બુધવાર, 1 માર્ચ, 2017

તપાસ-યાદી અને કરવાનાં કામોની યાદી - દેવદત્ત પટ્ટનાઈકહિંદુ પુરાણોમાં બે પ્રકારના ગુરુઓ છે. એક છે શુક્ર,જેનો સંબંધ શુક્રના ગ્રહ સાથે છે.તેઓ સર્જનાત્મક માનસચિત્ર પર અને ભવિષ્યની શક્યતાઓના અધારે સર્જનાત્મક વિચારસરણી પર ભાર આપે છે. બીજા છે બૃહસ્પતિ, જે ગુરુના ગ્રહ સાથે સંકળાયેલા છે. તેઓ પ્રસંગના અભ્યાસ અને ભૂતકાળની ઘટનાઓના ગુણાવગુણની મીમાંસા આધારિત વિચારસરણી પર ભાર આપે છે.
કોર્પોરેટ વિશ્વમાં શુક્ર 'કરવાનાં કામોની યાદી' વડે હવે પછીથી કરવાનાં કામોને દર્શાવે છે, તો બૃહસ્પતિ તપાસ" યાદીદ્વારા જે કામ કરવાનાં નક્કી કર્યાં હતાં તે થયાં છે કે નહીં તે દર્શાવે છે. 'કરવાનાં કામોની યાદી' ભવિષ્યસૂચક છે, જ્યારે 'તપાસ યાદી' ભૂતકાળ સૂચક છે.
કઈ યાદીને સારી ગણીશું? આ કે પેલી?
બૃહસ્પતિને સૂરો સાથે અને શુક્રને અસૂરો સાથે સાંકળીને પુરાણોએ એક પ્રકારે મૂલ્યાધારિત અભિપ્રાય જણાવ્યો છે.આપણે એવું માનતાં આવ્યાં છીએ કે સૂરો 'દેવો' છે જ્યારે અસૂરો 'દાનવો' છે. જો કે આ સાવ સાચું ન કહી શકાય.
આપણે ભૂલી રહ્યાં છીએ કે મંદિરોમાં દેવદેવીઓની પૂજા કરવાની સાથે આપણે રાહુ(ગ્રહણ કે ગુંચવાડાનો અસૂર) કે કેતુ (ખરતા તારાઓ -ધૂમકેતુઓ- કે અજંપાનો અસૂર)ની સાથે અસૂરોના ગુરુ શુક્રની પણ પૂજા કરીએ છીએ. પરંપરાગત હિંદુ વિચારધારામાં 'દાનવ' જેવું કંઈ નથી. તેમાં તો છે વિશ્વમાં પ્રચલિત જૂદાં જૂદાં પ્રકારનાં બળો, જે સારી કે નરસી અસરો કરી શકે છે. બન્ને પ્રકારનાં બળોનો સ્વીકાર થતો રહ્યો છે અને બન્નેનું પોતપોતાનું મહત્ત્વ છે. સમય અને સંજોગ પ્રમાણે, બન્ને પ્રકારનાં બળોને ઉચિત માત્રામાં જગાવવાં પડે છે.
મોટા ભાગની મિટીંગ્સના પ્રારંભમાં 'તપાસ યાદી" હોવી જોઈએ કે અંતમાં 'કરવાનાં કામોની યાદી' તૈયાર કરવી જોઈએ તેમ ભારપૂર્વક માનવામનાવવામાં આવે છે. મોટા ભાગે ગઈ મિટીંગમાં જે નક્કી થયું હતું તેની સમીક્ષામીંમાંસા બહુ વિગતે થતી નથી જોવા મળતી. પણ હવે પછી કરવાનાં કામો તો મોટા ભાગની મિટીંગને અંતે તૈયાર કરાતાં હોય છે. બીજી દૃષ્ટિએ જોઈએ તો જેટલું વધારે ધ્યાન 'બળ' પર છે તેટલું 'પ્રતિબળ' પર નથી જોવા મળતું. પરિણામે થવું જોઈએ એ કક્ષાનું વિચારમંથન નથી થતું, અને તેથી કરવાનાં કામોની યાદી એકદમ સ્પષ્ટ હોવા છતાં ધારેલાં કામો ધારી અસરકારકતાથી નથી થતાં હોતાં.
રોમન પુરાણોમાં શુક્ર-બૃહસ્પતિને સમાંતર ગણી શકાય તેવી પરિકલ્પના જૅનુસની કહી શકાય, જેના પરથી વર્ષના પહેલા મહિનાનું નામ જાન્યુઆરી પડ્યું છે. જૅનુસના બે ચહેરા છે, એક બૃહસ્પતિની જેમ ભૂતકાળમાં જૂએ છે અને બીજો શુક્રની જેમ ભવિષ્યમાં જૂએ છે. ભૂતકાળની સમીક્ષા કર્યા વિના ભવિષ્યનો વિચાર કરવાનો કોઈ અર્થ નથી. ભૂતકાળ બહુ પીડાદાયક, નિષ્ફળતાઓથી ભરેલ હોઈ શકે છે. એ આપણને પસંદ પણ ન હોય.એટલે આપણે ભૂતકાળની નિષ્ફળતાઓને બદલે ભવિષ્યની કલ્પનાઓ કરવાનું પસંદ કરતાં હોઈએ છીએ. જેમકે નવાં વર્ષનાં સકલ્પ નક્કી કરવામાં આપણો ઉત્સાહ માતો નથી હોતો. એ સંકલ્પોમાંના મોટા ભાગના થોડા સમયમાં ભુલાઈ જતા હોય છે તે વળી બીજી વાત છે..
શુક્ર અને બૃહસ્પતિને બળ અને પ્રતિબળ તરીકે એકબીજાના વિરોધી સમજવા એ બહુ સહેલું છે. પરંતુ તેઓ ત્યારેજ કાર્યરત બની શકે જ્યારે બન્ને વચ્ચે રસ્સાખેંચ ન હોય. જ્યારે આપણે તપાસ યાદી પર ધ્યાન આપતાં હોઈએ છીએ ત્યારે કરવાનાં કામોની યાદીને ભૂલવી જોઈએ. તપાસ યાદી પર કામ કરવાથી ભૂતકાળની સફળતાઓ અને નિષ્ફળતાઓમાંથી જે  શીખ મળે તેનો ઉપયોગ હવે પછીનાં કામ  કરવાની યાદી બનાવવામાં કરવો જોઈએ. કામ કરવાની યાદી બનાવતી વખતે ભૂતકાળમાંથી મળેલ જ્ઞાન અને સૂજ પ્રયત્નો ઢીલા કરનાર નહીં પણ પ્રેરણારૂપ નીવડવાં જોઈએ.જ્યારે બૃહસ્પતિ અને દેવો રસ્સી ખેંચતા હોય ત્યારે શુક અને અસૂરોએ વિરામ લેવો જોઈએ. તે જ રીતે જ્યારે શુર અને અસૂરો રસ્સી ખેંચતા હોય ત્યારે બૃહસ્પતિ અને દેવોએ વિરામ લેવો જોઈએ.આમ કરવાથી બન્ને યાદીઓનાં બળનો સરવાળો થઇને બન્ને યાદીઓને કારણે થતાં વિચારમંથનની પૂરી તાકાતનો લાભ, એ પ્રકલ્પનાં સંચાલનમાં જોવા મળવા લાગે છે.

§  દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Check-list vs. To-do-list.નો અનુવાદ

નોંધ: : જૅનુસ વિષેનું વ્યંગ્યચિત્ર નેટ પરથી સાભાર લીધેલ છે. તે માત્ર વિષયના સંદ્રભને સમજાવવા પૂરતું જ છે. તેના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.
               §  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૧ માર્ચ, ૨૦૧૭