બુધવાર, 28 ઑગસ્ટ, 2019

કુદરત ખભા ઉલાળે, વિરોધ થંભી જાય, થોડા સમય માટે - દેવદત્ત પટ્ટનાઈક


અત્યારની વાર્તા કહેવાની શૈલીમાં અંત સુખી હોવો જરૂરી મનાય છે. વાર્તા કહેવાની પરંપરાગત શૈલીમાં પણ અંત સુખાંત જ રહેતો. જોકે સુખાંત એટલે આનંદ થતો હોય એવો અંત માત્ર એમ અર્થ નથી થતો. એ એક સારો અંત છે જેમાં શ્રોતા ગણ નાટ્યગૃહ કંઈક શીખીને છોડે છે. હિંદુ પુરાણોમાં માત્ર સારાંનો ખરાબ પર વિજય કે નાયક પોતાની ખોજમાં કેમ સફળ રહે છે તેવું, કે તેટલું જ, અંતમાં નથી થતું, પણ જીવન, અને મત્યુ, ઈશ્વરના હસ્તક્ષેપ વિના પણ કેમ અવિરત ચાલતાં રહે છે તે બતાવાય છે.   આખરે, રામ અને કૃષ્ણએ મૃત્યુ તો પામવું જ પડે છે, દ્વારકાનું પતન તો થાય જ છે, પાંડવોએ નિવૃતિ લઈને રાજવટનો ત્યાગ કરવો જ પડે છે. તે સામે નવા વિચારોનાં બીજ વવાય છે, તે નવા  છોડમાં વિકસે છે, જે એજ દુનિયાને, ફરીથી, નવી નજરે જૂએ છે. ઘણી વાર એની એ ભૂલો વારંવાર દોહરાય છે અને કૈકેયી કે કુંતિ જેવા કિસ્સઓ ફરી ફરીને બનતા રહે છે. દુનિયા બદલે પણ છે, અને તે ને તે પણ રહે છે, ટેક્નોલોજિઓ બદલતી રહે છે, પરિવર્તનો કરતી રહે છે, પણ કુદરત બદલાતી નથી.
એક વાર મેં મારા મિત્રની પાસે એક ફિલસૂફીવાળી ટિપ્પણી કરી કે કુદરતને જરાય પડી નથી કે તે કૌરવો કે પાડવો કે રામ કે કૃષ્ણ,કોને મારી નાખે છે. માનવીની નૈતિક અવઢવને તે ખભા ઉલાળીને જાણે ખંખેરી નાખે છે, પોતાને એ વાત બિલકુલ પડી નથી તેમ જાણે જણાવે છે. તેના હસ્તક્ષેપથી બધા વિવાદોનો અંત આવી જાય છે. તેના જવાબમાં મને તેણે અહચૅની વાત કરી. અહચૅ [Aceh (AH-chay)] ? એ વળી શું છે?
ઈન્ડોનેશિયામાં અહ્ચૅનું ભૌગોલિક સ્થાન || 0 ૩૩ અક્ષાંશ ઉત્તરે અને ૯૫0 ૧ રેખાંશ પૂર્વમા

હવે મને ઈન્ડોનેશિયાના સુમાત્રાની ઉત્તરે આવેલા પ્રદેશ વિષે જાણવા મળ્યું. અહીં ઈસ્લામ છેક સાતમી સદીમાં આવી પહોચ્યો હતો. અહચૅ એક જાતિ સમુદાય છે જે આઝાદી માટે પ્રખર દાઝ ધરાવે છે. એ માટે કરીને એ લોકો સામ્રાજ્યવાદના સમયમાં ડચ લોકો સાથે અને તે પછી ઈન્ડોનેશિયન રાષ્ટ્ર્ જેવાં બહારથી આવનારાંઓ સામે લડી પણ ચૂક્યાં છે. સઘર્ષો માટે જાતિ (જાવા માટે વિરોધ)થી લઈને ધર્મ (અહચૅનાં લોકો વધારે પરંપરાવાદી મુસ્લિમો છે)થી આર્થિક (અહચૅમાં ખનિજ તેલ અને કુદરતી વાયુના ભંડાર ભર્યા છે)થી રાજકીય (સ્વાયત્તતા માટેના હક્ક) જેવાં અનેક કારણો છે. આ લડાઈ લાંબા અરસાથી ચાલી રહેલ છે. દુનિયામાં અન્યત્ર ચાલી રહેલ આવાં યુદ્ધોની જેમ અહીં પણ કોઈ ચોક્કસપણે કહી શકાય તેવું વિલન કે પિડીત નથી. સશસ્ત્ર યુદ્ધને કારણે પશ્ચિમી પ્રદેશમાં પ્રવાસન ન બરાબર થઈ ગયું છે. 'રાજ્ય' પર હુમલો બોલાવવો આસાન છે. સંઘર્ષને 'રાષ્ટ્રવિરોધી' કે 'કટ્ટર મુસ્લિમવાદ' તરીકે થોપી દેવો પણ મુશ્કેલ નથી. હકીકત એ છે, મોટા ભાગનાં આપણે, ભારતીયો, આ બાબતે અજાણ છીએ કેમકે આપણને તેની સાથે કોઈ લેવાદેવા નથી. જેમ મારીયા શારાપોવાએ સચિન તેન્ડુલકર કોણા? પૂછ્યું હતું ત્યારે આપણાં ભવાં ચડી ગયેલાં તેમ જ આપણે જો આપણું અજ્ઞાન કે બેપરવાહપણું જાહેર કરીએ તો અહચૅનાં અને ઇન્ડોનેશિયાનાં પણ, લોકો જરૂર રોષે ભરાય.

૨૦૦૪માં આ પ્રદેશ પર ત્સુનામી ત્રાટકી. આખો પ્રદેશ સમુદ્રમા ડૂબી ગયો, અને એ ઘટનામાં જે ૨,૦૦,૦૦૦થી વધારે લોકો મૃત્યુ પામ્યાં તેમાંનાં મોટા ભાગનાં અહીંનાં જ રહેવાસીઓ હતાં. કેટલાંક લોકો, કંઈક અંશે ક્રુર ભાવમાં, કહેતાં હતાં કે  નાતાલના પહેલાંના બોક્ષિંગ ડેના દિવસે થયેલી આ ઘટના મુસ્લિમોનો સામે મુસ્લિમોના લડી મરવાનો શ્રાપ હતો. ખેર, તે પછી, ૨૦૦૫માં આ પ્રદેશમાં શાંતિ સ્થપાઈ ગઈ. ઝઘડવા માટે, આમ પણ, કંઈ બચ્યું પણ ક્યાં હતું !
હિંદુ ધર્મમાં આ સ્થિતિને સ્મશાન વૈરાગ્ય કહે છે - કોઈની અંતિમ યાત્રા સંપન્ન કરીને સ્મશાન છોડતાં દુનિયા નશ્વર લાગવી અને વૈરાગ્ય આવી જવો, પણ થોડા દિવસોમાં પાછા જૈસે થે વૈસે થઈ જવું. કેટલીક અફવાઓ અનુસાર, એક દાયકાની શાંતિ પછી ફરીથી અહચૅમાં સંઘર્ષના અણસાર કળાય છે. રામ અને કૃષ્ણ આવે અને જાય, પણ ધર્મ ક્યારે પણ શાશ્વત નથી હોતો, અને  એ સમયે યુદ્ધ એ જ કપ્યાણ એ જ એક માત્ર વિકલ્પ નજરે ચડતો હોય છે.
  •  ધ મિડ ડે માં ૧૮ જન્યુઆરી, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Nature shrugs, conflicts stop, temporarilyનો અનુવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો