બુધવાર, 10 જૂન, 2020

ગૌહત્યા અને ધર્મ - દેવદત્ત પટ્ટનાઈક

ધર્મને બહુ મુશ્કેલ શબ્દ બનવી દેવાયો છે. આજે કંઈ પણને ધર્મ કહેવું હોય તો કહી શકાય. અત્યારના કેટલાક હિન્દુ- કે હિન્દુત્વના (!)- અગ્રણીઓ તેને અબ્રાહમી પુરાણોની જેમ એવા દૈવી આદેશ સાથે સરખાવવા માગે છે જેને તેઓ ક્યાં તો ચાહે કે ક્યાં તો તેની મજાક ઉડાવે. એટલે ધર્મને તમે સમાજના અમુક ભાગ પર અંકુશ (કે દમન !)નું સાધન બનાવી શકો,  નૈતિકતાનાં અને પ્રામાણિકતાનાં  પરિંમાણ ઘડી શકો કે શું સાચું અને ખોટું તે નક્કી કરવા ધર્મને કાયદાના સ્વરૂપનું હથિયાર બનાવી શકો. કાયદા માટે બીજા શબ્દ 'નીતિ' (ધારાધોરણ) અને 'રીતિ' (પ્રથા) તરીકે ઓળખાય છે; જે ધર્મથી પ્રેરિત હોઈ શકે, પણ ધર્મ ન બની શકે. ધર્મ એક વિચાર છે, તે કોઈ પ્રવૃત્તિ નથી.

ધર્મને હત્યા ન કરવી (અહિંસા) જોડે પણ સરખાવાય છે. અહિંસાને જીવન મૂલ્ય તરીકેનું સ્થાન આશ્રમપ્રધાન જૈન અને બૌદ્ધ ધર્મોના સમયથી મળવા લાગ્યું હતું. તેનો અમલ અમુક કક્ષાના  આશ્રમવાસીઓ કે અમુક સમાજનાં લોકો સુધી મર્યાદિત હતો. સમસ્ત સમાજને તે સિધ્ધાંત લાગું નહોતો થયો.  જે ૠષિ પતંજલિ દ્વારા સુચવાયેલ રાજ યોગને અનુસરવવા માગે છે તેમના માટે યમ (શિસ્ત) પહેલું પગલું છે. ૨૦મી સદીમાં મહાત્મા ગાંધીના 'સત્યાગ્રહ'ના પ્રયોગે અહિંસાને રાજકીય વિરોધનું શસ્ત્ર બનાવી દીધી. તે સાથે સાથે, ધીમે ધીમે અહિંસાની સરખામણી ખાનદાની અને ભલમનસાઈ સાથે થવા લાગી. હિંસા, કે અહિંસા, બન્ને ધર્મ નથી. કેમકે ધર્મ એ વિચાર છે, પ્રવૃત્તિ નહીં.

પ્રવૃત્તિ - ક્રિયા- એ કર્મ છે. પ્રતિક્રિયા પણ કર્મ છે. કર્મ એ વિશ્વ માટેનો દૃષ્ટિકોણ છે જેમાં કોઈ ક્રિયા (કે પ્રતિક્રિયા)ને સાચી કે ખોટી ઠેરવવાનો પ્રયાસ નથી કરાતો, પરંતુ તેને કારણ અને પરિણામની નજરે જોવામાં આવે છે, આશ્રમપ્રથાની પસંદગીમાં  કંઈ યોગ્ય કે અયોગ્ય નથી, પરંતુ જન્મમરણનાં ચક્રમાંથી છૂટકારો મેળવવા માટેની એક ક્રિયા છે. જોકે, સમયાંતરે તેની સાથે નારીથી અંતર રાખવની વાતમાં ગૌરવ લેખાવા લાગ્યું , ત્યારે ધીમે ધીમે નારી એક 'આકર્ષણ' બની ગઈ અને કામુકતા 'ગંદી' બની ગઈ. તે જ રીતે, જ્યારથી એક પ્રકારનો ખોરાક ખાવાને બીજા પ્રકારના ખોરાક ખાવા કરતાં વધારે ઈચ્છનીય માનવાનું શરૂ થયું,  ત્યારથી અમુક ખોરાક 'શુદ્ધ' અને તમુક ખોરાક 'અશુદ્ધ' ગણાવાનું પણ શરૂ થયું. શુધ્ધતા કે અશુધ્ધતાના વિચારના અમલને કારણે સમાજમાં સ્તરીકરણ દાખલ થયું, જે આશ્રમપ્રથાએ તો કદી વિચાર્યું પણ નહોતું, પણ તેનું એ પરિણામ જરૂર બની ગયું. એટલે જ ગીતામાં કૃષ્ણ દ્વારા અમુક ફરજો, જેમાં જરૂર પડે તો હિંસા પણ કરવી પડે, નો ત્યાગ ન કરવાનાં કહેવાયું છે. ચોથા અધ્યાયના ૧૮મા શ્લોકમાં કહ્યું છે કે 'ડાહ્યાં માણસો નિષ્ક્રિયતામાં ક્રિયા અને ક્રિયામાં નિષ્ક્રિયતા જુએ છે.

તો ધર્મ છે શું? તે કંઈ પણ, કે કોઈ પણ જે પણ શ્રેષ્ઠ કરી શકે તે માટેની ક્ષમતા છે. વૃક્ષો ખીલીને ફળો કે ફૂલોથી લચી પડે : એ તેમનો ધર્મ છે. પક્ષીઓ ખાય,  ઊડે, સંવનન કરે, સ્થળાંતર કરે, તેમનાં બચ્ચાંઓનું લાલન પાલન કરે : એ એમનો ધર્મ છે. માણસે જાતે શું કરવાનું માનવીનો ધર્મ શું? આ સવાલ અઘરો છે, કેમકે માનવી પાસે કલ્પના છે, જેના પરિપાકરૂપે તેણે ધર્મ વિશેનું વિપુલ સાહિત્ય રચ્યું છે.

જે વાસ્તવિકતા તે અનુભવે તેનાથી અલગ જ વાસ્તવિકતા માનવી કલ્પી શકે છે. તેથી તેની પાસે પસંદગીનો અવકાશ બને છે. ગાય, બિલડી, ડૉલ્ફીન કે ચિમ્પાન્ઝીને પણ કુદરતે કલ્પનાશક્તિ આપી છે, પણ માણસ જાતની કલ્પનાશક્તિ સામે તે સાવ નગણ્ય બરાબર છે. એટલે જોખમ સમયે થંભી જવું કે ભાગી જવું કે લડવું એવા પસંદગીના તેમની પાસે વિકલ્પો છે; ખેલ કરવા કે પ્રશ્નોનું નિરાકરણ કરવું તેવા વિકલ્પો તેમની પાસે પણ છે, પણ તેમની ક્ષમતા માનવ ક્ષમતાની સરખામણીમાં બહુ જ વામણી પડે છે.

તેમાં વળી પુરુષે શું કરવું જોઈએ, સ્ત્રીએ શું કરવું જોઈએ, કે બાળકે શું કરવું જોઈએ એવાં સામાજિક માળખાંનાં ધોરણોને તેની પર લાદવાથી ધર્મ હજુ વધારે સંકુલ બને છે. અને એવા પ્રશ્નો તો અનેક છે, જેમ કે સારથીના પુત્રએ શું કરવું જોઈએમોચીના દીકરાએ શું કરવું જોઈએ? રાજાએ શું કરવું જોઈએ? પુજારીએ શું કરવું જોઈએ? જાતિ, ઉમર, કૌટુંબીક વ્યવસાય અને આર્થિક પરિસ્થિતિઓ આપણી પસંદગીઓને નક્કી કરે છે. માનવી માટે ધર્મ વિચારનું એવું બીજ છે જે નક્કી કરે છે તેણે કઈ ક્રિયાનાં સ્વરૂપે ઊગી નીકળવું. આપણે જે કરીએ છે તે ધર્મ નથી : પણ તેમ શા માટે કરીએ છીએ તે ધર્મ છે. એ વિચાર શું છે?

એ માટે આપણે સમજવું રહ્યું કે માત્ર માનવી જ એવું શું શું કરી શકે છે, જે કોઈ પણ પશુ કે વનસ્પતિ નથી કરી શકતાં  તે છે જંગલના કાયદાને ઠુકરાવી શકવાની ક્ષમતા. બળીયાના જ બે ભાગ હોય કે જે વધારે સમર્થ હોય તે જ ટકી રહી શકે, તેવા જંગલના મત્સ્ય ન્યાયને  માનવી એક કોર કરી શકે છે.  એ મત્સ્ય ન્યાયની સમજ પાકી થાય એટલે જ વિષ્ણુએ પહેલ વહેલો અવતાર માછલીનો લીધો હતો. નાની માછલી મોટી માછળીનો કોળીયો થવાથી બચવા માગે છે એટલે નાની માછલીના સ્વરૂપમાંના વિષ્ણુ, માનવ જાતના પિતા, મનુ ભગવાન પાસે પોતાને બચાવવા માટેની મદદ માટે ધા નાખે છે. એવી મદદ કરવી એ આપણાં માનવી હોવાનું પ્રમાણ છે. પશુ, પક્ષી  કે વનસ્પતિ, પોતાનાં બચ્ચાં સિવાય, બીજાંની મદદે નથી આગળ આવતાં. એ લોકો ઘાતકી છે કે તેમને પડી નથી માટે તેઓ મદદ નથી કરતાં એમ નથી. એ લોકો પાસે નથી એવી સૂઝ કે નથી એવાં સંસાધનો, એટલે તેઓ મદદ નથી કરી શકતાં.

અસહાયને માનવી સહાય કરી શકે છે. માણસ આધિપત્ય ન જમાવવાનું નક્કી કરી શકે છે. તે પોતાનું સ્થાન ન જમાવવાનું કે હિંસક ન થવાનું નક્કી કરી શકે છે. તે વહેંચી શકે છે. જે અસમર્થ છે તેનો પણ વિકાસ માનવી કરાવી શકે છે. સીધી વાત છે - તેમ કરવું એ જ તો ધર્મ છે.

પરંતુ આમ કરવાથી ધર્મ વધારે જટિલ બની જાય છે, કેમકે આપણે મદદ કરીએ છીએ કે નહીં તે નક્કી કોણ કરે. આપણે કલ્પના કરીએ છીએ તેવો ધર્મ નથી. આપણે એમ માનીએ કે આપણે દયાળુ છીએ, પરંતુ આપણી આસપાસનાં લોકો એમ માનતાં હોય કે આપણે ક્રૂર છીએ, તો પછી તે ધર્મ નહીં રહે. અહીં માનવીની વ્યક્તિગતતા સામે આવે છે. દમન કરનાર અને દમન થનાર કોણ છે એ કોણ નક્કી કરે? જે બે પક્ષકાર છે કે ત્રીજો નિષ્પક્ષ ન્યાયાધીશ ? હિંદુ પુરાણોમાં ઈશ્વર ન્યાય તોળનાર  પક્ષ નથી મનાતા. કુદરતમાં તો વળી દમન કરનાર કે દમન થનાર જેવું જ કંઈ નથી. ત્યાંતો ભક્ષ કરનાર અને ભક્ષ થનાર, શિકારી કે શિકાર જેવો કોણ કોને ખાય એવો ખોરાકની સાંકળના મણકાઓનો જ હિસાબ છે.  એમાં કોઈ હેતુલક્ષીતા નથી. એટલે જ ધર્મ બહુ જટિલ વિષય બની રહે છે.

એટલે લોકો ગાયની રક્ષા કરવા માગે છે. એમનું કહેવું છે કે  હિંદુ માન્યતા મુજબ તે ધર્મ છે. આ કથન વિવાદાસ્પદ છે, કેમકે ધર્માદેશ જેવું જણાય છે. જ્યારે હિંદુ વિચારધારામાં ક્યારે પણ ધર્માદેશ જેવી કોઇ વિભાવના જ નથી. હિંદુ વિચારધારાએ, સમય(કાળ),સ્થળ (સ્થાન) અને લોકો (પાત્ર)ની સાથે બદલાવનાં, સમાજમાં સતત ચાલતાં રહેતાં પરિવર્તનને સ્વીકારેલ છે. એમ તો વેદ પુરાણોમાં અતિવિવાદિત અને નિર્ણાયક નહીં એવા શ્લોકો છે જે સૂચવે છે કે હિંદુ સમાજમાં આશ્રમ વ્યવસ્થાની શરૂઆત થઈ તે પહેલાં પુરાણ કાળમાં હિંદુઓ માંસ , અને કદાચ ગૌમાંસ પણ,ખાતા હતા,

વેદમાં હિંસા વિશેના ખ્યાલ કોઈ પણ જાતના રોમાંચક ભાવાવેશ સિવાય, બહુ પરિપક્વ છે. જૈન અને બૌદ્ધ ધર્મોમાં તેના ત્યાગની જે ભાવના  છે તેનાથી વેદની આ બાબતે વિચારસરણી સાવ અલગ જ છે. વેદીક ગ્રંથો તો બહુ સ્પષ્ટ છે કે હિંસા એ અસ્તિત્વનું જ એક ઘટક છે. જો જીવવું હશે તો ખાવું પડશે; ખાશું  તો ખૂટશે; જો ખૂટશે, તો હત્યા કરવી પણ પડશે. કુદરતમાં તો હિંસા ભરી પડી છે - પ્રાણીઓ ખોરાક માટે વનસ્પતિ ચરે છે કે પછી શિકાર કરે છે. શાકભાજીની ખેતી સુધ્ધામાં પણ જીવજંતુઓની હત્યા અને અને બીનજરૂરી છોડ કે ઘાસનો નીંદામણ દ્વારા નાશ જ કરાતો હોય છે. એટલેજ તૈતૃતિય ઉપનિષદ (૩.૧૦)માં દિવ્યત્ત્વની લાયકાત વર્ણવતાં કહ્યું છે કે 'હું ખ્રોરાક છું. .હું તે છું જ ખોરાક ખાય છે.'

વેદો સ્વીકારે છે કે સંસ્કૃતિનું અસ્તિત્વ પ્રકૃતિનો વપરાશ કરવાથી છે.જેમકે મહાભારતમાં, કૃષ્ણની સુચનાથીખાંડવ વને બાળીને ઇન્દ્રપ્રસ્થ નગર વસાવવામાં આવ્યું હતું. વેદ સ્વીકારે  છે કે જેને ખુદને માયા તરીકે સ્વીકારવામાં અવે છે એવી સમૃદ્ધિની રક્ષા કરવા માટે હિંસા આવશ્યક છે. એટલે  પિતાની ગાય ચોરી જનાર રાજાની તેમ જ તેને મદદ કરનારાઓની પરશુરામ હત્યા કરે છે. રામ પોતાની પત્ની સીતાને પાછી મેળવવા રાવણ સાથે યુધ્ધ છેડે છે. જ્યારે કોણ વધારે ચડીયાતું છે તે  બાબતે અસમંજસ પેદા થાય ત્યારે કૃષ્ણ  ૧૦૦ ભાઈઓ અને ૧૧ અક્ષૌહિણી સેના ધરાવતા કૌરવો સામે પાંચ ભાઈઓ અને સાત અક્ષૌહિણી સેના ધરાવતા નબળા પાંડવોનો પક્ષ લે છે. પાંડવો સાચા છે તે મહત્ત્વનું નહોતું , પણ કૌરવો સમાધાન કરવા તૈયાર નહોતા તે બાબત વધારે મહત્ત્વની હતી.

આ જ સમર્થન નહીં પણ સમજણને કારણે માત્ર દેવીને- દેવોને નહીં - બળદ, ભેંસો, બકરો કે કુકડા જેવા નર પશુનો જ ભોગ ચડાવાય છે. દેવી એ પ્રકૃતિનું વ્યક્ત સ્વરૂપ છે એટલે તેમને લોહીનો ભોગ ચડાવવાથી આપણામાંની નરત્વનાં જબરાપણાનાં વલણને અંકુશમાં રાખવાનું યાદ રહે છે. જેથી મોટા ભાગે ઉપયોગમાં લેવાતી હિંસા સંસ્કૃતિને ખીલે કે ધર્મનો વિકાસ થાય.  હિંસાનાં સમર્થન નહીં પણ આ જ સમજણને પરિણામે મહાભારતમં વ્યાધ ગીતા પણ છે જેમાં એક કસાઈ કુટુંબની જવાબદારીઓ ત્યાગી બેઠેલા સંન્યાસીને વેદોનું જ્ઞાન આપે છે.

વેદ કાળમાં ગાય બહુ પવિત્ર મનાતી. તે સમયનાં લોકો પશુપાલન કરીને જીવન ગુજારો કરતાં, કેમકે તે તેમના માટે દહીં, ઘી જેવા ખોરાક માટેનાં દૂધનો સ્રોત હતું. એટલે ગૌરક્ષાનું એક મુખ્ય કારણ આર્થિક હતું. ગાયને અપાતાં આ રક્ષણને બળદ કે ભેંસ સુધી લંબાવાતું કે કેમ તે વિશે આપણી પાસે ચોક્કસ માહિતી નથી. ગાયને અપાતું રક્ષણ એ અન્ય ઢોરઢાંખરને પણ રક્ષણ સુધી લંબાવાતું કે કેમ તે વિશે પણ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. વળી , એ હિસાબે ભેંસનું માંસ ખાવામાં વપરાતું કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટ જવાબો  કે નિષેધાજ્ઞાઓ વિશે પણ ક્યાંય ચોક્કસ માહિતી નથી મળતી.

બળદનાં ક્રૂર રીતે ખસીકરણની અને તેમ કરીને તેને હળ અને ભાર વહન કરનારાં એક પશુ બનાવી દેતી પ્રથાનો કોઈ વિરોધ નથી કરતું. એ સંસ્કૃતિની કિંમત છે, જે આપણે ચુકવવા તૈયાર છીએ.

દુર્ગા મહિષાસુરનાં સ્વરૂપમાં દેખાતા ભેંસાને મારી નાખે છે. શિવ વાઘ કે હાથીનાં સ્વરૂપમાં રહેલા અસુરોને ખતમ કરી નાખે છે અને તેમનાં લોહી નીંગળતાં ચામડાંને પોતાના દેહને વીંટાળે છે. જંગલી ઘોડાના સ્વરૂપમાં કેશી અને ઉન્માદે ચડેલ વાછરડાં . વત્સ જેવા અસુરોનો  કૃષ્ણ  વધ કરે છે. હિંસાનાં આ ચિત્રોનાં શાબ્દિક અર્થઘટન અનુસાર એ હિંસા કુદરતને વશ કરી (માનવ) સભ્યતાને પ્રસ્થાપિત કરવા માટેની હતી. કે પછી તેને માનવીનાં  આધિપત્ય જમાવવાનાં વલણ સમી નર આક્રમકતાનાં એ પ્રભાવશાળી રૂપકો ગણીશું ?  

રૂપક સ્વરૂપે પૃથ્વી  ગાય છે. પુરાણોમાં વેણની વાત કહી છે જેણે પૃથ્વીને એટલી ધમરોળી કે પૃથ્વી ફરિયાદ લઈને ઋષિઓ પાસે પહોંચી. ઋષિઓએ વેણનો નાશ કરવાનું નક્કી કર્યું અને આદિકાળના રાજા પૃથુએ પૃથ્વી_ગાયને વચન આપ્યું કે તે તેની રક્ષા કરશે અને તેની સંભાળ લેશે.  પુરાણોમાં કહેવાયેલી એક અન્ય વાત અનુસાર વિષ્ણુએ પૃથ્વી_ગાયની આંખનાં આંસુ લુછીને કહ્યૂં હતું કે તે લોભી રાજાઓનો નાશ કરીને પૃથ્વીનો ભાર હળવો કરશે. (રામાયણ અને મહાભારતનાં યુધ્ધો મટે આ પણ એક મહત્ત્વનું કારણ માનવામાં આવે છે.) આજે આપણે ઉદ્યોગોને પૃથ્વીનો નાશ કરવા દઈએ છીએ, જેનો વિરોધ કરવાનો ભાર બીનસરડારી સંસ્થાઓ પર છે. શાસન વ્યવસ્થાએ વિકાસ અને પર્યાવરણ સુરક્ષા વચ્ચે સંતુલન સાચવવાની ફરજ બજાવવાની છે, આપણને આજે પણ વેણ જેવાં તત્ત્વો નથી જોઈતા,  સરકારો પણ એ પ્રકારનાં તત્ત્વોને સજા કરવાના કાયદાઓ પણ ઘડે છે. એટલાં પુરતું આ કામ એ પૂજ્ય ઋષિઓની ક્ક્ષાનું કહી શકાય જેઓ પૃથીની સુરક્ષાને પ્રાથમિકતા આપતા હતા.

જુની સમુદાય આધારિત સમાજ વ્યવસ્થા(તેના માટે વર્ણ વ્યવ્સ્થા શબ્દપ્રયોગ ટાળ્યો છે કેમકે તેનું અનુસંધાન દમન જેવી ભાવના સાથે વધારે થાય છે) ના નિયમો એ સમુદાય પુરતા સીમિત હતા. જૈન અને બૌધ્ધ ધર્મોનું  શાકાહારીપણું ક્ષત્રિય શાસકો પર નહોતું લાદી દેવાતું. પડોશના બ્રાહ્મણોની ભાવનાને ઠેસ ન પહોંચે એ રીતે મુસ્લિમો પોતાનાં ઘરે ગૌમાંસ ખાતાં    પરંતુ ધર્મનિરપેક્ષ, લોકશાહી, પ્રજાતંત્ર શાસન વ્યવસ્થામાં આ પુરાણી વ્યવસ્થાની  જગ્યાએ બધાંને એક સરખા નિયમો લાગુ કરવ પર ભાર મુકાવા  લાગ્યો છે.  સ્રીઓ કે સમલૈગિક લોકો જેવા અમુક સમુદાયોને આને કારણે ફાયદો થાય છે. પણ તેની પણ કિંમત ચુકવવી પડે છે. શાકાહારી સમાજ બધાંને શાકાહારી બનાવવા મથે છે. આપણા ઉત્સાહનાં જોશમાંને જોશમાં આપ્ણે 'મિશનરી' બનતાં જઈએ છીએ. લગ્ન કે છુટાછેડા જેવી બાબતોમાં આપણે સમાન નાગરીક સંહિતા કદાચ ન લાગુ કરાવી શકીએ પણ, એક સમુદાયની ધાર્મિક લાગણીઓની દુહાઈ દઈને  ગૌમાંસ પર તો સાર્વત્રિક પ્રતિબંધ લાવીને બીજા સમુદાયો પર  પોતાની પ્રથા અને રિવાજો મનાવવાનું દબાણ તો કરી જ શકીએ છીએ.

હા, ગૌરક્ષાને ધર્મ કહી શકાય, પરંતુ તેમ કરવા માટે ગૌમાંસનો નિષેધ કોઈ પણ જાતની મહેનત કર્યા સિવાયનું, બીનપાયાદાર, અને કદાચ હાનિકારક પણ નીવડે તેવું પગલું છે. વધારે સારૂં, અને ભરોસાપાત્ર પગલું તો ઘણાં હિંદુઓ અને જૈનો કરે છે તેમ, સુઘડ ગૌશાળાઓ બાંધવાનો અને વૃધ્ધ ગાયોને ત્યાં સાચવી તેમને કતલખાને જતી રોકવાનું છે. એ માટે ગૌપાલકોને વળતર પણ પોષણક્ષમ મળે તે વધારે ઈચ્છનીય છે. આ બધું કરવામાં નાણાંનો ખર્ચ ઘણો મોટો છે, તે ઉપરાંત શાકાહારી વ્યાપારી વર્ગ એ પણ સમજે છે કે એ ખર્ચનું આર્થિક વળતર આકર્ષક નથી. જોકે ગાયને બચાવવી એ જો ધર્મ છે તેમ માનવામાં આવે તો તેને માટે નાણાં તો મળી રહે! જે જે સરકારો ગૌમાંસના નિષેધ માટે કાયદ ઘડે છે તેમને ખબર છે કે આમ કરવથી તેમને મત નહીં મળે. ઉલ્ટાનું પોતે કર દ્વારા આપેલા પૈસા યોગ્ય જગ્યાએ વપરાતા નથી એમ વિચારીને મતદારો રોષે ભરાશે. વળી ગૌમાંસ નિષેધ કરવાથી વિવાદો સર્જાશે, જે  પ્રચાર માધ્યમોને મસાલો પુરો પડવાનું, સમાજમાં તડાં પાડવાનું અને જેમ જમીન ખરીદી કે મજૂર કાયદાઓના કિસ્સાઓમાં થયું એમ મુળ મુદ્દા પરથી ધ્યાન બીજે વાળવાનું પરવડે. એટલે ગૌમાંસનો નિષેધ એ ધર્મ કરતાં વધારે રાજકારણનો - રાજ્ય ધર્મનો નહીં પણ રાજ્યનીતિનો -વિષય છે. 

  • www.dailyo.inમાં ૪ માર્ચ, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Cow slaughter and dharmaનો અનુવાદ :  પ્રયોજિત પુરાણવિદ્યાભ્યાસ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૧૦ જૂન, ૨૦૨૦

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો