સોમવાર, 18 ફેબ્રુઆરી, 2013

તસ્વીરકળામાંથી જીવન અને નેતૃત્વને મળતા ૧૨ પદાર્થપાઠ - તન્મય વોરા

ઉત્સાહ પૂર્વક કરવામાં આવતી  કોઇપણ પ્રવૃત્તિને કારણે અદ્‍ભૂત સંભાવનાઓ ખૂલી જતી હોય છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી હું, નવી કળા શીખવાની ઉત્સુકતાથી તરવરતો, ઉત્સાહી તસ્વીરકળાકાર બની રહ્યો છું. હું કોઇ પધ્ધતિસરની તાલિમ તો નથી લઇ રહ્યો, પણ મારા ફુર્શતના સમયમાં, તસ્વીરો ખેંચતાં ખેંચતાં  જ શીખતો રહું છું. મારી તસ્વીરકળાનાં પરાક્રમી અડપલાં અહીં જોઇ શકાશે. 
હિંદી કે ગુજરાતીમાં 'દ્રષ્ટિ'નો અર્થ 'જોવું' એમ કરવામાં આવે છે. સંસ્કૃતમાં, તેનો અર્થ કેન્દ્રીત અને એકાગ્ર  ( અનિમેષ – એકટક) નજરથાય છે. તસવીરકળામાં આ બન્નેની જરૂર પડે છે. આ સાથે પ્રસ્તુત છે, તસ્વીરકળા દ્વારા મને મળેલા જીવન અને નેતૃત્વના કેટલાક પદાર્થપાઠઃ
૧. તસવીરકળાને કારણે મને સમજાયું છે કે આપણે જેટલી સમજતાં હતાં તેનાથી પણ આ દુનિયા વધારે સુંદર છે; જરૂર છે માત્ર, તેને જોવા માટે યોગ્ય પ્રકારના કાચ (દ્રષ્ટિકોણ)ની.
૨. જો આપણે સહેતુક રહીએ, તો સાવ સામાન્ય વાત, કે લોકો,માં અસાધરણતા દ્રષ્ટિગોચર થઇ શકે છે.
૩. તેને કારણે મને નજર માંડીને જોવાનું, ચીવટપૂર્વક વિગતો લક્ષ પર લેવાનું, અને  નરી આંખે ન દેખાવા છતાં જે અનુભવી શકાય છે તેવાં તત્વોની કદર કરવાનું શીખવા મળ્યું છે.
૪. કોઇએ કહ્યું છે,"તસ્વીરકળાએ પક્ષી છે, તમારે શાંતિનો ભાગ બની રહેવાનું છે." તસવીરકળા મને શાંત થઇને વર્તમાન ઘડીમાં તલ્લીન થવાનું શીખવે છે. કોઇપણ વસ્તુની (આંતરીક) ખૂબી તો જ નીખરતી જોવા મળશે.
૫. સચોટ તસ્વીર ઝડપવા માટે ધીરજ હોવી જોઇએ. જ્યાં સુધી ખરો સંતોષ ન થાય , ત્યાં સુધી ફરી ફરીને તસવીર ખેંચતા રહો. ચાંપ દબાવતા રહેવું, પ્રયત્ન કરતા રહેવું અને (કોઇ પણ અવરોધની પાર) જોતા રહેવું , એ જ તો ગુરૂ ચાવી છે.
૬. ઘણીવાર સાવ દુન્યવી લાગતી ઘટના ખુબ જ ગૂઢ અર્થ કહી જતી હોય છે. એટલે જ નાની નાની બાબતો પ્રત્યે ધ્યાન દેવું, અને તેમને માણવું, અગત્યનું બની રહે છે.
૭. આપણામાં જે અંદર છૂપાયેલું છે, તે ક્યારેક તો સપાટી પર, આપણાં કામ સ્વરૂપે, દેખા દે જ છે. આપણે આપણી જાતને આપણાં કામ દ્વારા રજૂ કરતાં હોઇએ છીએ, પછી એ તસવીરકળા, લેખન, નેતૃત્વ કે આપણાં જીવનની કોઇ પણ પ્રવૃત્તિ હોઇ શકે છે.
૮. (પૂર્વ) તૈયારી મહત્વની છે. આપણી જીંદગીનું ચાલકબળ હંમેશ ચેતનવંત રાખીએ.
૯. જ્યારે કોઇ ક્ષણો, તે સમયે,જરા પણ મહત્વની ન જણાતી હોય, તેને યાદોમાં સાચવી લેવી જોઇએ.શક્ય છે કે, સમયની સાથે સાથે, તે ક્ષણો અમૂલ્ય બની રહી શકે છે. જીવન ક્ષણોમાં સમાયેલું હોય છે.
૧૦. તસવીરકળાને કારણે હું સંભવીતતાઓ સાથે સંકળાયેલો રહું છું. દરેક વસ્તુને અનેકવિધ પરિપ્રેક્ષ્યમાં જોઇ શકાય છે.દરેક વાતને તેના આગવા દ્રષ્ટિકોણ અને અનોખાં પરિમાણ હોય છે, જરૂર છે તેમને નિર્બંધપણે ખોળતાં રહેવું અને તે પૈકી યોગ્ય પસંદગી કરી શકવું.
૧૧. સારી તસવીર ખેંચી શકવું એ જેટલું આકસ્મિક છે, તેટલું જ તૈયારી પર પણ નિર્ભર છે. ખુબ જ વિચારપૂર્વકનું આયોજન કરવું જોઇએ, તેને અનુરૂપ બધી જ પૂર્વતૈયારી પણ કરવી જ જોઇએ, અને તેમ છતાં એક "બસ, આ જ!" તસવીર એ એક આકસ્મિક ઘટના બની રહેવાની શક્યતા તો રહે જ છે. અનેપક્ષિત ઘટનાઓ અને ખુશનસીબ અકસ્માતો માટે, ખુલ્લાં દિલોદિમાગથી,આપણે તૈયાર તો રહેવું જ  જોઇએ, કારણકે આપણાં ઘડતરમાં તેમનો સિંહફાળો રહેલો હોય છે. 
૧૨. અને અંતમાં, સાધનો અને યંત્રો, જોવામાં, માત્ર, મદદરૂપ થઇ શકે, પ્રબળ દ્રષ્ટિનો પર્યાય ક્યારે પણ બની ન શકે. અંદરનાં ઊંડાણમાં જે શક્તિ છે તે બહારની કોઇ તાકાતમાં નહીં જોવા મળે.
v  અસલ અંગ્રેજી લેખ, 12 Lessons on Life and Leadership From Photography, લેખકની વૅબસાઇટ,  QAspire.com,પર  જાન્યુઆરી ૨૧, ૨૦૧૩ના  રોજ પ્રસિધ્ધ થયેલ છે.
- – - – -
આ લેખની સાથે આ વિષય પર જ લખાયેલો લેખ - Engaging in Alternative ‘Creative Pursuit’ to Be More Effective - પણ વાંચશો. તે અસલ અંગ્રેજીમાં લખાયેલ લેખનો ગુજરાતી અનુવાદ - વધારે અસરકારક થવા માટે 'વૈકલ્પિક સર્જનાત્મક વ્યાસંગમાં પ્રવૃત્ત થઇએ- નો આસ્વાદ માણી શકાશે.
- – - – -