બુધવાર, 17 જૂન, 2020

જૂનાં પુસ્તકોની દુકાનની યાદો (૧૯૩૬) - [૧] - જ્યોર્જ ઑર્વેલ

લંડનની પોંડ સ્ટ્રીટ અને સાઉથ એન્ડ ગ્રીનના ખુણા પર એક પિઝાની દુકાન છે, ૧૯૩૪ / ૧૯૩૫માં તે પુસ્તકપ્રેમીઓનો અડ્ડો ગણાતી, જૂનાં પુસ્તકોનાં પુનઃવેચાણની,  દુકાન હતી. જ્યોર્જ ઓર્વેલ ત્યાં ખંડ સમયના વેચાણ સહાયક તરીકે કામ કરતા હતા. પહેલાં જ્યારે જ્યોર્જ ઑર્વેલ ત્યાં કામ કરતા હતા ત્યારે તે રહેતા પણ તેની ઉપરના માળે જ હતા, ત્યાં તેઓ 'કીપ ધ ઍસ્પીડીટ્રા ફ્લાઈંગ' લખી  રહ્યા હતા. પુસ્તકપ્રેમીઓનો એ અડ્ડો ઍસ્પીડીટ્રામાં પુસ્તક  વેંચવાને લગતાં જે વર્ણનો છે તે માટેની પ્રેરણા બની રહ્યો હતો. પ્રસ્તુત લેખ 'પુસ્તકની દુકાનની યાદો' (Bookshop Memories)નું મૂળ પણ એ અડ્ડામાં જ છે. ફેબ્રુઆરી ૧૯૩૫માં તેમને રહેવા માટે બીજી જગ્યા શોધવાની ફરજ પડી હતી૧, એટલે તેઓ ૧૭, પાર્લામેન્ટ હિલ પર સ્થળાંતર કરી ગયા હતા.

મૂળ લેખ સૌ પહેલાં ઓગણીસમી સદીનાં બ્રિટનનાં એક બહુ પ્રભાવશાળી મનાતાં સામયિક 'ધ ફોર્ટનાઈટલી રિવ્યૂ'માં નવેમ્બર, ૧૯૩૬માં પ્રકાશિત થયેલ. આ સામયિક્નૉ પહેલવહેલો અંક મે, ૧૮૬૫મા પ્રકાશિત થયો તે પછી મુદ્રિત માધ્યમમાં તેનું પ્રકાશન ૧૯૫૪ સુધી ચાલ્યું હતું.

+          +           +          +



હું જ્યારે જૂના પુસ્તકોનું વેંચાણ કરતી દુકાનમાં કામ કરતો હતો ત્યારે પુસ્તકોનાં ખરાં કીડા કહી શકાય એવાં લોકો ભાગ્યે જ મને જોવા મળ્યાં. માફ કરજો, જૂનાં પુસ્તકોની દુકાન કેવી હોય તે પહેલાં તમને જણાવવાનું જ રહી ગયું, એ એવી સ્વર્ગીય જગ્યા છે જ્યાં પ્રૌઢ સદગૃહસ્થો ચામડાંમાં બાંધેલાં પુસ્તકો હંમેશાં ખોલ્યા કરતા જોવા મળે. અમારી દુકાનમાં બહુ અપવાદરૂપ રસપ્રદ પુસ્તકો ઉપલબ્ધ રહેતાં, જોકે હું નથી માનતો કે અમારાં ગ્રાહકોમાંથી ૧૦%ને પણ સારાં અને ખરાબ પુસ્તકો વચ્ચેનો તફાવત ખબર હોય.  અમારાં ગ્રાહકોમાં સાહિત્યનાં ખરાં ચાહકો કરતાં પહેલી જ આવૃતિની ખરીદીનો અહં રાખતાં દંભી લોકોનું પ્રમાણ વધારે હતું. જોકે સસ્તાં પાઠ્યપુસ્તકો માટે રકઝક કરતાં રહેતાં પૌવાર્ત્ય વિદ્યાર્થીઓની અને પોતાનાં ભાણેજભત્રીજાંઓ માટે જન્મદિવસની, અસ્પષ્ટ મનથી, ભેટ ખોળતી રહેતી મહિલાઓની સંખ્યા વધારે હતી.

અમારે ત્યાં એવાં પણ ઘણાં લોકો આવતાં જે ગમે ત્યાં બલાસ્વરૂપજ પરવડવાનાં, પણ પુસ્તકની દુકાનમાં તો તેમને બલાસ્વરૂપ થવા માટે ખાસ પ્રસંગો વધારે મળી રહે. જેમકે, એક મોટી ઉંમરનાં બાનુને 'કોઈ અપાહિજને આપવા લાયક' પુસ્તક જોઈતું હતું  - આવી માગણી બહૂ વ્યાપક હતી. બીજાં એક બાનુને એવું પુસ્તક જોઈતું હતું જે તેમણે ૧૮૯૭માં વાંચ્યું હતું.  પરંતુ એ બીચારાંને પુસ્તકનું મુખ્ય પૃષ્ઠ લાલ હતું તે સિવાય તેનું શીર્ષક, લેખક કે પુસ્તકનો વિષય જેવી એક પણ દુન્યવી બાબત યાદ નહોતી.

આ ઉપરાંત બે અન્ય પ્રકારની જીવાતથી પણ જૂનાં પુસ્તકો વેંચતી દરેક દુકાન પીડાય છે, એક છે બ્રેડના જૂના ટુકડડાની ગંધથી ગંધાતી, ખખડી ગયેલ, વ્યક્તિ જે લગભગ દરરોજ, અને ક્યારેક તો દિવસમાંથી એકથી વધારે વાર ધામા નાખી બેસે અને સાવ અર્થ વગરનાં પુસ્તકો તમને વેંચવા નડી પડે છે. બીજો એ છે જે પુસ્તકોના મોટા મોટા ઓર્ડરો આપે છે, પણ એક પૈસો પણ ચુકવવાની તેની દાનત નથી. અમારે ત્યાં અમે કંઈ પણ ઉધાર નહોતા વેંચતા, પણ જો કોઈ પુસ્તક પસંદ કરી જાય તો તેને બાજુએ કરી રાખતા, કે તેનો ઓર્ડર મૂકી રાખતા, જેથી ગ્રાહક તે પછીથી આવીને લઈ જાય. અમારા પર ઓર્ડર મૂકી ગયાં હોય એમાંથી અડધાં લોકો તો પાછાં દેખાતાં જ નહીં. પહેલાં તો મને નવાઈ લાગતી, કે લોકો આવું કેમ કરતાં હશે? એ લોકો આવે, બહું મોંઘી કે ભાગ્યે જ મળતું પુસ્તક માગે, વળી વળીને તે પુસ્તક રાખી મુકવાનું અમારી પાસેથી વચન લે , અને પછી એવાં ગુમ થઈ જાય કે પાછાં ક્યારેય દેખાય જ નહીં. જોકે તેમનામાંના મોટા ભાગનાં લોકો તો સ્પષ્ટપણે પરાવલંબિત દેખાતાં જ હતાં. પોતા વિશે મોટી મોટી વાતો કરે, અને બારણાની બહાર ખીસ્સામાં પૈસો પણ લીધા વગર કેમ નીકળી પડ્યાં હતાં તેની અજબગજબની વાર્તાઓ કહે, જે કદાચ પોતે પણ ભાગ્યેજ વિશ્વાસ કરતાં હશે.

લંડન જેવાં શહેરમાં પ્રમાણિત કરી શકાય એવાં કેટલાંય પાગલો શેરીઓમાં રખડતાં રખડતાં પુસ્તકોની દુકાન તરફ ખેંચાઈ આવતાં હોય છે. એનું કારણ એ કે પુસ્તકોની દુકાનમં તમે કોઈ પણ જાતનાં કારણ વગર કલાકો સુધી, એક પૈસો પણ ખર્ચ્યા વગર,  ચીપકી રહી શકો. ધીમે ધીમે આવાં લોકોને પહેલી જ નજરે ઓળખી જતાં તમને આવડી જાય. એમની મોટી મોટી વાતોમાં એવું તો કંઈક તમને દેખાઈ જ આવે જે જીવાત લાગી ચુકેલું કે અર્થવગરનું હોય. આવા અવિશ્વાસુ લોકો જે પુસ્તક કહે તે પુસ્તકો અમે મોટા ભાગે તેમની દેખતાં બાજુએ કરી દેતાં અને જેવાં તે જાય એટલે પાછાં તેને મૂળ જગ્યાએ મુકી દેતાં. અમે જોયું હતું કે ભાગ્યે જ તેમાંનું કોઈ પૈસા ચુકવીએ પુસ્તક ખરીદી જતું, પુસ્તક ઓર્ડર કરવા માત્રથી જ તેમને કદાચ બહુ પૈસા ખર્ચી નાખ્યાનો સંતોષ મળી રહેતો હશે.

મોટા  ભાગની બીજી જૂનાં પુસ્તકો વેંચતી દુકાનો જેમ અમે પણ બીજી અનેક બાબતોનો વેપાર પણ સાથે સાથે કરતાં હતાં. જેમ કે, જૂનાં ટાઈપરાઈટર કે જૂની ટિકિટો. ટિકિટો એકઠી કરવાનો શોખ રાખતાં લોકો બહુ વિચિત્ર, શાંત અને માછલી જેવી પ્રજાતિ હોય છે. બધી જ ઉમરનાં, પણ માત્ર પુરુષો જ; જાણે સ્ત્રીઓને આલ્બમોનાં પાનાં પર બીજી રંગરંગીન ટીકડીઓ ચોંટાડવામાં કોઇ ખાસ આનંદ નહીં દેખાતો હોય. અમે છ પૈસાનું પંચાંગ પણ વેંચતાં, જે એવી વ્યક્તિએ સંકલિત કરેલું કહેવાતું હતું જેણે જાપાનના ધરતીકંપની આગાહી કરી હોવાનું કહેવાય છે. એ બંધ લિફાફામાં આવતાં, જેને મેં જાતે તો કદી ખોલેલ નહીં, પણ જે લોકો ખરીદતાં તે મોટા ભાગે પાછાં આવીને કહેતાં કે તેમની ભવિષ્યવાણી કેવી 'સાચી' પડી હતી.  જોકે, આમ પણ મોટા ભાગની ભવિષ્યવાણીઓ સાચી જ પડતી મનાય છે જો તેમાં તમે સામેવાળી જાતિને  કેવાં આકર્ષક લાગો છો કે તમારો સૌથી મોટો દુર્ગુણ તમારી ઉદારતા છે એમ ભાખવામાં આવ્યું હોય. બાળકોનાં પુસ્તકોનું પણ અમે સારૂં એવું વેચાણ કરી લેતાં હતાં. તેમાંનાં મોટા ભાગનાં પુસ્તકો જોકે ન ખપેલો, ઘટાડેલી કિંમતે વેંચાતો માલ રહેતાં. બાળકો માટેનાં આજે મળતાં પુસ્તકો તો મોટા ભાગે તો  મહાત્રાસદાયક નીવડતાં હોય છે, ખાસ તો જો તે મોટા જથ્થામાં જોવા મળે. અંગત રીતે તો હું બાળકને પીટર પૅનને બદલે પીટર આરબાઈટર આપવાનું પસંદ કરૂં, જોકે પાછળથી આવેલ નકલખોરોની સામે તો બેરી પણ મરદ અને સર્વાંગ ચોખ્ખું પાત્ર લાગે. નાતાલના દસ દિવસ તો અમે ક્રિસમસ કાર્ડ અને તારીખીયાં વેંચવા મચી પડતાં. એ કામ બહુ થાક લગાડે એવું રહેતું, પણ  જેટલો સમય સીઝન રહે એટલો સમય વકરો સારો થતો. ખ્રિસ્તી ભાવનાનો જે ભાવશૂન્યતાથી ગેરલાભ ઊઠાવાતો તે જોવામાં મને બહુ રસ પડતો. ક્રિસમસ કાર્ડ બનાવનારી કંપનીઓના દલાલો અમારે ત્યાં તેમનાં કેટલોગની સાથે જૂન મહિનાથી જ ચક્કર કાપવા લાગી જતા.    લોકોનાં બિલોમાંનો એક શબ્દપ્રયોગ - ડઝન જિસસ સાથે સસલાંઓ - તો મારી યાદમાં ચોંટી ગયો છે..

જોકે બીજી વસ્તુઓના વેપારમાં અમારી મુખ્ય આઈટેમ વાંચવા પૂરતું પુસ્તક ધીરવાનું - બહુ જ પ્રચલિત - બે પેની- કોઈ આગોતરી જમા રકમ સિવાય -  પુસ્તકાલય હતી. તેમાં અમારી પાસે ૫૦૦થી ૬૦૦ કલ્પના સાહિત્યનાં પુસ્તકો હતાં. પુસ્તક ચોરનારાઓને આવાં પુસ્તકાલયો બહુ જ ગમે. એક દુકાનેથી બે પેનીમાં પુસ્તક ભાડે વાંચવા લેવું, પછી તેની ઉપરની કાપલી કાઢી નાખીને તેને બીજી દુકાને એક શિલિંગમાં વેંચી મારવું એ દુનિયાનો કદાચ સૌથી સહેલો ગુનો હશે.  જોકે  આગોતરા રકમ જમા કરાવવાની માગણી કરવાથી ગ્રાહકોને ડરાવી મારવા કરતાં પુસ્તક વિક્રેતાઓને તો અમુક પુસ્તકો આમ ચોરાઈ જતાં રહે તે વ્યવસ્થા ફાયદાકારક પડતી. મહિને દાડે અમે જ ડઝનેક જેટલાં પુસ્તકો તો આ રીતે  ગુમાવતા હતા.

અમારી દુકાન હેમ્પસ્ટીડ અને કૅમ્ડેન ટાઉનની બરાબર હદ પર હતી. અમારે ત્યાં  આવતા ગ્રાહકોમાં બેરનેટથી લઈને બસ કન્ડક્ટર સુધીના વર્ગના લોકો હતા. એમ કહી શકાય કે અમારાં પુસ્તકાલયના ગ્રાહકો લંડનમાં પુસ્તક વાંચનાર તમામ પ્રકારના   વર્ગનું પ્રતિનિધિત્વ કરતા હતા. એટલે એ નોંધ કરવું જરૂરી બની રહે છે કે સૌથી વધારે ઝડપથી 'ખપી જતા' લેખકોમાં એથેલ એમ ડેલ પ્રિસ્લી, હેમિંગ્વે, વૉલપોલ કે વોડહાઉસ કરતાં બહુ આગળ હતા. વૉરવિક ડીપીગ બીજા ક્રમે અને મારૂં માનવું છે ત્યાં સુધી, તે પછી જેફ્રી ફર્નોલ ત્રીજા ક્રમે રહેતા. ડેલની નવલકથાઓ માત્ર સ્ત્રી વર્ગમાં જ વંચાતી. જોકે સ્ત્રી વર્ગમાં, સામાન્ય રીતે અપેક્ષિત હોય એમ માત્ર ઉત્તેજિત કુંવારી ડોશીઓ કે તમાકુ વેચનારાઓની જાડી પત્નીઓ નહીં પણ, બધા જ પ્રકારની અને દરેક ઉમરની સ્ત્રીઓ આવી જાય. એ પણ સાચું નથી કે પુરુષો નવલકથાઓ નથી વાંચતા, પણ હા, એવા અમુક પ્રકારો જરૂર છે જેને પુરુષ વાચક વર્ગ ટાળતો. એક બહુ જ ઉપરછલ્લા અંદાજ પ્રમાણે એમ કહી શકાય કે જેને બહુ સરેરાશ - સામાન્ય, ઠીકઠાક, ગૉલ્સવર્ધીથી પાણી સુધીનાં, અંગ્રેજી નવલથાઓમં જે ધારો પડી ગયો છે એવાં - કથાનકોવાળી - કહી શકાય એવી નવલકથાઓ માત્ર સ્ત્રીઓ  માટે કરીને જ અસ્તિત્વ ધરાવે છે. પુરુષો ક્યાં તો માન આપવાનું મન થાય એવી કે પછી જાસુસી વાર્તાઓવાળી કથાઓ વાંચવાનું પસંદ કરતા જોવા મળે. તેમાંય જાસુસી વાર્તાઓવાળી નવલકથાઓની તેમની માંગ તો અધધ કહી શકાય એટલી છે. મારી જાણ મુજબ અમારો એક ગ્રાહક તો આખાં વર્ષમાં, અમારે ત્યાંથી લીધેલી, અઠવાડીયાંની ચારથી પાંચના હિસાબે  જાસુસી નવલથાઓ વાંચી મારતો હતો - બીજાં પુસ્તકાલયોમાંથી લાવીને વાંચી હોય તે તો વધારામાં .વધારે નવાઈની વાત એ હતી કે કોઈ પણ પુસ્તક તેણે બીજી વાર નથી વાંચ્યું.  મારી એક ગણતરી મુજબ તે વર્ષમાં પોણો એકર જગ્યા રોકી લે એટલા રદ્દી કાગળો વાંચીને થયેલો કચરો મગજમાં કાયમ માટે ભરી રાખતો  તે પુસ્તકનૂં શીર્ષક કે લેખકનું નામ વાંચવાની તસ્દી લીધા વગર જ એ પુસ્તક તેણે વાંચ્યું છે કે નહીં તે કહી શકતો.

ઝીણી ઝીણી બાબતોની બહુ રસપ્રદ રજૂઆત જ્યોર્જ ઑર્વેલની શૈલી આ લેખમાં પણ દૃષ્ટિગોચર  થાય છે.  જૂનાં પુસ્તકો વેંચતી દુકાનોનું બહુ જ  જીવંત ચિત્રણ તેઓ પ્રસ્તુત લેખમાં આપણી સમક્ષ ખડું કરી રહ્યા છે.

આ લેખનો બીજો, અને અંતિમ અંશ, હવે પછી ૧૫-૭-૨૦૨૦ના વાંચીશું.

+          +           +          +

 જ્યોર્જ ઓર્વેલના આત્મકથાનક સ્વરૂપ બિન-કાલ્પનિક નિબંધ, Bookshop Memoriesનો આંશિક અનુવાદ 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો