'A Hanging ' (ફાંસી, ૧૯૩૧)માં અત્યાર સુધી આપણે લેખક દ્વારા વર્ણવાયેલ
ફાંસીની પૂર્વતિયારીઓ સમયનાં વાતાવરણમાં પળોટાયાં છીએ. એ સમયે બની રહેલી આકસ્મિક
ઘટનાઓને કારણે વાતાવરણમાં પ્રસરી રહેલ તણાવ આપણે પણ અનુભવી રહ્યાં છીએ.ફાંસીના
કેદીની સાથે માંચડા તરફ આગળ વધી રહેલ ટુકડી સાથે આપણે પણ હવે આગળ વધીએ.
ફાંસીનો માંચડો
જેલનાં મુખ્ય મેદાનથી અલગ પડતાં એક ચોગાનમં હતો ચોગાનમાં કાંટાળાં ઝાંખરાં પણ ઊગી
નીકળ્યાં હતાં. માંચડાની આસપાસની ત્રણ દિવાલો ઈંટની બનેલી હતી, માથે એક છાપરૂં પણ હતું. તેની બાજુમાં બે ઊભા થાંભલા પર
એક દોરડામાંથી બનાવેલા ફાંસીના ગાળિયા સાથેનું એક જાડું લાકડું આડૂં ઠોકીને
ભરાવ્યું હતું. જેલના સફેદ ગણવેશમાં સજ્જ, ધોળાં આવી ગયેલો
એક કેદી , જલ્લાદની ભૂમિકા ભજવવા એ માંચડા પાસે તૈયાર ઊભો
હતો. અમે ત્યાં પહોંચ્યા એટલે તેણે ગુલામની ભાવનાભર્યું નમન અમને કર્યું. ફ્રાંસીસે હુકમ કર્યો એટલે કેદીને બે હાથથી
પકડીને ચાલી રહેલા બે વૉર્ડનોએ કેદીને માંચડા તરફ લગભગ ધક્કો જ માર્યો. કેદીને બે
હાથેથી જકડી રાખાવાને કારણે એ બે વૉર્ડનો કેદીને સીડી ચડવામાં મદદ કરતી વખતે કઢંગી
જણાય તેવી સ્થિતિમાં મુકાઈ ગયા હતા. જલ્લાદ એ લોકોની પાછળ પાછળ ઉપર ચડ્યો અને
કેદીનાં ગળાની આસપાસ ફાંસીના ગાળિયાને બરાબર ગોઠવ્યો.
પાંચ વાર દૂર ઊભા રહી
અમે રાહ જોઈ રહ્યા હતા. વૉર્ડનોએ ફાંસીના માંચડાને ફરતું એક વર્તુળ બનાવી લીધું
હતું. પછી જેવો ગાળિયો મજબુત કરાયો એટલે કેદી પોતાના ભગવાનનું નામ જોર જોરથી બોલવા
લાગ્યો. 'રામ ! રામ ! રામ ! નો એ પોકાર ઊંચા
સ્વરમાં જરૂર હતો, પણ તેમાં પ્રાર્થના કે મદદ માટેની અરજ જેવી
ઉતાવળ કે ડર નહોતાં. તેમાં ઘંટના રણકાર જેવો એક સ્થિર, લયબધ્ધ
ધ્વનિ હતો. કુતરાએ પણ એ પોકારનો જોરથી ભસીને પ્રતિભાવ આપ્યો. માંચડા પર ઊભેલા
જલ્લાદે અનાજ ભરવામાં કામ આવે એવી સુતરાઉ કપડાંની એક થેલી કાઢી, અને તેને કેદીનાં મોં પર પહેરાવી દીધી. એ થેલીથી થોડો દબાયેલો રામ ! રામ !
રામ ! રાંમ ! નો એ પોકાર ચાલુ જ હતો.
જલ્લાદ હવે નીચે ઉતરી
આવ્યો, અને એક હાથમાં ફાંસીનો ડાંડો
પકડીને રાહ જોઈને ઊભો રહ્યો. મિનિટો પસાર થવા લાગી. કેદીનો થેલીમાંથી દબાયેલ 'રામ ! રામ ! રામ !' નો પોકાર એક ઘડી પણ અટક્યા કે
થડક્યા વિના ચાલુ જ હતો. ! પોતાની છાતી પર મોં ઢાળીને ઊભેલા સુપરિન્ટેન્ડન્ટ,
જાણે એ પોકાર ગણતા હોય એમ, પોતાની લાકડીથી
ધીમે ધીમે જમીન ખોતરી રહ્યા હતા. કેદીના એ પોકારની ૫૦ કે ૧૦૦ જેવી કોઈ એક ચોક્કસ
સંખ્યા થઈ જવાની રાહ જોતા હશે ! બધાંનો રંગ બદલાઈ ગયો હતો. હિંદુસ્તાનીઓ બગડી
ગયેલી કૉફી જેવા ભુખરા પડી ગયા હતા. એકાદ બે બેયોનૅટ્સ તો ધ્રુજવા પણ લાગ્યા
હતા. અમારી નજર મોં ઢાંકી, ફાંસીના ગાળિયામાં ગળું ફસાવાયેલા એ કેદી પર હતી. તેની એક એક
પોકાર જીવનની એક એક ક્ષણ ગણાવતી હતી. અમારા બધાંનાં મનમાં આ એક જ વિચાર ઘુમરાતો હશે
કે હવે જલદીથી આ બધું પુરું કરો અને તેને ખતમ કરો, જેથી આ અસહ્ય પોકાર શાંત પડે!
અચાનક જ સુપરિન્ટેન્ડન્ટે
નિર્ણય લઈ લીધો અને તેમના હાથમાં પકડેલી
લાકડીને વીંઝીને, એકદમ ઉગ્રતાના ભાવથી બુમ
પાડી - 'ચલો'.
ખડીંગ જેવો એક જોરદાર
અવાજ થયો અને પછી મરણતોલ શાંતિ ફેલાઈ રહી. કેદી ગુમ થઈ ગયો, દોરડૂં પોતામાંજ અમળાતું હતું. મેં કુતરાને છુટ્ટો મુકી
દીધો. બે ત્રણ કુદકામાં જ તે માંચડાના પાછલા ભાગ સુધી પહોંચી ગયો; પણ ત્યાં પહોંચતાની સાથે જ તે અટકી ગયો, ભસ્યો અને
ચોગાનના એક ખુણામાં ભરાઈ ગયો. ત્યાંનીની ઝાડીમાં ઊભીને તે અમારા તરફ ભયભીત નજરથી જોવા લાગ્યો. અમે માંચડાની બીજી બાજુ કેદીનાં શારીરનું નિરીક્ષણ કરવા ગયા. તે લટકી રહ્યો હતો, તેના પગના અંગુઠા સીધા સીધા નીચે તરફ તંકાયા હતા, પથ્થરની
માફક તેનું મૃત શરીર ધીમા ધીમા ચક્કર
કાપતું ઝુલી રહ્યું હતું.
સુપરિન્ટેન્ડટે
પોતાની લાકડી લંબાવીને ખુલાં શરીરમાં ઘોંચી. શરીર, જરાક, વધારે ઝુલ્યું. 'એ છે તો બરાબર' એટલું બોલતાં સુપરિન્ટેન્ડન્ટ માંચડા પાસેથી હટી ગયા, અને એક ઊંડો શ્વાસ ભર્યો. અચાનક જ તેમના ચહેરા પરનાં વ્યગ્રતાનાં વાદળ
વીખરાઈ ગયાં. પોતાનાં કાંડા ઘડિયાળમાં જોઈને તેમણે કહ્યું, ‘આઠ વાગીને આઠ મિનિટ.
ભગવાન ભલું કરે, આજની સવાર માટે આટલું
પુરતું છે.'
તેમનાં બેયૉનેટ્સ
કાઢી નાખીને વૉર્ડનો કૂચ કરીને જવા લાગ્યા. પોતે બરાબર વર્તન નથી કર્યું એવા ક્ષોભ
સાથે કુતરો પણ તેમની પાછળ જોડાઈ ગયો. અમે
પણ માંચડાવાળાં ચોગાનમાંથી નીકળી, હવે
પોતાના વારાની રાહ જોતા કેદીઓ માટેની ફાંસીની સજાવાળી કોટડીઓ પાસેથી થઈને જેલનાં
મધ્ય મેદાનમાં તરફ ચાલી નીકળ્યા. લાઠીઓથી સજ્જ વૉર્ડરોની નજર હેઠળ કેદીઓને સવારનો
નાસ્તી પીરસાઈ રહ્યો હતો. એ લોકો એક લાંબી હરોળમાં, પોતપોતાના
હાથમાં પતરાંનું બહુ ઊંડું નહી કે બહુ
છીછરૂં નહીં એવું પવાલું લઈને, પલાંઠી વાળીને બેઠા હતા.
હાથમાંની બાલદીમાંથી બે વૉર્ડરો તેમાં ભાત
નાખતા આવતા હતા. આખું દૃશ્ય ગામમાં ન્યાત જમવા બેઠી હોય તેવું લાગતું હતું. એક
કપરૂં કામ પાર પાડ્યાની અમને હવે નિરાંત અનુભવાતી હતી. કંઈક ગાઈ ઊઠવાનો, રાજીપામાં દોડી પડવાનો, દબાયેલા સ્વરે ખીખીયાટો કરી
લેવાનો મનમાં ઉમળકો ઊઠતો હતો. બધા અચાનક જ આનંદમાં આવી એકબીજાં સાથે ટોળટપ્પાં
મારવા લાગી પડ્યા.
મારી બાજુમાં ચાલી
રહેલા યુરેશિયન છોકરાએ અમે જે તરફથી આવી રહ્યા હતા એ તરફ માથું નમાવીને, એક રહસ્ય ખોલતાં
સ્મિત સાથે કહ્યું,'ખબર છે, આપણા
આ મિત્રને (તેનો ઈશારો ફાંસી પામેલા કેદી તરફ હતો) જ્યારે ખબર પડી કે તેની દયાની
અરજી નથી સ્વીકારાઈ ત્યારે,બીકના માર્યા , તેનાથી ફરસ પર જ પેશાબ થઈ ગયેલો. - અરે, આ એક સિગારેટ
લો ને' પોતાનું નવું સિગારેટ કેસ મારી સામે ધરતાં તેણે
કહ્યું, 'સાહેબ મારા,ગમ્યું આ મારૂં
ચાંદીનું કેસ. ખાસ સિગારેટ પેટીઓ બનાવવાળા પસેથી, બે રૂપિય
આઠ આનામાં ખરીદ્યું છે. અદ્દલ યુરોપિયન ઢબનું છે'
આસપાસ ચાલી રહેલં
લોકો કશું જ સમજ્યા કર્યા વગર જ હસી પડ્યા.
સુપરિન્ટેન્ડન્ટની
બાજુમાં ચાલતો ફ્રાંસિસ બોલબોલ કર્યે જ રાખતો હતો. 'હા સા'બ, બધું સુખરૂપ પતી ગયું
ને બધાંને સંતોષ થાય એમ પણ પત્યું. ફટ દેતાંકને બધું પતી ગયું હોં ! ના હો,
કાયમ આમ નહીં થતું. મને એવા કિસ્સાઓ ખબર છે જેમાં દાગ્તરે મંચડાની નીચે પેહીને કેદીનો
ટાંટીયોં ખેંચીને તેનું મોત થયું છે તે નક્કી કરવું પડ્યું હોય. કોણ જાણે એમ શૂં
કરવા કરવું પડતું હશે!’
સુપરિન્ટેન્ડન્ટે
કહ્યું, ‘આમતેમ અમળાવતા હશે, કેમ ? ઘણું ખરાબ.’
‘અને શા'બ. તેમાંય જો એ અડિયલ બની જાય તો ઘણું ખરાબ ! મને યાદ છે કે જ્યારે અમે
તેને બહાર કાઢવા ગીયા તાણે એક માણસે પેલાં પાંજરાને જકડીને પકડી લીધું હતું. સા'બ, તમે માનશો નહીં, પણ એક એક પગને ત્રણ ત્રણ વૉર્ડનોએ
પકડીને ખેંચ્યો ત્યારે માંડ માંડ એ છૂટો
પડી શક્યો હતો. અમે એને કેટલો સમજાવ્યો ય હતો કે ભાઈ, તારે
કીધે મને બધાંને કેટલી તકલીફ થાય છે તેનો તો વચાર કર. પણ સાંભળે એ બીજા ! હા હોં,
એણે તો નાકમાં દમ કરી મેલ્યો'તો.'
મેં જોયૂં કે પણ ઘણે
મોટેથી હસી રહ્યો હતો. બધા જ જોકે હસતા હતા. સુપરિન્ટેન્ડન્ટ પણ ખરાબ ન દેખાય
તેટલી માત્રામાં મુછ હેઠળ હસી રહ્યા હતા. તેમણે ઘણા પ્રેમથી બધાંને ઉદ્દેશીને
કહ્યું, ‘ચાલો, બહાર આવો, બધાં
એક એક ડ્રિંક લઈએ. બહાર ગાડીમાં મારી પાસે વ્હિસ્કીની બૉટલ પડી છે, તેને ન્યાય આપીએ.'
જેલના બેવડા ખુલતા
ઝાંપામાંથી બહાર નીકળીને રસ્તા પર આવ્યા. અચાનક જ બર્મી ન્યાયાધીશ, સાશ્ચર્ય, બોલી ઊઠ્યા 'પગ ખેંચ્યો' અને પછી મોટેથી ડચકારા બોલાવવા લાગ્યા. હવે અમે બધા,
ફરીથી, હસી પડ્યા. એ સમયે ફ્રાંસિસે કહેલો
કિસ્સો ભારે રમૂજી લાગ્યો હતો. ગાડી પાસે આવીને, યુરોપિયનો
અને દેશીઓએ ભેગા મળીને, પુરા મિત્રભાવમાં, એક એક પેગ ચડાવ્યો. પેલો મૃત કેદી તો સો વાર છેટે રહી ગયો હતો.
+ +
+
ઘણા વિવેચકોએ જ્યૉર્જ
ઑર્વેલના હાથીને ગોળીએ દીધો (૧૯૩૬) / Shooting
an Elephant અને 'ફાંસી' /A
Hangingનાં કથાવસ્તુમાં (અંગ્રેજ) સામ્રાજ્યવાદની
વિરુદ્ધની લેખકની પ્રબળ ભાવનાનાં દર્શનની સામ્યતા જણાય છે. 'હાથીને
ગોળીએ દીધો'માં સામ્રાજ્યવાદના પ્રતિનિધિ તરીકે નાયક લોકોની
અપેક્ષાથી દોરવાઈને અકારણ હાથીનો જાન લે છે. પણ તેના મનમાં તેનો ચણચણાટ રહે છે. 'ફાંસી'માં કેદીને ફાંસી અપાઈ તે પહેલાં તેનાં જીવનને
અકારણ રૂંધી નાખવાના ગમમાં નાયકને આખું વાતાવરણ ક્ષુબ્ધ દેખાય છે. પરંતુ એક વાર 'કામ પુરૂં થઈ જાય છે' એટલે બધાંની જેમ તે પણ એક
જીંદગી 'સો વાર દૂર રહી ગઈ'ની ભાવનાથી
તણાવ મુક્ત ભાવ અનુભવે છે. આ પણ અપ્રત્યક્ષ વિરોધ જ છે એમ એ વિવેચકોનો મત હશે.
આ ચર્ચામાં ન પણ પડીએ
તો પણ 'ફાંસી'માં
લેખકની વર્ણન શક્તિઓનો ફરી એક વાર આપણને અત્યંત પ્રભાવશાળી પરિચય થાય છે. ફાંસી
અપાઈ ગયા પછીના ઘટનાક્રમમાં એ માર્મિક દૃષ્ટિ યુરેશિયન ફ્રાંસિસના 'રમૂજી" સંવાદના સ્વરૂપે ઝળકે છે.
'હું શા માટે લખું છું'માં જેમ લેખકે પોતાનાં લખાણોમાં સામાજ્યવાદની અમાનવીય
સત્તાની ભાવનાને પોતાનાં લેખોને શબ્દોની રમતના ઠઠારામાંથી બહાર નીકળીને ખરેખર 'સાહિત્ય' કક્ષાના કેમ થયા તે જણાવ્યું છે, તે અહીં સ્પષ્ટપણે મૂર્ત થતું જણાય છે.
- જ્યોર્જ ઓર્વેલના આત્મકથાનક સ્વરૂપ બિન-કાલ્પનિક નિબંધ, A Hangingનો આંશિક અનુવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો