બુધવાર, 10 એપ્રિલ, 2019

ઉદ્યોગ સાહસિક સંપત્તિ, નામ અને મોટાઈ માટે સ્રરખી મોંઘી કિંમત ચૂકવે છે - દેવદત્ત પટ્ટનાઈક


ગ્રીક લોકો નગર રાજય (polis)ની પરિકલ્પનામાં માનતાં હતાં, જે નાગરિકત્વની સાથે એરિસ્ટોટલ જેને સારી જીવનશૈલી (eudaimonia) કહે છે ને પણ આવરી લે છે.. એરિસ્ટોટલના શિષ્ય એલેક્ઝાંડરના સમુદ્ર પાર કરીને પર્શિયા પર કૂચ કરી જવાના નિર્ણયથી સમજાય છે કે એલેક્ઝાંડર પણ તેમાં વિશ્વાસ ધરાવતા હતા.
ત્યાં તેમણે શાસનની એક બીજી જ વ્યવસ્થા જોઈ, જેમાં રાજાને બધાં જ દૈવી આદેશના અધિપતિ તરીકે મનાતો હતો. તે બધાં કરતાં જૂદો હતો અને લોકોથી અંતર પણ રાખતો. તેના પ્રત્યેનાં માન અને ભયને કારણે તેનાં વિશાળ રાજ્યમાં વ્યવસ્થા બની રહેતી હતી. અહીંયાં સમાનતા નહીં પણ પદાનુક્રમનું ચલણ હતું..
પર્શિયા સામ્રાજ્ય એ સમયે વિશ્વનું સૌથી મોટું સામ્રાજ્ય મનાતું હતું. પોતાના વિશાળ પ્રદેશ માટે હાકેમ (ગવર્નર)નો વિચાર પહેલવહેલો ત્યાં અમલમાં મુકાયો હતો. તેમનું પ્રતિક સિંહ હતો.
ઈશ્વરદત્ત સતા ધરાવતો રાજા સિંહ -રાજ હતો જેનામાં સિંહપણાનું ગર્વ પ્રભાવક હતું, તે પોતાના બધા પ્રતિસ્પર્ધીઓને મારી નાખતો, શિકાર કરવામાં તે ગૌરવ માનતો અને તેના શિકાર પર તેનો પહેલો હક્ક રહેતો. એવું મનાય છે કે નાઈલની ખીણ પર રાજ્ય કરતા ઇજિપ્તના ફેઅરો શાસન પદ્ધતિ પરથી પર્શિયાની આ શાસન પદ્ધતિ વિકસી હતી. પોતાની પ્રજાથી પોતાને અલગ તારવીને પર્શિયાની પધ્ધતિમાં આ વિચારને હજુ આગળ લઈ જવાયો હતો. પર્શિયન સામ્રાજ્યનો આ વિચાર એટલો બધો પ્રચલિત થયો હતો કે ચીનમાં કિન રાજવંશ અને હિંદુસ્તાનમાં મૌર્ય રાજવંશનો તે પ્રેરણા સ્રોત બની રહ્યો.
કેન્દ્રીય સત્તા અને શાશનકર્તાનો એ જ ઢાંચો અહીં પણ અપનાવી લેવાયો હતો. સિંહ હિંદુસ્તાનમાં જવલ્લેજ જોવા મળતા (કેટલાક પ્રાકૃતિક ઈતિહાસકારોના મત મુજબ, તો સિંહો આયાત કરાતા હ્તા) અને વળી ચિનમાં તો બિલ્કુલ જ ન હતા, છતાં, બધી જ જગ્યાએ, સિંહ રાજાનું પ્રતિક બની રહ્યો. એટલે સુધી કે બ્રિટનથી લઈને શ્રી લંકા સુધી તે પ્રતિક તરીકે અપનાવાયો અને દંતકથાઓમાં વણાઈ ગયો, જ્યારે એ દેશોમાં તો સિંહ ક્યારેય ફરક્યો પણ નથી.
એલેક્ઝાંડરે પર્શિયાના રાજાને યુધ્ધામાં મારી નાખ્યો, પર્શેપોલિસનો તેનો મહેલ સળગાવી દીધો અને પોતાની શૈલી મુજબનું સામ્રાજ્ય પ્રસ્થાપિત કર્યું. તે જ્યાં જ્યાં ગયો ત્યાં એલેક્ઝાંડ્રીયા જેવાં નગરો વસાવ્યાં. તેની અપેક્ષા હતી કે આ નગર રાજ્યોમાં નાગરિકો પણ કલ્યાણ રાજ્ય રચશે. પણ તેને પોતાને પણ સમજાય તે પહેલાં  તો, સત્તા અને પદાનુક્રમથી રાજ્યમાં જે રીતે વ્યવસ્થા બની રહેતી હતી તેવા  સિંહ -રાજાના ખયાલથી તે પણ રંગાઈ ચૂક્યો હતો. આ ખયાલથી મંત્રમુધ થયેલ તે, પોતાની જાતને પર્શિયાના રાજાના વંશ તરીકે જોવા લાગ્યો હતો.
પર્શિયાનાં લોકોને આ વાત જેટલી ગમી તેટલી ગ્રીક લોકોને અળખામણી લાગી. સિંહ-રાજાના પદાનુક્રમ અને એલેક્ઝાંડરનાં સમાનતા ધરાવતાં નગર રાજ્યો વચ્ચેનો તફાવત પાશ્ચાત્ય અર્થતંત્ર, રાજકારાણ અને વિચારસરણીના વિવાદના પાયામાં રહેલ છે. સામાજિક કર્મશીલ લોકો પોતાને એલેક્ઝાંડરનાં નગર રાજ્યોની સમાનતાના ઝંડાધારીઓ માને છે અને આધુનિક કોર્પોરેશનોને પર્શિયાનાં પદાનુક્રમિત સામ્રાજ્યની નજરે જૂએ છે.
કંપનીઓ આ છાપને ભુંસી નાખવા  અને પ્રક્રિયાઓ, ટેક્નોલોજિ અને જ્યાં બધાં લોકો સમાન હોય તેમજ કામ પૂરાં થવાંની બાહેંધરી તંત્રવ્યવસ્થાને કારણે મળતી હોય તેવી સંસ્થાના ખ્યાલ દ્વારા નગરરાજ્ય બનવા માટે સારી એવી જહેમત ઉઠાવે છે. પણ જે સિંહરાજાઓ કામ કરી આપવા આતુર છે તેમને માટે આ કારણે ઘણા પ્રશ્નો ઊભા થાય છે.
દરેક ઉદ્યોગસાહસિકે આ પરિસ્થિતિનો સામનો કરવો જ પડે છે. જ્યારે તેઓ સ્ટાર્ટ અપના તબક્કામાં હોય છે ત્યારે લોકો તેમની વાત સાંભળીને કામ કરે છે. દલીલબાજીઓ, ચર્ચાઓ, જુસ્સાભેર ચર્ચાવિચારણાઓ, ફરી ત્વરિત ચર્ચા-બેઠકો અને પછી ઝડપથી અમલ પણ થાય છે. સ્ટાર્ટ અપ બધાં માટે સમાનતા ધરાવતું એક નગર રાજ્ય છે તેવું માની લેવામાં આવતું રહ્યું છે, પણ ત્યાં બધાંને ખબર છે કે સિંહરાજા કોણ છે. હા, સાહસ સફળતાને જરૂર વરે છે.
v  દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, For the entrepreneur, wealth, fame and size don’t come cheap નો અનુવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો