બુધવાર, 9 જાન્યુઆરી, 2019

માના પ્રેમનો કાયદેસરનો હિસ્સો - દેવદત્ત પટ્ટનાઈક

ભગ એક વૈદિક દેવ છે. તેમના વિષે બહુ માહિતી મળતી નથી, સિવાય કે, તે બાર સૂર્ય
દેવો, અદિત્યો,માંના એક દેવ છે અને તેમનો સંબંધ લગ્ન અને સંમૃધ્ધિ સાથે છે. ભગ સ્ત્રી ગુહ્યંગ માટે પણ વપરાતો શબ્દ છે, અને  રીતે તે જીવન અને આનંદનો પણ સ્રોત છે.તેમાંથી બીજા બે શબ્દ નિપજે છે - ભાગ (વહેંચવું) અને ભાગ્ય (પ્રારબ્ધ). 
આ બન્ને શબ્દો એકબીજાં સાથે બહુ નજીકથી સંકળાયેલ છે. હિંદુ માન્યતા અનુસાર, પ્રારબ્ધ એ આપણી જીંદગીમાં આપણા ભાગે આવવાની છે તેવી તકોની વહેંચણી છે. એટલે કોઈક જન્મથી સંપત્તિવાન હોય છે તો કોઈક ગરીબ. કોઈક જીવનમાં બધું ખોઈ નાખે છે તો કેટલાંકને અકલ્પ્ય સંપત્તિ મળે છે. પાંડવો તેમનું મોટા ભાગનું જીવન વનવાસમાં વીતાવ્યું અને કૌરવોએ મહેલોમાં. સીતાનાં લગ્ન થયાં એક રાજકુંવર સાથે પણ તેમને ભાગે મહેલોથી ,અને પોતાના પતિથી, દૂર જીવન વીતાવવાનું આવ્યું.
જીવનમાં યોગ્ય ભાગ કોને કહેવો? એક મા પોતાનાં બે બાળકોને ખવડાવી રહી છે. તેણે બે વચ્ચે ખોરાકની વહેંચણી શી રીતે કરવી? સરખા ભાગે? કે જરૂર મુજબ? જરૂરિયાત કોણ નક્કી કરે? મોટા ને વધારે કે નબળાને? વધારે ભૂખ્યાને વધારે મળે કે વધારે ચાલાકને? વહાલાંને વધારે ભાગ આપવો કે વધારે રૂપાળાંને? અને બેમાંથી જો એક દીકરી હોય તો, દીકરીને વધારે ભાગ મળે કે દીકરાને? વહેંચણી માટે કઈ રીત સાચી ગણવી
ભાગ પાડવાની અને લોકોને વહેંચણી કરવાની વાત આવે એટલે નિયમો આવે. નિયમો પ્રમાણે નક્કી કરાય, જાણે કે નસીબ કે પ્રારબ્ધ કે આનંદની વહેંચણી થતી હોય.  જે નિયમ બનાવે અને અમલ કરે તે 'ભાગ્ય વિધાતા' શાસક, ન્યાયકર્તા છે. જેને બધા ભાગ, બધાં નસીબ દેખાય છે,અને (તેમ છતાં) જે હંમેશ આનંદમાં  રહે છે તે સૌથી વધારે સમજદાર છે, એટલે જ તે ભગ-વાન છે.
દરેક સારો રાજા કે ન્યાયકર્તા જાણે જ છે કે કોઈ પણ નિયમ નિરપેક્ષ નથી હોતો; તે બહુ જ સાપેક્ષ હોય છે. યથોચિતતતાનું કોઈ યોગ્ય સૂત્ર નથી હોતું. આનું બહુ જ વ્યાપક ઉદાહરણ વારસાઈ હક્કનું છે. માતા તેમને કેટલો પ્રેમ કરે છે તે દીકરાઓ માટે દરેક ઉમરે એક કોયડો રહે છે. માનાં દૂધ માટે તેઓમાં સ્પર્ધા રહે છે. એ લોકો માનાં તેમનાં પ્રત્યે ધ્યાન માટે ફરીફાઈ કરે છે. સામે મા પણ વળતર ઈચ્છે છે - ખાસ કરીને દીકરાની પત્ની આવ્યા પછી -  દીકરો મને કેટલો સમય અને ધ્યાન આપે છે? આ દૃષ્ટિએ જોઈએ તો વારસો આપણે આપણાં છોકરાંને કેટલો પ્રેમ કરીએ છીએ તેનું ગુણાત્મક માપ બની રહે છે. જમાનાની ખાધેલ મા તેનાં ગણતરીબાજ સંતાનોને  વારસાની વહેંચણીમાં વંચિત રાખીને પાઠ ભણાવવા માગે છે. પરિપક્વ, સમજદાર મા તેનાં મતલબી સંતાનને ભાગાપવામાં બહુ મોટો ફરક નથી કરતી. સમજુ ભાઈબહેનો વારસા માટે ઝઘડા નથી કરતાં. મતલબી સંતાનોને વારસાની વહેંચણીમાં તેમના ભાગે આવેલા માબાપના પ્રેમની, (તેમની નજરે થયેલ) અસમાન વહેંચણી દેખાય છે.આમ ભાગમાં આવેલ પ્રમાણને યથોચિતતા સાથે નહીં, પણ આપસી પ્રેમ અને પરિપક્વતા સાથે સંબંધ છે.
અઢળક ધનાઢ્ય લોકો કે સફળ વ્યક્તિઓના વારસાઈ મુદ્દાઓ લડતી વખતે વિદ્વાન વકીલો જે રીતે ભાગલાના પ્રમાણ, યોગ્યતા,ન્યાય વિષે કે કાયદા વિષેની દુહાઈઓ દઈ દઈને, જે ઉગ્રતાથી દલીલો કરે છે, તેમાં તેમના તર્કનાં આવરણ હેઠળ ધુંધવાતાં પીડ, ગુસ્સો, મતલબીપણું અને સમજનો અભાવ છતો થઈ રહે છે. સભ્ય થવા (કે દેખાવા) માટે, સુષ્ટુસુષ્ટુ ભાષાની પાછળ રહીને, આપણે જેમ જેમ વધારે પ્રયાસ કરીએ છીએ, ત્યારે આપણાં દિલમાં વારસામાં મળેલ પ્રેમના હિસ્સાને લઈને આપણા મનમાં ગુસ્સો ઉકળતો હોય છે.
  •      દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Legal share of mummy’s loveનો અનુવાદ
  •      અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૯ જાન્યુઆરી,૨૦૧૯

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો