શુક્રવાર, 3 માર્ચ, 2017

બીઝનેસ સૂત્ર |૧.૨| કોર્પોરેશન્સનો હેતુ શું છે?




બીઝનેસ સૂત્ર || કોર્પોરેશન્સ
સીએનબીસી - ટીવી ૧૮ પર રજૂ થયેલ ધારાવાહિક શ્રેણી 'બીઝનેસ સૂત્ર'ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે 'કોર્પોરેશન'નો વિષય લીધો છે.
પહેલા અંકના પહેલા ભાગમાં તેમણે વ્યવસાય માટેનાં એક મુખ્ય (માળખાકીય) માધ્યમ - કોર્પોરેશન- વિષે કેટલીક મૂળભૂત બાબતોની ચર્ચા કરી છે. પહેલા ભાગમાં આપણે જોયું કે પાશ્ચાત્ય દેશોના અને હિંદુસ્તાનની પરંપરાગત વિચારધારાઓ અનુસાર, કોર્પોરેશનની કાર્યશૈલી વિષેના દૃષ્ટિકોણની તેમણે વત કરી હતી.
આ શ્રેણીના પહેલા અંકના ત્રણ ભાગ પૈકી આજે આપણે બીજા ભાગની વાત કરીશું.
બીઝનેસ સૂત્ર |૧.૨| કોર્પોરેશન્સનો હેતુ શું છે?
એક સર્વેક્ષણ મુજબ ૫૦૦ કોર્પોરેશન વિશ્વના ૭૦% વાપાર-ઉદ્યોગનું નિયંત્રણ કરે છે અને દર વર્ષે ૩૦ લાખથી વધુ મર્યાદિત જવાબદારીવાળી કંપનીઓની નોંધણી થાય છે. આ નાનીથી માંડીને મોટી કંપનીઓનાં સંચાલનની, સારી અને ખરાબ,અસરો જૂદા જૂદા સમયે જૂદા પ્રમાણમાં થતી રહી છે. કંપનીઓના કાર્યક્ષેત્રના ફેલાવા વૈશ્વિક સ્તરે થવાને કારણે હવે તે સંભાવ્ય અસરો વધારે વ્યાપકપણે થતી જોવા મળે છે. આ બાબતે સૌથી મહત્ત્વનો કહી શકાય એ સવાલ તો વ્યાપારનાં મૂળને સ્પર્શે છે : આ કોર્પોરેશન્સનો હેતુ શું છે? / What is the purpose of these corporations?
દેખીતા સીધા લગતા સવાલની ચર્ચા તેના સૂરમાં કે તેનાં વસ્તુમાં કદી પણ સરળ નથી રહી. જે તે સમયના સંદર્ભ અનુસાર આ ચર્ચાઓ જેટલી વિશદ રહી છે તેટલી જ ગરમાગરમ પણ રહી છે.
એકંદરે જોઈએ તો સમગ્ર ચર્ચાના બે તડાં પડેલાં જોવા મળશે. એક તડાંનું કેન્દ્ર છે મિલ્ટન ફ્રાઈડમેન દ્વારા પ્રતિપાદિત - The Social Responsibility of Business is to Increase its Profits. મિલ્ટન ફ્રાઈડમેનના વિચારનું હાર્દ છે - વ્યાપારની એક અને એક માત્ર સામાજિક જવાબદારી છે તેની પાસે ઉપલબ્ધ સંસાધનો વડે એવી પ્રવૃત્તિઓ કરવી જેનાથી વધારે ને વધારે નફો થતો રહે. આ માટે તેણે રમતના નિયમોના દાયરામાં જરૂર રહેવાનુ છે. એટલે કે આ માટે તેણે, કોઈ જાતનાં છળ કે કપટ સિવાયની, ખુલ્લી અને મુક્ત સ્પર્ધાનો સહારો લેવો.
આ વિચારથી અલગ, અને તત્વતઃ વધારે વ્યાપકપણે સ્વીકૃત, વિચાર તેમનાં બહુખ્યાત પુસ્તક - The Practice of Management -માં પીટર ડ્રકરે રજૂ કરેલ છે. તેમનું કહેવું છે કે - "કંપનીનો હેતુ ગ્રાહકનાં સર્જનનો છે" અને "કંપનીનાં ઉત્પાદન કે સેવાઓ ખરીદવાથી પોતાની જે જરૂરિયાત ગ્રાહક સંતોષે છે તેના વડે વ્યાપારનું અસ્તિત્ત્વ નક્કી થાય છે. ગ્રાહકનો સંતોષ એ દરેક વ્યાપારનું પ્રયોજન અને કર્તવ્ય છે."

કંઇક આ જ પ્રકારનું મંતવ્ય આપણા ગાંધીજી પણ આ બાબતે ધરાવે છે.

જૂદા જૂદા સમયે જૂદા જૂદા વ્યાપાર ઉદ્યોગ જગતના અગ્રણીઓએ આ બે વિચારધારાઓની આસપાસના વિચારો વડે પોતપોતનાં કોર્પોરેશન્સના હેતુને વ્યાખ્યાયિત કરેલ છે. આપણે તે પૈકી કેટલાંક પ્રતિનિધિ વિધાનો / વિચારોને સંક્ષિપ્તમાં જોઈએ:

The meaning of Bill Gates માં એ સમયે માઈક્રોસોફ્ટે શું દિશા પકાડવી જોઈએ તે માટે બીલ ગેટ્સના વિચારો રજૂ કરાયા છે. વિશ્વનાં ઘણાં મોટાં ભાગનાં નવપ્રયાણો વિષે થતું આવ્યું છે તેમ બીલ ગેટ્સનું દીર્ઘદર્શન દેખીતી રીતે એટલું બધું સ્પષ્ટ જણાય છે કે તે સિવાય કોઈ અન્ય વિચારધારાની ગુંજાઈશ જ ન દેખાય. પરંતુ, એ સમયે બહુ દેખીતી ન કહી શકાય એવી બે બાબતો તેમણે બહુ પહેલેથી જ પકડી પાડી હતી અને તેમના કોમોડોર, એમઆઈટીએસ કે ખુદ ઍપલ જેવા હરીફો કરતાં વધારે જોશથી તેની પાછળ પડ્યા હતા.

પહેલું તો એ કે કમ્પ્યુટીંગ એ બહુ વધારે માત્રાનો પણ ઓછાં નફાનાં ધોરણનો વ્યવસાય બની રહેશે. માઈક્રોસૉફ્ટનાં દાખલ થવા સુધી કેટલાં ચોક્કસ મેઈનફ્રેમ મશીનોની આસપાસ મોટા પૈસા ફરતા હતા. બીલ ગેટ્સ જોઈ શકયા કે હાર્ડવેરની ઘટતી જતી કિમતો અને સ્ટાન્ડર્ડ સૉફ્ટવેરની વધારાની નકલો બનાનવાના નગણ્ય ખર્ચને કારણે કમ્પયુટરનો હાલનો વ્યાપર ઉપરતળે થઈ જશે. વ્યક્તિગત કમ્પયુટર દરેક કામ કરનારનાં ટેબલ અને ઘરે જોવા મળશે. બહુ ઓછી કિંમતે બહુ ઘણી સંખ્યામાં વેંચવાથી જ નફો રળી શકાશે, નહીં કે બહુ ઊંચી કિંમતે બહુ થોડાંની આળપંપાળ કરવાથી. જે કંપની પહેલવહેલાં બજારનો મોટો હિસ્સો અંકે કરી શકશે તે પછીથી પોતાનું વર્ચસ્વ જમાવી શકશે.

બિલ ગેટ્સને એ પણ ખયાલ આવી ગયો હતો કે હાર્ડવેર અને સૉફ્ટવેરને બે અલગ વ્યાપાર તરીકે વિકસાવવાથી એ બન્ને વધારે પ્રભાવશાળી બની શકશે.ઍપલ અને તેની જેમ અન્ય મેઈનફ્રેમ કંપનીઓ હાર્ડવેર અને સૉફ્ટવેરને એક કમ્પયુટર ઉદ્યોગ તરીકે વળગી રહ્યાં પણ માઈક્રોસૉફ્ટ અને માઈક્રોપ્રોસેસર બનાવનાર ઇન્ટેલે કમ્પયુટર ઉદ્યોગના બીઝનેસ કરવાના તૌરતરીકા પોતાની રીતે ફેરવી નાખ્યા. હાર્ડવેર અને સૉફ્ટવેર વ્યાપારમાં લાવેલાં નવાં પરિમાણોની મદદથી વિન્ટેલ દ્વિઅધિકારી જોડીએ પોતાનું આગવું વાતાવરણ જમાવ્યું; નાની મોટી ખામીઓ ચાલુ રહેવા છતાં તેઓએ મોટા પાયે થતાં ઉત્પાદનના ફાયદાઓ લીધા અને પરિણામે અઢળક નફો પણ રળ્યા.આઈબીએમે જ્યારે અજાણતાં જ માઈક્રોસોફ્ટને પોતાનાં પીસીની ઓપરેટીંગ સીસ્ટમ બીજાંઓને પણ વેંચવાની છૂટ આપી ત્યારે તેમને અંદાજ પણ નહોતો કે તેઓ તેમના સ્પર્ધકોની એક આખી ફોજ ખડી કરી રહ્યા છે. પણ બિલ ગેટ્સને આ વાતનો પાકો અંદાજ હતો.

નોએલ તિચી અને રામ ચરણ તેમના લેખ - Speed, Simplicity, Self-confidence: an interview with Jack Welsh: - માં જીઈના જેક વેલ્શની એ સમયની તેની કંપનીના હેતુની અને તેના પરથી દોરેલી વ્યૂહરચનાનાં પડ ખોલે છે.૧૯૮૧માં વેલ્શે જાહેર કર્યું કે કંપની તેનાં ત્રણ મુખ્ય 'વ્યૂહાત્મક વર્તુળ' સમા વેપાર પર ધ્યાન આપશે. આ ત્રણ હતાં - વીજળી સાધનો અને લોકોમોટીવ્સ બનાવવા જેવાં ઉત્પાદન એકમો,ટેક્નોલોજી-પ્રચુર ઉદ્યોગો અને સેવાઓ. આ દરેક ક્ષેત્રમાં વૈશ્વિક બજારમાં કંપની પોતાનું સ્થાન પહેલું અથવા બીજું રાખશે.

જીઈનું વ્યૂહાત્મક પુનઃદિશાનિર્દેશન મહદ અંશે ૧૯૮૬ના અંત સુધીમાં આકાર લઈ ચૂક્યું હતું. ત્યાં સુધીમાં વેલ્શ જીઈનાં ખમતીધર 'બીઝનેસ એન્જિન'ને જીવંત કરવા માટે તેનાં 'માનવીય એન્જિન'નું પુનરોત્થાન કરવાનો, બીજી એક મહત્ત્વની દિશાનો, પડકાર ઝીલી રહ્યા હતા.

તેમના કાર્યક્રમના બે કેન્દ્રસ્થ ઉદ્દેશ હતા. પહેલું, સમગ્ર કંપનીમાંથી શોધી શોધીને બીનઉત્પાદક કામો દૂર કરવાં જેથી જીઈનાં કર્મચારી ઉર્જાવંત બને.બીજું, અને કદાચ વધારે મહત્ત્વનું, હતું સંસ્થાનાં દરેક સ્તરે ગંઠાઈ ગયેલ 'લાગણીઓની ઉર્જા'ને વહેતી કરવા માટે જજૂમી રહેલા અભિગમનું રૂપાંતરણ કરવાનું અને સર્જનાત્મકતા અને માલીકી અને સ્વગરિમાને પ્રોત્સાહિત કરવાનું. રૂંધતાં અમલદારશાહી નિયંત્રણો અને અધિક્રમિક સત્તાના તેમજ અંગત સત્તા અને સ્વશાસતાનાત્મક ખર્ચા કર્યા વગર વિશ્વસ્તરના ફાયદા અને વૈવિધ્યનો લાભ મેળવવાનો તેમનો અંતિમ ઉદ્દેશ્ય હતો. આના માટે માત્ર તંત્રવ્યવસ્થા અને પ્રક્રિયાઓમાં જ નહીં પણ ખુદ લોકોમાં પણ રૂપાંતરણ જરૂરી હતું.

HBRના એક લેખ - Steve Jobs and the Purpose of the Corporation- માં બેન ડબ્લ્યુ હૈનમેન, જુ. સ્ટીવ જોબ્સના વિચારોને રજૂ કરે છે. સ્ટીવ જોબ્સ ઊંડે સુધી તેમનાં ગ્રાહકોને ખૂબ નવીનતાઓવાળાં, મજબૂત અને સુંદર ઉત્પાદનો આપીને ખુશ ખુશ કરવા પ્રતિબધ્ધ હતા.જોબ્સ માલીકીઅંશધારકોની મૂલ્યવૃદ્ધિ પર ધ્યાન નહોતા અપાતા કે ક્યાંક ટુંકા રસ્તા નહોતા અપનાવતા કે અંશધારકોનાં મૂલ્યની વૃદ્ધિ કરવા માટે ટુંકા ગાળાનાં પગલાં નહોતા લેતા એમ પણ નહોતું. પણ આ પ્રકારનો જે ફાયદો થયો તે તેમના ગ્રાહકલક્ષી અભિગમની આડ પેદાશ હતી.

TED Talk, Profit is not always the pointમાં યુનીલીવરના હરીશ મનવાની યુનીલીવરની 'જીવન માટેની દીર્ઘકાલીન ટકાઉ યોજના' / Unilever Sustainable Living Plan વિષે સમજાવતાં કહે છે કે 'દીર્ઘકાલીન ટકાઉ જીવનને એક સર્વસામાન્ય બાબત બનાવવાનો અમારો હેતુ છે. એ રીતે અમે ૨૦૨૦ સુધીમાં ૧૦૦ કરોડ લોકોનાં જીવનને બદલવા માગીએ છીએ.' તેમની પોતાની કારકીર્દીનાં જ ઉદાહરણો આપીને તેમણે બતાવ્યું છે કે યુનીલીવરનાં દરેક કર્મચારીને નાની નાની બાબતોથી આ વિષે કેમ સજાગ રાખવામાં આવે છે.

૨૦૧૧માં પ્રસિધ્ધ થયેલ એક પેપર - The Purpose of the Corporation in Business and Law School Curricula -માં ડેર્રૅલ વેસ્ટ કાયદાની અને બીઝનેસ કોલેજોના અભ્યાસક્રમો તપાસીને નક્કી કરી રહ્યાં છે કે ત્યાં કયો અભિગમ ભણાવાઈ રહ્યો છે અને વિદ્યાર્થીઓના દૃષ્ટિકોણ શું છે. તેમનું તારણ છે કે અત્યારનાં કોર્પોરેશન્સ જે રીતે સાંપ્રત સમાજ પર અસર કરી રહ્યાં છે તેને ધ્યાનમાં લેતાં કોર્પોરેટ હેતુના વ્યાપક વિચાર વિષે સમજ હોવી ખૂબ આવશ્યક છે.
Firms of Endearment: How World-Class Companies Profit from Passion and Purpose: Rajendra S. Sisodia, David B. Wolfe, Jagdish N. Sheth, Pearson Education, February 2014, Second Edition : નાણાંથી નહીં પણ પ્રખર જુસ્સો અને હેતુથી આજની પ્રથમ હરોળની કંપનીઓ પોતાનું ચાલક બળ મેળવે છે. ગ્રાહકો, રોકાણકારો, કર્મચારીઓ, સહયોગીઓ, સમુદાયો અને સમાજ જેવાં તેમનાં બધાં હિતધારકોની ચડતીમાંથી તેઓ તેમનો નફો રળે છે. હેતની લાગણીથી પ્રેરિત આવાં જૂજ કોર્પોરેશન્સ બહુ સકારાત્મકતાથી વર્તે છે જેને તેનાં હિતધારકો પારખે છે, મહત્ત્વનાં ગણે છે, પ્રશંસા કરે છે અને પ્રેમ સુધ્ધાં કરે છે. તેમની વ્યાપર કરવાની રીતથી તેઓ વિશ્વને બહેતર બનાવે છે- દુનિયા તેમને પ્રતિભાવ પણ આપે છે. આ માટે તેઓ સાવ જ નવા નિયમો ઘડ્યા છે :

  • ઉચ્ચસ્તરની કામગીરી ધરાવતા વ્યાપાતનું ઘડતર પ્રેમના પાયા પર કરો (એ શકય છે. સાબિત કરી શકીશું.)
  • લોકો પોતાનાં જે સ્વપ્રત્યક્ષીકરણને મરણિયાં થઈને ખોળી રહ્યાં છે તે તેમને મેળવી આપો.
  • મુડીવાદનાં ક્રાતિકારી સામાજિક રૂપાંતરણમાં જોડાઓ - નહીં તો બાજૂએ હસેડાઈ જાઓ
  • ખુશમિજાજ અને ઉત્પાદક કાર્યસ્થળ રચાવાની માત્ર વાતો જ ન કરો : કરી બતાવો!
  • તમારાં હિતધારકો સાથેના  લાગણીના વણબોલ્યા કરારનું ખરા અર્થમાં પાલન કરો
  • ભાગીદારીના એવા સંબંધો બાંધો જે ખરા અર્થમાં બન્ને પક્ષને ફાયદાકારક હોય.
  • સમુદાયો જેને ઉત્સાહપૂર્વક આવકારે એવી કંપનીનું ઘડતર કરો
  • તમારાં રોકાણકારો સહિત બધાં હિતધારકોની જીત થવા દો

ક્રિસ મૅક્ડોનલ્ડનું the purpose of a corporation માં કહેવું છે કે  સંસ્થાનો હેતુ પૈસા કમાવાનો છે કે અનેકમુખી વિશાળ સંસ્થાઓનો કોઈ એક હેતુ હોય છે તેમ માનવું પણ મૂર્ખતાપૂર્ણ છે.ખરા અર્થમાં તો તેઓ જૂદાં જૂદાં હિતધારકોના હિતોના સંદર્ભમાં જૂદા જૂદા હેતુઓ વિષે વિચારતાં હોય છે. આ સંદર્ભમાં તેઓ એક સવાલ સામે મૂકે છે : તમે તમારાં કામ કરવાની બાબતે કે તમારાં લક્ષ્ય સિધ્ધિની બાબતે શી રીતે વર્તશો? આ સવાલ નૈતિકતાનો છે. સંસ્થાના હેતુના સવાલને આ પરિપ્રેક્ષ્યમાં જોવાથી સમગ્ર પ્રશ્ન પર ઘણો વધારે પ્રકાશ પડી શકે છે.
The Purpose of the Corporation project પરિયોજના દ્વારા એક એનીમેશન વિડીયો રજૂ કરાયો છે જેમાં કોર્પોરેશનના હેતુ અને હિતધારકોનાં મૂલ્યનાં અધિકતમકરણ મૉડેલની પરંપરાગગત માન્યતાઓની સમીક્ષા કરવામાં આવી છે. એ સાથે કેટલીક ઓનલાઈન માહિતી સામગ્રી પણ અહીં મૂકાયેલ છે. 
આ પરિયોજના હેઠળ કોર્પોરેટ ગવર્નન્સ (કોર્પોરેટ અભિશાશન) પર એક વૈશ્વિક ગોળમેજી શ્રેણી શરૂ કરવામાં આવી જેમાં વ્યાપારઉદ્યોગ, શિક્ષણ,નિયામકો અને નાગરીક સમાજ ક્ષેત્રના નિષ્ણાતોએ મૉટા વ્યાપારગૃહોનાં ભવિષ્ય પર ચર્ચાઓ કરી છે. આ કાર્યક્રમો લંડન(સપ્ટેમ્બર, ૨૦૧૫), ન્યુ યોર્ક (જુન ૨૦૧૫), ઝુરીખ (ઓક્ટોબર, ૨૦૧૫), બ્રૂકલૅન(નેધર્લેન્ડ્સ - ફેબ્રુઆરી, ૨૦૧૬), પૅરિસ (એપ્રિલ, ૨૦૧૬), ઑસ્લૉ (ઓગસ્ટ, ૨૦૧૬)માં યોજવામાં આવ્યા. વૈશ્વિક ગોળમેજી શ્રેણીનાં પરિણામો એક ઉચ્ચસ્તરીય પરિષદમાં સપ્ટેમ્બર, ૨૦૧૬માં રજૂ કરવામાં આવ્યાં હતાં.
આ અહેવાલ અહીં વાંચવા મળશે : http://www.purposeofcorporation.org/corporate-governance-for-a-changing-world_report.pdf
તેમનાં Start With Why  વ્યક્ત્વ્યમાં, કન્સલટન્ટ અને લેખક સીમોન સીનેક કંપનીઓ અને સંસ્થાઓ માટે 'શા માટે' વિચારવાની તાતી જરૂરિયાત વિષે સમજાવે : શા માટે, મૂળભૂત રીતે, તેમણે પોતાનું ઘડતર કર્યું, તેમનું અસ્તિત્ત્વ શા માટે છે, અને શા માટે તેઓ કયાં મૂલ્યોમાં માને છે ? દરેક કંપનીનું ઘડતર ત્રણ વ્યૂહાત્મક પાસાંઓથી થાય છે : શા માટે તેઓનું અસ્તિત્વ છે (શા માટે /(“Why”), શી રીતે તેઓ વ્યાપાર કરે છે (શી રીતે / “How”) અને શું છે તેમનાં ઉત્પાદનો અને સેવાઓ (શું / “What”). આ મિશ્રણની ચોક્કસ માત્રા જો કંપની બરાબર સમજી અને રજૂ કરી શકે તો તે તેની તાકાત બની રહે છે.જે કંપનીઓ નેતૃત્વના આ અભિગમને સમજે છે તે સ્થાપિત પ્રણાલીઓમાં વધારે સારી રીતે નવા નવા પ્રયોગો કરી શકે છે, અને માટે બીજાં કરતાં વધારે લાંબા સમય સુધી સફળતાપૂર્વક ટકી રહી શકે છે.

How to Identify Your Team or Organization’s Purpose જૅસ્સૅ લીન સ્ટૉનર આ ત્રણ સવાલના જવાબ ખોળે છે:

૧. તમે ખરેખર કયા વ્યાપારમાં છો? તમારાં ગ્રાહકો કોણ છે અને તેમને ખરેખર તમારી પાસેથી શું જોઈએ છીએ? 'તમે ખરેખર કયા વ્યાપારમાં છો' તે જાણવાથી તમારા વ્યૂહાત્મક નિર્ણયોની સમજ જાણી શકાય છે.
૨. તમે ખરેખર શું મૂલ્ય આપી રહ્યાં છો? તમે જે કંઈ આપી રહ્યાં છો તેનાથી લોકોને ખરેખર શું ફાયદો થાય છે? તમારાં ઉત્પાદનો કે સેવાઓ સમાજને વ્યાપકપણે ક્યાં ફાયદો કરે છે? અર્થપૂર્ણ અને મૂલ્યવાન હેતુ પ્રતિબધ્ધતા પ્રેરે છે અને રોજબરોજની પ્રવૃત્તિઓને અર્થસૂચક મહત્ત્વ આપે છે.
૩. તમે જે આપો છો તેનું અંતિમ પરિણામ શું છે? અંતિમ પરિણામ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી ઉર્જાપૂર્ણ સંલગ્નતા બની રહે છે.

The Power of Purpose for Innovation and Transformation - સફળ કંપનીઓ તેમના હેતુને પોતાની વ્યૂહરચનાનાં હાર્દમાં કોતરી લે છે. પણ કંપનીના હેતુને શી રીતે ઓળખવો અને સ્પષ્ટપણે સમજાવવો શી રીતે? વળી, આટલું કરી લીધા પછી તેને સફળ નવોત્થાન અને વ્યૂહાત્મક રૂપાંતરણમાં કેમ ઢાળવું? પ્રસ્તુત લેખ હેતુલક્ષી રૂપાંતરણનાં અંદરનાં પડ ઉખેળીને વધારે સારી રીતે કામ કરતાં વિશ્વનું ઘડતર શી રીતે થઈ શકે એ રજૂ કરે છે.

અત્યાર સુધીમાં આપણે પશ્ચિમના દૃષ્ટિકોણ વડે કોર્પોરેશનના હેતુનાં જૂદાં જૂદાં પાસાં જોયા. હવે જોઈએ કે દેવદત્ત પટ્ટનાઈક પહેલા અંકના બીજા ભાગ Segment 2: Purpose of a Corporation માં આ વિષે શું કહે છે:
સંસ્થાના હેતુને ખુશીના વિચારનાં સ્વરૂપે રજૂ કરી શકાય, જે બીજા શબ્દોમાં લક્ષ્મી, સરસ્વતી, દુર્ગા(LSD) તરીકે પણ વર્ણવી શકાય.
દેવદત્ત પટ્ટનાઇકની ચર્ચાના મુખ્ય અંશ આ મુજબ છે:
ભારતમાં પરંપરાગત માન્યતા  સંપત્તિ છે પણ અને નથી પણ. આપણાં રોજબરોજનાં જીવનમાં જે પ્રશ્ન આપણી સામે આવ્યા કરે છે તે છે - કોર્પોરેશનનો હેતુ શું છે? કોર્પોરેશનનું ચાલક બળ નીવડે તેવું ખરૂં પ્રેરણાબળ શું છે?
સામાન્યતઃ એ નફાકારકતા ન હોવું જોઈએ, કેમકે નફાકરકતા તો કોઇ પ્રકારની સંપત્તિની વહેંચણીને કાર્યદક્ષપણે કરવાથી પણ શક્ય બની શકે છે.ગ્રાહકોને જે ઉત્પાદનો કે સેવાઓ જોઈએ છે તે સારામાં સારી રીતે, કાર્યદક્ષપણે,બનાવ્યે રાખવાથી પણ નફો તો કદાચ થાય.
નફાકારકતા ઉદારતા છે કે પછી મહત્વાકાંક્ષા છે કે છે લોભ?
ખુશીનું વાતાવરણ પેદા કરવામાંથી કોર્પોરેશનને પ્રેરણા મળે છે. ભારતમાં આ બાબત ત્રણ દેવીઓનાં રૂપમાં ચલણ જોવા મળે છે.પહેલાં દેવી કોઈ પણ જગ્યાએ કમળ પર બિરાજમાન જોવા મળશે , તેમના ખોળામાં સંપત્તિથી ઉભરાતો કુંભ હશે. બીજાં દેવી જાણીતાં છે તેમના એક હાથમાં વીણા અને બીજા હાથમાં પૌરાણિક ગ્રથોથી. તે જ્ઞાનનાં દેવી છે.ત્રીજાં દેવી છે, જેના હાથમાં ત્રિશુળ છે. પહેલાં લક્ષ્મી , બીજાં સરસ્વતી અને ત્રીજાં દુર્ગા તરીકે બધે જ ઓળખાય છે.
પહેલાં દેવી ભૌતિક સંપત્તિનું પ્રતિનિધિત્વ કરે છે, બીજાં બૌદ્ધિક સંપત્તિનું, તો ત્રીજાં ઉર્મિલ સંપત્તિનું રૂપ ગણાય છે. દરેક માણસ બીજાં માણસ સાથે આ ત્રણ પૈકી કોઈપણ સંપત્તિના વ્યવહારો કરે છે.બીજી રીતે જોઈએ તો,અનુક્રમે, વ્યક્તિની ભૌતિક જરૂરિયાતો, બૌદ્ધિક જરૂરિયાતો અને લાગણીની જરૂરિયાતોનું પણ આ દરેક  નિરૂપણ છે. સંસ્થાઓએ ત્રણે જરૂરિયાતો (કે સંપત્તિ)નાં સ્તર પર કામ કરવું રહે છે.
આપણો આજનો સવાલ આ ત્રણની વચ્ચે સંતુલનની રેખા દોરવા અંગેનો છે.
જો ધ્યાનથી જોઈએ તો બેલેન્સ્ડ સ્કોરકાર્ડ એક દૃષ્ટિએ LSD જ છે.
પૈસાથી પ્રેરિત લોકો તો બહુ થોડાં છે," એક વાર ડ્રકરે કહ્યું હતું. "મોટા ભાગનાં લોકો માટે જરૂરી એ છે કે તેમનાં હોવાનું કોઈ વજૂદ હોય. સંસ્થા માટે એ જરૂરી બની રહે છે કે વ્યક્તિની પોતાની પાછળ કંઈક સારી, કે કમસેકમ કંઈક જૂદી, દુનિયા મૂકી જવાની આ જરૂરિયાત સાથે તેનાં કામનું જોડાણ બને. તે સિવાય સંસ્થા લાંબા ગાળે સફળ નહીં રહી શકે."
ડ્રકરનાં આ સૂચનને અનુસરીને સંસ્થામાં કામ કરવાની રીતને વ્યવહારાભિમુખને બદલે પરિવર્તનશીલ કરવા પર ધ્યાન આપવું જોઈએ. એમ કરવાથી લાંબા ગાળાની ઉત્પાદકતા તો વધશે,પણ સાથે સાથે સંસ્થામાં ખુશીનું વાતાવરણ પણ બની રહેશે. આપણે આને સકારાત્મક વ્યાપાર કહીશું.

હવે પછી આપણે દેવદત્ત પટ્ટનાઈકે રજૂ કરેલ પહેલા અંકના ત્રીજા ભાગમાં ટુંકા ગાળાનું કે લાંબા ગાળાનું એ વિષય પર ચર્ચા કરીશું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો