શુક્રવાર, 4 નવેમ્બર, 2016

તાલીમ - પરિવર્તનનાં ચાલકબળની દૃષ્ટિએ- તન્મય વોરા
જે કોઈ સંસ્થાઓ વિકાસ કે પરિવર્તન કે નવું નવું શીખવાની પ્રક્રિયાના માર્ગો પર આગળ વધતી હોય છે ત્યાં દરેક કર્મચારીઓને, બહુ જોરશોરથી, તેમનાં કામને લગતી, કોઈને કોઈ તાલીમના અનેકવિધ કાર્યક્રમમાં સામેલ કરી રખાતાં હોય છે. આ બધી પહેલનાં મંડાણ ખૂબ ઉત્સાહ અને જોશથી થતાં હોય છે, પણ પછીથી બધું શિથિલ થવા લાગતું હોય છે. કેટલીક જગ્યાએ તો કરવા ખાતર કરવાના રિવાજ બનીને, સમયાંતરે આ તાલીમ કાર્યક્રમો શોભાના ગાંઠિયા સુદ્ધાં પણ બની રહેતા હોય છે. પ્રશિક્ષકો તાલીમની પ્રક્રિયા ચાવી ચડાવેલા રૉબૉની જેમ કરી જતા હોય તેમાં તાલીમના મૂળભૂત હેતુ તો યાદ કોઈને પણ ન આવે એ તો સ્વાભાવિક બની રહે.તાલીમ સમય પત્રકમાં નક્કી કરાયેલ છે, નાણાકીય જોગવાઈની મુદ્દત પૂરી થઈ જાય તો તાલીમ સંચાલકની કામગીરી પર પ્રશ્નાર્થ લાગી શકે, કર્મચારીઓનાં સ્કોરકાર્ડમાં ખોટ ન પડે, તાલીમો થતી રહેવી જોઈએ  એવાં બધાં કારણોસર તાલીમો થતી રહે છે. તાલીમની પ્રવૃત્તિ ધમધમતી જણાય, પણ તેમાંથી જીવનનું સંગીત નહીં, પણ મશીનોનો ઘોંઘાટ જ નિપજતો જણાય.
સામાન્યમાં સામાન્ય કક્ષાની તાલીમનું ખર્ચ પણ સારૂં એવું પરવડતું હોય છે. તાલીમને લગતા દેખીતા ખર્ચ ઉપરાંત તાલીમાર્થીઓ અને તાલીમ વ્યવસ્થાપન સાથે પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે સંકળાયેલાં  લોકોના સમયનાં ખર્ચનો જ સીધો આંકડો જ મોટોમસ થાય. તેમાં જો એ સમયમાં તેમનાં મૂળભૂત કામની ઉત્પાદકતાની જે સંભવિત તક નથી ઝડપાઈ શકી તેનાં ખર્ચને ઉમેરીએ તો તાલીમના ખરા ખર્ચનો સાચો અંદાજ મળે. આ રીતે કુલ ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે તો ખયાલ આવે કે કરવા ખાતર કરવાની તાલીમ કેટલી મોંધી પડે છે. પરંતુ ખર્ચ તો તાલીમની ઉપયોગિતાને વધારે અસરકારક બનાવવા માટેનો પ્રતિક્રિયાત્મક માપદંડ પણ કહી શકાય. માત્ર ખર્ચના જ દૃષ્ટિકોણથી જ ન જોઈએ તો પણ લાંબા ગાળે સ્પર્ધાત્મકતા ટકાવી રાખવા કે બહારથી લાવવામાં આવતાં જ્ઞાનને લોકોસુધી પહોંચાડવામાં કે નવોત્થાનની પહેલોને સંસ્થાકીય જ્ઞાન તરીકે જડી લેવામાં કે પરિવર્તનની પ્રક્રીયાની સમયાંતરે થતી રહેતી સમીક્ષામાંથી નિપજતા લોકોના અનુભવોને એકબીજાં સુધી પદ્ધતિસર રીતે વહેંચવા જેવા અનેક હેતુઓ માટે તાલીમ એક બહુ જ સબળ માધ્યમ છે.
આ અર્થમાં તાલીમનાં મૂલ્યનું મહત્ત્વ ફળીભૂત કરવા માટે તાલીમ સાથે સંકળાયેલાં દરેક લોકોના અભિગમમાં પાયાથી ફરક કરવો રહે. તાલીમ આપનાર બાજૂથી તાલીમ લેનાર તરફ કૌશલ વધારનાર એકતરફી વહેતા માહિતીના સ્ત્રોતને બદલે તેને પરિવર્તનનાં ચાલક બળની દૃષ્ટિએ જોવું જોઈએ. પહેલેથી અંત સુધીનાં દરેક પાસાંને તાલીમના મૂળભૂત આશય સાથે પુરેપૂરી રીતે અનુરૂપ રાખી અને પૂરી નિષ્ઠા અને ઉત્સાહથી, અમલ કરવાથી તાલીમ એ સંસ્થામાં ટકાઉ પરિવર્તનનું દ્યોતક બની રહી શકે છે. તે ઉપરાંત, લોકોની અપેક્ષાઓ, વિચારસરણી અને વર્તનને ઘડવામાં પણ તાલીમ બહુ અસરકારક માધ્યમ બની શકે છે.
ઘણી કંપનીઓમાં સંસ્થાનાં સૌથી વરિષ્ઠ સંચાલક પણ એક અદના તાલીમાર્થી તરીકે તાલીમ કાર્યક્રમમાં ભાગ લઇને બહુ જ અસરકારક ઉદાહરણ પૂરૂં પાડતાં હોય છે. આમ કરવાથી તેઓ માત્ર તાલીમનાં મહત્ત્વને એક ખાસ આયામ તો આપવાનું કામ જ નથી કરતાં, પણ સાથે સાથે તાલીમના હેતુને સહી દિશા પર બનાવી રાખી શકે છે. આ બધાં ઉપરાંત, તાલીમની અસરકારકતાને સમજવાની તેમને પ્રત્યક્ષ તક પણ મળતી રહે છે.
સમૂહમાં કરાતી તાલીમ માહિતીનાં આદાનપ્રદાન માટે કે લોકોની અપેક્ષાઓને ઘડવાનું કામ તો પાર પાડી શકે, પરંતુ લોકોની વિચારસરણીને સ્પર્શીને પરિવર્તનનાં ચાલક બળ તરીકે તો તાલીમ દરેકે દરેક વ્યક્તિસાથે વ્યક્તિગત સ્તરે સમીકરણ સાધે એ જરૂરી છે. એ માટે ઘણા સજાગ અને સંવેદનશીલ ઉપરીઓ કામ કરવાની સાથે સાથે તાલીમ આપવાનો માર્ગ અપનાવવાનું વધારે પસંદ કરે છે.  જે વ્યક્તિને તાલીમમાંથી કંઈ આપવાનું છે તેની સાથે સાથે કામ કરતાં તાલીમ આપવાથી તાલીમ માટેનો સમય કે વાતાવરણ કે પદ્ધતિ પણ સૌથી અનુકુળ હોય તે રીતે પસંદ કરવાના વિકલ્પો  પણ વધી જાય છે. વળી, કંઈ પણ નવું શીખવા માટેના માવ સ્વભાવગત વિરોધને ઓગાળી શકવાનું શક્ય બનાવીને એ વ્યક્તિ માટે શીખેલું અપનાવવાનું સરળ તો બની જ રહે છે, તો વળી પ્રશિક્ષકને પણ તાલીમની અસરકારકતાની માપણી પણ પ્રત્યક્ષ અને તરત જ કરવાની તક મળે છે.
ફરી એક વાર ભારપૂર્વક નોંધ લઈએ કે -
    તમારી ભૂમિકા સંસ્થાનાં અગ્રણીની હોય કે તાલીમ સંચાલકની જોય કે પછી હોય પ્રશિક્ષક કે તાલીમાર્થીની, પણ તાલીમનું આયોજન કરતાં પહેલાં જ "આ તાલીમને પરિણામે હું/ આપણે ફરક પડેલો જોવા માગીએ છીએ?" એ સવાલનો જો ખરા અર્થમાં જવાબ ખોળવામાં આવે તો 'જ્ઞાન/માહિતી/અનુભવનાં આદાનપ્રદાન તરીકેનાં સાધન'ને બદલે તાલીમ પ્રત્યેનો તમારો આભિગમ 'પરિવર્તનનાં દ્યોતક બળ' તરીકેનાં માધ્યમ સ્વરૂપે અપનાવવાનો જરૂર બની રહેશે.


Ø  અનુવાદકઃ  અશોક વૈષ્ણવ, અમદાવાદ