બુધવાર, 4 સપ્ટેમ્બર, 2019

કુતુહલ - સંચાલકો અને કર્મચારીઓને જોડવામાં ખૂટતી કડી



આજનાં અતિવિક્ષેપિત વાતાવરણમાં કુતુહલ એવી એક ખાસીયત છે જે સંસ્થાઓને ઉચ્ચ કામગીરી કરનાર બનવામાં મદદ કરી શકે છે. તે ઉપરાંત હાર્વર્ડ બિઝનેસ રિવ્યુના એક લેખમાં પણ જણાવાયું છે કે 'સમગ્ર ઈતિહાસમાં જોઈ શકાય છે કે, આગ પેટાવવા માટે ચકમક પથ્થરથી લઈને સ્વ-સંચાલિત કાર સુધીની મોટા ભાગની નવી દિશાઓ કંડારતી શોધો કે નોંધપાત્ર આવિષ્કારોમાં જે એક બાબત સામાન્ય પણે જોવા મળે છે તે એ છે કે આ બધાં જ કુતુહલનું પરિણામ છે.”
પરંતુ INSEAD અને સર્વેમંકી દ્વારા કરાયેલ એક અભ્યાસ મોજણીમાં જોવા મળ્યું છે કે મોજણી દરમ્યાન ૧૫૦૦ સંચાલકોમાંના ૭૩% સંચાલકોનું કહેવું હતું કે કુતુહલને 'સારી એવી' પ્રાથમિકતા મળે છે, પોતાની સંસ્થાઓમાં તો ખાસ. જેની સામે મોજણીમાં આવરી લેવયેલ ૧૬,૦૦૦ કર્મચારીઓમાંના ૫૨% આ મંતવ્ય સાથે સહમત થતાં હતાં.
આટલો મોટો તફાવત કેમ હશે? નવી નવી શોધો અને વિકાસવૃદ્ધિને બળ મળે તે રીતે કર્મચારીઓનાં કુતુહલ અને સર્જનાત્મકતાને  શી રીતે કામે લગાડી શકાય ? સંશોધકોને વ્યક્તિનાં કુતુહલને પ્રભાવિત કરવામાં 'ઓળખ'નું ખાસ મહત્ત્વ જોવા મળ્યું છે.
અહીં ઉપર ઉલ્લેખેલા હાર્વર્ડ બિઝનેસ રિવ્યુના લેખમાં સ્પેન્સર હેરિસન, એરિન પિન્કસ અને જોન કોહેન આ સંશોધન વિષે વિગતે ચર્ચા કરે છે –
Danas Jurgelevicius/Getty Images

કુતુહલની પાછળ, મૅનેજમૅન્ટ પુસ્તકો, યુનિવર્સિટીના વર્ગો, કે સંશોધનો, જ્યાં નજર કરો ત્યાં 'સોનું લુંટી લેવાની' હોડ ચાલતી જોવા મળે છે. કંપનીઓને નોકરીઓ માટેની જાહેરાતમાં ભાવિ કર્મચારી કુતુહલ-પ્રેરિત હોય એ વિષે ખાસ ભાર મુકાતો જોવા મળે છે.
કુતુહલનું મહત્ત્વ સ્વીકાર્યા બાદ પણ, એક અભ્યાસ સંશોધનમાં એક બહુ અજબ કોયડો સામે આવે છે - મોટા ભાગની સંસ્થાઓમાં અગ્રણીઓ - મોટા ભાગના કિસ્સઓમાં, ભુલથી- માને છે કે તેમના સહકર્મચારીઓની કુતુહલવ્રુત્તિને વધારે સામર્થ્યવાન બનાવાઈ રહી છે. સવાલો પૂછવામાં તેમને પોતાને ખાસ કોઈ અંતરાય નડતા નથી, એટલે તેમના સહકર્મચારીઓને પણ કોઈ અંતરાય નહીં જ નડતા હોય તેમ તેઓ માને છે. પણ કર્મચારીઓનાં સ્તરે ચિત્ર કંઈક જ અલગ જોવા મળે છે.
આ સંશોધનમાં એક આશાનું કિરણ પણ જોવા મળે છે - કુતુહલનો મહત્તમ લાભ લઈ શકવામાં 'ઓળખ' મહત્ત્વનું યોગદાન આપી શકે તેમ છે.
ઓળખ કુતુહલને બે રીતે પ્રભાવિત કરી શકે -
પહેલું એ કે વ્યક્તિની ઓળખ એક કાળમીંઢ પથ્થરમાંથી તરાસેલ મૂર્તિ નથી હોતી, પણ અનેકવિધ રસ અને શોખના નાના નાના ટુકડાઓને સાંકળીને બનેલ હોય છે. કોમ્પ્યુટર પ્રોગ્રામરને હાથે રસોઈ બનાવવી, સાઈકલને ફરવા નીકળી પડવું કે કોઈ એવી બાહ્યપ્રવૃત્તિઓમાં રસ હોઈ શકે.  તો કોઈ કારીગરને મંજીરા પકડીને ભજન ગાવાનો કે પાનું પેન્સિલ લઈને રેખાચિત્ર દોરવાનો કે દીવાળીમાં ઘરે રંગોળી પુરવાનો શોખ હોઈ શકે. કોઈને વળી દર રજાના દિવસે આશ્રમમાં જઈને ત્યાંનાં કામો કરવામાં મજા પડતી હોય. દરેક પ્રકારનો રસ વ્યક્તિમાં અલગ અલગ ખોજબીનની તડપ અને પ્રતિબધ્ધતા સાથે લઈને આવે છે. આમ દરેક માણસની કુતુહલવૃત્તિ તેના રસના વિષયને અનુરૂપ હોય છે. કોમ્પ્યુટર પ્રોગ્રામ બનાવતી વખતે જે વ્યક્તિને કોઈ સવાલ પેદા ન થાય તે વ્યક્તિને સાઈકલ સવારી કરતાં નવું નવું જોવાની ઈચ્છાઓ થઈ શકે. સંસ્થાએ વ્યક્તિને તેનાં કામ સાથે પોતાના રસના વિષયને પણ જોડવાના રસ્તા ખોળીને તેમને યથોચિત રીતે અજમાવવાના રહે છે.
બીજું, ઓળખને કારણે કુતુહલને બળ મળે છે. નોબેલ પારિતોષિક વિજેતાઓની જીવનકથાઓમાં જોઈ શકાશે કે જીવનના કોઈને કોઈ તબક્કે માબાપ કે શિક્ષક કે ગણમાન્ય અગ્રણીએ તેમનાં કુતુહલની પુષ્ટિ કરી છે. જેમકે, પહેલાં આફ્રિકી અમેરિકી નારી અવકાશયાત્રી મૅ જેમીસનનું કહેવું છે કે બાળક તરીકે તેમને હંમેશાં કુતુહલ રહેતું. તેમનાં કુતુહલની ઉર્જા ઊડી ન જવાનું એક કારણ ઉનાળામાં બેલ લેબોરેટરીમાં તેમણે કરેલી ઈન્ટર્નશિપ જણાય છે - “તમને બળવત્તર કરનાર આવું પીઠબળ મળી રહે છે. કોર્પોરેશનો અને સંસ્થાઓએ આ ભૂમિકા ભજવી શકે છે.” એક વાર કુતુહલ વ્યક્તિની ઓળખમાં ભળી જાય એટલે જે પરિસ્થિતિ છે તેને બદલી નાખી શકે એવા સવાલો પૂછવાની હિંમત તેનામાં ખૂલે છે.
આ સંશોધન અભ્યાસમાંની માહિતીસામગ્રી બતાવે છે કે કામમાં કુતુહલતાને અનુભવી શકવાને કારણે ૭૩% લોકોને 'વિચારો બીજાં સાથે વહેંચવા'નું અને 'પોતાની સંસ્થા માટે નવા નવા વિચારો કરવા'નું ગમે છે.
સફળ સંસ્થાઓનાં મૂળિયાં કુતુહલમાં રહેલાં છે. નવા નવા વિચારો વિષે વિચારતા રહેવા અને પોતાનાં કામ દ્વારા સંસ્થા માટે મૂલ્યવૃદ્ધિ કરી શકવા માટે દરેક સ્તરનાં કર્મચારીઓને કુતુહલપોષક  વાતાવરણ મળે તો તેઓ નવી નવી માહિતી અને જ્ઞાન ગ્રહણ કરતાં રહી શકે છે અને નવા નવા સંબંધો વિકસાવી શકે છે.  સંસ્થાની અંદર કુતુહલનાં અગત્ય સંબંધિત ધારણાઓમાં અગ્રણીઓ અને કર્મચારીઓના દૃષ્ટિકોણમાં ફરક પડવ લાગે છે ત્યારે સંસ્થામાં નવી માહિતી અને નવા વિચારોના પ્રવાહ આવતા બંધ થવા લાગે છે. જ્યાં સુધી અગ્રણીઓ કુતુહલના પ્રસારને નડતા અંતરાયો નહીં જોઈ શકે કે જોયા છતાં તે શક્ય બને કુતુહલ પોષાય એવી તંત્રવ્યવસ્થાઓ નહી ઘડી શકે ત્યાં સુધી તેઓ જાતે ઉભી કરેલી - તેમનાં કુતુહલને કોઈ નડતર નથી અને બીજાં પણ એટલાં જ કુતુહલ ધરાવે છે અને વિના રોકટોક તે સંતોષી શકે છે એવી - કેદમાં ભરાયેલાં રહેશે  
ManagementMattersNetwork.com, પરના સંપાદકીય કાર્યાલય ના અસલ અંગ્રેજી લેખ, The “Curiosity” Disconnect Between Executives and Employeesનો સંક્ષિપ્ત અનુવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો