શુક્રવાર, 1 ડિસેમ્બર, 2017

બીઝનેસ સૂત્ર | ૪.૨| સાધ્ય સાધનને ઊચિત ઠેરવી શકે?
બીઝનેસ સૂત્ર | | સંઘર્ષ
સીએનબીસી - ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી 'બીઝનેસ સૂત્ર'ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે 'કોર્પોરેશન'ના વિષયની ચર્ચા કોર્પોરેશનનો અર્થ, તેનો હેતુ અને તેના દૃષ્ટિકોણના ફલક એમ ત્રણ ભાગમાં કરી. નેતૃત્ત્વની ભૂમિકા અને ખાસીયતો, નેતૃત્ત્વનો સંદર્ભ અને જૂદાં જૂદાં વ્યાપાર ચક્રમાં નેતૃત્વ એમ ત્રણ ભાગમાં આ શ્રેણીના બીજા વિષય તરીકે દેવદત્ત પટ્ટનાઈકે  નેતૃત્વ વિષે હિંદુ પુરાણોના દૃષ્ટિકોણની રજૂઆત કરી છે. બીઝનેસ સૂત્ર શ્રેણીના ત્રીજા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ધર્મ : નીતિશાસ્ત્ર અને તેને અનુરૂપ નૈતિક આચાર-વિચારને ધર્મ અને સંકટ, માલિકના તેમની સંસ્થા સાથેના સંબંધ અને રામાયણ અને મહાભારત એમ ત્રણ ભાગમાં સાંકળી લીધેલ છે.
બીઝનેસ સૂત્ર શ્રેણીના આ ચોથા અંક માટે દેવદત્ત પટ્ટનાઈકે સંઘર્ષ વિષય પસંદ કર્યો છે, જેના પહેલા ભાગમાં આપણે નિયામક મંડળ અને મુખ્ય સંચાલન અધિકારી વચ્ચે થતા રહેતા સંઘર્ષોની વાત કરી હતી.
બીઝનેસ સૂત્ર | ૪.૨|  સાધ્ય સાધનને ઊચિત ઠેરવી શકે?
'સાધ્ય સાધનને ઊચિત ઠેરવે છે' /"the end justifies the meansશબ્દસમુહની વ્યાખ્યા કેમ્બ્રિજ ડીક્ષનરી આ રીતે કરે છે - એવી પરિસ્થિતિ જેમાં અંતિમ ધ્યેય એટલું મહત્ત્વનું હોય છે કે કોઈ પણ રીતે તેને સિધ્ધ કરવું સ્વીકાર્ય બની રહે છે.
એક બાબત ખાસ ધ્યાન પર લાવવી જોઈએ કે રાજકારણીય વિચારધારાની અતિ-વાસ્તવાદી ધુંધળી બાજૂનું આ કથન આધુનિક રાજકારણીય વિજ્ઞાનના જનક નિક્કોલૉ મેકિયાવેલીને ફાળે ચડાવવું  કંઈક અંશે  અજૂગતું એટલા સારૂ છે કે આ પરિણામવાદી ગૈરકથન મેકીયાવેલીની વાસ્તવાવાદી પ્રજાસત્તાક ફીલોસોફીનું વધારે પડતું સરળીકરણ છે. આજના સમયમાં જે,  સ્વતંત્ર અને આ ચોક્કસ શબ્દસમૂહના જ, અર્થમાં  પ્રયોજવામાં આવે છે તે સ્વરૂપે તેમણે આ શબ્દસમૂહ ક્યાંય પણ વાપર્યો નથી.
પરિણામવાદ /Consequentialism  આદર્શમૂલક નૈતિક સિધ્ધાંતોનો એક એવો વર્ગ છે જે માને છે કે કોઈનાં પણ વર્તનનાં પરિણામો જ એ વર્તનનાં ઔચિત્ય અંગે ન્યાય તોળી શકે. આમ. પરિણામવાદી દૃષ્ટિકોણ પ્રમાણે, ઉચિત નૈતિક પગલું (કે તેમાં થયેલ ચૂક) એ છે જેનું પરિણામ સારૂ આવ્યું હોય. પરિણામવાદનાં એકદમ અંતિમ સ્વરૂપ તરીકે બહુ સ્વીકૃત ગણાતાં કથન 'સાધ્ય સાધનએ ઉચિત ઠેરવે છે' ઘણું ચલણી બન્યું છે. આનો અર્થ એમ કરી શકાય કે જો હેતુ નૈતિક રીતે બહુ જ મહત્ત્વનો હોય તો પછી તેને પ્રાપ્ત કરવાના બધા માર્ગ ઉચિત છે.
સામાન્યપણે પરિણામવાદ આચારશાસ્ત્રને બીજે છેડે માનવામાં આવે છે. આચારશાસ્ત્રમાં નિયમો અને નૈતિક ફરજો કેન્દ્રસ્થાને છે. અહીં વ્યક્તિના આચરણનું ઔચિત્ય તેનાં વર્તન (કે તેની ચૂક)નાં પરિણામ પર નહીં પણ વર્તનનાં જ ચારિત્ર્ય પર અવલંબે છે. વર્તનનાં પરિણામ પર નહી પણ તેનાં કર્તાનાં ચારિત્ર્ય પર આધાર રાખવાની દૃષ્ટિએ તે સદ઼્ગુણ નૈતિકતાથી પણ અલગ પડે છે. તે જ રીતે  નૈતિકતાને એક વિજ્ઞાનની દૃષ્ટિએ જોતાં વ્યાવહારિક નીતિશાસ્ત્રથી પણ તે અલગ જ પડે છે.  વ્યાવહારિક નીતિશાસ્ત્રના સિધ્ધાંતો અનેક જીવનચક્રને અતિક્રમીને, સમયને અનુરૂપ માપદંડના અમલ દ્વારા  સામાજિક કક્ષાએ પ્રસ્તુત રહેતા હોય છે.
ઘણાં લોકોની દલીલ છે કે પરિણામવાદ અને આચારશાસ્ત્ર એકબીજાનો છેદ નથી ઊડાડતાં. જેમકે, ટી એમ સ્કેનલૉનનું કહેવુ છે કે સામાન્યપણ આચારશાસ્ત્રીય મનાતા માનવ હક્કોનું ઔચિત્ય પણ તે હક્કોના ભોગવટાનાં પરિણામોએ આધારે જ નક્કી કરી શકાય. 
આ વિચારને સમજાવતા કેટલીક વિડીયો ક્લિપ્સ
Does the End Justify the Means 
Learning to Love Machiavelli: Don MacDonald at TEDxBoston 
Machiavelli's Dilemma | Matt Kohut | TEDxBeaconStreet
The Bhagavad Gita According to Gandhi/ અનાશક્તિયોગની પ્રસ્તાવનામાં ગાંધીજીએ લખ્યું છે કે:
જે વ્યક્તિ પરિણામ વિષે બહુ વિચારે છે તે પોતાના કર્ત્વયપાલનમાં ઊણો ઉતરી શકે છે. તે ધીરજ ગુમાવીને આવેશમય બની જાય છે અને તેથી લાંછનસ્પદ કામ કરી બેસે છે; તે એક કામથી બીજાં કામ પર કૂદ્કા મારવામાં એક પણ કામને ન્યાય નથી કરી શકતો.જ્યારે પરિણામની ખેવના નથી હોતી ત્યારે અસત્ય કે હિંસા માટેની લાલચ પણ નથી રહેતી. અસત્ય કે હિંસાનું કોઈ પણ ઉદાહરણ જોઈશું તો દેખાશે તેની પાછળ અચૂક કોઈ મનોવાંછિત પરિણામની અપેક્ષા જ જોવા મળશે.
થોડા આગળ જતાં તેઓ વિષય બાબતે વધારે સ્પષ્ટપણે કહે છે કે
આપણે કોઈ પણ કામ ખાસ પ્રીત્યાર્થ બંધનથી ન કરવું જોઈએ. 'આ બહુ વધારે ખોટું છે?' એવી પણ સારાં કામ માટેની પ્રીતિ પણ ખરાબ છે. મુક્તિ પામવાનાં આપણા ધ્યેય સાથે બહુ વધારે પડતા લગાવને કારણે આપણે અવળાં સાધન પસંદ કરતાં પણ અચકાશું  નહીં.
આજના અંકમાં આ વિષયની ચર્ચાના, 'બીઝનેસ સૂત્ર' શ્રેણીના ચોથા અંકના બીજા ભાગમાં સાધ્ય સાધનને ઊચિત ઠેરવી શકે?’ એ વિષે વાત કરીશું.

શાસન વ્યવસ્થાની વાત હંમેશાં શાસનની ભાવનાના સંદર્ભમાં જ થતી હોય છે, જેમાં નિયમોને અતિક્રમીને અમલ કરવાનું મહત્ત્વ હોય છે. નિયમોનાં શાબ્દિક પાલનની જ માત્ર વાત નથી, પણ બધાં હિતધારકોનાં હિતને ધ્યાનમાં લેવાતું રહે છે. એ વિષે મને એકાદ બે સવાલ છે જેમાં મને શાસનના સંઘર્ષ દેખાય છે , જે બાબતે આપણાં શાસ્ત્રો શું કહે છે તે જાણવું રસપ્રદ બની રહેશે. શું સાધ્ય સાધનને ઊચિત ઠેરવી શકે? તમારાં પુસ્તકોમાં પણ કહ્યું છે એમ મહાભારતમાં ઘણી જગ્યાએ જોવા મળે છે કે પાંડવોનો વિજય થાય એ માટે કરીને કૃષ્ણ યુધ્ધના દરેકના નિયમનું ઉલ્લંઘન કરતા રહે છે.

અહીં જે પૂર્વધારણા છે તે મહત્વની છે - જો નિયમોનું પાલન થશે તો સારાં વાનાં થશે.બધાંનું એમ જ કહેવું છે.એટલે મોટા ભાગે નિયમોનું પાલન સારૂં જ છે. પહેલી વાત તો એ જ છે કે આ આખો વિચાર જ આપણા માટે પરાયો છે, કારણકે આપણા માટે નિયમો માત્ર સાંદર્ભિક છે. એક જ નિયમનો અમલ દરેક સંદર્ભ અનુસાર સરખો ન થઈ શકે. જેમ કે, પિતાની આજ્ઞાનો આદર કરવો એ સારા પુત્રનાં લક્ષણ છે. મહાભારતમાં ભિષ્મએ તેના પિતાની ઈચ્છાનું પૂર્ણપણે પાલન કર્યું હતું.એક દિવસ ભિષ્મના પિતા કહે છે તે એક યુવાન સ્ત્રી સાથે પ્રેમમાં હોવાને કારણે વ્યથિત રહે છે. યુવાન ભિષ્મ, જે ત્યારે હજૂ દેવવ્રત હતા, એ માછીમાર કન્યા પાસે જઈને તેને તેના પિતા સાથે પરણવા સમજાવે છે. કન્યા જવાબમાં કહે છે કે એ શક્ય નથી કેમ કે તમારા ગાદી ત્યાગ વિના અમારો પુત્ર કદિ રાજા નબની શકે. દેવવ્રતે તરત જ ગાદીત્યાગ કરવાનો નિર્ણય કર્યો. કન્યા ગાળ જણાવે છે કે તેમ છતાં હજૂ અમારાં સંતાનો અને તમારાં સંતાનો વચ્ચે સંપત્તિના ઝઘડા થશે.અહીં દેવવ્રત ભિષ્મ પ્રતિજ્ઞા લે છે કે તે આજીવન લગ્ન નહી  કરે. આમ એક પુત્ર પોતાના પિતા માટે પોતાના જીવનનો ભોગ આપ્યો.  

પુત્રએ પિતા માટે આપેલ ભોગ રામયણમાં જેટલો સારો દેખાડાયો છે એટલો મહાભારતામાં ખરાબ પરવડ્યો છે.એ એક જ પગલાંને કારણે કૌટુંબીક વંશવૃક્ષનું નિકંદન નીકળી ગયું. એ પછી જે સંતાનો થયાં તે કોઇ ઋષિ કે કોઈ દેવની મદદથી અસામાન્ય સંજોગોમાં જન્મ્યાં, જેનું અંતિમ પરિણામ રાજગાદી માટેની ખેંચતાણમાંથી મહાભારતનાં યુધ્ધ સ્વરૂપે આવ્યું. એટલે નિયમોનું  પાલન એટલે સારૂ એમ કહેતી વખતે આપણે બહુ ધ્યાન રાખવાની જરૂર છે. દરેક સારો વકીલ જાણે છે કે કાયદાના શબ્દોનું નહીં પણ તેની ભાવનાનાં પાલનનું ખરૂ મહત્ત્વ છે.
મહાભારતની વાત આગળ કરીએ. મહાભારતનો અંત શું હતો? સો એ સો કૌરવો માર્યા ગયા. સારૂં , ચલો, પાપ ટળ્યું. પાંડવો વિજયી થયા, આ તો થવું જ જોઈતું હતું. પણ આ અંતની એક બીજી બાજૂ પર  ઘણાં કથાનકોએ ધ્યાન નથી આપ્યું. પાંડવોનાં બધાં સંતાનો, દ્રૌપદીના પાંચેપાંચ પુત્ર પણ મૃત્યુ પામ્યા હતા. દ્રૌપદી કહે છે કે પેલા દુષ્ટો તો મર્યા પણ ભેગા મારા દીકરાઓ પણ મરી ગયા? આ કેવું યુધ્ધ? આ કેવો વિજય? રાજય મળ્યું, પણ સંતાનો ખોયાં. કૃષ્ણની સથે પણ શું થયું? તેમને એક શ્રાપ ખમવો પડ્યો કે ૩૬ વર્ષ પછી તેનો સમગ્ર પરિવાર તેમની આંખો સામે મરી જશે. આમ અંતમાં દરેક પક્ષે હાર હતી  જ. મહાભારતની કથાનો સંદેશ વિજયનો નથી, પણ સહાનુભૂતિનો છે. યાદ રહે કે યુધ્ધ થતાં પહેલાં કૃષ્ણ દુર્યોધન પાસે સુલેહની દરખાસ્ત લઇ ગયા હતા. એ શાંતિ મંત્રણાને અંતે તેઓ વચ્ચે એક કરાર થાય છે કે દ્યુતનો ખેલ હારનારાંઓએ ૧૩ વર્ષ માટે વનવાસ ભોગવવો, તે પછીથી દુર્યોધન તેમને રાજ પાછું સોંપે. કરાર એક્દમ સ્પષ્ટ હતો. સમય પૂરો થયે પહેલા પક્ષે કરાર મુજબ પાછા આવીને રાજ્ય પાછું માગ્યું. દુર્યોધને ધરાર પોતાનો ભાગ પૂરો ન કર્યો. તેણે કંઈ કેટલીય તકનીકી ભૂલો બતાડવાનું શરૂ કર્યું.છેલ્લે કૃષ્ણ થાક્યા અને કહે કે ભલે ચાલો રાજ નહીં તો પાંચ ગામ આપો. દુર્યોધને તેની પણ ના પાડી. કૃષ્ણએ કહ્યું  ભલે ચાલો, એમ પણ નહીં તો પાંચ ઓરડાવાળું એક મકાન આપો. દુર્યોધને કહ્યું, ના હું તો સોઇની ટોચ જેટલી પણ જગ્યા નહીં આપું. અહી હવે તેની દાનત ઉઘાડી પડે છે.અત્યાર સુધી તેણે કાયદાનુ પાલન કર્યું હતુ. આજે પણ તે કાયદાની મર્યાદામાં સાચો હતો., પણ તેનો ઈરાદો આજે મલિન હતો. તેને છેક ખૂણા સોતો દબાવી દીધો, પછી પણ જ્યારે તે ટસથી મસ ન જ થયો, ત્યારે યુધ્ધ એ જ કલ્યાણ એ માર્ગ જ રહ્યો હતો.

પરંતુ યુધ્ધને પરિણામે તો કેટલાં નિર્દોષ લોકોએ પણ જાન ગુમાવ્યા.
 જો યુધ્ધ ન થયું હોત તો રાજ્ય એવા રાજાના હાથમાં રહેત જેને બીજાંની કોઈ જ પડી નથી રહેતે અને તેને પરીણામે જે સમાજ વિકસત તે પણ કેવો સમાજ હોત?
કૃષ્ણના સ્વરૂપમાં આપણે કેવા ભગવાનને ભજીએ છીએ, જે યુધ્ધના દરેક નિયમને એટલા સારૂ તોડતા દેખાય છે જેથી તેમના મિત્રો પાંડવોને ફાયદો થાય? હું એ સ્વીકારૂં છું કે તેમનો આશય ન્યાયોચિત શાસન પ્રસ્થાપિત કરવાનો હતો કે પઃઈ દુર્યોધન જેવા સ્વાર્થાંધ શાસક ગાદી પર ચાલુ ન રહે એવો હતો. પણ, તેથી શું સાધ્યને કારણે સાધનને યોગ્ય ઠેરવી શકાય?
મહાભારતનો અંત એ યુધ્ધનો અંત નથી એ તો ખબર છે ને? એ તો બારમા અધ્યાયમાં પૂરૂં થાય છે.એ પછી બીજા છ અધ્યાય છે જે મોટા ભાગના અનુવાદોમાં નથી સમાવાયેલા જોવા મળતા. મહાભારતનું મૂળ શીર્ષક શું હતું એ ખબર છે? એ હતું 'જય'. હિંદુ સંસ્કૃતિમાં આ જ અર્થનો એક અન્ય શબ્દપ્રયોગ પણ છે - વિજય. આ મહાગ્રંથને આવું 'જય' જેવું શીર્ષક આપવા પાછળ વ્યાસ ઋષિનો શું આશય હશે? કેમ કે, કથાનો અંત યુધ્ધના અંતથી નથી થતો,જેમાં સર્વનાશને અંતે વિજેતા પણ હાર જ અનુભવે છે.કથા ત્યાંથી આગળ વધે છે. ૩૬ વર્ષનાં ધર્માનુસાર સુશાસન પછી પાંડવો સ્વેચ્છા મૃત્યુ અપનાવે છે. બીજાં બધાં
પાડવો એક પછી એક મૃત્યુ પામતાં જાય છે, અને માત્ર યુધિષ્ઠિર જ સ્વર્ગના દ્વાર પર પહોંચે છે. આ અધ્યાયનું શીર્ષક છે સ્વર્ગ આરોહણીકા પર્વ.  સ્વર્ગમાં દાખલ થતાં જ યુધિષ્ઠિર શું જૂએ છે? તેની સામે જ સો એ સો કૌરવો દેખાય છે. યાદ રહે કે યુધિષ્ઠિર હિમાલય ચડીને આવ્યા છે, માર્ગમાં તેમણે, રાજ્ય, સંપત્તિ, તેમની ગાયો, જરઝવેરાત,  બધું જ ત્યાગ જ કરી દીધું હતું - તેમનાં પત્ની કે મા કે ભાઈઓ પણ માર્ગમાં મૃત્યુ પામે છે ત્યારે તેઓએ પાછળ વળીને પણ જોયું નથી. તેઓ સંબંધોની ગાલણીના મોહથી પણ વેગળા થઈ ચૂક્યા હતા. આવા યુધિષ્ઠિર જ્યારે સ્વર્ગમાં દાખલ થતાં વેંત કૌરવોને સામે જૂએ છે.એ ક્રોધથી ભભૂકી ઊઠે છે.તેઓ કહેવા લાગે છે કે જ્યારે મારા ભાઈઓ કે પત્નીને સ્વર્ગમાં સ્થાન નથી મળ્યું ત્યારે આ ખૂનીઓ અહીં કેમ હોઈ શકે? તેમને જણાવવામાં આવે છે કે ૩૬ વર્ષના સત્તાના ભોગવટા દરમ્યાન તેમના ભાઈઓ ક્યાંક વિચલિત થઇ ગયા હતા. આ વાત બહુ ઓછી જાણીતી છે પણ દૌપદી તેના એક પતિને વધારે ચાહતી હતી; ભીમને ખાઉધરાપણું જ હવે સૂઝતું હતું; અર્જુન અસલામતી અનુભવતો રહેતો હતો અને એ સ્થિતિમાં ઘમંડી બની ગયો હતો. આમ દરેક પાંડવને સ્વર્ગ ન મળવા પાછળ કંઈને કંઈ કારણ હતું. યુધિષ્ઠિરને પણ પૂછવામાં આવે છે કે તે આટલો બધો ક્રોધ કેમ કરે છે? યુધિષ્ઠિર જવાબમાં કહે છે કે જે લોકોએ જિંદગી આખી અપકૃત્યો કર્યાં હોય તેમને અહીં સ્થાન મળવાનો અન્યાય જૂએ તો કોઈને પણ ક્રોધ તો તો ચડે જ.
અહીં  વિચારવાનું એ છે કે વ્યાસ ૠષિએ કથામાં આવો  વળાંક શા સારૂ મૂક્યો હશે? તેઓ કંઈક વધારે ગહન વાત સમજાવવા માગી રહ્યા છે. યુધિષ્ઠિરને જણાવવામાં આવે છે કે તમે બધો ત્યાગ કરી ચૂક્યા પણ તમારામાંના ક્રોધને તમે નથી ત્યજી શક્યા. જે લોકો ખોટાં અને ખરાબ હતાં તેમને તમે તમારા હાથેથી મારી કાઢ્યાં છે. તેમને તેમની સજા તો મળી ગઈ.જેના સારૂ તમે યુધ્ધ કર્યું એ રાજ્ય પણ તમે ૩૬ વર્ષ ભોગવી ચૂક્યા છો. તો હવે તમે તેમને માફ કેમ નથી કરી શકતા? જો તમે તેમને માફ નથી કરી શકતા, તમારા મનમાં રહેલ ક્રોધને તમે નથી ત્યાગી શકતા તો તમે શું ત્યાગ્યું? તમને સ્વર્ગ શા માટે મળવું જોઈએ?
ઓહ, તો યુધિષ્ઠિરને પણ સ્વર્ગ નથી મળતું?
ના, તેને તો કહેવામાં આવ્યું છે કે  જ્યાં સુધી તમે તમારાં મનમાંથી ક્રોધ જેવા મોહને ત્યાગી સામેવાળાં પ્રત્યે ક્ષમાનો ભાવ ન કેળવી શકો ત્યાં સુધી તમને સ્વર્ગમાં સ્થાન ન મળી શકે. તમે જે કર્યું એ તો વિજય હતો, બીજાં પરની તમારી જીત, જય, તમારા પર તમારી જીત, નહીં. સામેવાળાં પર્ત્યે પણ તમને અનુકંપા હોવી જોઇએ. કૌરવો ખોટું કર્યું તેમની તેમને સજા મળી. પરંતુ આ કંઈ શાશ્વત નથી.  તમારે પણ એ ઘટના પછી આગળ જવાનું હતું. તમે તો હજૂ ત્યાં  જ છો. જે અનુકંપા નથી ધરાવી શકતું તે ક્યારે પણ આગળ નથી વધી શકતું.
રામાયણ જો પૂર્ણ રાજાની વાત સમજાવે છે તો મહાભારત પૂર્ણ રાજા કેમ બની શકે તે સમજાવે છે. રાજા થવાની પ્રક્રિયા મુખ્ય સંચાલકો, નેતાઓ કે પછી કોઈ પણ સંચાલકને પોતાની જાતને એ સવાલ પૂછવા જણાવે છે કે એ લોકો જે કંઈ કરી રહ્યાં છે તે શા માટે કરી રહ્યાં છે. તેઓ જે કંઈ મેળવે છે તે લોકોનાં શોષણની નિપજ છે, જેમાંથી અઢળક દોલત, મોંઘીદાટ ગાડીઓ કે વૈભવશાળી જીવન શૈલીઓ પરિણમે છે? તમારાં જીવનનો એ જ ઉદ્દેશ્ય છે? તો પછી તમે જંગલના જબરા સિંહથી વધારેં કંઈ જ નથી. પ્રાચીન ભારતમાં તમારે સિંહ પર સવારી કરવાની હતી, સિંહાસન પર બેસવાનું હતું. એટલે તમારે પોતાના સમાજ પર રોફ જમાવતા જબરા સિંહ નહોતું બનવાનું પણ, એ સિંહ પર સવાર થવાનું હતું. તેના પર કાબૂ મેળવવાનો હતો. તમારે બીજાં પર વિજય નહીં પણ પોતાનામાં રહેલ સિંહ પર જય મેળવવાનો છે. તમારે સોઈનાં ટોચકાં બરાબર જમીન પણ નહીં આપું, વાટાઘાટોમાં જરા સરખું પણ ખસી નહી બતાવું એવા દુર્યોધન નથી થવાનું. તમને એ ઘડીએ વિજયનો ભાસ થઇ શકે છે. પણ ખોળી એ કાઢવાનું છે કે રાજા થવાનો ખરો આશય શું છે. તેના વડે તમારે પોતાને ધનાઢ્ય નથી બનાવવાનાં, પણ તમારે એ સંપત્તિઓનો મહત્તમ વિકાસ એ રીતે કરવાનો છે કે જેને કારણે સહુનો વિકાસ થાય અને બધાંને પોતાનાં જીવનનો અર્થ પામવાની તક મળે.
યુધિષ્ઠિરને સ્વર્ગમાં સ્થાન મળશે ?
ક્યારેકને ક્યારેક તો બધાંને જ મળે છે.
આમ બીજાં બધા પાંડવો સ્વર્ગમાં સ્થાન નથી જ પામતા?
જીવન ચક્ર અનંત છે. આ જીવન તો એમાંનો એક પડાવ હતો.
તો ચાલો, એ બધાં જીવનને અંતે તેને સ્વર્ગમાં સ્થાન મળશે?
એ તો હવે પછીના અંકોની અલગથી વાત થઈ ગઈ. J 
મારે એક છેલ્લો સવાલ છે. પાંડવોને સ્વર્ગમાં સ્થાન કેમ ન મળ્યું તે તો તમે સમજાવ્યું. દ્રૌપદી એક પતિને વધારે પ્રેમ કરતી હતી; ભીં ભૂખાળવો બની ગયો હતો; અર્જુન ઘમંડી બની ગયો હતો; યુધિષ્ઠિર તેમના ક્રોધ પર હજૂ જય નહોતા મેળવી શક્યા. પણ કૌરવો પણ આમનાથી ક્યાં વધારે સારા હતા કે તેમને સ્વર્ગમાં પહેલે ધડાકે જ સ્થાન મળી ગયું?
એ તો કામગીરીની વાર્ષિક સમીક્ષા પછી જે થતું હોય એના જેવું છે. મારી દૃષ્ટિએ પેલાને તો બઢતી ન મળવી જોઈએ. કે પછી તમને ન ગમતાં લોકોના પગારો વધારે વધે અને તમને ગમે છે તેમના  એટલા નથી વધતા. એટલે આપણે માનવા લાગીએ છીએ કે આખરે તો ધાર્યું ધણીનું જ થાય. વાર્ષિક સમીક્ષા પછી બધાંને મળવાનો જે સમય છે તે એક સારો મોકો છે. બધાણી એક કલ્પના છે કે કોણ હીરો છે અને કોણ વિલન છે. પણ આ ચિત્ર મૅનેજમૅન્ટની કલ્પના સાથે ક્યારે પણ મેળ નથી ખાતું. મૅનેજમૅન્ટના પોતાના જૂદા હીરો અને વિલનો હોય છે. ઉપરની બાજૂએથી નીચે તરફ થતી અને નીચેને બાજૂએથી ઉપર થતી દૃષ્ટિનું દર્શન હંમેશાં અલગ હોય છે. બધાં એમ માને છે કે તેઓ જાણે છે કોણ સ્વર્ગને લાયક છે અને કોણ નર્કને.
હું એમ નથી કહેતી કે કૌરવોનું સ્થાન નર્કમાં જ છે. મને તો એ જાણવાની ઉત્સુકતા છે કે તેમણે પોતાની આખી જિંદગીમા જે કંઈ પણ કર્યું, એ પછી પણ તેમને સ્વર્ગમાં સ્થાન કેમ મળી ગયું?
એનું એક કારણ તો એ કે તેમનું મૃત્યુ જે ભૂમિ પર થયું એ બહુ જ પુણ્યશાળી ભૂમિ મનાય છે. આવી ભૂમિ પર મૃત્યુ પામવું એ નસીબની વાત છે. પણ મહત્ત્વનું એ છે કે ન તો સ્વર્ગમાં કે ન તો નર્કમાં, તમારો વાસ કાયમી છે. અહીં સ્વર્ગ એ પરમ ધામના અર્થમાં નહીં પણ દેવલોકના અર્થમાં છે. દેવલોક એ તો જીવન ચક્રનો એક પડાવ છે, જ્યાંથી તમે એક અને પછી બીજાં જન્મમાં આવતાં જતાં રહો છો. સ્ર્વર્ગ એ એવી અવસ્થા છે  જેમાં તમે મૂડીથી વિકાસ કર્યો હોય અને નર્ક એ એવી અવસ્થા છે જ્યાં દેણાંઓના ભાર હેઠળ તમારો વિકાસ દબાતો ચંપાતો હોય.
આપણા મનમાં એક પ્રશ્ન ઘૂમરાઈ શકે છે - તો શું સહી સાધ્ય માટે સાધનનું ઉચિત નીવડવું  સંયોગવશાત જ છે?  
ઉપરનાં વ્યક્તવ્યમાં છેલ્લે કહેવામાં આવ્યું છે કે એ તો મૂડી દ્વારા કારાયેલ વિકાસ જેવી સ્થિતિ છે. આપણે જરૂરથી જાણીએ છીએ કે ઘણી વાર પૂરી મૂડીથી,કે પછી ભારે દેવાંથી, વિકાસ કરવો જ ઉપયુક્ત દેખાતું હોય છે. પણ કોઈ એક સંજોગનો પાસો ધાર્યો નથી પડતો, જેને કારણે મૂડી કે દેવું 'વધારે પડતું થઈ ગયાનું લાગવા લાગે છે. મોટા ભાગના કિસ્સાઓમાં આ 'વધારે પડતું લાગવું' એ સંદર્ભ સાપેક્ષ છે. 'સાધ્ય સાધે તે સાધન ઉચિત'માં માનવાવાળો સંચાલન વર્ગ તેમની સફળતામાં એટલો મોહાંધ બનીને એમ માનવા લાગે છે કે આમને આમ જ બધું ચાલતું રહેશે, કે પછી, સફળતાનો આ એક જ રાજમાર્ગ છે.
દેવદત્ત પટ્ટનાઈકની બીઝનેસ સૂત્ર શ્રેણીની આપણી હવે પછીની મંઝિલમાં હવે આપણે પાંચમા અંક - શિક્ષણ - વિષે વાત કરીશું.
નોંધ: આ પૉસ્ટમાં ઉપયોગમાં લેવાયેલ દરેક ચિત્રના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ અબાધિત છે. અહીં તેમનો ઉપયોગ માત્ર ચર્ચાના સંદર્ભને સમજવામાં સરળતા રહે તે ઉદ્દેશ્યથી કરાયો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો