બુધવાર, 24 જૂન, 2020

બે પ્રકારના ગુરુઓ - દેવદત્ત પટ્ટનાઈક

રામાયણમાં રામને વસિષ્ઠ અને વિશ્વામિત્ર એમ બે ગુરુઓ પાસેથી શિક્ષા પ્રાપ્ત  થઈ હતી. દિવસ અને રાતમાં જેટલો ફરક હોય તેટલો ફરક આ બન્ને ગુરુઓમાં પણ હતો. વસિષ્ઠ સાત આદિ ૠષિઓમાના એક હતા.  તેઓ તેમનાં વેદ જ્ઞાન માટે પ્રખ્યાત હતા. પોતાનો અભ્યાસ પુરો કર્યા બાદ રામ દેશાટન કરીને પાછા ફર્યા. પણ ત્યારે તેમને દુનિયાનું ભ્રામક દર્શન જોઈને એટલી નિરાશા થઈ આવી હતી કે તેમને દુનિયામાં કોઈ રસ જ નહોતો રહ્યો. આ સ્થિતિથી ભયભીત થઈને રાજા દશરથે વસિષ્ઠને કહેણ મોકલાવી બોલાવ્યા. બધું સંભળ્યા પછી વસિષ્ઠ ખુશ થયા કે હવે રામ વેદોનું પરમ જ્ઞાન સમજવા માટે તૈયાર થઈ ચૂક્યા છે. એ પછીથી, યોગ વસિષ્ઠ તરીકે જાણીતાં વેદ વ્યાખ્યાનનું  દરબારમાં પઠન થયું જેને પરિણામે રામને વાસ્તવિકતાના ખરા અર્થની સમજણ પડી. એક મહત્ત્વની શીખ તેમને એ મળી કે કાર્યકારણા વચ્ચે દેખીતા સંબંધને માની ન લેવો : 'કાગનું બેસવુ અને તાડનું પડવું'માં કાગડાનાં બેસવાને તાડ પડવાનાં - કાર્ય- પરિણામનું કારણ ન માની લેવું જોઈએ. આપણે ઘણીવાર સાંયોગિક ઘટનાઓને કારણ અને કાર્ય સાથે જોડી બેસીએ છીએ. આપણાં મોટા ભાગનાં દુઃખોનું આ એક મહત્ત્વનું કારણ છે. રામને બીજી શીખ એ મળી કે ઘુમરાતાં પાણીની અસ્થિરતામાં જેમ ચંદ્રનાં અનેક પ્રતિબિંબો દેખાય છે તેમ અસ્થિર મનમાં વાસ્તવિકતાનાં અનેક રૂપ તો આપણને દેખાય છે પણ સાચું શું છે તે નથી દેખાતું.

વિશ્વામિત્ર પૂર્વાશ્રમમાં ચક્રવર્તી રાજા હતા. ઋષિ થયા તે પહેલાં તેઓ એક મહાન યોદ્ધા હતા. એક વાર તેઓ દશરથના દરબારમાં આવ્યા અને દશરથના અનેક વિરોધ વચ્ચે રામને પોતાની સાથે વનમાં લઈ ગયા. ત્યાં તેઓએ રામ દ્વારા યજ્ઞકાર્યમાં અવરોધો ઊભા કરી રહેલી રાક્ષસી તાડકાનો વધ કરાવ્યો. એ પછી ૠષિ ગૌતમે જેમને વ્યભિચારના દોષમાં શિલા બની જવાનો શ્રાપ આપ્યો હતાં તેવાં તેમનાં પત્ની અહિલ્યાને રામના સ્પર્શ વડે પુનર્જીવન અપાવ્યું. તેમણે રામને સાગરે કેમ સમુદ્રનું સર્જન કર્યું, ભગીરથે કેમ ગાંગાનું પૃથ્વી પર અવતરણ કર્યું જેવી  તેમના વંશની કથાઓ કહી. છેલ્લે તેઓ રામને મિથિલા લઈ ગયા જ્યાં રાજા જનકને ત્યાં તેમની પુત્રી સીતાન સ્વયંવરમાં રામ શિવનું ધનુષ તોડે છે અને તેનં ફળ સ્વરૂપે સીતા સાથે વિવાહ કરે છે. વિશ્વામિત્ર સાથે રામને લડાઈ, વધ, કોઈને બચાવવું, પોતાના વંશની પરંપરા સમજવી,  અને એ વંશને ચાલુ રાખવામં મદદરૂપ બનનાર સ્ત્રી સાથે લગ્ન કરવા જેવી દુન્યવી બાબતોનું જ્ઞાન  મેળવે છે. વસિષ્ઠનું જ્ઞાન તેમને આધ્યાત્મિકતા સમજાવે છે તો જે બાબતો તાત્કાલિક ધ્યાન પર લેવી જોઈએ એવી જમીની ભૌતિક વાસ્તવિકતાઓનું મહત્ત્વ વિશ્વામિત્ર સમજાવે છે. બન્ને દૃષ્ટિકોણ પોતપોતાની જગ્યાએ યથાર્થ છે..

મહાભારતમાં આ જ વાતની અલગ અંદાજમાં રજૂ કરાઈ છે. ગુરુ દ્રોણ પાંડવોને યુધ્ધકળા શીખવવામાં યુધ્ધમાં વિજય અપાવવામાં અને શત્રુઓને હરાવવામાં મહ્ત્વનો ફાળો ધરાવતી બાણવિદ્યા પણ શીખવતા હતા. પરંતુ પાંડવોને રાજનીતિ કે ધર્મ મૂલ્યો જેવી બાબતોનું આધ્યાત્મિક જ્ઞાન તો કૃષ્ણ પાસેથી મળતું. જેમકે, કુરુક્ષેત્ર પર નિરાશા અને દ્વિધામાં અટવાઈ પડેલા કૃષ્ણએ અર્જુનને કહેલો ગીતોપદેશ.

થોડું વધારે એ વિચારતાં એક વાબતે હસવું આવે છે કે રામાયણ અને મહાભારત બન્નેમાં મુખ્ય પાત્રોને પ્રાપ્ત થતાં વેદ જ્ઞાન (આધ્યાત્મિક જ્ઞાન)ને કારણે એમનું રોજબરોજનું દુન્યવી જીવન શક્ય બને છે.  આ જ્ઞાનને કારણે બધાં સામાન્ય લોકો સાધુ નથી બની જતાં; ઉલ્ટાનું એ જ્ઞાનને કારણે તેઓ વધારે સારાં રાજા કે યોધ્ધા બને છે. એટલે કે જે તેમનો જીવનધર્મ છે તે બરાબર અદા કરી શકે છે. આ જ્ઞાન નથી હોતું ત્યારે મોહાસક્તિને કારણે અસ્પષ્ટતા અનુભવાય છે. વિશ્વામિત્ર કે દ્રોણની શીખ વ્યાવહારિક અને ઉદ્દેશ્ય અભિમુખ જરૂર છે પરંતુ જીવનમાં પેદા થતી નૈતિક કે સદાચારપૂર્ણ કર્તવ્યપરાયણતાને લગતી દ્વિધાઓનો ઉકેલ શોધી આપવામાં તે સમર્થ નથી થતી.

કોર્પોરેટ વિશ્વમાં પણ બે પ્રકારના ગુરૂઓ હોય છે. સંચાલન શિક્ષણનાં મહાવિદ્યાલયોમાં ગુરુઓ વિદ્યાર્થીઓને વ્યૂહરચના, રણનીતિ, ઉદેશ્યો અને ધ્યેયો, આયોજન, સંસાધન વહેંચણી,  આદેશ અને અંકુશ કે સમીક્ષા પ્રક્રિયાઓ, સરવૈયાં અને સંતુલિત ગણતરી પત્રક, પ્રતિભા સંચાલન કે પછી વાટાઘાટો અને વિસંવાદોનાં નિરાકરણ જેવી બાબતો વિશે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વિચારતાં શીખવાડે છે, તેઓ સંચાલનકળાના વિદ્યાભ્યાસીઓને સમસ્યાનાં નિરાકરણને તર્કપૂર્ણ રીતે અને પધ્ધતિસર કરવાનું જ્ઞાન આપે છે. આ જ વસિષ્ઠો કોર્પોરેટ વિશ્વમાં હાર્ડ ને સોફ્ટ કૌશલ્ય કેળવવામાં મદદરૂપ થતા તાલીમ- શિક્ષકોનાં સ્વરૂપમાં જોવા મળે છે. આ બન્ને પ્રકારના ગુરૂઓ પ્રશિક્ષાર્થીઓને સૈધાંતિક જ્ઞાનનો વ્યવહારમાં તર્કપૂર્ણ પધ્ધતિથી ઉપયોગ કરવાનું શીખવાડે છે.

એ રીતે સિધ્ધાંતોનં જ્ઞાન સાથે સજ્જ થઈને આવેલા નવ્યસંચાલકોનો મેળાપ કાર્યસ્થળો પર, માર્ગદર્શકો અને પ્રશિક્ષકોના રૂપમાં  વિશ્વામિત્રો સાથે થાય છે,જે કાર્યસ્થળ પર કરવાનાં તેમનાં કામની સમજ પાડે છે અને કામમાં ગોઠવાંવામાં મદદ કરે છે.  મોટા ભાગે આ ભૂમિકા બૉસ જ નિભાવે છે. તે પોતાના મદદનીશને શિષ્યના સ્વરૂપે પોતાની પાંખ હેઠળ લઈને તેને વાસ્તવિક જીવનમાં કામ શી રીતે કરવું તે શીખવાડે છે. જે નક્કી થયેલ કામ હોય તે શીખવાની સાથે સાથે શિષ્યને કોઈને કયું કામ કેમ સોંપવું કે તેને કામ પરથી કેમ અને ક્યારે હટાવી લેવું, પુરવઠાકારો સાથે વાટાઘાટો કે વરિષ્ઠ સંચાલન મંડળ સામે રજૂઆત કેમ કરવી જેવાં સોફટ કૌશલ્ય કેળવવાની તાલીમ મળે છે. સંસ્થામાં જેમ જેમ ઉંચાં પદ પર પહોંચતાં જાઓ તેમ ગુરુના, અને તાલીમના વિષયોના, પ્રકાર બદલાવા લાગે છે. હવે વધારે ધ્યાન કામને લગતી બાબતોને બદલે પ્રક્રિયાઓ કે નીતિઓનાં ઘડતર અને સમીક્ષાની ચર્ચાઓ પર અપાય છે. પરિણામે શાસન વ્યવસ્થાની આંટીઘુંટીઓ અને લોકોની સાથે કામ કરવા જેવાં કૌશલ્યો શીખીને શિષ્ય હવે અગ્રણી થવાના પાઠ ભણે છે. જોકે આ બધું જ કાર્યસ્થળના સંદર્ભમાં જ બનતું રહે છે.

કોર્પોરેટ વિશ્વમાં સૈધ્ધાંતિક (આધ્યાત્મિક) અને વ્યાવહરિક (દુન્યવી) એમ બન્ને પ્રકારનું જ્ઞાન પુરૂં પાડી શકે તેવા ગુરુઓની જરૂર છે. પહેલા પ્રકારનું જ્ઞાન સંબંધો કે ઘટનાઓ, કાર્ય અને કારણ કે સારાં અને નરસાં  વચ્ચેના અરસપરસના સાપેક્ષ સંબંધોને સમજવા માટે આવશ્યક વિવેક શક્તિ કેળવવામાં મદદ કરે છે જો બીજા પ્રકારનું જ્ઞાન નજર સામેની જમીની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખવે છે. કારકીર્દી અને જીવન, એ બન્ને કક્ષાએ સફળ થવા માટે બન્ને પ્રકારનાં જ્ઞાનની જરૂર પડતી રહેવાની છે.

  • ધ ઈકોનોમિક ટાઈમ્સ માં ૬ માર્ચ, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Two kinds of teachers નો અનુવાદ :  પ્રયોજિત પુરાણવિદ્યાભ્યાસ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો