બુધવાર, 27 માર્ચ, 2019

ટેક્નોલોજિની અતિની અતિ છતાં પણ વ્યાપાર ઉદ્યોગનાં કેન્દ્રમાં તો માનવીય ઉદ્યમ જ છે - જિમ ચેમ્પી


વ્યાપાર ઉદ્યોગમાં આમૂલ પરિવર્તન કરવામાં ટેક્નોલોજિની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે એ બાબતે કોઈ શંકા ન હોઈ શકે. ઉબેરથી લઈને એરબીએન્બી સુધી, એમેઝોનથી નેટફફ્લિક્ષ સુધી, વ્યાપાર કરવાનાં મૉડેલ નાટકીય સ્વરૂપે બદલી રહ્યાં છે. પરંતુ તે સાથે એક વાતે ચિંતા પણ થાય કે ટેક્નોલોજિ માટે વધારે પડતું ધ્યાન આપવાથી, મહદ અંશે ડિજિટાઈઝ થયેલ હોય તેવા વ્યાપારોમાં,  વ્યાપારની સફળતા, અને નિષ્ફળતા જેમના હાથોથી લખાય છે તે લોકો તરફથી આપણું ધ્યાન ઓછું થતું જાય છે. 
'બધી વાતનું ભવિષ્ય' (The Future of Everything) જેવાં મથાળાંવાળી વૉલ સ્ટ્રીટ જર્નલમાં આખાં પાનાની જાહેરાત જોઈને આપણી સંવેદનાને કુઠારાઘાત થાય છે. 'માનસીક તંદુરસ્તીથી લઈને પ્રતીતિબોધ સુધી, વિચારશક્તિનું ભવિષ્ય, મશીન અને મગજનાં સંયોજનમાં છે'  આપણે ઇન્ટરનેટ બૉટ બનીને રહી જશું?
વ્યાપારમાં ટેક્નોલોજિની ચડતીની એ મસમોટી જાહેરાત મને યાદ કરાવતી હતી સિલિકોન વેલીના મારા ટેક મિત્રોની, જેઓ હંમેશાં કહેતા આવ્યા છે કે દરેક સમસ્યાનો ઉપાય ટેક્નોલોજિ પાસે છે. મને એ વિષે શંકા છે.
ઍડમ સ્મિથ માનતા હતા કે ટેક્નોલોજિઓના નવોન્મેષ કારીગરો અને અર્થતંત્રનું ભલું કરશે. એમનું માનવું હતું કે વિજ્ઞાન અને ટેક્નોલોજિનો વિકાસ માનવ જાતનું ભલું કરશે. હું એ વાત સાથે સમ્મત છું.
એક સમસ્યા છે
ઉબેરના ભૂતપૂર્વ મુખ્ય સંચાલક ટ્રૅવિસ કલાનિકની વર્તણૂક, કંપનીનાં સંચાલક મંડળને તેની જાણ હોવા છતાં આંખ આડા કાન કરવા અને ટેકનોલોજિ કંપનીઓનો નારી કર્મચારીઓને કામે લેવા અંગેનો નબળો રેકોર્ડ - આ બધી બાબતો આપણને ખબર છે. મારો સવાલ એ છે કે આપણે જે વાતાવરણમાં રહીએ છે તેની ટેકનોલોજિનો ઈથર એટલો ઘટ્ટ છે કે વ્યાપાર મૂળમુદ્દે એક માનવીય ઉપક્રમ છે તેવી પાયાની વાત આપણે ભૂલી જઈએ;  ભૂલી જઈએ કે વ્યાપારનાં પરિણામો પર ટેક્નોલોજી જેટલી જ વ્યાપક અસર લોકોની માન્યતાઓ અને વર્તણૂકોની પણ છે? 
વ્યાપારની ચડતી આજે પણ તેના લોકોના ખભા પર ચડીને થાય છે. એક જબરદસ્ત વિચારને સફળ વ્યાપારમાં પરિવર્તિત કરે છે એક માણસની અસામાન્ય સમજશક્તિ. સંસ્થાને ધબકતી રાખે છે તેના કર્મચારીઓના પ્રયાસોનું જોશ. એક સડેલી કેરી જેમ આખો કરંડિયો બગાડી શકે છે તેમ એક સંચાલકની ગેરવર્તણૂક સંસ્થાને પાયમાલ કરી શકે છે.
ઝેનફિટ્સમાંથી મળતી શીખ
જે વ્યાપાર પૂર્ણપણે ડિજિટાઈઝ ન હોય તે પણ તેના મુખ્ય સંચાલકની જિદને કારણે થઈ શકતાં નુકસાનથી બચી નથી શકતો. આ માટે ઝેનફિટ્સથી વધારે સારૂં ઉદહરણ નહીં મળે. આ 'હાઈ ટેક' કંપનીની રચના એચઆર સોફ્ટવેર અને કોર્પોરેટ આરોગ્ય વીમાની સેવાઓ માટે થઈ હતી. પરંતુ કંપનીના સહ્સ્થાપક અને મુખ્ય સંચાલક પારકર કોન્રાડે સૉફ્ટવેર વિકસાવવામાં એટલી હદ વળોટી નાખી કે કંપનીના સેલ્સનાં લોકો વીમા વેચાણ માટેની લાયસંસને લગતી મજૂરીઓને જ કોરાણે મૂકવા લાગ્યાં હતાં
ઝેનફિટ્સનાં વેચાણ, યેનકેન પ્રકારેણ, કુદકેને ભુસકે વધવા લાગ્યાં. પણ પછી જે કિંમત ચુકાવવી પડી તે લાખો ડોલરના દંડ અને સહ-સ્થાપક અને મુખ્ય સંચાલકની હકાલપટ્ટીની કક્ષાની હતી. ખોટાં કામોની માટલી ટેક્નોલોજિને માથે તો ન ફોડી શકાય !
યથાર્થ નિસબત
વ્યાપાર ઉદ્યોગમાં ટેક્નોલોજિ જે રીતે અને જે ભૂમિકા ભજવી રહી છે તે વિષે ચોક્કસપણે ચિંતિત રહેવું જોઈએ. આપણી અંગત અને વ્યાવસાયિક જિંદગીમાં ટેક્નોલોજિ સર્વવ્યાપી બનતી ચાલી છે. જે કંપનીઓ ટેક્નોલોજીના પ્રભાવનો પૂરેપૂરો ફાયદો નથી ઊઠાવતી તે વિસ્થાપિત - આજના ચલણી શબ્દપ્રયોગ પ્રમાણે કહીએ તો 'વિધ્વંસ'- થવા ભણી ધકેલાય છે.
જે લોકો પરિવર્તનના સર્જી રહ્યા છે તેમના પર ધ્યાન આપવાને બદલે આપણું વધારે ધ્યાન ટેક્નોલોજિ ઉપર રહે છે. પુનઃસંતુલન પ્રસ્થાપિત કરવું જરૂરી બની રહ્યું છે.
લોકોને યોગ્ય વર્તન કરવાનું શીખવવું
ખરાબ વર્તણૂક વ્યપારનો વિનાશ નોતરી શકે છે એ વાત તો હવે સ્વીકારાતી થઈ છે. થનાર વેન્ચર કેપીટાલિસ્ટ માટે સિલિકોન વેલીના દેઠોક વર્તન સાથે કેમ કામ લેવું તે માટેના અભ્યાસક્રમ સ્ટેનફોર્ડ બીઝનેસ સ્કુલ દાખલ કરી રહી છે. આમ તો આ સારી વાત છે, પણ શું સારૂં અને શું ખરાબ એ તો પહેલાં ખબર પડવી જોઈએને !
જુના ખ્યાલોને ફરીથી નવાં કલેવર ચડાવવા
ગઈ સદીના '૬૦ના દાયકામાં પીટર્સ અને વોટરમેને તેમનાં પુસ્તક -In Search of Excellence- માં, સદીની શરૂઆતથી પ્રચલિત એવા 'સમગ્રપણાંનો સિદ્ધાંત'ને ફરીથી રજૂ કર્યો હતો. 
એ ખ્યાલ આમ તો બહુ સરળ છે: વ્યાપારને સફળ રીતે ચલાવતાં રહેવા માટે સંચાલકોએ તેમના વ્યવસાયનાં હાર્ડ અને સોફ્ટ એમ બન્ને પસાંઓને 'સમગ્રપણે' ધ્યાનમાં રાખતાં રહેવું જોઈએ.
પુસ્ત્યકમાં સમગ્રપણાંનાં બે પ્રબળ પાસાંની વાત કરે છે. હાર્ડ પાસાંમાં વ્યૂહરચના (strategy), તંત્રવ્યવસ્થા (systems) અને માળખું (structure) છે અને સામી બાજૂએ સોફ્ટ પાસામાં લોકો(people), કૌશલ્ય (skills), સંચાલન શૈલી  (management style) અને સંસ્કૃતિ  (culture) છે. આ બધા શબ્દપ્રયોગોનાં અંગ્રેજી સ્વરૂપમાં S”.થતી શરૂઆતનાં બહુત્વ પર ખાસ ધ્યાન આપવા જેવું છે.
Soft S અને Hard ASS સંચાલકો
ઉપર ઉલ્લેખેલ પુસ્તકના એક સહભાગી રચયિતા ટોની અથોસ, હાવર્ડ બીઝનેસ સ્કૂલમાં અધ્યાપક હતા. જે સંચાલકો સોફ્ટ પાસાંઓ પર વધારે ધ્યાન આપે છે તેમને તેઓ Soft Sસંચાલકો કહે છે.
તેની સામે જે સંચાલકો, વ્યવસાયમાં લોકોની ભૂમિકા અને તેમનાં શ્રેય કરતાં હાર્ડ પાસાંઓ પર વધારે ધ્યાન આપતાં હોય છે તેને Hard ASSસછાલકો કહેવામાં આવ્યા. ઝેનફીટ્સ કે વૉલમાર્ટની બીજી ઈનિંગ્સના સંચાલકોને Hard ASSની શ્રેણીમાં મૂકી શકાય.
લોકોનાં મહત્ત્વના પુરાવાનું પુસ્તક
In Search of Excellence પુસ્તક તેનાં પ્રકાશનનાં થોડા વર્ષો બાદ લોકોની નજરમાંથી ઉતરી ગયું કેમકે તેમાં ટાંકેલાં ૪૩ કોર્પોરેશનોમાંથી ઝેરોક્ષ અને એનસીઆર જેવાં કેટલાંકની બહુ પડતી થઈ હતી કે અન્ય કેટલીક કંપનીઓ વેંચાઈ ગઈ હતી. પુસ્તકમાં વર્ણાવાયેલા સિધ્ધાંતો અને પ્રણાલિકાઓ ઘણા વિવેચકોને ઓછી પસંદ આવવા લાગી હતી.
આ કંપનીઓની નિષ્ફળતા કે કંપનીઓનું સદંતર  ગુમ થઈ જવું એ એક રીતે તો સંચાલકો અને વ્યવસ્થાપકોના ખોટા નિર્ણયો કેમ કંપનીના બાર વગાડી દઈ શકે તેનાં બહુ સીધાં સાદાં ઉદાહરણો જ હતાં. સમગ્રપણાનો સિધ્ધાંત તો એક અડીખમ ખ્યાલ તરીકે શાશ્વત જ છે.
લોલક ફરી પાછું ચક્ર ફરે છે
મેનેજમૅન્ટ વિષયો પરનાં, '૯૦ના દાયકાનાં, મોટા ભાગનાં  પુસ્તકમાં ચર્ચામાં હોવાને લીધે વ્યાપારનાં માનવીય પાસાં પર ધ્યાન આપવાની બાબત તે સમયે ચારેકોર જોરશોરથી ગાઈ વગાડાઈ હતી..
આજે હવે ફરીથી નફાકારકતા અને 'પરિવર્તન કે વિનાશ' પાછાં કેન્દ્રસ્થાને આવી ગયેલાં જોવા મળે છે.
વ્યાપરનાં હાર્ડ અને સોફ્ટ પાસાં વચ્ચે મૅનેજમૅન્ટનું ધ્યાન કેન્દ્રિત થવા બાબતે લોલક હંમેશાં એક તરફથી બીજી તરફ ઝોલા ખાયા કરે છે. આજે ફરી એક વાર Hard ASS સંચાલકોનો સિતારો બુલંદી પર જણાય છે.
નિવેષકો પણ નાક દબાવે છે
આ પરિસ્થિતિને વધારે પ્રબાળ બનાવે છે જાહેર નોંધણી થયેલ કંપનીઓના સંસ્થાકીય નિવેષકો માલીકીઅંશધારકોને નફો અને વૃધ્ધિમાટે ખાસ લગાવ રહેલ છે. જે મુખ્ય સંચાલક એ બે બાબતોની અપેક્ષાએ ઊણો ઉતરતો જણાય તેણે પોતાની નોકરીથી હાથ ધોવાની તૈયારી રાખવી પડે.
જોકે નિવેષકોની આ અપેક્ષાઓ સંતોષવી એનો અર્થ એમ પણ નથી કે કર્મચારીઓ અને ગ્રાહકોની અપેક્ષાઓ પ્રત્યે ધ્યાન ન આપવું. હકીકતે તો નફો અને વૃધ્ધિ ટકાવી રાખવામાં કર્મચારીઓ અને ગ્રાહકોનો દેખીતો જ મોટો ફાળો છે.
ડિજિટલ થવા વિષે
આજનો સૌથી મોટો પડકાર સંસ્થાની કામગીરીને ડિજિટલ કરતાં જવાની સાથે સંસ્થાને ધબકતી રાખતાં લોકોનાં કૌશલ્ય અને મૂલ્યો તરફ પણ પૂરતું ધ્યાન આપતાં રહેવાનો છે. એકલી ટેક્નોલોજી નવી કંપનીઓ ઊભી નહીં કરી શકે કે ચાલુ કંપનીઓમાં નવો પ્રાણ નહીં ફૂંકી શકે.
ડિજિટાઈઝ થયેલ કંપનીઓમાં લોકોની સંખ્યા (ઘણી) ઓછી હોઈ શકે છે, પરંતુ એ પણ એટલું જ નિશ્ચિત છે કે એ લોકો ઘણાં વધારે કૌશલ્ય ધરાવતાં હશે. એવાં લોકો જો ખરાબ વર્તાવ કરી જાય તો તેમનાં ખોટાં પગલાંઓની અસર તો સંસ્થાની કામગીરી પર વધારે ઝડપથી, અને વધારે ઊંડી, પડશે.  
ડિજિટલ એકમોના ભાગ્યવિધાતાઓએ સમાંતરે સંસ્થાનાં સમગ્રતયા દર્શનના પણ સંવેદનશીલ નિષ્ણાત બનવું પડશે અને હાર્ડ અને સોફ્ટ પાસાઓની વચ્ચે સંતુલન જાળવવાનું શીખવું પડશે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો