બુધવાર, 16 સપ્ટેમ્બર, 2020

તમે સમલૈંગિક-પત્ની છો? - દેવદત્ત પટ્ટનાઈક

મારો એક ઓળખીતો, દેખાવડો, મધ્યમ વર્ગનો, સમલૈંગિક પુરુષ, લગ્ન કરવાનો છે. એની પત્નીએ ફરજિયાત સંમલૈંગિક-પત્ની બનવું પડશે. પેલો ભાઈ બંધ બારણે સમલૈંગિક છે, તેને તેના પુરુષ 'મિત્રો'ની સોબત ગમે છે. લગ્ન પછી પણ તે પોતાની 'ટેવ' છોડવાનો નથી. તેની દલીલ છે કે બારણાંની પાછળ મારાં ભરાઈ રહેવા માટે દોષિત સર્વોચ્ચ ન્યાયાલય છે. વળી તે એમ પણ દલીલ કરે છે કે કેટલાય 'રીત સરના પુરુષો લગ્ન પછી પણ બીજી સ્ત્રીઓનાં પડખાં નિયમિતપણે સેવતા આવ્યા છે. આપણા મિત્ર તો મુછમાં હસીને આગળ કહે છે કે, કમસે કમ તે બીજી સ્ત્રી સાથે તો બેવફાઈની રમત નહીં રમે ! પત્નીનાં બહુ મેણાંટોણાં થશે તેઓ તે છેલ્લે પાટલે બેસીને કહેશે કે એણે તો પોતાની માના દબાણમાં આવીને આ લગ્ન કર્યું હતું . આમ ક્યારેક સર્વોચ્ચ ન્યાયાલય, તો ક્યારેક વ્યભિચારી પુરુષો કે ક્યારેક પોતાની મા પર દોષના ટોપલાનો ખો દેતો  આપણો આ 'મિત્ર', હવે પછી એક નિર્દોષ સ્ત્રીનાં જીવનને રોળીટોળી નાખવાનું જે નિંદનીય કૃત્ય કરવા જઈ રહ્યો છે તેને લગતી, બધી જ જવાબદારીઓથી પોતાના હાથ ઠંડે કલેજે ખંખેરી નાખે છે.

નિર્ભયાની પર દુષ્કર્મ ગુજારાયા બાદ તેની હત્યા પણ કરી દેવાઈ હતી,  જ્યારે સમલૈંગિકપત્નીને તો આજીવન લાગણી અને પ્રેમવિનાનાં વિવાહિત છતાં અવિવાહિત લગ્નજીવનની સજા આવી પડે છે. તેનો 'પુરુષ' તો તેનો સ્પર્શ માત્ર એટલે કરે છે કે તે તેની ફરજ છે, તે પુરુષ હોવાના બહુ પ્રયાસો એટલે કરે છે કે જો તે પોતાની સ્ત્રીને સંતાન આપી શકે તો તે સ્ત્રી અને પોતાનું કુટુંબ તેનો પીછો છોડે. કમનસીબે, આવાં લગ્નને કાયદાની અને ધર્મની સ્વીકૃતિ મળે છે. આ વિષયે જો તેને પડકારવામાં આવે તો તે ઠાઠથી દાવો કરશે કે તે બીજા પુરુષો જેમ જ દ્વિલૈંગિક છે, અને બીજાં કોઈપણ સ્ત્રી-પુરુષની જેમ લગ્ન સુખ માણી શકે છે અને આપી શકે છે, સમલૈંગિક-પત્ની એ કુટુંબનાં બધા જ કાર્યક્રમોમાં પતિ સાથે હસતે મોંઢે ભાગ લેતા રહેવું પડે છે. જેમણે ગુનો કર્યો છે તે બધાં મજા કરે અને એ સ્ત્રી જો ફરિયાદ કરે તો તેને જ દોષી ઠરાવવામાં આવે. તે માત્ર સ્ત્રી છે એટલે પોતાના પતિમાં કામેચ્છા જગાડી નથી શકતી. તે જો સામે લડત આપવા ધારે તો તેનાં માતાપિતા સહિત લગભગ કોઈ જ સ્વજનની તેને મદદ નથી મળતી. તેણે એકલાં સોરવતાં રહેવું પડે કે એકલે હાથે લડવાની અને લડત શરૂ કર્યા પછી તેના પર જે કંઈ વીતે તે સહન કરવાની હિમત બતાવવી પડે, કેમકે કોઈ પણ પક્ષનાં લોકોને 'આવી વાંક દેખી' (પરિણિત) સ્ત્રી માટે કરીને સમાજની હાંસીને પાત્ર નથી થવું.

મહાભારતમાં જ્યારે શિખંડીની પત્નીને ખબર પડે છે કે તેનો પતિ સ્ત્રી છે ત્યારે તેણે, દશર્નાના રાજા, પોતાના પિતાને ફરિયાદ કરી. રાજાએ પાંચાલ પર ચડાઈ કરી તેને ખતમ કરી નાખવાની ધમકી આપી. એટલે યક્ષની મદદ લઈને શિખંડી જાતિબદલો કરીને 'પુરુષ' બન્યો. ઘણાં માબાપને એમ આશા રહે છે કે તેમનો પુત્ર લગ્ન કરશે એટલે કોઈ જાદુની છડીથી કે કોઈ બાબાની પ્રાણાયમની કસરતો કે કોઈ જડીબુટ્ટીથી્ સામાન્ય પુરુષો જેવો વિષમલિંગી બની જશે !

સમલૈંગિક-પત્ની શબ્દપ્રયોગનો ઉદ્‍ભવ ચીનમાંથી થયો છે.ત્યાંની લાખો સ્ત્રીઓ તેમના પતિ ગૅ છે   તે વાત ચુપચાપ સહન કરી લેવા હવે તૈયાર નથી, કેમકે વર્ષોની એક જ સંતાનની સરકારી નીતિને કારણે તેમનો પતિ એક માત્ર સંતાન હોઈ, તે સિવાય તેઓને તેમનાં કુટુંબને વારસ મળે તેમ નથી.પુરુષ વારસ પેદા ન કરી શકે તો તેનો જન્મારો નિષ્ફળ ગયો એ્વી કન્ફ્યુશિયસવાદની માન્યતા તેમને હવે સ્વીકાર્ય નથી. આ સ્ત્રીઓને સમાજનો દૃષ્ટિકોણ બદલવો છે જેથી આવનારી પેઢીઓને તેમના જેવી યાતના સહન ન કરવી પડે.

સમલૈંગિક-પત્ની તો ત્રાસ ભોગવી જ રહી છે, સમલૈંગિક પતિને વિલન કહેવો કે, પોતાના પિતાથી હૃદયભંગ થઈ ચૂકેલ પોતાની માની અસંભવ ઈચ્છાઓ પુરી નહીં થાય તો તેનું દિલ તૂટી જશે એ ભયથી માની સમે હરફ ન કાઢી શકતા આ નિર્બળ મનોબળી નરને પણ સમાજના રીતરિવાજોનો બલિ કહેવો ? કોઈ પણ પક્ષની તરફેણમાં નિર્ણય કરવો મુશ્કેલ જણાય છે.

  • મિડ ડેમાં ૨૯ માર્ચ, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ, પરના અસલ અંગ્રેજી લેખAre you a homo-wife?નો અનુવાદ : પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો