બુધવાર, 9 ઑક્ટોબર, 2019

નિષ્ફળતાઓનો ટોપલો પહેરાવવા માટે સંસ્થાઓને બલિનો બકરો જોઈતો હોય છે - દેવદત્ત પટ્ટનાઈક

પ્રાચિન ગ્રીસમાં, દુકાળ પડે કે રોગચાળો ફેલાય તો કોઈ ગુનેગાર કે અપાહિજ વ્યક્તિને, જેને ફાર્મેકોસ તરીકે ઓળખવામાં આવતો, સમાજમાંથી તડી પાર કરી મૂકાતો. ઈસ્રાયેલની પ્રાચિન જાતિઓમાં એક બકરાની ડોકે મૂસને બાંધીને કાઢી મુકવામાં આવતો. અઝાઝેલ તરીકે ઓળખાતા એ બન્નેમાં બકરો સમાજના પાપનો વાહક અને મૂસ વાહનપાત્ર ગણાતાં. આમ ગામ કે જાતિનું શુધ્દિકરણ થયું મનાતું. દેખીતી રીતે આમાં કોઈ જ તર્ક નથી - સમસ્યાનું કારણ બિચારો ફાર્મેકોસ કે અઝાઝેલ તો છે જ ક્યાં ! તેમ છતાં, તેમને તડી પાર કરવાથી સમાજને શુધ્ધ થવાનો સંતોષ રહેતો, અને સમાજ નવેસરથી તાજગી પણ અનુભવતો. જેનો ભોગ લેવાયો છે તેના દૃષ્ટિકોણથી જોઈએ તો આ સરાસર અન્યાય છે, પણ જેમના ફાયદાની આ બાબત છે તેમની નજરે તો આમ કરવું બહુ જ યોગ્ય અને ઉચિત છે.
માપણી કે તર્કની ગમે તેટલી મોટી વાતો કરાતી હોય, પણ આજનાં કોર્પોરેશનોને બલિના બકરાના બહુ ઉપયોગ છે. કોઈકને શૂળીએ ચડાવવો પડે ને ! આમ તો સમસ્યાનું મૂળ શોધી ને તેને દૂર કરવાનાં પગલાં લઈને નવેસરથી શરૂઆત માંડવી જોઈએ. તર્ક અનુસાર તો આમ જ કરાય - જો મૂળ કારણ શોધી શકાય તેમ હોય, કે મૂળ કારણ શોધવાની દિલથી તૈયારી હોય, તો ! પણ ઝડપથી આગળ વધવા માગતાં કોર્પોરેશનોને ઝડપભેર પરિણામો જોઈએ, મૂળ કારણ શોધવા માટે સમય વેડફવાની તેમને ફુર્સત ક્યાં છે ! એટલે ચપટીમાં સમસ્યાનાં દેખીતાં લક્ષણો શોધી ને તેને બંધબેસતા બકરાનો ભોગ ધરાવો એટલે સમસ્યાનું સમાધાન કરવા અસરકારક પગલાં લીધાંનો સંતોષ માની લેવામાં ભયોભયો થઈને આગળ વધી શકાય.
મોટા ભાગના કિસ્સાઓમાં સાંકળની સૌથી નબળી કડીને બલિનો બકરો બનાવી દેવાતો હોય છે. જેમ, ગ્રીક લોકો મુજરિમને માથે કે ઇસ્રાયેલીઓ બકરાને માથે ટોપલો પહેરાવી દેતાં, તેમ જેને બોલવાપણું ન હોય કે બોલે તો કોઈ સાંભળે એમ ન હોય એનો ભોગ ચડાવાઈ જાય. સંસ્થાઓમાં પુરવઠાકાર જેવો બહારનો હિતધારક અંદરની સમ્સ્યા માટે જવાબદાર ઠેરવાઈ જાય. ખર્ચા ઘટાડવા માટે જેનું બોનસ આ ખરીદી સાથે સંકળાયું છે તે ખરીદી વિભાગ  કે નાણાં ચુકવવાનું મોડું કરનાર નાણાં વિભાગ કે વધારે પડતી ચકાસણીઓ ઘુસાડી દેનાર ગુણવત્તા વિભાગ કે જેને પરિણામો અને કારણોમાં નહીં પણ પોતાની ઑડીટ નોટનું મહત્ત્વ દેખાડવામાં રસ છે તે ઓડીટર - તેમની સામે તો કોઈ આંગળી પણ નથી ચીંધતું. અમુક સમય પછી સમસ્યા ફરી દેખા દે, ત્યાં સુધીમાં સંચાલન મંડળમાં ફેરફારો થઈ ગયા હોય, એટલે પહેલાં કોણે શું કર્યું હતું તે તો કોઈને યાદ પણ ન આવે, અને દોષનો ટોપલો પહેરાવવા માટે બલિનો બકરો શોધવાનું ચક્કર ફરી એક વાર શરૂ થઈ જાય. સમસ્યા તો મૂળમાં બેઠી બેઠી મજા કરતી રહે.
કેટલાક પોતાની અક્ષમતાને ઢાંકવા બલોના બકરાને ઢાલ બનાવતાં હોય છે. વરિષ્ઠ પદ પર લોકોને કામ કરવા માટે નહીં પણ નિષ્ફળતાના સમયે દોષારોપણ કરવા માટે નિશાન બનવા માટે રખાતાં હોય છે. ઓનલાઈન આરોગ્ય સેવા આપનાર એક કંપનીના મુખ્ય સંચાલકને બહુ મોડેથી ખયાલ આવ્યો કે તેમણે જાહેર કરેલ યોજનાની પૂર્વધારણાઓમાં જ ખામી છે. તેમણે વેચાણ વિભાગ માટે એક નવા સંચાલકને નીમી દીધા અને આ નવી યોજનાને લગતાં લક્ષ્યાંકો સાથેની જવાબદારી પણ તેને, નિયામક મંડળની મંજૂરી સાથે, સોંપી દેવાઈ. એ સંચાલકને પણ કંઈ ખોટું છે તે ખ્યાલ આવે ત્યાં સુધીમાં તો ચારછ મહિનાના આંકડા તેમની નિષ્ફળતાના પુરાવા ભરતા થઈ જાય. એ સંચાલકને રાજીનામું આપવાનું કહેવાય અને મુખ્ય સંચાલકને એક બોનસ મળે. મુખ્ય સંચાલકનું નિયામક મંડળ પણ પોતાના નિર્ણયની ખામી મનમાં જ સમજીને ચુપ રહેવામાં શાણપણ સમજે.
ઘણી વાર અગ્રણીઓ પોતાના માટે જે મહત્ત્વનાં છે તેમને બચાવવા પણ બલિના બકરાને આગળ કરી દે છે. પરિણામ એ આવે કે પોતાનાં કોઈ દવલાંને બચાવવા, લેવા દેવા ન હોય તેવી ત્રીજી વ્યક્તિનો ભોગ લેવાઈ જાય. વફાદારી અદા કરવાનું આ એક સચોટ નિદર્શન છે. તેનાથી વફાદાર અનુયાયીઓનો એક પક્ષ ઊભો થાય છે. જેની જાન બચી તેના માટે તો તેનો રક્ષક ભગવાન બની જાય, જેનો બચાવ થયો તે વધારે દવલું બને. ક્યારેક તો જે બચી જાય એ એટલો ઉપકારવશ બની જાય કે તેના માલિકનો તે ગુલામ બની રહે. કંપની હવે પેલા રક્ષકનું પોતીકું રજવાડું બની રહે છે, જેની પ્રજા તેનાં વફાદાર અનુયાયીઓ છે.
કૌટુંબીક માલિકીવાળી કંપનીઓમાં પગારની સામે પૂરતું વળતર ન મળવાનું બહાનું ધરીને ઊંચા પગારવાળાંઓને બલિનો બકરો બનાવી દેવાતાં જોવા મળે છે. જ્યારે કોઈના હાથ મજબૂત કર્યા વગર તેનો જવાબ માગવામાં આવે ત્યારે તેણે સમજી જવું જોઈએ કે તેના દિવસો ભરાઈ ગયા છે. અગ્રણીએ એક વાત યાદ રાખવી જોઈએ કે લોકોને નિષ્ફળતા માટેનું દોષારોપણ બિલકુલ પસંદ નથી હોતું. તેને કારણે લોકો જબાદદારી લેતાં જ અચકાશે કેમકે ક્યારે તે બંધ મુઠ્ઠીમાંથી સરી જતી રેતી જેવી સત્તા બની જશે, કે એક અંતિમ સ્વરૂપે, નોકરીમાંથી પાણીચું મળવાનું કારણ બની જશે, તે જ ખબર નથી રહેતી. જવાબદારી ન લેવાથી થોડું ઓછું મળશે, પણ બલિનો બકરો બનવામાંથી તો બચી જવાશે !
અગ્રણીઓએ પોતાની જાતને સવાલ પૂછતાં રહેવું પડશે કે તેઓ પોતાના ટકી રહેવા માટે બલિના બકરા બનતા રહે તેવી વાતાવરણ તંત્રવ્યવસ્થા તો તેઓ નથી ઊભી કરી રહ્યાં ! તેમણે એ બાબતે હંમેશાં સચેત રહેવું પડશે કે જેમને દોષિત જાહેર કરાઈ રહ્યાં છે તે ખરેખર મૂળ કારણ છે કે પછી માત્ર બલિના બકરાં છે ! આ નક્કી કરવું એટલું સહેલું પણ નથી - તેના માટે ઊંડાણથી તપાસ કરવી પડે અને એ તપાસ કરતી વખતે, અને તારણોનું વિશ્લેષણ કરતી વખતે, સારાસારનો વિવેક ધરાવતી આંતરસૂઝ જોઈશે. એ માટે જોઈશે પૂરતો સમય, જે આજનાં, રઘવાટીયાં, કોર્પોરેશનોમાં કાયમ અપૂરતી  જોવા મળતી જણસ છે
ધ ઈકોનોમિક ટાઈમ્સ માં ૨૩ જન્યુઆરી, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો