મેં જેમ અન્યત્ર જ્ણાવ્યું છે તેમ સામાન્ય કક્ષાની નવલકથાઓને સારાં કહી શકાય એવા માપદંડથી માપવું એ જે ત્રાજવે હાથીને તોળાતો હોય તેના પર માખીને તોળવા જેવું છે. આવાં ત્રાજવે માખીની તો નોંધ પણ કાંટે ચડે નહીં, એટલે તેનું વજન કરવું જ હોય તો એના લાયક જ ત્રાજવું બનાવવું પડે, જેમાં માખી નાની છે કે મોટી તે ખબર પડી શકે. આપણા શ્રીમાન 'ક્ષ' લગભગ આવું જ કરે છે. દરેક પુસ્તક માટે 'એ સાવ કચરો છે' એવું લખ્યા કરવાનો કોઈ અર્થ નથી, કેમકે એવું લખવા માટે તેમને કોઈ કાવડીયું પણ આપવાનું નથી. 'ક્ષ'એ કચરો ન હોય એવું કંઈક ખોળી કાઢવું પડે, અને તે પણ પાછૂં વારંવાર, નહીં તો પાણીચું પકડવાની નોબત આવે. એનો અર્થ એટલો જ કે તેમણે પોતાનું ધોરણ એટલું નીચું લઈ જવું રહ્યું કે જ્યાં, ઉદાહરણ તરીકે, ઍથેલ એમ. ડેલની નવલકથા 'વૅ ઑફ એન ઈગલ' તેમને સારી દેખાય. હવે, થાય એવું કે જે ત્રાજવે 'વૅ ઑફ એન ઈગલ' સારી ગણાય તે ત્રાજવે 'ધ કોન્સ્ટન્ટ નિમ્ફ' તો ઘણી સારી ગણાય, અને 'ધ મેન ઑફ પ્રોપર્ટી' માટે તો પેલું શું કહે છે, હા, ધબકતા આવેશની કથા, જોરદાર, દિલ હલાવી કાઢે તેવી શ્રેષ્ઠ કૃતિ, અવિસ્મરણીય મહાકાવ્ય કક્ષાની એવી રચના જે જ્યાં સુધી અંગ્રેજીનું અસ્તિત્વ છે ત્યાં સુધી યાદ કરાયા કરે, વગેર વગેરે કંઈ કહેવાનું રહે. (અને જો ખરેખર કોઈ સારૂ પુસ્તક એ ત્રાજવે ચડ્યું તો તેના ભારથી તો દાંડી સહિત બધું ભાંગીને ભુક્કો જ થાય !)
બધી જ નવલકથાઓ સારી હોય છે એ ધારણાથી શરૂઆત કરતા વિવેચક માટે હવે વિશેષણો
વાપરવા માટે ઉપરની બાજુ જેનો કોઈ અંત નથી એવી સીડી પર ચડ્યા વિના કોઈ માર્ગ નથી.
એટલે ફરી આપણે જો ગેરાલ્ડ ગૉલ્ડ[1]
તરફ વળીએ તો સમજાશે એક પછી એક સમીક્ષક આ એક જ માર્ગ કેમ પસંદ કરે છે.ગમે એટલા
નિષ્ઠાવાન આશય સાથે તેણે સંમીક્ષા કરવાનું શરૂ કર્યું હોય, પણ બે જ વર્ષમાં પાગલપંતીની હદે ચીસો
પાડીને કહે છે કે મિસ બાર્બરા બેડવર્ધીની 'ક્રિમસન નાઈટ'
સૌથી વધારે અદ્ભૂત, વેધક, કરૂણ, આ દુનિયાની અવિસ્મરણીય, સૌથી
વધારે ઉત્કૃષ્ટ વગેરે વગેરે રચના છે. એક ખરાબ રચના સારી છે એમ ડોળ કરવાનું એક વાર
પાપ કર્યા પછી હવે બહાર નીકળવાનો બીજો કોઈ માર્ગ પણ નથી. અને જો સમીક્ષાઓ લખીને જ
જો તમારે પેટીયું રળવાનું હોય તો એ પાપ કર્યે જ છુટકો છે. એ દરમ્યાન નવલકથાનો દરેક
વાચક, કંટાળીને,મોઢું ફેરવી લે અને
નવલકથાને તુચ્છકારવી એ એક દંભપૂર્ણ ફરજ બની રહેવા લાગે. એનું એક વિચિત્ર પરિણામ એ
આવ્યું છે કે એ જ ઘસીપીટી શૈલીથી વખણાયેલી, પણ ખરેખર તો સારી
હોય એવી, નવલકથા
એટલા માટે કરીને જ ધ્યાન પર નથી આવતી .
ઘણાં લોકોનું કહેવું રહ્યું છે કે નવલકથાઓની સમીક્ષા લખવાનું બંધ થાય એ જ
શ્રેયકર હશે. કદાવ એમ બની પણ શકે, પરંતુ આ સુઝાવનો કોઈ અર્થ સરે તેમ નથી, કેમકે આવું
કંઈ બની શકે તેમ જ નથી. પ્રકાશકોની જાહેરાતો પર નભતું કોઈ પણ અખબાર એમ કરવાની
હિંમત કરી શકે તેમ નથી. જોકે કેટલાક સમજુ પ્રકાશકોને કદાચ સમજાય પણ છે કે આવી
જાહેરાતો પ્રેરિત સમીક્ષાઓ કાઢી નંખાય તો પણ અત્યારે જે પરિસ્થિતિ છે તેમાં કંઈ
મોટો ફરક નહીં પડી જાય. પણ જેમ આજે કોઈ દેશ નિઃશસ્ત્રીકરણ નથી અપનાવી શકતો તેમ આ
પ્રકાશકો પણ સમીક્ષાઓ બંધ નહી કરી શકે કેમકે
આવી પહેલ કોણ કરે ! જાહેરાત પ્રકારની આ સમીક્ષાઓ હજુ તો લાંબા સમય સુધી
ચાલુ રહેશે અને તે વધારે ને વધારે ખરાબ પણ થતી જ જશે; એક ઉપાય એ છે કે કોઈક પ્રયુક્તિથી આવી સમીક્ષાઓની
ઉપેક્ષા કરી શકાય એવી કોઈ ગોઠવણ થાય. પરંતુ આ ત્યારે જ શક્ય બની શકે જ્યારે
ક્યાંઈક પણ સારી નવલકથાની સમીક્ષા કરાતી હોય, જેને સરખામણીના
માપદંડ તરીકે વાપરી શકાય. કહેવાનો અર્થ એ કે, જરૂર છે એક
(શરૂ કરવા માટે એક પણ પુરતું છે) સામયિક એવું હોય જે નવલકથાની સમીક્ષાને પોતાની
આગવી ખાસિયત બનાવે, કચરો ધ્યાન પર જ ન લે અને જેમાં સમીક્ષકો
ખરા અર્થમાં સમીક્ષક હોય, બીજા વતી બોલનાર એવી કઠપુતળી ન હોય
જે પ્રકાશકની આંગળીએ બાંધેલી દોર મુજબ જડબું ખોલે (કલમ વાપરે).
એવો પણ એક જવાબ મળશે કે આવાં સામયિકો અત્યારે પણ અસ્તિત્વમાં છે જ. એવાં
ઘણાંક ઉચ્ચભ્રૂ સામયિકો છે, તેમાં નવલકથાની સમીક્ષા તરીકે જે કંઈ પ્રકાશિત થાય છે તેમાં લાંચના
અન્ન્નના ઓડકાર નહીં પણ પોતાની આગવી બુદ્ધિમતા દેખાય છે. હા, એ ખરું , પણ અહીં મુદ્દો એ છે કે આ નવલકથાની
સમીક્ષાઓ આ સામયિકોની આગવી ખાસીયત નથી, તેમજ સાહિત્યની
પ્રવર્તમાન નિપજ સાથે કદમ મેળવાનો પણ પ્રયાસ એમાં નથી દેખાતો. એ બધાં એવાં
ઉચ્ચભ્રૂ સમાજનાં નિવાસી છે જેમાં આમ પણ માની લેવાયું છે કે નવલકથાઓ તો આમ પણ
તિરસ્કાર્ય છે. પરંતુ નવલકથા કળાનો એક લોકપ્રિય પ્રકાર છે. તેને એવી માપદંડ-ચકાસણીની
ધારણાથી જોવાનો કોઈ અર્થ નથી જે સાહિત્યને ઉચ્ચભ્રૂ ટોળકીઓની (સંજોગો મુજબ તીક્ષ્ણ
નહોરથી , કે બુઠા કરાએલા નખથી) એકબીજાંની પીઠ ખંજવાળવાનો
ખેલ તરીકે જૂએ છે. નવલકથાકાર મૂળતઃ તો
વાર્તાકાર છે. અને વાર્તાકાર (જેવાકે, ટ્રૉલ્લૉપ, ચાર્લ્સ રિડૅ, સમરસેટ મૉઃહ્મ) બહુ મર્યાદિત અર્થમાં 'બૌદ્ધિક' હોવા સિવાય પણ બહુ સારો વાર્તાકાર હોઈ શકે
છે. દર વર્ષે ૫,૦૦૦ નવલકથાઓ છપાય છે, અને
રાલ્ફ સ્ટ્રૌસ[2] એ બધી
વાંચી જવાનો આપણને આગ્રહ કરે છે, નહીં તો તેમને એ બધી
નવલકથાઓની સમીક્ષા લખવી પડશે. પરંતુ એક ડઝન અને પાંચ હજારની વચ્ચે સો, બસો, કે બહુ બહુ તો પાંચસો, નવલકથાઓ
જુદી જુદી કક્ષાની યથાર્થ લાયકાત પણ ધરાવતી હોઈ શકે. જે વિવેચકને નવલકથાની થોડી પણ
પડી છે તેમણે આ નવલકથાઓ પર ધ્યાન આપવું જોઈએ.
+ +
+ +
અહીં
નવલકથાને મળેલ બદનામી માટે જ્યોર્જ ઑર્વેલ જાહેરાત પ્રેરિત, બીબાંઢાળ, બોદી
દેખાઈ જ આવતી પ્રશંસાઓ કરતી સમીક્ષાઓને જ કસુરવાર નક્કી કરે છે.અજના અંશિક અંકને
અંતે આ પરિસ્થિતિમાંથી બહાર કેમ નીકળવું તેનાં તેઓ સુચન કરવાની શરૂઆત કરી રહ્યા
છે.
તેમનું
સ્પષ્ટપણે માનવું છે જ કે દર વર્ષે છપાતી ૫,૦૦૦ જેટલી નવલથાઓમાંથી સો બસો પણ ખરેખર સારી તો હોય જ. જે પોતાને ખરેખર
સમીક્ષક કહી શકે તેવાં જ સમીક્ષકો દ્વારા સાવ સાચી સ્થિતિને જ વર્ણવતી હોય તેવી જ
એ નવલકથાઓની સમીક્ષા લખાય, અને માત્ર નવલકથાને જ પ્રાધાન્ય
આપતાં સામયિકોમાં છપાય એ પહેલું પગલું
છે.
+ +
+ +
જ્યોર્જ
ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ,
In
Defence of the Novelનો આંશિક અનુવાદ
[1] ધ
ઑબ્ઝર્વરના એ સમયના પ્રભાવશાળી નવલકથા સમીક્ષક.
[2] રાલ્ફ
સ્ટ્રૌસ (૧૮૮૨- ૧૯૫૦)ધ સન્ડે ટાઇમ્સના ૧૯૨૮થી તેમનાં
અવસાન પર્યંત વડા સાહિત્ય સમીક્ષક હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો