બુધવાર, 14 ઑગસ્ટ, 2019

કંપનીઓના મુખ્ય સંચાલકો ક્ષમતા અંગેની વ્યવસ્થા કરવાની બાબતે અવરોધ કેમ ઊભા કરતા હશે ? - દેવદત્ત પટ્ટનાઈક


અગસ્ત્ય નામે એક ઋષિ હતા જેમનું જ્ઞાન બીજા બધા ઋષિઓનું મળીને થાય તેનાથી પણ વધારે હતું.  ઉત્તરમાં આવેલા કૈલાશ પર્વત પર વેદ અને તંત્ર વિષે શિવજીનાં વ્યક્તવ્ય સાંભળવા વિશ્વના બધા ઋષિઓ આવ્યા હતા. તેને કારણે ત્યાં જ્ઞાનનું વજન એટલું બધું વધી ગયું કે પૃથ્વી ઉલળી પડી. પૃથ્વીનું સંતુલન ફરીથી ગોઠવી દેવા માટે શિવજીએ અગત્સ્ય ઋષિને દક્ષિણમાં જવાનું કહ્યું. આમ અગત્સ્ય દક્ષિણના આદિ ઋષિ મનાયા. તેઓ તમિળ ભાષાનો અને  સિદ્ધ તરીકે જાણીતાં તંત્ર જ્ઞાનના ઉગમ સ્રોત બન્યા.
એક દિવસ, જ્યારે અગસ્ત્ય ઋષિ તપોધ્યાનમાં હતા તેમને એક દર્શન થયું. તેમણે જોયું કે કેટલાંક લોકો એક અંધારા ખાડા પર ઊંધે માથે લટકી રહ્યાં છે. તેમને લટકાવવા માટે વપરાયેલ દોરડાંથી તેમના પગ બાંધેલા હતા. એ દોરડાંને ઉંદર કાતરી રહ્યા હતા.અમને બચાવો, અમને બચાવો !’એમ બુમો પાડતાં પાડતાં એ લોકો કહી રહ્યાં હતાં કે, 'અમે તમારાં પિતૃઓ છીએ. જો અમે આ ખાડામાં પડીશું અને જ્યાં સુધી તમને પુત્ર કે પુત્રી નહીં થાય  ત્યાં સુધી ભવોભવ અમારે એ 'પુત' નામનાં દોજખમાં જ કાઢવા પડશે. તમે અમર નથી,નાશવંત છો. તમારૂં જીવન અમારા કારણે, તમારાં પૂર્વજોને કારણે, શક્ય બન્યું છે. નવાં જીવને જન્મ આપીને તમારે એ પિતૃ-ઋણ ઉતારવું જોઇએ. એ રીતે આપણે બધાં પુનર્જન્મ પામી શકીશું, અને અમે 'પુત'ની અંધાર કોટડીમાંથી છુટકારો મેળવીશું.'
એક બહુ જ બુદ્ધિશાળી ઋષિ હોવાને કારણે અગસ્ત્ય આ શબ્દોનું હાર્દ સમજી શકે છે. તે જ્ઞાની હતા અને મહાન પણ હતા, પણ તે પણ મરણાધીન તો હતા. એટલે એમણે એક સંતાનના પિતા બનવું મહત્ત્વનું હતું. એટલે તેઓ પત્નીની શોધમાં નીકળ્યા. તેમને એક રાજકુમારી, લોપામુદ્રા, મળી. તેમનાં ગીતો ઋગ વેદમાં જોવા મળે છે. તેમણે અગત્સ્યને અનેક સંતાનની પ્રાપ્તિ દ્વારા  અગત્સ્યનું પિતૃઓ પ્રત્યેનું ઋણ અદા કરવામાં મદદ કરી.
આ કહાનીને, ધર્મમાં આસ્થ અરાખનારાઓ લોકોની જેમ, આપણે તેના વસ્તુતઃ, શાબ્દિક અર્થમાં પણ લઈ શકીએ, અને સંસ્થામાં પ્રતિભાનું સંવનન કરી સંસ્થાને લાંબા સમય સુધી ટકાવી રાખવાના એક વિચાર સ્વરૂપ તેના પ્રતિકાત્મક અર્થમાં પણ લઈ શકીએ. અગ્રણીઓ અને સંસ્થાઓ અવકાશમાંથી પેદા નથી થતાં. મહાન નેતાઓ મહાન સંસ્થાઓ ઘડે છે, અને મહાન સંસ્થાઓ એવી પારિસ્થિતિક  તંત્રવ્યવસ્થા રચે છે જે મહાન નેતાઓનાં ઘડતરને સીંચે છે. જોકે, નેતા કે સંસ્થા ગમે તેટલાં મહાન કેમ ન હોય, પણ અમરપટો નથી લખાવી આવ્યાં. લોકો મૃત્યુ પામે છે, પ્રક્રિયાઓ અપ્રસ્તુત બની જાય છે. જેના પરિણામે તંત્રવ્યવસ્થાઓ પણ કાળક્રમે ભાંગી પડે છે. એ તો અપ્રાપ્ય ઉર્જાનો સિદ્ધાંત છે. નેતાની મરણાધીનશીલતાનો સ્વીકાર કરવો અને તેનાં કામને અમર કરવાની દિશામાં કામ કરવું એ એક જ માર્ગ સંસ્થા માટે ટકી રહેવાનો બચે છે. પરંતુ કાળાં માથાંનું કોઈ માનવી અમર નથી, એટલે તેણે નવી પ્રતિભારૂપ 'સંતાન'ને જન્મ આપવો પડે અને ઉછેરવાં પડે, પોતાનાં એવાં અનુયાયીઓ તૈયાર કરવાં પડે જે સમય આવ્યે, એટલાંજ કે વધારે પણ સામર્થ્યથી, તેમની જગ્યા લે.
અગ્રણી માહિતી (માપી શકાય) અને કૌશલ્ય (માપી શકાય), તેમ જ જ્ઞાન (ન માપી શકાય) અને કાર્યક્ષમતા (ન માપી શકાય)ની સાથે કામ લે છે. જે માપી શકાય છે તેને સંસ્થામાં ઉપરથી નીચે તરફ અપાતી તાલીમ વ્યવસ્થાનો ભાગ બનાવી શકાય. જેનો અર્થ એમ થાય કે તાલીમની ગુણવત્તા અને તાલીમ સામગ્રીનું વસ્તુ અને આલેખન ના સંદર્ભમાં તાલીમની નિપજ અમુક ચોક્કસ માત્રામાં અપેક્ષિત કરી શકાય છે. જે માપી નથી શકાય તેને શીખવાના અને વિકાસના કાર્યક્રમનો હિસ્સો બનાવી શકાય. આ પ્રક્રિયા સંસ્થામાં નીચેથી ઉપર તરફ વહે છે, એટલે કે તેમાં ભાગ લેનારને જરૂરિયાત અનુભવાવવી જોઈએ, તેમનાંમાં નવું જાણવાની, પ્રયોગ કરવાની કુતુહલ વૃત્તિ હોવી જોઈએ. જોકે ઉત્તમ તે માટેનાં વસ્તુ-સામગ્રી, આલેખન અને ગુણવત્તા સાથેની તાલીમ પૂરી પાડ્યા બાદ પણ પરિણામ ખાતરીપૂર્વકનાં હોવાની કોઈ બાહેંધરી આપી ન શકાય. આપણે જ્ઞાન અને ક્ષમતાનાં હસ્તાંતરણમાં ઉમેરો કરવા માર્ગદર્શન કે અનુશિક્ષણ કે હાથનીચે શિષ્યની જેમ શીખવાડવા જેવી પધ્ધતિઓ અપનાવી શકીએ. પણ આવી કોઈ પણ પધ્ધતિઓ ૧૦૦ % ધાર્યાં પરિણામ આપશે તેમ તો ન કહી શકાય.
આ પ્રક્રિયાને બાળ જન્મ અને ઉછેર સાથે સરખાવી શકાય. ગર્ભધારણ, ગર્ભાવસ્થા અને પ્રસુતિ એકમેકથી કપરા તબક્કા છે. જે લોકોને સંતાન નથી થતાં, તેમને બાળક દત્તક લેવાની પ્રક્રિયાની પણ એવી જ મુશ્કેલીઓ અનુભવવી પડે છે. પણ આ બધાંથી પણ ઘણું વધારે મુશ્કેલ છે બાળકમાં ધારી ક્ષમતાઓ અને મૂલ્યો વિકસાવવાનું. બાળકને ઘર અને સમાજના નિયમો પાળવાની ફરજ પાડી શકાય, શાળાની આવશ્યકતાઓ પૂરી કરવાનું શીખવાડી શકાય, પણ તેમ છતાંય, ધાર્યું જ્ઞાન કે ક્ષમતાનું હસ્તાંતરણ થશે જ તેમ તો ન કહી શકાય. આમ  છતાં  પણ, આપણે વંશ જાળવવાનો, કૌટુંબિક મૂલ્યો સંવારવાનો કે કૌટુંભિક વ્યવસાય જાળવી રાખવાનો સંન્નિષ્ઠ પ્રયાસ તો કરીએ જ છીએ. આપના દેહનું મૃત્યુ ભલે થાય, પણ આપણાં સંતાનો થકી આપણે કોઇ એક અંશ તો પાછળ જીવતો રાખી જઈ શકીએ છીએ.
જેમ માબાપને લાગે છે કે તેમનાં સંતાન તેમનાં જેવાં નથી થયાં, તેમ મોટા ભાગનાં અગ્રણીઓને પણ લાગે છે કે તેમનાં અનુગામીઓ તેમનાં જેવાં નથી પાક્યાં. એક અંતિમ એવો પણ છે જ્યાં કેટલાંક અગ્રણીઓ એમ માને છે કે કોઇનામાં તેમના જેવી પ્રતિભા શક્ય નથી , કે જો તેમ શક્ય પણ હોય તો દરેક અનુગામી પોતે ખેડેલા માર્ગ પર જ આગળ વધશે તેની કોઈ ખાત્રી નથી. એ સંજોગોમાં પ્રતિભા વિકાસના કોઈ પણ કાર્યક્રમમાં તેઓ રોકાણ કરવા તૈયાર નથી થતાં. તેમને તો પોતાનાં બીબાં જોઈએ છે - પોતાની અદ્દલ પ્રતિકૃતિઓ જોઈએ છે. તેમની ઇચ્છાઓ અને માન આપનાર અને તેમની આજ્ઞાઓનું પાલન કરનાર, ખાલી જગ્યાઓ પૂરી કરનારાંઓ જોઈએ છે. તેમને પોતાની અધુરાશો ભરી આપનાર ખૂટતી કડીઓ જોઈએ છે.  પણ તેમની જગ્યા ભરી નાખે તેવી સ્પર્ધાનો તેમને ડર છે.એટલે એવાં લોકોને તેઓ નામંજૂર કર્યે રાખે છે. આવાં આગ્રણીઓ પોતાની પ્રતિભાના પ્રકાશમાં અંજાઈ રહે છે અને ભુલી જાય છે કે, આખરે તો, તેઓ પણ નાશવંત છે.તેમને પિતૃઓની નથી પડી. તેમને સંસ્થાના અવસાનની નથી પડી. તેઓ એમ માનવામાં મુસ્તાક છે કે એ લોકો પોતાની કબરમાંથી પણ કામ કરતાં રહી શકશે. આવી કલ્પના જોખમી છે. મહાૠષિ અગસ્ત્યએ પોતાની જાતને આવી ભ્રમણામાં ખોવાઈ જવા ન દીધી.  તેમણે પૂર્વજોની વાત સાંભળી. તેમણે પછીની પેઢીનું સર્જન કર્યું  અને તેમ કરીને, પોતાની શક્ય એટલી મહત્તમ આવડત મુજબ. પોતાની મહાનતાને ભવિષ્યનાં અજ્ઞાતમાં વિસરાઈ જવાથી બચાવી લીધી.
ધ ઈકોનોમિક ટાઈમ્સ માં ૧૬ જન્યુઆરી, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો