આપણા મનમાં સવાલ થતા જ હોય છે કે વડીલોને પગે લાગવું, રાષ્ટ્રગીત વાગતું હોય ત્યારે ઊભા થઇ જવું, શુભ પ્રસંગો કે તહેવારોના દિવસોમાં ઘરનાં બારણે આસોપાલવ
કે ફૂલોનાં તોરણ બાંધવાં, અમુક દિવસોએ અપવાસ રાખવો એવા રીતરિવાજો શામાટે પાળવામાં આવતા હશે !
મોટા ભાગે આપણને સંતોષ થાય એ સ્તરના જવાબો પણ મળી રહેતા
હોય છે. જો કોઈ એમ કહે કે આમ તો આ રીતરિવાજો નિરર્થક છે તો આપણને એ જવાબ નહીં ગમે. સામાન્યતઃ કેવો જવાબ
પોતાને સંતોષકારક લાગશે તે નક્કી તો સવાલ પૂછનાર જ કરી લેતું હોય છે.
મૂળતઃ મોટા ભાગના રિવાજોનો કોઈ ચોક્કસ અર્થ નથી
હોતો.એટલે એમ પણ નહીં કે તેમનું કોઈ મહત્ત્વ પણ નથી. મોટા ભાગના સમાજ્શાસ્ત્રવિદો
અને નૃવંશશાસ્ત્રવિદો આ વાત જ સમજાવવા કોશીશ કરતા રહ્યા છે, પણ બહુ થોડાં લોકો તેમની વાત સમજવા તૈયાર છે.
રાષ્ટ્ર ગીતનું જ ઉદાહરણ લઈએ: તમે તેમાંથી શું અને
કેટલું સમજો છો તેના કરતાં તે શી રીતે અદા કરાય છે તે વધારે અગત્યનું છે. સમજણ પડે
કે ન પડે, ઊભાં થઈ જાઓ કે
ન થાઓ, એના કારણે
રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે છે કે નહીં, એ મહત્ત્વનું નથી; મહત્ત્વનું એ છે કે તેને અદા કરવા માટે કોઈ શરતો ન હોઈ શકે.એમાં કોઈ જ
સુધારાવધારા ન કરાય, એની પરિકલ્પના કે અર્થઘટન બીજી કોઈ રીતે ન કરાય. આ બાબતે ન્યાયાલયો પણ
એકમત અને સ્પષ્ટ છે. એને આપણા બંધારણના ઘડવૈયાઓ જે રીતે નક્કી કર્યું તે જ રીતે
અદા કરવું પડે.એમાં કોઇ સવાલ જવાબ ન ચાલે.
નિયમિતપણે, લાંબા સમય સુધી, સમુહમાં તે અદા કરવાથી રાષ્ટ્રપ્રેમ વિષે જાગૃતિ વધે છે. આચરણનું આ એવું
મૉડેલ છે જે મગજને બાજૂએ રાખી આપણને સીધું શરીર વડે શીખવાડે છે. બાળકો પણ શરૂઆતની
બહુ બધી બાબતો આ રીતે બીજાં લોકોના હાવભાવ જોઈ જોઈને જ શીખતાં હોય છે. એટલે જ
કહેવાય છે કે એક ચિત્તે નિયમિતપણે પૂજા કરવાનું રાખશો તો મનમાં ભક્તિ આપોઆપ
જાગશે.એ જ રીતે મૅનેજમૅન્ટ ગુરુઓ સમજાવે છે કે કોઈ એક ચોક્કસ પ્રક્રિયા અમુક જ
રીતે વારંવાર કરવાથી એ આપણી સ્વયંભૂ પ્રતિક્રિયાનો હિસ્સો બનીને આપણાં આચરણમાં
વણાઈ જાય છે.ચીનમાં શારીરીક લડાયક કળાઓ આ રીતે જ શીખવવામાં આવે છે.પાળતુ પશુઓને પણ
આપણે ઘણી બાબતોની તાલીમ આ રીતે જ આપતાં હોઈએ છીએ.પશુ સાથેની સરખામણી કોઈને કદાચ
ખૂચશે, પણ આપણી હાલની
ચર્ચા માટે તો જે પરિણામો વિષે આપણે વાત કરવા માગીએ છીએ તેનું મહત્ત્વ છે.
પ્રાચીન ભારતમાં આ ઢાંચાને અનુસરનાર લોકો કર્મમાર્ગી
કહેવાતાં. એ લોકોએ બધાં કર્મકાંડોને બ્રહ્મમાનસ જેવાં નિયમસંગ્રહોના ગ્રંથોમાં
જાળવ્યાં, એટલે તેઓ
બ્રાહ્મણ પણ કહેવાયા. તેઓ વેદ મંત્રોને બહુ ચોકસાઈથી, પાદપાઠની પદ્ધતિથી અભ્યાસ કરતા અને ઉચ્ચારતા. એના અર્થની સમજણ સાથે તેમને
બહુ લેવાદેવા નહોતી. જ્ઞાનમાર્ગીઓએ આ પ્રથાને પડકારી. તેઓએ વૈદિક આચારપદ્ધતિઓમાંથી
પ્રેરણા લીધી. તેમના આ વિચારોમાં તેમને યજ્ઞ પાછળનો ખરો અર્થ દેખાતો.તેમના સંવાદોએ
ઉપનિષદોનું રૂપ લીધું અને પછીથી તે વેદાંત તરીકે ઓળખાયા. કેટલાક જ્ઞાનમાર્ગીઓએ વળી
વેદનો માર્ગ પણ છોડી દીધો. એ લોકો (જૈન કે બૌદ્ધ ધર્મીઓની માફક) શ્રમણ તરીકે
ઓળખાયા.
આજે જ્યારે લોકો કોઈ રિવાજનો અર્થ જાણવા માગતાં હોય છે, ત્યારે તેઓને જવાબ અમુક ઢાંચામાં બંધબેસતો જ જોઈતો હોય
છે. જેમ કે પૌરાણીક બધી જ બાબતો તેમને 'વૈજ્ઞાનિક' જ જોઈએ.તેમને માત્ર
શબ્દાર્થ છોડી એ બાબતનાં સામાજિક કે માનસિક કે સાંસ્કૃતિક પાસાંની દૃષ્ટિએ વાત
કરશું તેવાં જ એ લોકો કહી ઊઠશે, 'બસ, જ્ઞાન દેવાની
જરૂર નથી.' કે 'બહુ બૌદ્ધિક શાસ્ત્રાર્થ ન માડશો.' છેલ્લે કોઈ કારી નહીં ફાવે તો તેમની તકિયા કલામ હશે, 'ના, મારી સમજ મુજબ એવો અર્થ ક્યાં થાય છે?'.
જે લોકો ભાવાત્મક વિચારને સમજી શકે તેમ નથી, તેમને માટે પણ આપણે સગવડ તો કરવી જ રહી. કર્મમાર્ગનો જન્મ કદાચ એ રીતે જ થયો હશે.બૌદ્ધિકો અને
રેશનાલિસ્ટો તેમને આઘા કરી રાખે છે, કારણકે તેમની દૃષ્ટિએ દરેક વ્યક્તિ બૌધિક અને તાર્કિક જ હોવી જોઈએ. પણ આપણે
મતદાન કઈ રીતે કરી છીએ તે યાદ કરશો એટલે સમજાઈ જશે કે ભલભલાં ભણેલાં, સુધરેલાં, લોકો પણ કેટલાંક તાર્કિક હોય છે !
‘ધ મિડ ડે' માં મે ૧૪,૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ
v અસલ અંગ્રેજી લેખ, The
Meaninglessness of Rituals, વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર જુલાઈ
૨૮, ૨૦૧૪ના રોજ Indian Mythology
• Modern
Mythmaking • Myth
Theory • Society
ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
§ અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ સપ્ટેમ્બર ૨૮, ૨૦૧૬
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો