બુધવાર, 14 ફેબ્રુઆરી, 2018

પીટર ડ્ર્કરની સમસ્યા નિવારણ તકનીકો આજના સમયમાં પણ ઉપયોગી નીવડી શકે


જે કંઈ દેખાતું હોય તેમાંથી હકીકતોને તારવી કાઢવાની અદ્‍ભૂત શક્તિ શેરલૉક હોલ્મ્સમાં હતી. પરંતુ તેની જ સાથે હંમેશાં રહેતા તેના ખૂબ જ નજદીકી સાથીદાર ડૉ. વૉટ્સનને એમાંનું કંઈ જ દેખાતું નહીં.

શેરલોક હોલ્મ્સ ડૉ.વૉટસનને કહેતા પણ કે, 'વૉટ્સન, ખરેખર તો ઉલ્ટું થાય છે. તમને પણ બધું દેખાય તો એ જ છે; બસ તેમાંથી તર્કબધ્ધ તારણ તમે નથી કાઢી શકતા.'

કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે દરેક વ્યક્તિએ અવલોકન કરી શકવાની સૂઝ કેળવવાનીસાથે એમાંથી તારણો તારવતાં પણ શીખવું જોઈએ. પીટર ડ્રકરનું રહસ્ય પણ એ જ હતું.

ડ્રકરની કાર્યપધ્ધતિ

કોઈ પણ ઘટનાઓની સામાન્ય લાક્ષણિકતાઓ અને જવાબોને ડ્રકર અનુભવતઃ અવલોકતા. કૃત્રિમ ગણિતિક સૂત્રો કે સીધા સીધા દેખાતા માહિતીઆંકડાઓને અનુસરીને પોતાનાં હવે પછીનાં પગલાંનો રસ્તો તેઓ નક્કી ન કરતા. તેને બદલે, તેઓ અવલોકન અને તર્કશક્તિ વડે સિધ્ધાંત નક્કી કરતા અને પછી એ સિધ્ધાંતને અમલમાં મૂકીને તેને ચકાસતા.

આ કારણથી કામગીરીને અને તે અંગે થયેલ પ્રગતિને માપવા માટે જૂદા જૂદા દૃષ્ટિકોણથી લેવાયેલાં માપના આંકડાઓનો આગ્રહ રાખતા, પણ સિધ્ધાંત કે વ્યૂહરચના વિકસાવવામાં તે માત્રાત્મક પધ્ધતિઓને બહુ મહત્ત્વ ન આપતા.

ડ્રકરનાં માનસીક હથીયારનાં ભાથાનું આ એક મહત્ત્વનું ઘટક હતું. તેઓ એમાં માનતા નહીં, એટલે કામગીરી સુધારણનાં જટિલ સૂત્રો તેઓ તેમની પાછળ મૂકી નથી ગયા, પણ સમસ્યા નિવારણ અને નિર્ણય પ્રક્રિયા વિષેની તેમની વિચાર સરણી તેઓ જરૂરથી પછીની પેઢી માટે મૂકી ગયા છે.

સિધ્ધાંત વિકસાવવા વિષે ડ્રકરની વિચારસરણીની ખૂટતી કડી

ડ્રકરની વિચારસરણીનો પાયો તેમનાં અવલોકનો પર આધારિત તેમની વિશ્લેષ્ણાત્મક તર્કશક્તિ હતી. જૂદાં જૂદાં લોકોએ જૂદાં જૂદા દૃષ્ટિકોણથી લીધેલાં માપ પર આધાર રાખવાને બદલે, બહારથી જોતાં જોતાં જ, તંત્ર વ્યવસ્થાની કામગીરીની ઇષ્ટતમ કે નિષ્ફળ કામગીરી શું બતાડી જાય છે તેનાં તાર્કીક તારણો પર આવવાનું તેઓ પસંદ કરતા.

આર્થર કોનન ડોયલ તેમનાં રચિત પાત્ર શેરલૉક હોમ્સ વડે સમસ્યાનું સમાધાન ખોળવાની જે છેલ્લી ચાવી વાપરતા તે ડ્રકર પણ વાપરતા. તેમને જે કંઈ દેખાતું તેની 'જાનીમાની સમજણ'ને પડકારીને ડ્રકર તેમના સિધ્ધાંતો ખીલવતા. જે ઘટનાઓ જોઈ છે તેનાં પરિણામોનાં માની લીધેલ કારણો તે કદી સ્વીકારતા નહીં. કેટલાંક ઉદાહરણો:

૧. સાહજિક નજરે દેખીતા લાગતા હોય, કે બધાં જેમાં હા પૂરાવતાં હોય, તેવા વિચારોની પણ કસોટી કરતા.

૨. 'તથ્યો'ને ઊંધે માથે લટકાવીને જોવાથી પાયાના વિચારો પણ ઉલટા દેખાય છે કે નહીં તે તેઓ જોતા.

૩. ઘણા અભ્યાસને કારણે બીજાં જે નજ઼રઅંદાઝ કરી જાય તે તેમની નજરમાં મપાઈ જતું.

સાહજિક નજરે દેખીતું લાગતું હોય તેને પણ ચકાસી તો લેવું

'તમારા વ્યવસાયનો હેતુ શું છે?' એવા સવાલના જવાબમાં ૧૦માંથી ૯ લોકો તો આપણે પાગલ હોઈએ એમ આપણા સામે જોઈ રહેશે. જો જવાબ મળશે તો 'નફો રળવાનો જ હેતુ હોય ને', કે એવો કોઈ રોકડો જવાબ પરખાવી દેવામાં આવશે. કોઈએ વળી જો ડ્રકરનું સાહિત્ય વાંચ્યું હશે તો, તે ડ્રકરની ફીલોસૉફી સમજ્યો હશે કે નહીં સમજ્યો હોય, પણ ઠાવકો થઈને કહેશે, 'ગ્રાહક બનાવવાનો અને તેને સંતોષ આપવાનો.' ખરી વાત તો એ છે કે વ્યાપારમાં નફો અને નફાનું મહત્તમકરણ એ ડ્રકરની વિચક્ષણ બુધ્ધિના ખેલની નજરે એક સાધન માત્ર છે. આ વાતને થોડી વિગતે જોઈએ

નફાનો આશય

વેપારમાં નફાનો આશય એ એક મૂળતઃ આર્થિક ખ્યાલ છે. દેખીતી રીતે, એ બાબતે કોઈ સવાલ ન હોઈ શકે. નફાના આશયની એક પ્રચલિત વ્યાખ્યા છે : “કોઈ પણ વ્યવહાર કે ભૌતિક ઉપક્રમમાં નાણાકીય ફાયદો મેળવવો. કોઈ પણ કરદાતા કે કંપની કે સમાજ કોઈ પણ વ્યાપાર પ્રવૃત્તિમાં પડે છે જ નફાના મૂળ આશયથી.'

ઘણા વળી સામાજિક દૃષ્ટિકોણથી એમ માને છે કે દરેક વ્યાપારમાં જો નફાનું મહત્તમકરણ થાય તો સરવાળે આખા સમાજના વિકાસનું પણ મહત્તમકરણ થશે. ડ્રકર એમ જરૂર કહેતા કે વ્યાપારનો હેતુ નફો નથી, અને પછી તેના જ અનુસંધાનમાં ક્યારે સાંભળવા ન મળે એવું વિધાન - નફાનું મહત્તમકરણ અર્થવિહિન જ નહીં પણ જોખમી પણ છે - પણ કરતા.

ડ્રકર પહેલાં તો નફાના આશય વિષે જ સવાલ કરતા. તેમનું કહેવું રહ્યું હતું કે 'આવા આશયનો કોઈ પૂરાવો નથી મળવાનો. આ સિધ્ધાંત તો આર્થિક સંતુલનના સિધ્ધાંતથી જે વાસ્તવિકતા સમજાવી ન શકાઈ તે સમજાવવા માટે પરંપરાવાદી અર્થશાસ્રીઓએ ખોળી કાઢ્યો છે.'

જેમકે, આજે હવે ખૂબ સારૂં કમાતા યુવાન સંચાલકોમાં પાંચ છ આંકડાના પગારની નોકરીઓ છોડીને ક્યાં તો કોઈ શોખને કે કોઈ સામાજિક ઉદ્દેશ્યને સમર્પિત થઈ જવાનું ચલણ ખૂબ જ જોવા મળે છે.આ કામમાં તેમને સખત પરિશ્રમ કે માથાપચ્ચી કે ક્યારેક તો બદનામી પણ સહન કરવાનો વખત આવી પડતો હોય છે. આવી વિરલ પ્રવૃતિઓમાં નફાનો આશય તો શોધ્યો મળે તેમ નથી હોતો

ડ્રકર એમ પણ નહોતા કહેતા કે નફો રળવો એ સમયનો વ્યય છે કે અનૈતિક છે. તેમનો મુદ્દો આ હતો જ નહીં. તેઓ તો એમ પણ કહેતા કે નફો રળવાના આશય સામે કેળવાતો વિરોધ 'ઔદ્યોગિક સમાજ માટે બહુ મોટું દુષણ' સાબિત થઈ શકે છે, જેને પરિણામે ઘણી જાહેર નીતિઓ સાવ અવળાં પરિણામો લાવતી રહી છે. સંસ્થાનું નફો રળવું અને તેની સામાજિક બાબતોમાં યોગદાન કરવાની ક્ષમતા વચ્ચે મૂળતઃ વિરોધાભાસ છે એ માન્યતા પણ ખોટી છે એમ પણ તેઓ કહેતા.

ડ્રકર ચોક્કસપણે કહેતા કે ખીસ્સામાં કાવડીયાં ન હોય તો સમાજનું ભલું કરવા ક્યાંથી કોઈ નીકળી પડી શકે. જ્યારે કોઈ કંપનીનો ધંધો બંધ પડે છે ત્યારે ઘણાં લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ અસરો પડે છે. પણ એનો અર્થ એમ પણ નહીં કે આજે નફો કમાવા માટે ભવિષ્યની સંપોષિતા માટે જરૂરી રોકાણ કરવા તરફ ધ્યાન જ ન આપવું. જ્યારે એ કંપની પોતાનાં લાંબા ગાળાનાં હિતોની રક્ષા માટે રોકાણો કરતી હોય ત્યારે ઘણા શુભચિંતકો પણ એમ માની લેવાનો ભૂલભર્યો હિસાબ માંડી બેસે છે કે ફલાણી સંસ્થા નફાની બાબતે વધારે 'કંજૂસ' બની ગઈ છે.

આગળ જતાં ડ્રકરે સાબિત પણ કર્યું કે નફાકારકતા એ એક પરંપરાગત માન્યતા કે અનૈતિક કે અર્થવિહિન વિચાર નથી પણ વ્યક્તિ, સંસ્થા અને સમાજ એ બધાંની સફળતા માટે બહુ જરૂરી પણ છે. એકલદોકલ વ્યાવસાયિક સંસ્થા કરતાં પણ સમાજ માટે તો નફાનાં મહત્ત્મકરણને નહીં પણ નફાકારતાને તેઓ ઘણી વધારે સમજતા હતા. પરંતુ તેઓ એ બાબતે પણ સ્પ્ષ્ટ હતા કે નફો રળવો એ વ્યાપારનો હેતુ નથી. કોઈ પણ વ્યાપાર માટે ખરો મહત્ત્વનો તો ગ્રાહક જ છે. એટલે વ્યાપારનો મૂળભૂત હેતુ તો ગ્રાહકની અપેક્ષાઓને પારખીને તેના અનુભવને સંતુષ્ટ કરવાનો જ હોઈ શકે.

'તથ્યો'ને ઊંધે માથે લટકાવવાં

ડ્રકરે અનેક વાર બતાવી આપ્યું છે કે લગભગ દરેક કિસ્સામાં 'જાણીતી' લાગતી હકીકતને ઊલટાવી નાખીને જોઈ શકાય છે. વળી તેમ કરવાથી સમસ્યાના ઉકેલના માર્ગની સાવ જ નવી દિશાઓ પણ ખૂલી શકે છે. મારી શૈક્ષણિક કારકીર્દીની શરૂઆતમાં એક બહુ અનુભવી પ્રોફેસર તો મને ત્યાં સુધી કહેતા કે તેમની આવી વિશ્લેષણ શક્તિને પરિણામે તેમનાં જે અવલોકનો કે તારણો જાણવા મળતાં તે તો 'બહુ ટાંકી શકાય' એવાં કથનો તરીકે પ્રચલિત બની ગયાં છે.

ઘણાં રસપ્રદ સત્યો જાણવા માટે હકીકતોને ઊલટાવીને જોવું એ બહુ સરળ ઉપાય છે. ડ્રકરનાં એવાં બે જાણીતાં કથનો:


  • જે નથી કહેવાયું તે સાંભળવું એ સંવાદમાં સૌથી વધારે મહત્ત્વનું છે.'
  • 'મોટા ભાગની ગંભીર ભૂલો ખોટા જવાબોને કારણે નથી થતી. વધારે ખતરનાક તો ખોટા સવાલ પૂછવા છે.'

બીજાંને જે નજરે ન ચડે તે તત્કાળ ધ્યાન પર આવી જવું

એક સમયે એવું મનાતું કે જે રીતે દરેક રમતની ચાલ્ તેમને યાદ રહે છે અને બીજાં ખેલાડીઓ કરતાં કેટલી આગળની ચાલની અનેકવિધ શકયાતાઓનાં કેટલાંય પાસાં જે રીતે મનમાં ગોઠવી શકે છે, તે જોતાં શતરંજના ગ્રાંડ માસ્ટર્સની યાદશક્તિ તેમને જન્મજાત દેન હશે. પરંતુ છેલ્લા થોડા સમયથી થયેલાં સંશોધનોથી જાણવા મળે છે કે આ માન્યતામાં બહુ વજૂદ નથી, કેમકે ચેપિયન શતરંજ ખેલાડીઓ એ પ્રમાણે નથી તો કરતા કે નથી તેમની બુધ્ધિ બીજાં લોકોથી ઘણી વધારે.

તફાવત એટલો જ છે કે ચેમ્પિયન ખેલાડીઓ ચેસની રમત જોતાં વેંત જ પરિસ્થિતિમાંથી નિપજી શકતી શક્યતાઓ, તકો કે જોખમો સમજી લઈને હવે શું શું કરી શકાય તેના બહુ ઘણા વિકલ્પોને પારખી લઈ શકે છે. આ કૌશલ બીજાં ખેલાડીઓ નથી વિકસાવી શક્યાં હોતાં. તેમની અન્ય બાબતોને લગતી યાદશક્તિ બીજાં ખેલાડીઓ કે વ્યક્તિઓની યાદશક્તિ કરતાં ઉતરતી પણ હોઈ શકે છે.

આ કૌશલ્ય તેઓ તેમની ગળથૂથીમાં લઈને જન્મ્યાં નથી. શતરંજની અનેક રમતોનો એ લોકોએ એટલો એકાગ્રતાથી અને વિશ્લેષ્ણાત્મક દૃષ્ટિથી અભ્યાસ કર્યો હોય છે કે તેમનું આ અદ્‍ભૂત કૌશલ તેમને માટે સ્વાભાવિક બની રહેવા લાગે છે. લાગે એવું કે કંઈ વિચાર કર્યા સિવાય જ તેઓ કોઠાસૂઝથી પોતાની ચાલ ગોઠવતાં હશે.

ડ્રકર પણ એવું જ કરી શકતા હતા. કોઈ પણ પરિસ્થિતિ સામે આવે એટલે ડ્રકર તે વિષેની મહત્ત્વની હકીકતો એકઠી કરી લઈ શકતા અને તેમાંથી મહત્ત્વના મુદ્દા તારવી લઈ શકતા. એ સાથે જ કયા પ્રશ્નો કોને પૂછવા તે પણ તેમની સામે સ્પષ્ટ થઈ જતા. આટલું વાંચતાં વાંચતાં તમને એમ લાગશે કે આ તો ડ્રકરની આગવી લાક્ષણિકતા હતી જે બીજાં કોઈ એટલી જ આસાનીથી દોહરાવી ન શકે. પરંતુ એ પણ હકીકત છે કે તેમણે આ કૌશલ્ય કમસેકમ લગભગ દસેક વર્ષના અભ્યાસ દરમ્યાન વિકસાવ્યું હશે. આ જ પ્રકારનું અવલોકન માલ્ક્મ ગ્લૅડવૅલ પણ તેમનાં પુસ્તક 'Outliers'માં કરે છે. તેમનું કહેવું છે કે જે કોઈ ખ્યાતનામ વ્યક્તિઓ અચાનકથી ક્યાંકથી ફૂટી નીકળીને આવીને સફળ થઈ જતી જણાય છે, તે સફળતાની પાછળ ઘણાંક વર્ષોની જહેમત રહેલી જોવા મળશે.

ડકર આ શ્રેણીમાં બંધ બેસે? તેમણે પોતાની કારકીર્દી લગભગ ૧૯૨૮માં પત્રકાર તરીકે કરી હતી. તેમનું પહેલું પુસ્તક, The End of Economic Man, એ પછી દસેક વર્ષ - લગભગ ૧૦,૦૦૦ કલાક - બાદ લખાયું હતું.

ડ્રકરની વિચારસરણીનું પ્રતિકૃતિકરણ
૧. કોઈ પણ વિચાર મનથી ગમે તેટલો દેખીતો જણાતો હોય કે બીજાં બધાં જ તેને સ્વીકારી ચૂક્યાં હોય તો પણ તેને એક વાર પધ્ધતિસર ચકાસી લેવો જ જોઈએ.
૨. તથ્યોને સાવ અવળાં કરી નાખીને એ દશામાં પણ તે કેવાં દેખાય છે તે જોઈ લેવાં જ જોઈએ.
૩. જે બાબતો બીજાં સહજપણે ચૂકી જાય તે આપણી નજરે ફટાક દઈને ચડી જઈ અને સમજમાં આવી ન જાય ત્યાં સુધી આ બન્ને બાબતોનું (૧૦,૦૦૦ કલાક જેટલું) પુનરાવર્તન કર્યે રાખો.



v  'મૅનેજમેન્ટ મેટર્સ નેટવર્ક' પર વિલિયમ કૉહેન, પી.એચડી.,ની શ્રેણી 'લેસન્સ ફ્રોમ ડ્રકર'ના લેખ Replicate Drucker’s Problem-Solving Methods In The Modern Age નો અનુવાદ


આજે હવે માસાતોશી ઈટો એન્ડ પીટર ડ્રકર ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ મૅનેજમૅન્ટ તરીકે જાણીતી સંસ્થાના પીટર ડ્રકરે વિકસાવેલા પી.એચડી. અભ્યાસક્રમના વિલિયમ (બિલ) કોહેન પહેલા સ્નાતક છે. આગળ જતાં બિલ કોહેન પીટર ડ્રકરના મિત્ર પણ બની ગયા. તેમણે પોતાનાં કામમાં પીટર ડ્ર્કરની પધ્ધતિઓના સફળ પ્રયોગો કરીને હવાઈ દળના જનરલની કક્ષાએ પહોંચ્યા. તેમણે મૅનેજમૅન્ટના વિષયો પર અનેક પુસ્તકો લખ્યાં છે જે ૨૩ જેટલી ભાષાઓમાં અનુવાદિત પણ થયેલ છે. તેમનો સંપર્ક wcohen@stuffofheroes.com   વીજાણુ સરનામે કરી શકાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો