ગરીબમાં ગરીબ, લાખો હજારો લોકો માટે મધર ટેરેસા
તારણહાર છે. પરંતુ કેટલાય નિરીશ્વરવાદી કે,જેઓ
માત્ર રોમન કેથોલીક જ નથી એવા વિદ્વાનો, રાજકારણીઓ
કે અખબારનવેશો માટે તે દમનકર્તા છે. જ્યાં નિરીશ્વરવાદીઓ ધાર્મિકોની મશ્કરી કરતા
હોય, ધર્મિષ્ઠો ઉદારમતવાદીઓની ઠેકડી ઉડાવતા હોય, જ્યાં એક ધર્મ બીજા ધર્મનો સ્વીકાર ન
કરતો હોય, ત્યાં કોઈ પણ
વ્યક્તિની યોગ્યતા નક્કી કરવા માટે આ પ્રકારનાં બેવડાં ધોરણોનું હોવું સ્વાભાવિક
ગણાય. કોઈને માટે તમે રક્ષણહાર છો તો બીજાં કોઈક માટે તમે દમનકર્તા હોઈ શકો છો, કોઈક માટે તમે વીર શહીદ તો કોઈક માટે
મહા દુષ્ટ વિલન હોઈ શકો છો. ગાંધીજી આવાં બેવડાં ધોરણોથી મપાતા રહ્યા છે. અરે, ગોડસેને પણ બેવડાં ધોરણોથી જોવામાં આવે
છે. જિન્નાહ કે નેહરૂ કે પછી નરેન્દ્ર મોદી કે અરવિંદ કેજરીવાલ પણ એમાંથી બાકાત
નથી રહી શકયા.
સમગ્ર વિશ્વમાં અભ્યાસ સંશોધન બાદ
લોકોમાં એક ખાસ વલણ જોવા મળે છે. એક વાઘ હરણ પર તરાપ મારતો હોય તેવું ચિત્ર જ્યારે
તેમને બતાવવામાં આવ્યું અને પુછવામાં આવ્યું કે તમે કોને બચાવશો. તો બધાંનો જવાબ
હરણને બચવાવું જોઈએ તેમ હતો. આ જવાબ બતાવે છે કે હરણને મોતનાં મોંમાંથી બચાવીને
વાઘને ભૂખે મરવા તરફ ધકેલવામાં અવી રહ્યો છે. ખુબીની વાત એ છે કે જ્યારે એમ
પુછવામાં અવે કે તમને કયું પ્રાણી થવું ગમશે તો જવાબ, સૌથી વધારે સંહારશક્તિ ધરાવતાં શિકારી, સિંહ (કે વાઘ) માટેની પસંદ દર્શાવતો હોય
છે. એ સમયે એ વાત કદાચ ભૂલી જવાય છે કે તે શિકાર કરે છે પોતાનું અસ્તિત્ત્વ ટ્કાવી
રાખવા માટે. આપણે શિકાર થનારને, બચાવવું
છે પણ બનવું છે શિકારી. આપણી જાહેર જિંદગીમાં જેમનું શોષણ થાય છે તેમના માટે આપણે
લડત કરવી છે, પણ આપણી અંગત
જીંદગીમાં તો આપણે પ્રભાવશાળી, આધિપત્યવાદી
જ બનવું ગમે છે. આપણામાંનાં આ બેવડાં
વ્યક્તિત્વથી આપણે મોટા ભાગે અજાણ હોઈએ છીએ. જાહેર જીવનમાં પડેલ મહાનુભવોનું પણ
એવું જ હોય છે.
ગ્રીક પુરાણકથાઓમાં નાયક ન્યાય માટે
દેવતાઓની સામે પણ લડવા તૈયાર હોય છે. આ નાયકો એવું મૉડેલ છે જેના પર અનેક વર્તમાન
મહાનાયકોનાં ચરિત્ર ઘડતર થયાં છે. અબ્રાહમી પુરાણોમાં પયગંબર લોકોને ઈશ્વરની ઈચ્છા
સાથે એકસુત્ર થવા જણાવે છે. તેમ કરવામાં તે પોતાનો જીવ ગુમાવીને શહીદ સુધ્ધાં બની
જાય છે. જે કંઈ ખોટું છે તેની સામે આપણે લડત કરીએ છીએ. જે ઉચિત છે તે જ લોકો કરે
તેમ પણ આપણે ઈચ્છીએ છીએ. એક તરફ આપણે રક્ષણહાર બનીએ છીએ તો યોગ્યાયોગ્યતાના વિચારો
બીજાં પર થોપીને બીજી તરફ આપણે દમનકર્તા બનીએ છીએ.
જૈન પુરાણૉમાં પ્રતિ-વાસુદેવ સામે લડતા વાસુદેવ
રક્ષણહાર છે. પોતાનાં વિશાળ સામ્રાજય પર જાણ્યેઅજાણ્યે પોતાના કાયદા લાગુ કરતો
ચક્રવર્તી એ અર્થમાં દમનકર્તા છે, કેમકે
તેના નિયમોને કારણે તેની પ્રજાને, અમુક ચોક્કસ મર્યાદાઓ અનુસાર અને તેની
સીમાની અંદર જ અમુક નિશ્ચિત પ્રકારે જ વર્તવું પડે છે. એમ કરવામાં તેમની પોતાની સ્વતંત્ર
ઇચ્છાઓનું લોકોએ દમન પણ કરવું પડે છે. જ્ઞાની તિર્થંકર જ સમજી શકે છે કે એ બન્ને
લોકોનું ભલું જ ઈચ્છે છે પણ એક થકી બીજું કેમ શક્ય બની શકે તે તેઓ નથી સમજી શકતા.
બ્રાહ્મણોના અતિરેકથી અસ્પૂશ્યતા જેવી પ્રથાઓ દાખલ થાય છે, જેને કારણે ગરીબો માટે બોલનાર મિશનરીઓની
જરૂરિયાત અનુભવાય છે. જોકે તેઓની મદદ પણ હિંદુમાંથી ધર્માંતરણની શરત સાથે જ જોડાયેલ હોય છે. તો આને પરિણામે એવાં હિંદુ કાર્યશીલોનો વર્ગ
પેદા થાય છે જે પોતાના ધર્મનો ક્ષય રોકવા માટે લડી પડે છે.મુડીવાદીઓના અતિરેકને
કારણે મજદૂર સંઘના નેતાઓ પાકે છે, જેમના
દ્વારા મજુરોના હક્ક માટે પડાતી હડતાલો અર્થતંત્રને નુકસાન પહોંચાડે છે જેનો
વધારેમાં વધારે ભોગ એ મજૂર વર્ગ જ બને છે.
ઔદ્યોગીકીકરણની સહાય વડે અર્થતંત્રને બચાવવા માટે હવે તેને પરિણામે
સર્વસત્તાગ્રહી રાજ્ય વ્ય્વસ્થા જન્મ લે છે જે બધી જ સ્વતંત્રતાઊ સૌ પહેલો ભોગ લે
છે.
ખેડૂતે જંગલોમાંથી આદીવાસીઓને તગડી
મૂક્યા જેથી તે ઉપજાઉ જમીન પર તે ખેતર બનાવી શકે. એ જ રીતે ખનિજોનું ખોદકામ
કરનારાઓ પણ લાકડું અને અન્ય ખનિજો મેળવવા માટે કરીને આદીવાસીઓને
જંગલોમાંથી ખદેડી મુકે છે. આમ સમાજના એક
વર્ગને માટે સંસાધનો ઉપલબ્ધ કરવા માટે આદીવાસીઓની જીવનશિલીનો ભોગ લેવાય છે. ફરી એક
વાર એક વર્ગ માટેનો તારણહાર બીજા વર્ગ માટે દમનકર્તા પરવડે છે. સંસાધનોની ન્યાયિક
અને યોગ્ય વહેંચણીના ભલભલા ઉચ્ચ વિચારો કે ઈચ્છા છતાં પણ આ વિરોધાભાસમાંથી છટકી
શકાય તેમ નથી. એ કક્ષાએ પહોંચવા માટે માનવ જાતે બહુ જ સંયમભર્યાં જ્ઞાન અને
સમાનુભૂતિથી વિચારતાં અને વર્તતાં શીખવું પડશે. સંયમ ભરેલ જ્ઞાન કે સમાનુભૂતિ
વ્યક્તિગત ઉદ્દેશ્યો હોઈ શકે પણ તેને જાહેર ઉદ્દેશ્યો બનાવવા અતિમુશ્કેલ છે. આમ
કેટલાંક લોકોનાં માનસીક નિશ્ચયો અને જનસમાજ માટે અલગ પ્રકારના વ્યાપક નિશ્ચયો
વચ્ચેના સંધર્ષની પરિસ્થિતિ ગઈકાલે પણ હતી,
આજે પણ છે, અને આવતી કાલે
પણ દૂર નહીં થઈ શકે.
- મિડ ડે માં ૧ માર્ચ, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Saviour versus Oppressorનો અનુવાદ : પ્રઅબ્રાહમી ધર્મો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો