બુધવાર, 12 જુલાઈ, 2017

બાગબગીચાની સંભાળ અને સુધારણા - તન્મય વોરાસુધારણા એ કોઈ નિપજ કે પરિણામ નથી. એ એક પ્રક્રિયા છે. સુધારણાની સફરમાં એમ તો ક્યારે પણ કહી ન શકાય કે આપણે આપણી મંજિલે પહોંચી ગયાં, કારણ કે સુધારણા કોઈ એક સ્થાનક નથી.  કોઈ એક સ્ટાન્ડર્ડ માટે તમારી સંસ્થા પ્રમાણિત થાય તો એ એક સીમાચિહ્ન માત્ર છે, જે હવે પછીના સુધારા માટે આગળ વધવાનો એક પડાવ છે. ઘણી વાર સંસ્થાઓ આવાં કોઈ એક સીમાચિહ્નને પહોંચવાની ઘટનાને પોતાની મંજિલનું આખરી સ્થાનક માની લેવાની ભૂલ કરવાનાં છટકાંમાં ભરાઈ પડે છે. નીચે તરફ જવાની સફર એ જ તબક્કે શરૂ થઈ જતી હોય છે.પરિણામે સુધારણા માટેનું જોશ પણ બહુ ઝડપથી ઘટવા લાગે છે.
મને યાદ આવે છે સુબ્રોતો બાગચીનાં પુસ્તક 'ધ હાઈ પરફોર્મન્સ આંત્રપ્રેન્યૉર'માં વર્ણવેલ એક ઉદાહરણની યાદ આવે છે :
એક ઝેન સાધુ તેમના બગીચામાં બાગકામ કરતા હતા. કલાકોથી તેઓ ખૂબ ચીવટથી, ફૂલોના ક્યારાઓમાંથી ઘાસનાં સુકાં તણખલાં વીણી વીણીને એક બાજૂએ એકઠાં કરી રહ્યા હતા.ત્યાંથી પસાર થતા એક જણે સાધુની તીવ્ર એકાગ્રતા અને કાળજીપૂર્વકનાં કામથી નવાઈ પામીને તેમને પૂછ્યું, 'મહાત્મા, ક્યાં સુધીમાં તમારૂં કામ થઈ રહેશે?'
સાધુએ ઉપર નજર કર્યા સિવાય જ જવાબ આપ્યો - બગીચાનું છેલ્લું તણખલું વીણાઈ નહીં જાય ત્યાં સુધી.
અહીં બાગચી ઉમેરે છે કે -
સંસ્થા પણ બગીચાની જેમ જ એક સજીવ વસ્તુ છે. અહીં ઘાસનાં સુખાં તણખલાં વીણીને સાફ કરવાની પ્રવૃત્તિઓ ક્યારે પૂરી નથી થતી.એટલે પેલા ઝેન સાધુની જેમ સંસ્થાના વરિષ્ઠ આગેવાનો એમ ક્યારેય કહી ન શકે કે જ્યાં સુધી કામ પૂરૂં થાય ત્યાં સુધી.
પરંપરાગત રીતે સુધારણાને વિકાસ સાથે સાંકળવામાં આવતી - જેમ જેમ તમે સુધારણા કરતાં જાઓ તેમ તેમ સંસ્થાની અસરકારકતામાં વૃદ્ધિ થતી રહે અને એને કારણે સમૃધ્ધિમાં પણ વધારો થતો રહે. જેમ જેમ સંસ્થાઓના સીમાડાઓ વૈશ્વિક સ્તરે ફેલાતા ગયા, તેમ તેમ સ્પર્ધા વધારે ને વધારે ગળાકાપ બનવા લાગી. આ સંજોગોમાં સુધારણા તો પરિવર્તન જેટલી જ સતત અને નાટ્યાત્મક બનતી ગઈ છે અને ઝડપથી બદલાતાં આસપાસનાં પરિબળોની સામે ટકી રહેવા માટે હવે મૂળભૂત આવશ્યકતા બની ગઈ છે.
આજના વ્યાવસાયિક આગેવાનો માટે ઝેન સાધુનો અભિગમ અપનાવવો જરૂરી બની ગયો છે, જેના વડે બહારની સ્પર્ધા પોતાની સંસ્થાની હરીયાળીને ઉજાડે તે પહેલાં જ, સતત,સુધારણા કરતા રહીને પોતાના બાગને સદાય હસતો રમતો રાખી શકાય. 
Ø  અનુવાદકઃ  અશોક વૈષ્ણવ, અમદાવાદ