકાને ઉકળતાં પાણીમાં નાખવામાં આવે તો તેની સ્વાભાવિક પ્રતિક્ષિપ્ત પ્રતિક્રિયા તેમાંથી બહાર કૂદી પડવાની જ હોય. પરંતુ એ જ દેડકાને ઠંડા પાણીમાં મૂકી અને પાણીને એકદમ ધીમે ધીમે ગરમ કરવામાં આવે તો દેડકો કૂદા કૂદ કરશે પણ બહાર નીકળી પડવા માટે મરણિયો નહીં થતો જોવા મળે. પાણીમાં વધતો ગરમાવો તેને માફક આવવા લાગે છે અને હવે તેને આવનારો ભયની અનુભૂતિ પણ નથી થતી. પાણી જ્યારે તેની સહનશક્તિની બહાર ઉકળવા લાગે છે ત્યારે તે ધમપછાડા કરે પણ હવે તે એવો ફસાઈ ચૂક્યો છે કે મોત જ તેને તેમાંથી છોડાવી શકે.

એક વ્યાવસાયિક માટે, અને ખાસ તો એક અગ્રણી માટે, ધીમાં, મર્મિક પરિવર્તનોને પારખી શકવાં અને તેની ટુંકા ગાળાની તેમ જ લાંબા ગાળાની અસરોને બરાબર સમજવી એ એટલું જ મહત્ત્વનું છે જેટલી અચાનક જ આવી પડતા મોટા ફેરફારને ખાળી શકવાની ક્ષમતા મહત્ત્વની છે.
અર્નેસ્ટ હેમિંગ્વેની નવલકથા 'ધ સન ઑલ્સૉ રાઈઝીસ'નાં એક મુખ્ય પાત્ર માઈક કૅમ્પ્બૅલને જ્યારે પૂછવામાં આવ્યું કે 'તું કેમ કરતાં દેવાળિયો બની ગયો?' ત્યારે તે જવાબમાં કહે છે કે, 'ધીમે ધીમે..અને પછી એકદમ અચાનક."
ફોટોગ્રાફ સૌજન્ય: ચારૂ વોરા - લાલ આંખવાળો મેંડક - કોસ્ટા રીકા

[i]
1.      The Story of B -  Daniel Quinn
2.      The Legend ofthe boiling frog is just a legend – Whit Gibbons
3.      The boiling frog myth – Dawn Amsredam

Ø અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો