બુધવાર, 2 ઑગસ્ટ, 2017

સંજોગ પ્રમાણે બદલતાં મૂલ્યો - દેવદત્ત પટ્ટનાઈક


વરિષ્ઠ સંચાલકોને 'સમ્માન' અને 'નૈતિક પ્રામાણિકતા' જેવા વિષયો પરની કાર્યશાળાઓમાં મૂલ્ય સપ્તાહના ભાગ રૂપે જોતરાવું પડતું હોય છે. એક વાર મેં એક પ્રશિક્ષકને પૂછ્યું કે આમ કરવાનું કારણ શું? તો તેનો જવાબ હતો: મૂલ્યોને બળવત્તર કરવા સારૂ. મેં એ પ્રશિક્ષકને આગળ પૂછ્યું કે વરિષ્ઠ સંચાલકોને આમ પાલતુ પ્રાણીઓની માફક આવા વિષયો પરનાં પ્રશિક્ષણની ખરેખર જરૂર હોય છે ખરી. તે મંદહાસ્ય કરીને બોલ્યાં, તેઓ તો માત્ર ઉચ્ચ અધિકારીઓના આદેશનું પાલન કરે છે. એટલે મેં એ ઉચ્ચ અધિકારીઓને પૂછ્યું. તેઓનું કહેવું હતું કે આ બધું તો તેમને ત્યાં વૈશ્વિક રિવાજના ભાગરૂપે કરવામાં આવે છે– કેટલાંક મૂલ્યોની આ કાર્યશાળાઓમાંથી યાદી બનાવો, તેને દિવાલ પર ટીંગાડો, તેના પર પ્રશિક્ષણ શિબિરો કરો, એ માટે સાહિત્ય બનાવી બધામાં વહેંચો જેથી લોકોને તમારાં મૂલ્યો વિષે કોઈ શંકા ન રહે. વર્ષને અંતે લોકોનાં કામનું મૂલ્યાંકન આ પ્રકારનાં જરૂરી મૂલ્યોના તેમનાં કામમાં અમલને જોઈને કરો. આ બધાંને કારણે કર્મચારીઓમાં કોઈ ફરક પડે છે? તેને કારણે પહેલાં હતાં તેના કરતાં એ લોકો વધારે સારાં માનવીઓ બને છે? ઉચ્ચ અધિકારીઓ આ વિષે ટિપ્પણી કરવાનું સિફતથી ટાળે છે.

મોટા ભાગે આ મૂલ્યોમાં ખાસ ભલીવાર નથી હોતો.દુનિયાની લગભગ બધી જ સંસ્થાઓ સમ્માન, પ્રામાણિકતા, વફાદારી, વૈવિધ્ય, સમાવિષ્ટતા, નેતૃત્ત્વ, જવાબદારી, ગ્રાહક-લક્ષિતા જેવા શબ્દો જ વાપરતી જોવા મળે છે.તેમ છતાં, મોટા ભાગની સામાજિક કે પર્યાવરણ ક્ષેત્રે કર્મશીલ સંસ્થાઓ, અને દુનિયાભરનાં શેર બજાર કે નાણાકીય સામયિકોમાં બહુ વખાણ પામતી સંસ્થાઓ તો વળી તેમાં ખાસ, તો મૂડીવાદનાં દૂષણોથી જ જાણે ભરેલી પડી હોય એમ જ લાગે. આ સંસ્થાઓમાં બધે બધું જ ક્યાં તો જણસ ને ક્યાંતો ગ્રાહકના ભાવે જ તોળાતું હોય છે. મૂલ્યોની વાત તો દૂર દૂર સુધી સંભળાતી નથી હોતી.

મૂલ્યો આધારીત સંસ્થા એટલે શું તે મને હજૂ સમજાયું નથી. મૂલ્યોને ગણતરીમાં ન લેતી હોય એવી કોઈ કંપનીઓ છે ખરી? એવી કોઈ કંપની હશે જેના માલિકીઅંશધારકો નફો છોડી દઈને મૂલ્યો માટે કરીને દેવાળું ફૂંકવા તૈયાર થાય? મારા મત મુજબ તો જ્યાં સુધી પકડાઈ ન જાય ત્યાં સુધી બધી જ કંપનીઓ પોતે મૂલ્ય આધારિત છે તેમ જ ગાઈ વગાડીને કહેતી હોય છે.

થોડા સમય પહેલાં જ આંતરરાષ્ટ્રીય સ્તરે બહુ માનથી જોવાતી રમતનો એક યુવાન, સોહામણો અને બહુ પ્રતિભાશાળી ખેલાડી એક બહુ જાણીતી કન્સલટન્સી અને ઑડીટીંગ કંપનીનો બ્રાંડ એમ્બેસેડર હતો. એ ખેલાડીનું નામ એક સેક્સ કૌભાંડમાં ચડ્યું. એવું કહેવાતું હતું કે તેને લગ્નેતર સંબંધો હતા. પેલી કંપનીએ તેની જાહેરાતોમાંથી એ ખેલાડીને વળતી ત્વરાએ પડતો મૂક્યો. આજે હવે એ કંપની જાહેરાતોમાં પ્રાણીઓ અને ફૂલઝાડનાં ચિત્રો મૂકવાનું પસંદ કરે છે - માણસજાતના ફટકિયા સ્વભાવનો બીજી વાર ભરોસો ક્યાં કરવો?

ખલાનાયક પોતાને મોઢેથી તે ખલનાયક છે તેમ નથી કહેતો ફરતો. પોતાને મૂલ્યો સાથે સ્નાનસૂતક નથી એમ પણ પોતાના મોઢેથી કોઈ નહીં બોલે. પોતે તો મૂલ્યોમાં બહુ જ માને છે એમ જ બધાં માનતાં હોય છે. મુસીબત એટલી જ છે કે તેમનાં મૂલ્યો બીજા લોકોનાં મૂલ્યોથી અલગ હોય છે. ઘણા ધાર્મિક ભાવના ધરાવતાં લોકોને મન, નફો એ બહુ ઉચ્ચ મૂલ્યવાળો અભિગમ નથી, જેને કારણે ઘણા મેનેજમૅન્ટ ગુરુઓને આ વિષે જાહેરમાં કંઈ કહેતાં સંકોચ થતો હોય છે.

જાહેરમાં મૂલ્યોનાં ગાણાં ગાવાની કપની જગતની આ રીતનાં મૂળિયાં આપણે બાઈબલને એ કથામાં જોઈ શકીએ છીએ જેમાં આદર્શ વર્તણૂક કેવી હોવી જોઈએ તેનું વર્ણન ભગવાન શિલાલેખમાં કોતરતા. હિંદુ ધર્મમાં આવી આદર્શ વર્તણૂકોની યાદીઓ બનાવવાની પ્રથાઓ નહોતી, અને એટલે હિંદુઓને આ બાબતે બહુ સમજ પણ ઓછી પડે, પાછી આ વાતની ગંધ બિન-હિંદુઓને આવી પણ જાય. તેમની નજરોમાં હિંદુઓ પૂંછડે બુધ્ધિવાળાં, તરકટી અને બહુ મીંઢા અને અસંગતતાપૂર્ણ બોલવાળા છે. એક આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં એક વક્તાએ બહુ ખેલદીલીથી કહ્યું હતું કે, જ્યારે તે અમેરિકા કે બ્રિટનમાં નુકસાન કરે છે ત્યારે તેને મન એ એક એળે ગયેલું રોકાણ હોય છે, પણ ભારતમાં જો એમ થાય તો તેને એમ જ થાય કે હું છેતરાયો. કરારોની પવિત્રતાના અંકમાં ભારતને મળતું બહુ નીચેનું સ્થાન આ વાતનો પુરાવો ભરે છે.અને કદાચ એટલે (કે પછી પારંપારિક સાંસ્કૃતિક પૂર્વગ્રહોને કારણે) અહીં કામ કરતી આંતરરાષ્ટ્રીય કપનીઓ તેમની ભારતની પેટા કંપનીઓમાં મૂલ્ય કાર્યશાળાઓ પર વધારે ભાર મૂકતી હશે!

પરંપરાગત રીતે, ભારતમાં મૂલ્યોને વર્તણૂકની એક ચોક્કસ નિપજની દૃષ્ટિએ નથી જોવામાં આવતાં. આપણે 'ભાવ'ને બે અર્થમાં પ્રયોજતાં હોઈએ છીએ: પહેલો છે આપણી કાર્યવાહીને દોરતાં ભાવનાપ્રધાન પ્રયોજનો (શુ ભાવથી આ કામ કરો છો). અને બીજો છે, કોઈ વ્યક્તિ કે બાબતને શું મહત્ત્વ આપીએ છીએ (બહુ ભાવ આપો તો માથે પડતો આવે). મૂલ્ય સાપેક્ષ છે, જેનો આધાર વ્યક્તિની લાગણીઓની પરિપક્વતા અને સંદર્ભની સમજ પર છે. મૂલ્ય બહારનાં કોઈથી પહેલેથી નક્કી થયેલ અને સમાજ દ્વારા ફરજ પડાયેલ હેતુલક્ષી વિચાર કે ભાવના નથી.

સમ્માનનો દાખલો લઈએ : પાશ્ચાત્ય દૃષ્ટિકોણ પ્રમાણે બધાંને સમાન નજરે જોવાં જોઈએ; ચીની / જાપાની દૃષ્ટિકોણ પ્રમાણે એક બહુ જ માનભર્યા અધિક્રમ અનુસાર સુનિશ્ચિત રીતરિવાજ મુજબ સમ્માન દર્શાવાવું જોઇએ; હિંદુ દૃષ્ટિકોણ પ્રમાણે અહીં બધું પ્રવાહી હાલતમાં છે - દરેક વ્યક્તિની માન્યતાની પરિપક્વતા અનુસાર સમય સાથે બદલતા જતા સામેની વ્યક્તિની સત્તાના પ્રભાવ અનુસાર સમ્માનની કક્ષા પણ વધઘટ થાય.સ્વાભાવિક જ છે કે પાશ્ચાત્ય વિચારસરણી સમાનતાનાં પોતાનાં મૂલ્યોને શ્રેષ્ઠ માને છે.

આ બધાં પરિબળોને કારણે મૂલ્યો વિષેની ચર્ચા અને માન્યતાઓ એટલી સંકુલ બની જાય છે કે તેને એક વાર તો સાંસ્કૃતિક વાસ્તવિકતાની વિચારણાને ગળણે ગાળવી પડે - સિવાય કે આપણે સામાજિક, ભૌગોલિક, અનુવંશીય કે ઐતિહાસીક જેવાં વૈવિધ્ય સામે આંખ બંધ કરીને એકેશ્વરવાદની પરંપરાગત માન્યતાની જેમ એક જ સત્ય અને જીવન જીવવાનો એક જ સાચો માર્ગ એમ માનવાને જ વળગી રહ્યાં હોઈએ.

  • ધ ઈકોનોમિક ટાઈમ્સમાં ૧૭ ઓગસ્ટ,૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Differential Valuesનો અનુવાદ 
  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૨ ઓગસ્ટ, ૨૦૧૭