ભાગવત પુરાણમાં રાસ લીલાની કહાની છે, જેમાં કોઈ પરંપરા કે નિયમમાં ન કહેવાયું હોવા છતાં કૃષ્ણ બધાંમાં પ્રેમ
વહેંચે છે અને બધાંનું ધ્યાન પણ રાખે છે.મહાભારતમાં મનથી દ્રૌપદીને અર્જુન માટે એક
ખાસ લાગણી હોવા છતાં તેમણે તેના પાંચે પાંચ પતિને સરખો પ્રેમ કરવો પડે છે. દ્રૌપદી
તેમાં એટલી હદે સફળ પણ રહે છે કે તેનાં મનની વાત એક માત્ર યમ જ જાણી શકે છે.શિવ
પુરાણમાં ચંદ્રને સત્યાવીસ રાણીઓ છે. તે બધાંને સરખો જ પ્રેમ કરે એ તો અપેક્ષિત જ
છે. પરંતુ એ જેમ જેમ તેમનાં વધારે માનીતાં રોહિણીની નજદીક જાય તેમ તેમ તેમની કળા
ખીલતી જાય અને તે વધારે ને વધારે રમણીય લાગાવા લાગે. તો એ જેમ જેમ દૂર જાય તેમ
તેની કળા ઘટતી જતી અને તેનું રૂપ ઝાંખું થતું જતું જોવા મળે.
વ્યાપાર ઉદ્યોગમાં પણ જૂદા જૂદા કરારો અને બોનસ
મહેનતાણાં જેવાં પ્રોત્સાહનો વડે આપણે લોકોને સંસ્થાનાં મૂળભૂત કર્તવ્ય સાથે
જોડાયેલાં રાખવા પ્રયત્નશીલ રહીએ છીએ.અહીં પણ કૃષ્ણનાં વ્યાવહારિક આચરણોને આદર્શ
તરીકે માનવામાં આવે છે. જો કે બહુ થોડાં જ કૃષ્ણના આદર્શ તરફ અંશતઃ પણ પહોંચી શકે
છે તે વળી અલગ બાબત છે. જોડાણ માત્ર વિચારનું
થવાની સાથે સાથે જો લાગણીઓ અને ભાવનાઓનું પણ બને તે વધારે અગાત્યનું છે. પણ
વિચારો લાગણીઓને દોરવણી નથી પૂરી પાડી શકતા કે મનને કાયદાઓ ને પ્રક્રિયાઓથી વશ નથી
કરી શકાતું. દ્રૌપદીની જેમ, આપણને બધાંને
જે ગમતું હોય તે કરવાને બદલે જે બધાંને ગમે તે જ કરવું પડતું હોય છે, પછી ભલેને એમ કરવાથી કોઈને પણ પુરતો સંતોષ ન હોય.ઘણી વાર તો આપણી હાલત
ચંદ્ર જેવી બની રહેતી હોય છે, દક્ષના શ્રાપનો
ભય હોવા છતાં આપણે આપણું મન આપણી પસંદ તરફથી વાળી નથી શકતાં. મજાની વાત તો એ છે
બધાં જ અંદરખાને આ વાત સમજે છે, માને છે, પણ તેમ છતાં સર્વસ્વીકૃત કર્તવ્ય કથનમાં એકરસ થવાની આધુનિક મૅનજમૅન્ટની
માન્યતાની પુષ્ટિ કરવામાં ક્યાંક ક્યાંકને સુર પૂરાવતાં પણ રહે છે.
દરેક સંસ્થાને પોતપોતાનું કર્તવ્ય કથન હોય તે માટે
કેટકેટલાં પ્રોત્સાહનો પણ પૂરાં પાડવામાં આવતાં રહેતાં હોય છે. બધાંને ઠુંસી
ઠુંસીને સમજાવવામાં આવે છે દરેકનું એક માત્ર સર્વસામાન્ય લક્ષ એ કર્તવ્ય કથનની
પૂર્તિ છે. મોટે ભાગે બધાનાં મત જાણવાની લોકશાહી ઢબે કર્તવ્ય કથન નક્કી કરાતું હોય
છે, જેમાં ભલે ને કર્ત્વય કથનનાં ઘડતરની પ્રક્રિયાના નિષ્ણાત
કન્સલટન્ટની છત્રછાયા તો બનેલી રહેતી જ હોય. આકરી કસોટીઓમાંથી નિપજતું કર્તવ્ય કથન
એવું અદ્ભૂત હોવું જોઈએ કે વાંચતાંવેંત જ તેના પ્રભાવમાં આભિભૂત બની રહેવાય. કર્ત્વય
કથન ઘડનારી ટીમમાં સંસ્થાના મુખ્ય સંચાલક મહત્ત્વની ભૂમિકા અદા કરતાં હોય છે, વળી છેલ્લે એ કથનને જાહેરમાં ખુલ્લુ મુકતી વખતે તેમની મંજૂરીની તેમાં સહી
પણ હોય જ છે, એટલે તેઓ તો
કર્તવ્ય કથન સાથે મનવચનકર્મથી સંકળાયેલા રહે તે તો સ્વાભાવિકપણે અપેક્ષિત હોય જ.
ખરી સમસ્યા શરૂ થાય છે એ દિવસે જ્યારે મુખ્ય અધિકારી નિવૃત થાય કે પદત્યાગ કરે.
નવા મુખ્ય સંચાલકને વારસામાં પેલું જૂનું કર્તવ્ય કથન
મળે છે જે સાતત્ય જાળવી રાખવાનાં દબાણમાં તેમણે વફાદારીપૂર્વક નિભાવવું પડે છે. જો
કે આજના મુખ્ય સંચાલક તો તેમની સાથે
સંસ્થા માટે નવી દિશાઓ ખોલી આપવાની જવાબદારી સાથે આવે છે. નવો મર્ગ કંડારવા માટે
તેમણે નવી વ્યૂહરચનાના ભાગ રૂપે નવું કર્તવ્ય કથન પણ ઘડવું રહે છે. આમ સંસ્થાનાં
દૂરગામી દર્શન અને મૂલ્યોની જેમ કર્તવ્ય કથન પણ એક એવી ભૂમિકા છે જે આપણે
નિષ્ઠાપૂર્વક અદા કરવી પડે છે. હા. રંગમંચ જો બદલે તો વળી નવી ભૂમિકા ભજવવાની
તૈયારી પણ રાખવી પડે. ખરા અર્થના કોઈ પણ વ્યાવસાયિકે તો એક જ દિવસમાં ભજવવાનાં આવી
શકતાં અલગ અલગ પાત્રો માટેનાં અલગ અલગ દૃશ્યોની માંગ મુજબ જૂદા જૂદા ભાવોને
સફળતાપૂર્વક ભજવી શકવાની ક્ષમતા પણ કેળવવી રહી.
કર્ત્વય કથનનું મૂળ બાઈબલની વરદાયીત ભૂમિ [the
Promised Land]ના વિચારમાં જોવા મળે છે. પયગંબરે ગુલામોને ઈજીપ્તમાં
દૂધ અને મધની એવી ભૂમિ ઇંગિત કરી જ્યાં તેઓ મુક્ત બની શકે. આ માટે કરીને તેઓને
તેમની હાલની સગવડોને ત્યજીને દરિયા પરની નવી ભૂમિ તરફ ચાલી અજાણ્યા માર્ગ પર
અજ્ઞાત લક્ષ્યની શોધમાં નીકળી પડવા માટે પ્રોત્સાહિત કર્યા. ગુલામોને પણ હવે તેમની ગુલામીની વેઠ એકસરખી
કઠતી હતી. દરેકને તેમાંથી મુક્તિ જોઈતી હતી. બધાંને એ વરદાયીત ભૂમિનું સ્વપ્ન
સિદ્ધ કરવું હતું. બસ, એ કારણે તેઓ આ
નવાં કર્તવ્યના માર્ગ પર એકજૂથ થઈ શક્યા. પરંતુ દરેક નવો મુખ્ય સંચાલક, કોઈએ સ્વપ્નમાં સેવેલી વરદાયીત ભૂમિ મેળવવા, એટલા જ ઉત્સાહથી કામે લાગી પડે તેવું જરૂરી તો નથી ને! વળી સંસ્થાની દરેક
વ્યક્તિના મનમાં એક જ વરદાયીત સ્વપ્ન ચિત્ર અંકાયેલું હોય એમ પણ જરૂરી થોડું છે? માલિકીઅંશધારકોનું દર્શન કર્મચારીઓને પરાણે ઠોકી બેસાડેલ બોજ નહીં લાગતું
હોય ?તેમણે સંસ્થા
સાથે કરાર કર્યો છે એટલા સારૂ જ તો કર્મચારીઓ એ મુજબ એટલે કામ કરવા (કે કામ કરવા
તૈયાર છે એમ દેખાડવા) તૈયાર નથી થયાને ?
બાઈબલમાં જણાવાયું છે તેમ ગુલામો ઇસ્રાયેલમાં આવેલી
વરદાયિત ભૂમિ માટે ઈજીપ્તને છોડી તો દે છે, પણ એ વરદાયીત ભૂમિ કઈ હોવી જોઈએ કે તે આ
છે કે પેલી એમ નક્કી કોણ કરે એવી અસહમતિઓનાં મતમતાંતરોને કારણે નવાં
સામ્રાજ્યમાં તડાં પડ્યાં; ઈસ્વીસન પૂર્વે
૧૧મી સદીમાં ઇસ્રાયેલના પહેલા રાજા શાઉલનું સ્થાન હવે રાજા ડેવીડે લઈ લીધું; અંદર અંદરના વિરોધને પરિણામે કર્ત્વય સિધ્ધિના માર્ગમાં પડેલી તિરાડોએ
રાજ્યના ભાગલા પાડી નાખ્યા. આખરે, શત્રુઓએ ભૂમિ
પર પોતાનો કબ્જો જમાવ્યો અને મુકત થયેલા ગુલામોનાં સંતાનો ફરી ગુલામ બન્યાં અને
દેશપાર થયાં.
(આજકાલ ભૂલાઈ
ચૂકેલ) પરંપરાગત હિંદુ અભિગમ, વેપારમાં
સર્વસામાન્ય લક્ષ્ય પર ધ્યાન નથી કેન્દ્રિત કરતો. મૂળે તો એ વિભાવનામાં કોઈ લક્ષ્ય
જ નથી હોતું. એ સમયના ઋષિઓ માટે લક્ષ્યો તો હેતુ અને દિશાનો ભાસ પેદા કરતાં
સીમાચિહ્નો માત્ર હતાં. કોઈ પણ માનવ પ્રવૃત્તિનાં વણબદલતા હેતુની જેમ વ્યાપારનો પણ
મૂળ હેતુ કશેક પહોંચવા પૂરતો જ નથી, પણ આપણે ખરેખર કોણ/ શું છીએ અને તેમ કેમ બની શકીએ તે ખોળી કાઢવાનો છે.આપણે બધાંએ એવા વિષ્ણુ
થવાનું છે જે એવું વાતવરણ સર્જે જ્યાં
સબકા સાથ સબકા વિકાસ થાય, જ્યાં સમૃદ્ધિ
છેક છેવાડાની વ્યક્તિની જરૂરીયાત અનુસાર
પહોંચે. સમગ્ર માનવ જાતને એક તાંતણે બાંધતો હેતુ આવો હોવો જોઈએ.દરેક સમયના 'વિષ્ણુ' પોતાની
કાબેલિયત, શક્તિ અને એ
સમયના પડકારો અનુસાર પોતાની ભૂમિકા ભજવે છે. શરીરમાંનો એક કોષ તેના પડોશી કોષની
જરૂરિયાતને અતિક્રમીને જો પોતાનો જ વિકાસ કર્યે રાખે તો એ અંગમાં કેન્સર થઈ પડી
શકે છે.
પરંતુ એવા 'વિષ્ણુ' થવું કઠીન છે.
આપણે આપણી અસલામતીઓથી એટલાં ઘેરાયેલાં રહીએ છીએ કે તેના ઉપાય તરીકે આપણી આસપાસની
દુનિયા પર આપણે એવું નિયમન લાગુ કરવા મથતાં રહીએ છીએ જેમાં બધા જ ભાવિ સંજોગો સાથે
સફળતાથી કામ લેવા માટે તેની નિશ્ચિત આગાહી શક્ય બને.એમાંને એમાં આપ્ણે કોઈ કામ
બીજાં પર છોડતાં ગભરાઈએ છીએ, કોઈ પર ભરોસો
મુકી નથી શકતાં. કોઈ આપમેળે કંઇ કરે તે આપણને માંડ સ્વીકાર્ય બને, આપણી સૂચના મુજબ જ આપણે જેમ કહીએ તેમ, આપણે કહીએ એટલું જ એ કરે એ મુજબ બધું નિયમનમાં રહે આપણને તો એ જ ગમે.
પણ દરેક વખતે બધું જ આપણા ગમાઅણગમા મુજબ થતું નથી હોતું, કુદરત પોતાની રીતે જ ચાલે છે, આપણી પણ વધતી જતી વય પોતાનો હિસ્સો માગે છે, દુનિયા તો પોતાની રીતે બદલતી જ રહે છે. ધીમે ધીમે આપણે જમાવેલી પકડ ઢીલી
પડવા લાગે છે. આપણે હવે આપણી જાતને એવો બલિનો બકરો માનવા લાગીએ છીએ જેને સામે મળતી
દરેક વ્યક્તિ ભોગ ધરાવવા માગતી હોય.આમ થવાનું એક કારણ એ છે કે આપણે આપણામાંના 'વિષ્ણુ'ને બહુ પહેલેથી
પારખી ન શકયાં, અને એટલે બહુ
પહેલેથી એ 'વિષ્ણુત્ત્વ'ને નિખરવા પણ ન દીધું.પરિણામે અનનવા પાઠ ભજવવાના આનંદપ્રમોદ પમાડતી
રંગભૂમિના મંચને બદલે આપણું જીવન નિર્દય રાજકીય દાવપેચના સંગ્રામોથી રંજિત રણભૂમિ
બની રહે છે.
‘ધ ટાઈમ્સ ઑફ
ઈન્ડિયા' માં ફેબ્રુઆરી ૨૮,૨૦૧૪ના રોજ
પ્રકાશિત થયેલ
- અસલ અંગ્રેજી લેખ, Whose Mission is it Anyway? , વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર જુલાઈ ૨૬, ૨૦૧૪ના રોજ Indian Mythology • Mahabharata • Myth Theory • Society • World Mythology ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
§ અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ સપ્ટેમ્બર ૧૪, ૨૦૧૬
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો