શુક્રવાર, 3 ફેબ્રુઆરી, 2017

દેવદત્ત પટ્ટનાઈકનું બીઝનેસ સૂત્ર |૧.૧| હિંદુ ઉપખંડની આગવી વ્યાપાર-ઉદ્યોગ કાર્યપ્રણાલી છે?

બીઝનેસ સૂત્ર || કોર્પોરેશન્સ
સીએનબીસી - ટીવી ૧૮ પર રજૂ થયેલ ધારાવાહિક શ્રેણી 'બીઝનેસ સૂત્ર'ના પહેલા હપ્તામાં દેવદત્ત પટ્ટનાઈકે 'કોર્પોરેશન'નો વિષય લીધો છે. કોર્પોરેશનનો ઉદ્દેશ્ય શું છે? તેનું અસ્તિત્ત્વ શા માટે છે? ભારતમાંના અને પાશ્ચાત્ય દેશોનાં કોર્પોરેશન્સમાં કોઈ ફરક હોય છે ખરો? આ ફરકની પાછળ શું કારણો હોઈ શકે? જેવા સવાલો તેઓ ચર્ચામાં લાવે છે પરંતુ પાઠ્યપુસ્તક મુજબના સીધા જવાબો તેઓ નથી આપી રહ્યા.
સુખ ને શ્રેયના સંદર્ભમાં વ્યૂહાત્મક તેમજ કાર્યનીતિક વિચારસરણી પણ તેમની ચર્ચામાં આવરી લેવાઈ છે. આ ચર્ચામાં પરોક્ષપણે વ્યાવસાયિકકરણના ફાયદા-ગેરફાયદા પણ આવરી લેવાયેલ છે.
સમગ્ર શ્રેણી દરમ્યાન દેવદત્ત પટ્ટનાઇક વિચારસરણી માટેનું એક માળખું રજૂ કરી રહ્યા છે, જેને કયા પરિપ્રેક્ષ્યમાં સમજવું અને પછી શી રીતે અમલ કરવો તે ભારતના વ્યાપાર-ઉદ્યોગના અગ્રણીઓએ નક્કી કરવાનું રહે છે.
આ શ્રેણીનો પહેલો અંક ત્રણ ભાગમાં છે, જે પૈકી આજે આપણે પહેલા ભાગની વાત કરીશું.
બીઝનેસ સૂત્ર |૧.૧| હિંદુ ઉપખંડની આગવી વ્યાપાર-ઉદ્યોગ કાર્યપ્રણાલી છે?
કોઈ પણ વ્યાપાર-ઉદ્યોગની મૂળભૂત કાર્યસરણીનો પાયો એક સરખો જ હોય. તેથી, દરેક વેપાર-ઉદ્યોગની મૂળભૂત કાર્યપધ્ધતિમાં પણ તત્ત્વતં સમાનતા જોવા મળવી જોઈએ. પરંતુ ૨૦૧૦માં હાવર્ડ બીઝનેસ રીવ્યૂમાં પ્રકાશિત થયેલ લેખ  -The India Way of Leading Business - માં નોંધવામાં આવ્યું છે તેમ આ સમાનતાઓમાં પણ 'ફરક' છે. એ લેખમાં કે. વી. કામથ કહે છે કે 'સમયે સમયે સાબિત થતું રહ્યું છે કે વ્યાપાર-ઉદ્યોગનું પાશ્ચાત્ય મૉડેલ અહીં સફળ ન થઈ શકે'. ટાટા સન્સના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર આર. ગોપાલક્રિશ્નનનું કહેવું છે કે 'આપણે વિચારીએ છીએ અંગ્રેજીમાં પણ કામ કરીએ છીએ ભારતીય રીતે. ભારતીય મૅનેજરની બૌધિક પરંપરાની ય-ધરી એંગ્લો-અમેરીકન છે જ્યારે કાર્યશૈલીનું દિશાવાહકની ક્ષ-ધરી ભારતીય લોકાચાર છે'.
ઉપર ઉલ્લેખ કરેલ એચબીઆરના લેખના લેખકો - Peter Cappelli, Harbir Singh, Jitendra Singh, and Michael Useem- એ આ જ વિષયવસ્તુ પર ૩૬૦ પાનાનું પુસ્તક - The India Way: How India's Top Business Leaders Are Revolutionizing Management -  પણ લખ્યું. હિતધારકોનાં હિતની પાર જાહેર તેમ જ રાષ્ટ્રીય  હિતની બાબતોને લક્ષમાં લેવા, આકસ્મીક સુધારણા, અનુકૂલન અને માનસીક તેમજ ભૌતિક સ્થિતિસ્થાપકવૃત્તિનો અનંત અંતરાયોને અતિક્રમવામાં વ્યાપકપણે ઉપયોગ કરવામાં,ગ્રાહકને બહુ જ ઉપયોગી થઈ પડે તેવી પેદાશો અને સેવાઓ ખોળી કાઢવા, સંસ્થાની લોકપ્રતિભામાં વિશ્વાસ મૂકી સદા વલોવાતાં રહેતાં મનોવાતાવરણ ઘડવા જેવાં અનેકવિધ પરિમાણોમાં ભારતીય સંચાલક કેવા જૂદા માર્ગ અપનાવતાં રહે છે તેની વિગતે ચર્ચા આ પુસ્તકમાં કરવામાં આવી છે.
આ લેખકો પૈકી બે લેખકો Michael Useem  અને Peter Cappeli ના આ વિષય પરના ઇન્ટરવ્યૂની બે વિડીયો ક્લિપ પણ સાંભળવા જેવી છે.


Business Todayમાં ૨૦૧૦૧માં પ્રસિધ્ધ થયેલ લેખ - The Indian way of management -માં સુમન્ત સિંહા નોંધે છે કે સંસ્થાકીય કાબેલિયત, સંચાલન પ્રણાલિકાઓ અને સંસ્થાનાં વર્તનવિચારનાં વાતવરણને કારણે ભારતીય સંચાલક અન્ય દેશોનાં સંચાલકથી જૂદો તરી આવે છે.
American Enterprise Institute દ્વારા આયોજિત, ૨૦૧૪ના એક કાર્યક્રમમાં, ભારત કઈ કઈ બાબતોમાં ખરૂં ઉતરે છે તેની વાત બિલ ગેટ્સ કરે છે.

વોડાફોનના મુખ્ય સંચાલક માર્ટૅન પીટર્સ ઇટીનાઉનાં સોનાલી કૃષ્ણા સાથેની ટેલીકોમ ઉદ્યોગ વિષે એકદમ નિખાલસ ચર્ચા આ વિડીયો ક્લિપમાં સાંભળવા મળે છે. વોડાફોન આ ક્ષેત્રમાં કેમ પહેલા નંબરનું સ્થાન નથી લેવા માગતું જેવી વોડાફોનની ભાવિ યોજનાઓને ભારતીય પરિપ્રેક્ષ્યની આગવી પરિસ્થિતિઓના સંદર્ભમાં તેમણે આ ચર્ચામાં આવરી લીધેલ છે. 

આ પ્રકારના નાનાથી મોડા તફાવતો દરેક દેશોમાં વ્યાપાર-ઉદ્યોગને લગતી કાર્યપધ્ધતિઓમાં જોવા મળશે. કોઈ જગ્યાએ કોઇ એક પરિબળ અલગ સ્વરૂપે જોવા મળે તો કોઈ બીજી જગ્યાએ એ પરિબળની અસર જૂદાં સ્વરૂપમાં જોવા મળે.
દેવદત્ત પટ્ટનાઈક આ પ્રકારના તફાવતોની (જાણી-અજાણી) અસરોનાં મૂળમાં ભારતીય પૌરાણિકશાસ્ત્રોમાં વણાયેલી વિચારધારાઓ અને માન્યતાઓના પ્રભાવને Segment 1: On the Indian versus Western Contextના પહેલા ભાગમાં જૂએ છે.
 આ ચર્ચાના કેટલાક મુખ્ય મુદ્દાઓ અહીં રજૂ કરેલ છે -

  • જાહેરમાં તરતા મૂકી શેર દ્વારા નાણાંભંડોળ એકઠું કરવું, કાયદાકીય સ્વરૂપના અધિકૃત દસ્તાવેજ્થી અસ્તિત્ત્વ ત્વમાં આવે એવાં  આજના સમયનાં આધુનિક કોર્પોરેશન સાથેનો ભારતનો પહેલો પરિચય ઈસ્ટ ઈંડિયા કંપનીએ કરાવ્યો.
  • ભારતીયો અને ચીની સંચાલકોએ પશ્ચિમમાંથી ઘણું શીખ્યું છે, પણ તેમણે કોઈ પ્રકારની નકલ કરવાની કોઈ જરૂર નથી. પાશ્ચાત્ય મૉડેલનાં ચીની કે ભારતીય સંસ્કરણ્નું થવું શક્ય નથી.
  • આ વાત સમજવા માટે આપણે સિકંદરના સમયમાં જવું પડશે. સિંધુ નદીના કિનારે સિકંદરનો ભેટો એક દિગંબર સંન્યાસી જોડે થાય છે જે દેખીતી રીતે કંઇ જ કરતા નહોતા, પણ ખાસા જ્ઞાની જરૂર લાગતા હતા. સિકંદરે તેમને પૂછ્યું કે અહીં ઉપર તારાઓ સામે જોઈ રહીને તેઓ કરે શું છે. સંન્યાસીએ જવાબમાં જણાવ્યું કે હું જગતને અનુભવી રહ્યો છું. પણ તમે અહીંયાં શું કરી રહ્યા છો? સિકંદરે ઉત્તર વાળ્યો કે હું તો આખાં વિશ્વને જીતવા નીકળ્યો છુ. એકબીજાંની વાત સાંભળીને બન્ને હસ્યા.સિકંદર એટલે હસ્યો કે તેને લાગ્યું કે આ દિગંબર સાધુ સાવ મૂર્ખો છે કેમ કે તે કંઈ જ કરતો નથી. જ્યારે સંન્યાસી એટલે હસ્યા કે સિકંદર કંઈ પણ કરી નાખવા નીકળી પડ્યો છે.
  • એકબીજાના દષ્ટિકોણના તફાવતને જો આપણે સમજી શકીશું તો આપણને ભારતીય અને પાશ્ચાત્ય માનસીકતાનો તફાવત સમજાઇ શકશે.
  • વેપાર કરવાની ભારતની રીતમાં વેપારની ખાતર વેપાર નથી કરવામાં આવતો પણ આપણે જે કંઈ કરી રહ્યા છીએ તે શા માટે કરી રહ્યા છીએ એ સમજીને વેપાર કરવાની વાત છે.વ્યાપાર-ઉદ્યોગના વિકાસમાં માત્ર આર્થિક કે ભૌતિક વિકાસ નહીં પણ બૌધિક તેમ જ લાગણીઓના વિકાસનું પણ મહત્ત્વ રહેલું છે.
  • વ્યાપાર-ઉદ્યોગ સાહસનો ઉદ્દેશ્ય ખરેખર સમજવો બહુ મહત્ત્વની બાબત છે.

૧૯૯૪માં હાવર્ડ બીઝનેસ રીવ્યૂમાં પીટર ડ્ર્કરે આ જ બાબત પર, Theory of Business માં બહુ વિશદ અને મૂળભૂત ચર્ચા કરેલ છે. તેમનું બહુ સ્પષ્ટપણે કહેવું છે કે, 'મોટા ભાગની (વ્યાપાર-ઉદ્યોગને સ્પર્શતી) કટોકટીનું કારણ ક્ચાશપૂર્ણ રીતે કામ થતાં હોય એમ નથી હોતું. ખોટાં કામો થતાં હોય એ પણ કારણ નથી હોતું. મોટા ભાગના કિસ્સાઓમા સાચી વસ્તુઓ કરાતી હોય છે પણ ફળદાયી રીતે નથી કરાતી હોતી'.
આ લેખનો ગુજરાતીમાં ભાવાનુવાદ પીટર ડ્રકર : વ્યાપારનો સિદ્ધાંત \ The Theory of Businessપર વાંચી શકાશે.

આ શ્રેણીના હવે પછીના અંકમાં આપણે ટીવી પરની દેવદત્ત પટ્ટનાઇકની ધારાવાહિક 'બીઝનેસ સૂત્ર'ના પહેલા મણાકાના બીજા ભાગમાં વ્યાપાર-ઉદ્યોગના ઉદ્દેશ્ય વિષે વાત કરીશું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો