બુધવાર, 26 જુલાઈ, 2017

'ના' કાયમી ન પણ હોઈ શકે

- પ્રો. ડૉ. અજિત પાટીલ


 કહેવાય છે કે 'હા' પડવામાં બહુ અક્કલની જરૂર નથી પડતી, પણ 'ના'કહેવામાં બુધ્ધિ કસવી પડે છે.
મેં જોયું છે કે 'ના' કહેવામાં લોકોએ બહુ ફાંફાં મારવાં પડતાં હોય છે. જ્યારે કોઇને કોઇ બાબતે 'ના' કહેવાની આવે છે ત્યારે તેઓ બધું ગૂંચવી નાખતાં હોય છે. ના પાડતાં તેમની જીભ થોથવાતી હોય છે. તો વળી કોઈકને તો 'ના' કહેવામાં ગુન્હાહિત લાગણી અનુભવાતી હોય છે. ઘણાં લોકોએ 'ના' કહેવા માટે ખાસ્સી હિંમત એકઠી કરવી પડતી હોય છે. 'ના' પાડવાનું આવે ત્યારે વાતચીત કરવાનું જ ટાળતાં રહે છે.
'ના' એક એવું હથિયાર છે જેનો ઉપયોગ કરવા માટે તાલીમ જરૂરી છે.
કેટલાંક લોકો ઉતાવળમાં 'ના' કહી દેતાં હોય છે. તો વળી કેટલાં ક લોકો 'ના' કહેવા માટે સારી તકની રાહ જોવાનું પસંદ કરતાં હોય છે. દબાણમાં ને દબાણમાં લોકો 'ના' પાડવા માટે પોતાનામાં જે સ્વાભાવિક આવડત હોય તે પણ ભૂલી જતાં હોય છે. એ એવી બેધારી તલવાર છે જે યોગ્ય તાલીમ વગર વાપરવામાં આવે તો વાપરનારને જ નુકસાન કરી શકે છે.
બોલવામાં 'ના' સૌથી અઘરો શબ્દ એટલે છે કે તેના માટે જીભ, દિલ અને દિમાગ એ ત્રણેયનો સમન્વય સાધવો પડતો હોય છે.
'ના' કહેવું આટલું મુશ્કેલ કેમ હશે? એ શબ્દ સાથે એવા ભય જોડાયેલા હશે જે વમળો પેદા કરી શકે છે
એટલા સારૂ એમ થતું હશે? એ ખૂબ નિરૂત્સાહજનક હોઈ શકે છે. એ પીડાકારક બની શકે છે.એના કારણે એકાદ તક મળી હોય તે પણ હાથમાંથી સરી જઇ શકે છે. એ રોષ કે રૂદન પેદા કરી શકે છે. એ સંબંધો ખરાબ કરી શકે છે.બાળકો હોય કે સ્ત્રીઓ કે બુઢાં લોકો, બધાંને એ સરખું ખૂંચી શકે છે. ફરક છે માત્ર 'ના'નો સામનો કરનાર લોકોના પ્રત્યાઘાતોનો. લોકો જે રીતે પ્રતિક્રિયા કરે છે તે તેમનાં વ્યક્તિત્ત્વ પર અને તેમની 'હા' સાભળવામાટેની અધીરાઈ પર અધાર રાખે છે. જ્યારે ઊભરી રહેલી આશાઓ અને લાગણીઓ પર તે ખરૂં નથી ઉતરતું ત્યારે વધારે અખરે છે. જ્યારે દાવ પર ઊંચી બોલી બોલાઇ હોય ત્યારે તે તો સાવેસાવ વિધ્વંસક બની શકે છે.નુકસાન પૈસામાં હોઈ શકે કે પછી હોઈ શકે અરમાનોનું.એ સાચું પણ હોય અને આભાસી પણ. 'ના' જબરૂં ત્રાસદાયક નીવડી શકે છે.
'ના' કહેવી વધારે મુશ્કેલ બને છે જ્યારે 'ના' સાંભળવી ન ગમતી હોય.
કહેનાર કે સાંભળનારને એ પસંદ નથી હોતી.બન્ને તેને સરખી જ ધીક્કારે છે. બન્નેને લાગે છે કે બન્ને પક્ષે ખોટનો વેપાર છે.સાંભળનાર હતોત્સાહ એટલે બને છે કે તેને લાગે છે કે હવે બારે વહાણ ડૂબી ગયાં.કહેનારને એ એટલે પસંદ નથી પડતું કેમકે તેનાથી નકારાત્મક કડવાશ વધે છે. સંચાલન કરતી વખતે કે નેતૃત્વ પૂરૂં પાડતી વખતે 'ના'થી છૂટકારો શક્ય નથી. હકીકકત તો એ છે કે જેમ જેમ તમે ઊંચાં સ્થાન પર જતાં જાઓ છો તેમ તેમ તમારે વધારે ને વધારે 'ના'કહેવાના પ્રસગો સામે આવે છે.એ એવું જીવાણૂનાશક છે જેની કોઈ પ્રતિક્યા ન પણ આવે, પણ તેની અવળી આડઅસરો પડી શકે છે. તેમ છતાં જ્યારે 'ના' કહેવી પડે જ તેમ હોય ત્યારે 'ના'કહેવી તો પડે જ છે.'ના' ઢાલ પણ નીવડી શકે છે. એ તમને સંભવિતતઃ શર્મીંદા થવાથી કે અપમાનિત થવાથી કે પછી સજા પામવામાંથી બચાવી શકે છે. કેટલાંક લોકો તેની ઓથ લઈ લે છે કેમ કે એ સલામત રસ્તો જણાય છે. એ રસ્તાનો અવરોધ પરવડી શકે છે.
'ના' નવપરિવર્તનનો સ્ત્રોત બની શકે છે.
સફળ લોકો 'ના'અને અવરોધ નથી ગણતાં. તે તેને ટાળો દઈને આગળ વધતાં રહી શકે છે. સર્જનાત્મક દિમાગને તે પડકારજનક લાગે છે કેમકે તેને કારણે નવા રસ્તા કે રીત શોધવાની ફરજ પડે છે. સફળ અગ્રણીઓ તેનાથી નિરાશ નથી થતાં.તેમને તો જોશ ચડે છે.'ના' તેમના માટે વધારે ઊંચાઈ સર કરવાનું પગથિયું પરવડી શકે છે.
'ના' સાથે કામ લેવું જ પડે તેમ હોય તો શું કરવું? મારા અનુભવો અને અવલોકનોના આધારે તો મને ઘણા માર્ગ દેખાય છે.
'દવા વગરના ઉપચાર' માટેનો  શ્રેષ્ઠ ઈલાજ છે.
એવા નિર્ણયની પળ કુદાવી જાઓ
'હા' કે ના' એ બેમાંથી એકની વચ્ચે પસંદગી કરવી પડે એવો નિર્ણય લેવો પડે એવી પરિસ્થિતિ જ ટાળોસફળ અને અસરકારક અગ્રણીઓ તેમની ટીમને કામગીરીનાં સંચાલનને લગતી બધી બાબતોમાં તેમજ મહત્ત્વના નિર્ણયોમાં સામેલ કરે છે. તેઓ તેમની ટીમ સામે આખેઆખું ચિત્ર મૂકી દે છે. પરિણામે ટીમ પાસે પરિસ્થિતિના સંદર્ભનો પૂરો કયાસ હોય છે અને, શું શું અડચણો આવી શકે છે કે શું તકો સામે આવી શકે તેના વિશે અંદાજ હોય છે. આમ થવાને કારણે તેમની પોતાનાં અગ્રણીની વિચારસરણી અને વર્તન માટે સહાનુભૂતિપર્ણ પ્રતિભાવ રહે છે. તેમને પણ ખયાલ હોય છે કે શું શક્ય છે અને શું નહીં અને કેમ. આથી, જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તેઓ પોતાનાં અગ્રણીને 'હા' કે 'ના'વાળી પરિસ્થિતિમાં આવવું પડે તેવી પરિસ્થિતિઓ ટાળતાં રહે છે.
જવાબદારી વહેંચો.
સફળ અને અસરકારક અગ્રણીઓ જવાબદારીને પોતાની ટીમ સાથે વહેંચવાથી થતા ફાયદાઓથી અવગત હોય છે. આ આગ્રણીઓ પોતાની ટીમને આવી જવાબદારીઓ લઇ શકવા માટે સક્ષમ કરે છે, જૂદી જૂદી પરિસ્થિતિઓમાં નિર્ણયો કેમ લેવા તે અંગે તાલીમ અને તક આપતાં રહે છે.  ક્યારેક કદાચ કોઈ નિર્ણય અવળા પડે તો તેઓ પોતાની ટીમને ટેકો કરે છે. તેઓ શીખવાડે છે કે ભૂલની પાછળ આંસુ સારવાને બદલે ભૂલમાં થી પાઠ શીખીને આગળ કેમ વધતાં રહેવું.સફળ અગ્રણીઓને ભલીભાંતિ ખબર હોય છે કે જવાબદારી ટીમ સાથે વહેંચવાથી જ પોતે રોજબરોજનાં કામોમાંથી હળવા થઈને લાંબા ગાળે ફાયદાકારક નવા નવા પડકારો માટે વિચારવા અને આયોજન કરવા માટે જરૂરી સમય મેળવી શકશે. જવાબદારીની વહેંચણીમાં જે શક્તિઓ છૂપાયેલી છે, તેની સાથે સાથે 'ના' કહેવી પડવાની જવાબદારી પણ આવી પડે છે એ ભૂલવું ન જોઈએ.
વિકલ્પો વિકસાવો.
જ્યારે આપણી પાસે કોઈ વિકલ્પ નથી હોતો, ત્યારે સામે આવતી 'ના' બહુ પીડાકારક નીવડતી હોય છે, જેમ જેમ આપણી પાસે વધુને વધુ સક્ષમ વિકલ્પ વિકસતા જાય છે તેમ તેમ 'ના'ની પીડાનું દર્દ ઘટતું જાય છે. સંભવિત ઉપાયોના વિકલ્પોને કારણે આપણને ઘોર અંધારામાં આશાનાં કિરણ દેખાવા લાગે છે.
'ના' પાડતાં શીખો
'ના' પાડવી એ એક કળા ગણાય છે. સફળ નેતાઓ ચોક્ખે ચોખી કે સ્પષ્ટ  ના નથી પાડી દેતાં. તેમના ચહેરા પર કોઈ ભાવ પણ નથી બદલતા. તેમને ખબર હોય છે કે ક્યારે સ્પષ્ટ 'ના' કહેવી અને ક્યારે ફેરવીને 'ના' કહેવી.
કેટલાક અસરકારક નેતાઓ તેમના શરીરના હાવભાવથી 'ના' કહી શકતાં હોય છે. તેમનું મૌન પણ 'ના' કહી જતું હોય છે.
મોટા ભાગનાં સફળ નેતાઓને ખબર છે કે 'ના' નાપસંદગીની બહુ કડક અભિવ્યક્તિ દર્શાવે છે. એટલી કડક સ્વરૂપે સામે આવતી નાપસંદગી વધારે હતોત્સાહજનક અને નુકસાનપ્રેરક પરવડી શકે છે.એ લોકોને એ પણ ખબર હોય છે કે  'ના'ને સામેવાળી વ્યક્તિદ્વારા તક ન આપવાની દૃષ્ટિએ કે પછી ભેદભાવ રાખવા માટેનું માધ્યમ કે બહુ આકરા પૂર્વગ્રહનાં સ્વરૂપે પણ જોવામાં આવી શકે છે.એટલે ઘણાં લોકો 'ના'ને ખાંડનું પડ ચડાવીને રજૂ કરે છે. જેમ કે, સીધે સાદી રીતે ના કહેવાને બદલે તેઓ બહુ સમજાવટપૂર્વકની પૂર્વભૂમિકા બાંધતાં હોય છે, જેમાં 'ના' કહેવા માટેનાં કારણો અને સંજોગો આવરી લેવાતા હોય છે.
તમે કઇ રીતે 'ના' પાડી છે તેના પરથી તમારા ઘણા બધા સંબંધોનું ભાવિ આધાર રાખે છે.
યોગ્ય સમયે કહો
અંતે તો 'ના' બધું ઊંધુંચત્તું તો કરી જ નાખશે. ધીરજ કેળવવી પડે,પોતાનો વારો આવે એટલી રાહ જોવી રહે. જ્યારે સામી વ્યક્તો બીજા પ્રશ્નો સામે ઝઝૂમતી હોય તે વખતે તેના પર 'ના' ન ઠોકી ન બેસાડવી જોઈએ. એ ના તેના પર ઊંટ પરનું છેલ્લું તણખલું સાબિત થઇ શકે છે. આ સમય આપણી ઢીલ કરવાની બધી કળા કામે લગાડવી જોઈએ. તેને નાની નાની બાબતો દ્વારા ઈશારો કરતાં રહો જેથી એની કોઠાસૂઝથી એને આવનારી 'ના'નો અંદેશો આવવા લાગી જાય. તે જ રીતે જ્યારે સામી વ્યક્તિ કોઈ બાબતની ઉજવણી કરતી હોય ત્યારે તેના સોળે કળાએ ખીલેલા રંગમાં ભંગ ન પાડવો જોઈએ.
ભગવાન જ્યારે 'ના' પાડે છે ત્યારે કંઇક રીતે વાળી આપે છે.
'ના' પાડ્યા પછી
જેને 'ના' પાડવી જ પડી છે તેની તરફ સહાનુભૂતિથી વર્તવું જોઈએ. તેને કંઈક સ્વરૂપે વાલી આપી શકાય તેમ હોય તો એમ જરૂર કરો.સંબંધ જાળવી રાખો. 'હા' કહી શકવાની કોઈ તક દેખાતી હોય તો તેને જીવંત કરો, કેમકે ઉપરાઉપરી બે નન્નૈયા રહ્યોસહ્યો સંબંધ પણ તોડીફોડી નાખી શકે છે.સામી વ્યક્તિ એમ પણ માનવા લાગી શકે છે કે હવે તેને આ સંબંધમાં 'હા' સાંભળવાની કોઈ આશા હોય તેના પર પાણી ફરી વળી શકે.
સામાવાળાની ગુન્હાહીત લાગણીનો લાભ લો
જે તેમ 'ના' સાંભળવાની સ્થિતિમાં હો, તો એ પરિસ્થિતિનો શક્ય એટલો લાભ ઉઠાવો. તમને ;ના; પાડનાર વ્યક્તિ કંઇકને કંઈક ભોઠપ અનુભવતી હશે. એ આળી લાગણીનો લાભ ઊઠાવો. એમણે પાડેલી 'ના'થી થનારાં નુકસાનને શક્ય એટલું ઓછું કરવા પ્રયાસ કરો. ઘણા વિચક્ષણ સંચાલકો પોતે સાંભળવા મળેલી 'ના'નો ફાયદો બીજે કશે કાઢી લેતા હોય છે. જેણે 'ના' કહી છે તેની મદદ માગી લેતા હોય છે. આ પ્રકારનો અભિગમ ઘણીવાર કેટલીક પેદાશો કે સેવાઓનાં વેચાણમાં મોટું કામ કરી જઈ શકે છે.
ઘણા સફળ સેલ્સમેનનો તો ધંધો જ લોકોની 'ના' પર ટકી રહેલો હોય છે ! સમજાવટથી કામ કઢાવવું એ તો વેચાણના વ્યવસાયમાં બહુમૂલ્ય કૌશલ ગણાય છે. પહેલે ધડાકે 'ના' સાંભળવા મળે તો એ 'ના'ને મોળી પાડી નાખવાથી, પછીથી ગમે તેટલું વેચાણ થાય, સેલ્સમેનના ખાતે તો મસમોટું શ્રેય ચડી જાય છે. વેચાણના વ્યવસાયમાં 'ના' ક્યારે હંમેશમાટે નથી મનાતી.
સફળતા અને નિષ્ફળતા વચ્ચેનો સૌથી મોટો તફાવત પાડી શકતું પરિબળ છે 'ના'ની પાછળ રહેલા અર્થ સમજવાનું કૌશલ્ય. 'ના'ની આગળપાછળનો સંદર્ભ સમજવો, તેમાંથી થનાર નુકસાનની માત્રા ઓછામાં ઓછી કરી શકવી અને કોઈને કોઈ અસરોને પોતાના  વ્યાવસાયિક લાભમાં ફેરવી નાખવાથી પણ 'ના'ની અસરની નકારાત્મકતા ઘટાડી શકાય છે.

પ્રો. ડૉ. અજિત પાટીલની શૈક્ષણિક લાયકાતોનાં મૂળ એન્જિનીયરીંગમાં છે, જેના પર માર્કેટીંગ મૅનેજમૅન્ટમાં ડૉક્ટેરેટની પદવી મહોરી છે. કોર્પોરેટ વિશ્વમાં ૨૪થી વધારે વર્ષના અનુભવમાંથી ૧૮ વર્ષનો તો ડૉ. પાટિલનો અનુભવ મૅનેજમૅન્ટ શીખવવાનો છે.
તેમણે લખેલાં બે પુસ્તકો 'International Business' (ISBN: 978-93-82249-87-0) અને 'Management Control Systems' (ISBN-978-93-83130-64-1) મુંબઈ યુનિવર્સિટીમાં એમબીએના અભ્યાસક્રમમાં પાઠ્યસ્તક તરીકે માન્ય ગણાયાં છે.
હાલમાં તેઓ મુંબઈની આઈએસસીઆઈ બીઝનેસ સ્કૂલમાં પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપે છે.

પ્રો. ડૉ. અજિત પાટીલના મૂળ અંગેજીમાં લખાયેલ લેખ No does not mean never પરથી અનુવાદ

અનુવાદક અશોક વૈષ્ણવ, અમદાવાદ  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો