બુધવાર, 21 સપ્ટેમ્બર, 2016

આકસ્મિક સુખદ ઘટનાની ખોજ અને ધ્યાન કેન્દ્રિત કરવાની અભિલાષા વચ્ચે સંતુલનની જાળવણી



- રાજેશ સેટ્ટી
પહેલી નજરે તો આ બાબતે દુવિધા જ અનુભવાય.
મૅનેજમૅન્ટ કે યોગ પરનાં કોઈ પણ પુસ્તકમાં કહેવાયું જ હોય છે કે કંઈ પણ મોટું સિદ્ધ કરવું હોય તો કોઈ એક ચોક્કસ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરો.
પરંતુ, કેટલાંય સફળ લોકો તેમની અંગત પળોમાં એમ પણ કહેતાં સાંભળવા મળશે કે સફળતા એ તો કોઈ એક અણકલ્પી ઘડીએ ઝડપાઈ ગયેલ એક તક છે જે આક્સ્મિક સુખદ સંજોગોના મેળમાં સફળતાને વરી છે.
એટલે આપણે વિચારે ચડી જઈએ છીએ -
આકસ્મિક તકને ઝડપવા માટેની ઘડીની રાહ જોવી
કે
કોઈ એક ચોક્કસ ધ્યેય પર જ ધ્યાન કેન્દ્રિત કરવું....
બેમાંથી કોઈ એક જ કરવું શકય દેખાય છે.
બીજા શબ્દોમાં કહીએ તો એક મેળવવું હોય તો બીજાંને છોડી દેવું રહ્યું.
પણ એવી પસંદગી કરવી જ પડે એમ જરૂરી નથી.
બીજો એક સારો માર્ગ પણ છે.
આ માટે થોડુંક આગોતરૂં આયોજન અને વિકલ્પો વિષે થોડું વિચારમંથન કરીને જો જીવનનો માર્ગ કંડારવાનો સભાન પ્રયત્ન કરતાં રહેવાય તો  આપણા હેતુઓ બાબતે આપણે ઘ્યાન પણ કેન્દ્રિત કરી શકવાની અને આકસ્મિક મળી જતી, સંભાવનાઓવાળી, તકને પણ હાથવગી કરી શકવાની શક્યતાઓ બહુ ઉજળી કરી શકાય.
અહીં આવા ત્રણ શક્ય ઉપાયો રજૂ કરેલ છેઃ
૧. આપણને બેધ્યાન કરતી નાની નાની બાબતોને સ્વીકારી લઈએ અને તેના વિષે વિચલત ન થઈએ.
કોઈને કોઈ સંદર્ભમાં થતા રહેતા ફેરફારો વિષે તો બહુ કહેવાતું આવ્યું છે. એક વાર તેને, ભલેને સૈદ્ધાંતિક સ્તરે પણ, સ્વીકારી લઈએ, તો ધીમે ધીમે આવી ઘટનાઓ પછી મોટી લાગવા મંડે છે.
આમ થવાની સામે શીંગડાં  તો ભરાવી શકાય, પણ આ દુનિયામાં બધે જ લડાઈઓ કરતા રહેવાથી પાર તો આવે એમ નથી.
નાની વાતોમાં લડાઈઓ કરતા રહેવાને બદલે, ઠંડે કલેજે આવી આપણી આસપાસની ઘટનાઓની કૂદાકૂદ પર ઓછું ધ્યાન આપી શકાય ! આમ કરવાથી, કમ સે કમ, આપણાં દિલોદિમાગ પર આ ઘટનાઓ કબજો તો નહીં જમાવી બેસે !
મોટા ભાગની આવી ઘટનાઓ આપણા મૂ ળભૂત હેતુઓના સંદર્ભમાં બહુ મહત્ત્વ નથી ધરાવતી હોતી. એટલે તેના તરફ થોડું ઓછું ધ્યાન આપવાથી કેટલુંક નુકશાન થઈ શકે બસ એટલી એક ગણતરી કરી લેવી જોઈએ. જો નુકશાન બહુ મોટું ન હોય તો એ ઘટનાને આરામથી બાજૂએ કરી શકાય.
અહીં તેના તરફ દુર્લક્ષ સેવવાની વાત નથી, વાત છે ગણતરીપૂર્વક ઓછું ધ્યાન આપવાની.
૨. દરેક સંબંધને ધ્યેયસિદ્ધિનાં પગથિયું ગણીએ કે પછી, દરેક તકને આપણી ભવિષ્ય અંગેની જરૂરી સક્ષમતાને ઘનિષ્ઠ બનાવવામાટેના સ્ત્રોતમાં ફેરવવાની કોશીશ કરીએ.
હા, શત પ્રતિશત સફળતાની ખાતરી તો ક્યાંય ન હોય, પણ આ દિશામાં પ્રયત્ન કરવા જેટલું રોકાણ તો અચૂક કરવું જોઈએ.
આમ કરવાથી આપણી સામેની સ્થિતિનું અપેક્ષિત મૂલ્ય ધરમૂળથી બદલાઈ જશે.
કેટલક વિક્ષેપોમાં ક્યાં તો ભાવિની બહુ મોટી સંભાવના દેખાશે, તો મોટા ભાગના વિક્ષેપો અલપઝલપ જોવાનો ધોખો નહીં રહે..
જો આપણી દાનતમાં લાંબા ગાળાનાં હિતની શુદ્ધ દૃષ્ટિ હશે તો આસપાસના આકસ્મિક સંજોગોને આપણી શરત મુજબના ખેલમાં સામેલ કરી આપણા નિશ્ચિત હેતુ ધ્યાન આપી રાખવું શકય બનવા લાગશે.
૩. જેમ જેમ દુનિયા જાણતી થશે કે આપણે લોકો માટે તકોના દરવાજા ખોલી શકવા સક્ષમ છીએ તેમ તેમ વધારેને વધારે આકસ્મિક તકો આપણે દરવાજે દસ્તક દેવા આવવા લાગશે.
આકસ્મિક આવી પડતી તક એ કંઇ પતાસું નથી કે શેખચલ્લીની જેમ મોં ફાડીએ કે મોંમાં આવી પડે, કે નથી એ બજારમાં મળતી વસ્તુ કે કે તેને કોઇ એક કિંમત આપીને મન પડે ત્યારે ખરીદી આવીએ કે નથી એ કોઈ ખજાનામાં ઢબુરાઈને પડેલી જણસ કે ખુલ જા સિમસિમના જાદુઈ મંત્રથી હાથ લાગી જાય.
કસ્મિક તક ઊભી કરવાનો એક સચોટ રસ્તો છે આકસ્મિક તકો આપણી તરફ ખેંચાતી ચાલી આવે એવું ચુંબકત્ત્વ આપણામાં વિકસાવવું.થોડી કલ્પનાશીલ દુનિયાની ભાષામાં કહીએ તો રાજા મિડાસ બની જવું જોઈએ જેના દરેક સ્પર્શથી વસ્તુ સોનું બની જતી.
પણ પારસમણી હવામાં તરંગી તુક્કાના કિલ્લા બાંધવાથી નથી કોઈને મળ્યો કે નહીં કોઈને મળે! પારસમણી પામવા માટે આપણે કોઈ માટે પારસમણી થવું પડશે.

આ વિષય પર વધારે વાંચવું હોય તો How to Hack Serendipityની મુલાકાત જરૂરથી લેશો.


આ શ્રેણીના લેખક શ્રી રાજેશ સેટ્ટીનાં સંપર્ક સૂત્રઃ




  • અનુવાદકઃ  અશોક વૈષ્ણવ, અમદાવાદ, ૨૧ સપ્ટેમ્બર, ૨૦૧૬

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો