આ બધું શું થઈ રહ્યું છે?
અસહિષ્ણુતા કાળજાંને ઠંડું કેમ કરે છે? ભારત સહિષ્ણુતાથી કંટાળી ગયું છે? એ વસતીમાં વધતી જતી યુવાનોની સંખ્યાની નિશાની છે? ડિજિટલ
ક્રાંતિ બીજાંની વાસ્તવિકતાની સામે આપણને રક્ષતી દિવાલ હતી ત્યાં સુધી જ આપણે
સહિષ્ણુ હતાં?
કે પછી હરિફાઈની પશ્ચિમની સદાય
આક્રમક ઘેલછાની નકલ કરીએ છીએ ? કે પછી
સદીઓથી એકબીજાં સાથે અનુરૂપ બની રહેવું, અમાનવીય
ભીડાભીડમાં બીજાંને થોડી જગ્યા કરી આપવી જેવી બાબતોની હવે શરમ આવે છે?
આ આખી સમસ્યાનાં મૂળમાં છે ઓળખ : ભારતીય (હિંદુ) હોવું એટલે
શું? આઝાદી મળ્યા પછી આપણે ભારતીયતા (હિદુત્વ)નો અર્થ
ધર્મનો ત્યાગ કરીને બિનસાંપ્રદાયિક થવું એમ કર્યો. પછી એનો અર્થ ધર્મોમાં ભેદ
પાડીને કર્યો,
જેમાં
લઘુમતીનું તુષ્ટિકરણ દેખાતાં બહુમતિનો ગરાસ ગયો. આજે હવે ભારતીયતાની વ્યાખ્યા એવી
ધર્મનિરપેક્ષતાથી કરવા જઈ રહ્યાં છીએ જેમાં ધર્મનો અર્થ બહુ જુનવાણી ઢબે થયો હોય.
દેવો, રાજાઓ અને
ઋષિઓનાં વૃતાંત- પુરાણો-માં અસ્વીકાર, ભેદ અને
અતિસ્પષ્ટતા દક્ષનાં લક્ષણો ગણાવાયાં છે. દક્ષ બ્રહ્માના માનસપુત્ર છે. તેમની પૂજા
ભારતમાં એટલે કદાચ બહુ થતી નથી જોવા મળતી કે તેમણે શાંત અને નીરવ શિવને ક્રોધનું
સજીવ રૂપ રૂદ્ર, ભયનું જીવંત રૂપ ભૈરવ અને આત્યંતિક
ગુસ્સાનું સદેહ રૂપ વિરભદ્ર સ્વરૂપમા પરિવર્તિત કર્યા.
દક્ષની આ પૌરાણિક કથા દેશમાં આજે જે ચાલી રહ્યું છે તે
સમજવા માટે બહુ યોગ્ય રૂપક છે, અને તે ઉજળી
આવતી કાલ માટે ઉકેલ પણ આપે છે. જોકે આજના આ 'આધુનિક' સમયમાં આ કથાને એટલી હદે અવગણવામાં આવી રહી છે, તોડીમોડીને રજૂ કરાઇ છે કે પછી એક કાલ્પનિક કથા કહીને તેને
હસી કઢાઈ છે કે તે હવે માત્ર ઈતિહાસનું એક પાનું બનીને રહી ગઈ છે. એ પહેલાં એ આપણા
પ્રાચીન વડવાઓને વિશ્વદર્શન માટે નકશાની ગરજ સારતી હતી, અને બહુ
પૂજ્યભાવથી એક ઘરથી બીજાં ઘરમાં, પેઢી દર
પેઢી, હસ્તાંતર થતી હતી. તેને ફરીથી ખોળી કાઢવાનો સમય પાકી
ગયો છે.
આ કથાને બે અંકમાં સમજવી જોઇએ. એ બે અંકને જોડતી કડી છે એક
દેવી જેનો પોતાના જિદ્દી પિતા અને ગુસ્સાવાળા પતિ માટેનો એકસરખો, ધૈર્યવાન, પ્રેમ બે જન્મો
પર પથરાયેલો છે.
: અંક
પહેલો:
યજ્ઞ દ્વારા વિનિમયની પ્રથા પ્રસ્થાપિત દક્ષ દ્વારા કરવામાં
આવી. એ પોતાની પુત્રીઓ દેવોને ભેટ તરીકે આપે અને તેના બદલામાં દેવો દુનિયામાં
સમૃધ્ધિની વર્ષા કરતા. બધું બહુ જ વ્યવસ્થિત અને અપેક્ષિત રીતે ચાલ્યું જતું હતું.
પરંતુ એક વાર દક્ષના સૌથી નાનાં પુત્રી, સતી,એ શિવને એકાંત જંગલમાં જોયા. તેમને દક્ષના યજ્ઞ, ભેટસોગાદો,આસપાસની દુનિયાની કોઈ પણ વાતની આસના નહોતી. તેમની આ વિરક્તિ
એ સતીનું મન મોહી લીધું. દક્ષે તો આ અકળ સંન્યાસીનાં અસિત્વને જ ન સ્વીકારવાનું
રાખેલું. પરંતુ સતીને એ સંન્યાસીનાં જ્ઞાનની સમજ પડવા લાગી હતી,અને તેમને એ સંન્યાસીમાં બધા દેવોના અધિદેવ, મહાદેવ, દેખાતા હતા. સતીને તેમની સાથે વિવાહ કરવો હતો. દક્ષ આ
પ્રસ્તાવ સાથે સહમત નહોતા, તેમને આ
વિવાહ સામે સખ્ત વાંધો હતો. પરંતુ સતી તો પિતાનો ખોફ વહોરીને પણ શિવજીને પરણીને જ
રહ્યાં. દક્ષે દુનિયાને બે ભાગમાં વહેંચી નાખવાનું નક્કી કર્યું - એક ભાગ જે
પોતાની રીતરસમને માન આપે અને બીજો જે માન ન આપે. તેણે હવે જે યજ્ઞ કર્યો તેમાં
પોતાના બધા જમાઈઓને આમંત્ર્યા, એક શિવને જ આમંત્રણ નહોતું. શિવજીને આ વાતની કંઈ પડી નહોતી, પણ સતીને તેમાં કંઈક સરતચૂક દેખાણી અને શિવજીની લાખ
મના કરવા છતાં તે દક્ષના યજ્ઞના આહુતિ મંડપમાં જઈ પહોંચ્યા. તેમને આવકારવાને બદલે
સતીની મજાક ઊડાડવામાં આવી : દક્ષે સતીના પતિને ધર્મયાગમાં ન માનતા, સ્મશાનોમાં કુતરાંઓ અને ભૈરવો સાથે રખડી ખાતા, કામધંધા વગરના, રખડુ કહીને ઉતારી પાડ્યા. આમ, દક્ષ કઈ અશુધ્ધિને
બાકાત કરશે અને કઈ શુધ્ધિને અપનાવશે તે સ્પષ્ટ કરે છે. પોતાના પિતા દ્વારા થયેલાં
આવાં ઘોર અપમાનથી ક્રોધિત થયેલા સતી અગ્નિની જ્વાળામાં પોતાની આહુતિ આપી દે
છે.દક્ષ આ ઘટનાથી જરા પણ વિચલિત થયા વિના યજ્ઞને આગળ ધપાવે છે. શિવજીને આ બેવડી
ઘટનાથી અતિશય ક્રોધ થઈ આવે છે અને પોતાની જટામાંથી તે વિરભદ્ર પેદા કરે છે જે
દક્ષના યજ્ઞમંડપને ખેદાનમેદાન કરી નાખે છે, દેવોને તગડી મૂકે છે અને દક્ષનો શિરચ્છેદ કરે છે.
:અંક
બીજો:
આ વિનાશ અટકાવવા દેવો શિવને પગે પડ્યા. શિવજીને જેટલો ઝડપથી
ગુસ્સો ચડે, એટલા જ
જલદી તે રીઝી પણ જાય. તેમણે યજ્ઞને ફરીથી
શરૂ કરવાનું કહ્યું, કેમ કે
યજ્ઞ સિવાય આ દુનિયાના વ્યવહારો ચલાવી ન શકાય, અને પછી તો દુનિયાનું અસ્તિત્વ જ જોખમમાં આવી પડે. દક્ષનાં
ધડ પર બકરાનું માથું બેસાડીને શિવે દક્ષને પુનર્જીવીત કર્યા. તે પાછા બરફના પહાડોમાં જતા
રહીને પોતાની
સમાધિમાં જતા રહ્યા અને પોતાનાં ક્રોધને હાંકી કાઢીને દુનિયાથી વિમુખ બની ગયા.
એમની વિમુખતાનો ઠંડો વર્તાવ એ હદનો હતો કે તેમની આસપાસની દુનિયા સાવ સ્થિર અને
વેરાન બનીને હિમાચ્છાદિત બની ગઈ. આ હિમાચ્છાદિત પહાડોમાંથી એક કન્યા જન્મ લે છે, જે દેવી સતીનો નવો જન્મ છે. આ કન્યાને આપણે (પર્વતરાજ
હિમાવનનાં પુત્રી) પાર્વતી / શૈલજા / હેમાવતી તરીકે ઓળખીએ છે. દેવી પાર્વતી પણ શિવજીને પોતાના પતિ બનાવવા કૂતનિશ્ચયી હતાં.
આ આખી પ્રક્રિયાને ઝડપી બનાવવા દેવોએ મોહમાયાના દેવ કામને મોકલ્યા. કામ શિવ પર મોહનાં બાણ છોડવા
લાગ્યા. શિવજી ફરીથી ક્રોધિત થયા અને તેમણે તેમનાં ત્રીજાં નેત્રને ખોલી તેમાંથી
છોડેલી અગનજ્વાળામાં કામને ભક્ષ કરીને રાખ કરી નાખ્યો. પાર્વતીજી પણ થોડાં શાંત
પડ્યાં. તેમણે શિવજીને રીઝવવા તપ કર્યું અને અંતે શિવને તેમની સાથે લગ્ન કરવા
મનાવી લીધા. આ વખતે હવે લગ્ન પરંપરાગત વિધિથી પાર્વતીજીના પિતાના ઘરે થવાનું હતું.
શિવજીએ પોતાનાં સગાંવહાલાં સાથે જાન લઈને પરણવા જવાનું હતું. શિવજીનાં તો સગાં કહો
કે વહાલાં કહો એ તો બધાં ભૈરવો અને ભૂતડાંઓ જ હતાં. એવી, ઢોલત્રાંસાને બદલે ડાકલાં વગાડતી ભૈરવોની જાન લઈને
શિવજી પોતાની ભાવિ પત્નીના દ્વારે પોંખાવા પહોંચ્યા : ઘોડીને બદલે નંદી, પીઠીને બદલે ભભૂત, કુંભને બદલે ખોપરીઓ
લઈને નીકળેલી આ જાનને જોનારાંને જાન જોઈને હસવું કે ડરવું તેની જ સમજ નહોતી પડતી !
ખેર શિવજીએ આવડયું તે કર્યું અને પાર્વતીનાં કુટુંબે પણ તેને શક્ય એટલી મોટાં મનની
હળવાશથી લીધું.જોકે શરૂ શરૂમાં તો હિમાવન અને તેમનાં પત્ની આ ભયાનક, નંદી પર આવેલા, ભભૂતિ ચોળેલા વરરાજાને આવકારવામાં ખચકાતાં હતાં. પરંતુ, દીકરીની પ્રેમભરી સમજાવટે તેઓ માની ગયાં. તેમને
સમજાયું કે આ મહાભૈરવ ખરેખર તો ભોળાનાથ છે. તેમણે તેમના આ બિનપરંપરાગત જમાઈને
પોતાનાં કુટુંબમાં સમાવી લીધા. ધીમે ધીમે તેમને સમજાઈ ગયું કે જમાઈ તો ખરેખર
દેવોમાં મહાજ્ઞાની દેવ, મહાદેવ
છે. સામે શિવને પણ સમજાયું કે ગૃહસ્થીની આ પ્રથા કુટુંબો અને સમાજને એક તાંતણે
બાંધી રાખવા માટે કેટલી ઉપયોગી છે. શિવે તેમનો અભાવ અને નિસ્પૃહતા ત્યાગી દીધાં.
શિવ હવે સમાવિષ્ટ હતા. શિવને હવે સમાવેશ કરતાં પણ આવડી ગયું હતું.
મોટા ભાગે આ કથામાં એક પક્ષનો વાંક જોવામાં આવે કે બીજા
પક્ષે સામેવાળાની મહાનતા સમજવાની કોશીશ ન કરી એવી જ રજૂઆત જોવા મળે છે. પણ, એકંદરે તો આખી વાત એકબીજાંની વાત સમજવા અંગેની જ છે. પહેલા
અંકમાં ગુસ્સે થયેલો પિતા મનાઈ ફરમાવે છે, ભાગલા
પડાવે છે અને અમુક ઓક્કસ શરતોની સ્પષ્ટતાઓ બાંધે છે. એમ કરવામાં તે સામેવાળાની વાત
સ્વીકારતો જ નથી, પોતાની જ રીતે તેને બધું કરવું છે, બધું ધાર્યા મુજબ જ થવું જોઇએ તેવો આગ્રહ સેવે છે અને હિંસા
વહોરી બેસે છે. બીજા અંકમાં દૃશ્ય અગ્નિની વેદીએથી ખસીને હિમાચ્છાદિત પહાડો પર
ભજવાય છે. સંસ્કૃતિની સીમાના વાડા તૂટીને હવે દૃશ્ય કુદરતને ખોળે ભજવાય છે. પર્વત
ધીરજ જગાડે છે અને હિમની ઠંડક બેપરવાઈ જગવે છે.I અહીં
કામેચ્છા પહેલાં તો નકારાય છે, પણ પછીથી
દેવીનાં કામાખ્યા સ્વરૂપમાંથી નિપજતા પ્રેમમાં ખીલે છે. દેવીની આંખમાં વસતો કામ
હવે પ્રેમનાં સ્વરૂપે પ્રગટે છે.તેમને પિતાનો નિયમન ગુમાવવોનો અને પ્રેમીનો અંકુશ
મટેનો ભય દેખાય છે. તેમની થોડીક સમજાવટથી પિતા સન્યાસીની રીતરસમ સમજી શકે છે અને
પતિને ગૃહસ્થીના વ્યવહાર સમજાય છે.
આ કથા ખાધું પીધું ને રાજ કર્યુંના સુખાંતની વાત નથી, પણ એક વાસ્તવિક અંતમાં પરિણમતી વાત છે. શિવ અને પાર્વતીનું
લગ્નજીવન જરા પણ આડીઅવળી ઘટનાઓ વિનાનું, વ્યવસ્થિત
કે વ્યાવહારીક દૃષ્ટિએ ખરી રીતે જીવાતું જીવન જરા પણ નથી. તેમાં ખુબ ઉથલ પાથલ છે, અનેક જટિલતાઓ છે, ઝઘડાકકાસ
છે, વિરહના એવા લાંબા કાળ છે, જેના પછી આવેગમય પુનર્મિલન, છલોછલ
ખુશીઓ અને બોધમય સંવાદોના સુદીર્ઘ સમયખંડ આવે પણ છે.
આજનું ભારત શિવની કથાના પહેલા અંકમાં અટવાઈ ગયું છે. વિશ્વ
આજનાં ભારતને અસ્થિર, અનિશ્ચિત, જટિલ અને અસ્પષ્ટ ગણાવે છે. આપણી અંદર રહેલો દક્ષ તેને
નબળાઈ તરીકે નથી જોતો. દક્ષની જેમ, આપણને તે
એકસ્વરૂપ કરવું છે, નિયમનમાં લાવવું છે, જેનાં અનેક બળોને પાછાં ધકેલવાં છે, એ બળોને વિભાજિત કરી નાખવાં છે કે પછી અમુકને સમાવીને અને બીજાંને બાકાત કરીને, તેમને ચોક્કસ વ્યાખ્યામાં સ્પષ્ટ કરી દેવાં છે. તેનો
પ્રતિભાવ તો ક્રોધ અને હિસામાં જ આવવનો છે. મજાની વાત તો એ છે કે જે બધાં દક્ષની
જેમ વર્તે છે તે પણ પોતાને કલ્પે તો જુલમોના ભોગ બનેલા શિવ તરીકે જ. આમ આપણે
ગુસ્સાને મહાન ચિતરીએ છીએ, બહિષ્કૃતિને બહાદુરી ગણીએ છીએ અને
હિંસાને તાર્કીક ઠરાવીએ છીએ.
શિવ પુરાણ, અને ભારત,ની ખરી શક્તિ તો બીજા અંકમાં છે. ઘરમાં ત્યારે જ ખુશી આવી
શકે છે જ્યારે રૂઢીઓમાં ન માનનારા સંન્યાસીને આવકારવામાં આવે છે અને સંન્યાસી
ઘરગૃહસ્થીના વ્યવહારોમાં ભાગ લેવા તૈયાર
હોય છે. બન્ને પક્ષે તરલ અને ખુલ્લાં મનનું હોવું જરૂરી છે. કોઈ જ વાતનો અસ્વીકાર
ન હોવો જોઈએ,
બધાં જ વિભાજનો તોડી નાખવાં જોઈએ
અને ચોક્કસ વ્યાખ્યાઓને પડકારાવી જોઈએ. યુવા ભારતે અસ્થિરતા, અનિશ્ચિતતા, જટિલતા કે
સંદિગ્ધતાને પડકારવાની શક્તિ અને ધીરજ ખોળી કાઢવી પડશે, વિવિધતામાં સાથે રહેવા માટેના અવનવા માર્ગ શોધવા પડશે અને
ઝડપથી બદલતી આસપાસની પરિસ્થિતિઓનો ડર કાઢી નાખવો પડશે.
સમાવેશ કરવો એ કહેવામાં જેટલું સહેલું દેખાય છે તેટલું
વાસ્તવિકતામાં હોતું નથી. વનસ્પત્યાહારી સાસુ પોતાના ધર્મને ભુલ્યા સિવાય ગૌમાંસ
ખાનારી વહુને કેમ કરીને સ્વીકારશે? ગૌમાંસ
ખાનારી વહુ પોતાની ઓળખ ખોયા સિવાય વનસ્પત્યાહારી સાસુને રાગે કેમ કરીને ગાશે? આજે જ્યારે માતૃભાષા ભણાવવાવાળાં અને ભણવાવાળાં નજરે નથી
પડતાં ત્યાં સંસ્કૃત કે જર્મન જેવી ભાષા શીખવાડવા માટે સાધનસ્રોતો શાળાઓ ક્યાંથી
એકઠા કરશે?
જાહેરમાં ચુબન કરવું એ પ્રેમવશ
આવેગ છે કે વિરોધનું પ્રતિક? સમલૈંગિકોનાં
સરઘસો જાહેર દેખાવોને બદલે ઉત્સવોની ઉજવણી ક્યારે જણાશે? આપણે આપણી અંદરની દેવીના પ્રેમથી આપણી માંહેના નિયમન કરતા
દક્ષને અતિક્રમવો રહ્યો અને વ્યવહારોનાં
નિયમનોથી અકળાતા શિવને ઠંડા પાડવા રહ્યા.
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Love in the time of hateનો અનુવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો