બુધવાર, 27 મે, 2020

શીલાલેખો સમ્રાટ અશોકને શી રીતે મદદરૂપ થયા - દેવદત્ત પટ્ટનાઈક


જૈન પુરાણોમાં દર્શાવાયેલ વાસુદેવ (નાયક) આજના એ ઔદ્યોગિક સાહસિક જેવો છે જે પુરજોશથી પોતાનું નવું સાહસ પ્રસ્થાપિત કરવા મચી પડેલ છે. તેની સામે, ચક્રવર્તી (રાજા) એક પ્રસ્થાપિત થઈ ચુકેલ ઉદ્યોગપતિ જેવો છે જે ધીરજથી પોતાના સાહસને મજબૂત બનાવવા તરફ ધ્યાન આપે છે. વાસુદેવનું ધ્યાન સમસ્યા નિવારણ તરફ હોય છે, તો ચક્રવર્તીનો દૃષ્ટિકોણ પોતાનાં સામ્રાજ્યના અલગ અલગ ભાગોમાં જે અલગ અલગ સંદર્ભ પ્રવર્તમાન  છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.
ચક્રવર્તીનું ચક્ર તેના રથના પૈડાંનું પ્રતિક છે. એ પૈડાને કારણે તે પોતાના રથ પર સવાર થઈને રાજ્યના ધોરી માર્ગો પરથી થઈને રાજ્યના ખૂણેખૂણે ફરી શકે છે. ચક્ર તેનાં રાજ્યનું પણ પ્રતિક છે જેના કેન્દ્રમાં તે પોતે છે. ચક્રના આરા પોતાના રાજ્યના સીમાડાઓને એક સાથે બાંધી રાખનાર કાયદાઓ અને નિયમો છે. ચક્રના પરિઘ પર આવેલ પાટો તેની દૃષ્ટિની સીમાની ક્ષિતિજ છે, જેનાથી તેને અંદાજ આવે છે કે તેનું રાજ્ય કેટલું વિસ્તરેલું છે. જેમ જેમ તે વધારે ઊંચાઈઓ સર કરે છે તેમ તેમ તેની ક્ષિતિજ વિસ્તરતી જાય છે, પણ તેની સામે તેના નિયમનનો ગાળો નાનો થતો જાય છે, જેને પરિણામે હવે તે પહેલાં કરતાં વધારે વિસ્તારથી જોઈ શકાય છે, પણ હવે તેને વિગતો ઓછી સ્પષ્ટ દેખાય છે. તે પહાડો અને સમુદ્રોને પણ અતિક્રમી ને દૂર દૂરના પ્રદેશો સુધી સમ્રાટ અશોકનાં રાજ્યની જેમ વિસ્તરી શકે છે.
અત્યાર સુધી દસ્તાવેજ થયેલ ઈતિહાસમાં સમ્રાટ અશોકનું સામ્રાજ્ય ભારતવર્ષનાં સૌથી વધારે વિશાળ સામ્રાજ્ય તરીકે નોંધ પામે છે. તે સાથે પણ એ પણ મહત્ત્વનું છે કે તેના જ શાસનકાળમાં ભારતવર્ષમાં લેખન લિપિનો પણ પ્રારંભ થયો. અશોકનો શાસનકળ ઇ.સ. પૂર્વે ત્રીજી સદીનો મનાય છે. ભારતવર્ષમાં લખાણના સૌ પહેલા પુરાવા  આખાં રાજ્યમાં ફેલાયેલા તેના શીલાલેખ પર કોતરવામાં આવેલ તેના ધર્મસંદેશ છે. આ કંઈક નવાઈભર્યું પણ લાગે છે, કેમકે તે પહેલાં લેખન લિપિના આવશેષો આપણને હજુ સુધી ન ઉકેલી શકાયેલ સિંધુ ખીણ સંસ્કૃતિના  સમયના જ મળેલ છે. એ વચ્ચેનાં ૧૫૦૦ વર્ષોમાં લેખનલિપિ જાણે અદૃશ્ય જ થઈ ગઈ છે, કે બહુ બહુ તો કદાચ પાણિની જેવા મહાન વ્યાકરણકાર ની સ્મૃતિ પુરતી સિમિત રહી ગયેલી જણાય છે કેમકે તેનાં ગ્રંથોમાં આવી લિપિઓનો ઉલ્લેખ જોવા મળે છે. મેગાસ્થનેસ પણ અશોકના દાદા ચંદ્રગુપ્તના સમયમાં પણ લિપિ ન હોવાનું નોંધે છે. વેદોનું હસ્તાંતરણ મૌખિક પાઠથી થતું આવ્યું છે એટલે જ તેમને 'જે સાંભળવું જોઈએ' એવું, શ્રુતિ, તરીકે ઓળખવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો હિંદુ સાહિત્ય ૩૫૦૦ વર્ષ જૂનું હોવા છતાં તે લખાણના સ્વરૂપમાં ૨૫૦૦ વર્ષથી જ જોવા મળે છે. મૌખિક હસ્તાંતરણની સરળતા માટે વિદ્વાનોએ કહેવતો જેવાં ટુંકા વાક્ય સ્વરૂપનાં સૂત્રો લખ્યાં. અમુક ચોક્કસ લઢણથી મત્રોચ્ચાર સ્વરૂપે ગાઈને  વેદ યાદદાસ્તમાં રૂઢ કરાતા હતા અને વિના ભૂલચૂક હસ્તાંતરણ કરાતા હતા. ઉચ્ચારેલ શબ્દ જેટલું લખાણ ક્યારે પણ મહત્ત્વનું નહોતું મનાતું. તો પછી સમ્રાટ અશોકના સમયમાં લખાણ કેમ મહત્ત્વનું બન્યું હશે?
તેનો સંબંધ જરૂરથી ઉતરમાં ઉત્તરપૂર્વી સીમાવર્તી પ્રાંતથી મંડીને પશ્ચિમમાં છેક ગુજરાતથી લઈને દક્ષિણમાં તેલંગાણા સુધી વિસ્તરેલાં આવડાં વિશાળ રાજ્ય પર અંકુશ જાળવી રાખવા માટે હશે. પોતાની ગેરહાજરીમાં સામ્રાજ્ય પર પોતાનો  અંકુશ કેમ બન્યો રહી શકે? એ માટે તેને એવાં  સ્મારકો, સ્થંભો જરૂરી જણાયાં જેમાં તેમની નિશાની, સિંહ, પણ હોય જેને કારણે કોની આણ વર્તે છે તે વિશે શંકાને કોઈ સ્થાન ન રહે. તેમણે પોતાના શીલાલેખોમાં પોતાની અપેક્ષાઓ અને ઉદ્દેશ્યો સ્પષ્ટપણે લખી નાખ્યા અને આખાં સામ્રાજ્યમાં ફેલાવી નાખ્યાં.
એ લિપિ બ્રાહ્મી લિપિ હતી. અમુક દંતકથા મુજબ એ લિપિની શોધ પહેલા જૈન તિર્થંકર ઋષભનાથ દ્વારા કરાઈ હતી. જે પછીથી તેમની પુત્રી બ્રાહ્મીને સોંપાઈ હતી. જૈન નાસ્તિક ગણાય છે : તેમણે વેદોનો અને બ્રાહ્મણોની પ્રથાઓનો અસ્વીકાર કર્યો. લિપિ ન હોવાથી બધુ  જ્ઞાન બ્રાહ્મણો પાસે હતું; એટલે જ બ્રહ્મહત્યા કોઈ ગ્રંથાલાયના નાશ સમાન પાપ ગણાતું હતું. આને પરિણામે બ્રાહ્મણો બહુ વધારે પડતા સત્તાવાહી અને શક્તિશાળી બની બેઠા હતા, તેઓ પોતાના જ્ઞાનનું જીજાનથી રક્ષણ કરતા. લખાણ થવાની શરૂઆત થવાથી જ્ઞાન હવે માણસે લાદેલાં બંધનોમાંથી મુક્ત બની રહ્યું. હવે તે બ્રાહ્મણનાં માનવ શરીરની બહાર વસવા લાગ્યું. જે કોઈને પણ વાંચતાં આવડતું હોય તેના માટે જ્ઞાન હવે મુક્ત બની ગયું.
અશોકના શીલાલેખ પાલી ભાષામાં લખાયા છે. પાલી સંસ્કૃતની જેમ કર્મકાડોની નહીં પણ સામાન્ય જનસમાજની બોલચાલની ભાષા હતી. દૂર દૂરના પ્રદેશોમાં એવાં લોકો જરૂર વસતાં હશે જેમને વાંચતાં આવડતું હશે. એ લોકો ત્યાંના રાજા કે દરબારીઓ, તેમના સલાહકારો કે વેપારીઓ જેવાં મહત્ત્વનાં લોકો હશે. લખાણના સ્વરૂપે દસ્તાવેજ થવાથી તેનાં હસ્તાંતરણમાં ક્ષય પામવાની શક્યતા ઘણી ઘટી ગઈ અને આપણા પઃછી પણ આપણું લખાણ જીવિત રહે છે એ હિસાબે,તેને લગભગ અમરત્ત્વ જ મળી ગયું. એટલે કે સમ્રાટ અશોકે તેને રાજ્યાશ્રય આપી તેનો ઉપયોગ પોતાનાં વિશાળ સામ્રાજ્ય પર નિયમન રાખવા માટે કર્યો અને પોતાનાં ચક્રની છેક ધાર સુધી પોતાની સતાનો પ્રસાર કર્યો.
વર્તમાન સમયમાં વ્યાપાર ઉદ્યોગનો ફેલાવો દેશવિદેશમાં થઈ ગયો છે, એટલે તેને પોતાની એવી 'લિપિ'ની જરૂર પડી જેના વડે તે પોતાનાં 'સામ્રાજ્ય'નું નિયમન કરી શકે. ૧૫૦૦થી વધારે વર્ષ સુધી લગભગ દરેક ખંડમાં પ્રસરી રહેલ રોમન કેથોલિક ચર્ચે તેના પાદરીઓએ માત્ર લેટિન ભાષાનો જ ઉપયોગ કરવો એમ ઠરાવીને આ કામ કર્યું. આ આદેશમાં ફેરફાર  છેલ્લી સદીમાં જ કરાયો. ૧૯મી સદીમાં ટેલીગ્રાફની શોધને કારણે ઈસ્ટ ઈંડિયા કંપનીના નિયામકો કરતાં રાણી વિક્ટોરીયાના દરબારને પોતાના મુગટનાં મહામુલાં રત્ન, હિદુસ્તાન, પર અંકુશ રાખવામાં ઓછી તકલીફ પડી. 
આજે દુનિયાના કોઈ પણ છેડા સાથે સંપર્ક કરવા માટે વિડીયો કોન્ફરન્સીંગ કે ચેટબોટ જેવી ટેક્નોલોજિઓ ઇન્ટરનેટને કારણે શક્ય બની ચૂકી છે. તેમ છતાં લોકોના મનમાં સવાલ તો છે જ કે શું લોકો એક ઑફિસમાંથી (કે હવે તો ઘરે બેસીને પણ) વિશ્વભરમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદાન ટેક્નોલોજિની મદદને કારણે કરી શકતાં થયાં છે? આજનાં વૈશ્વિક ગામડામાં બધાં એક સરખું પહેરતાં દેખાય છે, એક સરખું બોલતાં દેખાય છે અને તેમનાં મૅનેજમૅન્ટ શબ્દભંડોળના ઉદ્દેશ્યો, એકસૂત્રતા, દૂરંદેશી, સ્પર્ધાત્મ્ક સરસાઈ, ચપળતા જેવા શબ્દો બધે જ વપરાતા જણાય છે અને વિશ્વનિયતા(નો અભાવ) કે તણાવનાં મૂળ  અમેરિકનોનું અવિનયીપણું કે  યુરોપિયનોનું ઘમંડીપણું  (બન્ને પોતાને યોગ્યાયોગ્યના વિવેક કે લોક્શાહી અભિગમના રખવાળા સમજે છે  !!), ચીનાઓનો છુપાવવાનો સ્વભાવ કે ભારતીય લોકોની સંદિગ્ધતા  જેવાં સાંસ્કૃતિક વૈવિધ્યને કારણે  જોવા મળે છે.
બહુરાષ્ટ્રીય વ્યાપાર ઉદ્યોગ કે વ્ય્વસાયનાં સંચાલનમાં અસરકારક નિયમન માટે કોઈ સ્થાનિક વ્યક્તિ હોય તો સારું એમ માનનાર અગ્રણીઓ પણ તેની પ્રવૃત્તિઓ પર  અંકુશ તો કેન્દ્રના હાથમાં જ રાખવાનું પસંદ કરે છે. મોટા ભાગની યુરોપિયન બહુરાષ્ટ્રીય કંપનીઓ પોતાના દેશની વ્યક્તિને મુખ્ય નાણાંકીય સંચાલક તરીકે નીમીને આડકતરી રીતે સત્તા પોતાના હાથમાં રાખે,તેના હાથ નીચે પાછો દેશી જ હોય, અને જમીની કામ કરવા માટે માર્કેટીંગ કે ઉત્પાદનના વડા તરીકે સ્થાનિક લોકો પર જ પાછી પસંદગી ઉતારે. સ્થાનિક લોકો પોતા તરફ ખેંચે અને કેન્દીય અંકુશ પોતા તરફ ખેંચે એવી ખેંચતાણનાં મંથન ચાલ્યે રાખે છે. ટેક્નોલોજિ કે માહિતીઆપલેની સુવિધાઓને કારણે સ્થાનિક એકમ અને કેન્દ્ર વચ્ચે પ્રત્યયન જેટલું સહેલાઈથી શક્ય બન્યું છે, એટલી જ સરળ વ્યવસ્થા સ્થાનિક કામગીરીની કેન્દ્ર દ્વારા નિયમનકારી સમીક્ષાઓ માટે પણ બની છે. માહિતી આદાનપ્રદાન અને સમીક્ષાની આ પધ્ધતિને કારણે સ્થાનિક પ્રતિભાઓનાં ઘણાં પાસાં ધ્યાન પર જ ન આવવાને કારણે અછતાં જ રહી જાય છે, જ્ય્રારે કેન્દ્રની પ્રતિભા વધારેને વધારે પ્રકાશમાં આવતી રહે છે !  આ અથવા પેલું જ વધારે સારૂં છે એમ મનવાથી કૉઇ જ અર્થ નહીં સરે. કેન્દ્ર અને પરિઘી ધાર વચ્ચે આપસી સંતુલન બહુ મહત્ત્વનું જ સાબિત થાય છે.  એ ન ભુલાવું જોઈએ કે અશોકના શિલાલેખોનું પણ સ્થાનિક જરૂરિયાતો મુજબ જ સ્થાનિકીકરણ થયું હતું : પાકિસ્તાન કે અફઘાનિસ્તાનમાં ઊભા કરાયેલા શિલાલ્લેખોમાં લિપિ બ્રાહ્મી નહીં પણ જે તે પ્રદેશને અનુરૂપ ખારોશી કે અરમી (આર્માઈક)કે ગ્રીક પ્રયોજવામાં આવી હતી, જોકે તે દરેકમાં વિચારો તો સમ્રાટ અશોકના જ હતા !
  • ધ ઈકોનોમિક ટાઈમ્સ માં ૨૭ ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, How Edicts Helped Ashokaનો અનુવાદ :  પ્રયોજિત પુરાણવિદ્યાભ્યાસ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો