સૌન્ડ્રા ડૉલ્ટન-સ્મિથ, એમ.ડી.
શક્તિની ઉણપ વર્તાતી હોય
ત્યારે તેના ઉપાય તરીકે વધારે ઊંઘ લેવાનો પ્રયત્ન ક્યારેય કર્યો છે? અને તેમ છતાં થાક તો એટલો
જ વર્તાતો હોય એમ પણ અનુભવ્યું છે ને?
આવો જો તમને અનુભવ થતો હોય, તો તેનું રહસ્ય એ છે કે
આપણામાંનાં મોટા ભાગનાં લોકો ઊંઘ અને આરામ બન્નેને એકસમાન ગણવાની ભુલ જરૂર કરે છે, પણ હકીકત એ છે કે એ બન્ને એક બાબત નથી.
આપણે આખી જિંદગી એમ જ માનતાં રહીએ છીએ કે પુરતી ઊંઘ લીધી એટલે પુરતો આરામ પણ
મળી ગયો - પરંતુ એ ભુલભરી માન્યતાને કારણે, વાસ્તવમાં, આપણા માટે અતિઆવશ્યક એવા આરામથી આપણે વંચિત રહીએ છીએ.
પરિણામ એ આવે છે કે બહુ સિદ્ધિઓ પામતાં પામતાં, બહુ બધાં કામો કરતાં
કરતાં આપણે બહુ જ ઝડપથી ઘસાતાં જઈએ છીએ. આરામની ખરી શક્તિ ન સમજી શકવાને કારણે
આપણે બહુ થોડા જ સમયમાં આરામના અભાવથી પીડાવા લાગીએ છીએ.
જીવનનાં આ સાત ક્ષેત્રોમાં થતા ઊર્જાના વપરાશને આરામ સરભર કરી શકે એ
મહત્ત્વનું છે.
પહેલા
પ્રકારનો આરામ છે શારીરિક આરામ, જે નિષ્ક્રિય પણ હોય અને
સક્રિય પણ હોય. ઊંઘી જવું, પડી રહેવું વગેરે નિષ્ક્રિય પ્રકારના શારીરિક આરામ છે. તેની
સામે યોગ, સ્નાયુઓને ખેંચવાની કસરતો કે માલિશ જેવા ઉપચારો જેવા સક્રિય
શારીરિક આરામ શરીરમાં લોહીનું ભ્રમણ વધારવામાં અને શરીરની લવચીકતા જાળવી રાખવાનું
કામ કરે છે.
બીજા
પ્રકારનો આરામ માનસિક આરામ છે. તમે ઘણાં સહયોગીને દિવસની શરૂઆત એક કપ ગરમાગરમ કૉફી કે
ચાની સાથે કરતાં જોયાં હશે ! ધ્યાનથી જોશો તો, કદાચ, એ લોકો વધારે ચીડિયાં, કે ભુલકણાં જોવા મળશે.
પોતાનાં કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ તેમને તકલીફ પડતી હોવાનું પણ શક્ય હોઈ
શકે છે. એ વ્યક્તિ જ્યારે રાતે ઊંઘવા માટે આડી પડે છે ત્યારે મોટા ભાગે તેને
દિવસનાં કામકાજોના સંવાદો તેના મગજમાં વિચારો બનીને ઘુમરાયા કરે છે. પરિણામે, સાત-આઠ કલાકની ઉંઘ લેવા છતાં પણ એ જ્યારે ઊઠે છે ત્યારે
જાણે ઉંઘ જ ન કરી હોય એટલી થાકેલી હોય છે. એ વ્યક્તિને માનસિક આરામની ઉણપ અનુભવાય
છે.
જો કે માનસિક આરામ થાય એટલા માટે કરીને તમારે તમારૂં કામ છોડી દેવાનું કે ઓછું
કરવાની કે વધારે રજાઓ લેવાની વાત નથી. કામના આખા દિવસ દરમ્યાન દર બે કલાકે નાના
નાના વિરામની પણ સમયપત્રકમાં જોગવાઈ રાખો. આ નાના નાના વિરામ તમારી દોડધુપને, તમારી
ગતિ ધીમી કર્યા સિવાય, થોડી ધીમી કરવાનું મહત્ત્વનું કામ કરે
છે. રાતના જે વિચારો ઉંઘવા નથી દેતા તેને ટુંકમાં ટપકાવી લેવા ઓશીકાંની બાજુમાં એક
નાનકડી ખીસ્સાપોથી અને પેન રાખવાનું પણ કરી જોવા જેવું છે.
ત્રીજા
પ્રકારનો આરામ શરીરની ઈંદ્રિયોની આરામની જરૂરિયાત પુરી કરવાનો છે. ઑફિસમાં કામ દરમ્યાન, કે ઘરે
આરામ કરતી વખતે, બહુ વધારે પ્રકાશની હાજરી, કોમ્યુટર સ્ક્રીન કે ટીવી સ્ક્રીનની સામે લાંબા સમય સુધી
જોતાં રહેવું, પાછળથી અવાજો આવ્યા કરવા, એક સાથે અનેક લોકો સાથે, લાંબા સમય સુધી, વાતો કર્યા કરવી વગેરેથી આપણી ઈંદ્રિયોપર બહુ મોટો બોજો આવી
પડે છે. દર કલાકે બેએક મિનીટ આંખ બંધ કરીને બેસવું કે ઈલેક્ટ્રોનિક સાધનોથી
સભાનપણે, થોડો સમય, વેગળા રહેવું જેવા બહુ સાદા ઉપાયો બહુ મોટું કામ કરી શકે
છે. આજનાં જગતની, આસપાસ ચાલી રહેલ, ઈંદિયોને સક્રિયપણે ઉત્તેજિત રાખતી અનેક, દેખીતી રીતે સાવ સામાન્ય જણાતી, પ્રક્રિયાઓથી દેખીતી રીતે ધીમે ધીમે થતાં, પણ એક સમય બાદ જેને હતું ન હતું કરવું એકદમ મુશ્કેલ બનાવી
દેતાં, નુકસાનને મહદ અંશે ઓછું કરવામાં
ઈન્દ્રિયોને સભાનપણે વંચિત રાખવાનું બહુ જ કામયાબ નીવડી શકે છે.
ચોથા
પ્રકારનો આરામ સર્જનાત્મક આરામ છે. જે લોકોએ નવા નવા પ્રશ્નોના હલ ખોળવાના છે કે નવા નવા
આઈડીયા માટે વિચારમંથન કરવાનાં છે તેમને માટે આ પ્રકારનો આરામ મહત્ત્વનો બની રહે
છે. સર્જનાત્મક આરામ આપણા દરેકમાં શ્રદ્ધાયુક્ત ભય અને નવાઈની ભાવના પુનઃજીવીત કરે
છે. તમે જ્યારે સૌ પહેલી વાર ઊંચા ઊંચા પહાડો, કે અફાટ સમુદ્રનાં ઉછળતાં
મોજાં, કે ઘુઘવાટ કરતો ધોધ જેવી કોઈ કુદરતી કરામત જોઈ હોય ત્યારે
તમારામાં કેવી અનુભૂતિઓ જાગી ઊઠી હતી તે યાદ છે? કુદરતની મજા તો બારીની
બહાર દેખાતી સવાર, કે સંધ્યા, કે કલબલાટ કરતી ચકલીઓ કે
બગીચાઓમાં ફુલોથી લચી પડેલી ડાળીઓ જોવામાં પણ માણી જ શકાય છે. કુદરતની સાથે તદ્રુપ
થવાની એ અનુભૂતિ તમારા માટે સર્જનાત્મક આરામ છે.
જોકે કુદરતનાં સૌંદર્યને માણવા પુરતો જ સર્જનાત્મક આરામ મર્યાદિત નથી; તે તો કળાને માણવામાં પણ રહેલ છે. તમારાં કાર્યસ્થળની આસપાસ
તમે કુદરતને કે કળાને જેટલી જગ્યા આપશો
તેટલો તમે સર્જનાત્મક આરામને સરળતાથી મેળવી શકશો. આખું અઠવાડીયું સામે નિર્જીવ
દિવાલ કે વર્કસ્ટેશનોનાં ચોકઠાંઓની દિવાલો કે મશીનો-વાયરો અને પાઈપોનાં જાળાંઓ જોઈને
તમે તમારાં કામમાટે જોમ ટકાવી રાખો એ તો ન જ બની શકે !
આપણે હવે એક બીજી વ્યક્તિની વાત કરીએ. એ વ્યક્તિ એક એવી મિત્ર છે જેને બધાં
સૌથી વધારે સરસ વ્યક્તિ માને છે. બધાંને તે ખુબ ભરોસાપાત્ર પણ લાગે છે. તમને
ખાત્રી છે કે જ્યારે પણ જરૂર પડશે ત્યારે તે તમારી પડખે હશે જ ! જે કામ તેનાથી નહી
થઈ શકે તેમ હોય તેના માટે તે રૂખીસુખી 'ના' નહીં સંભળાવી દે. આવી વ્યક્તિઓ જ્યારે એકલી પડે ત્યારે
તેમને એવું લાગતું હોય છે કે લોકો તેમનો માત્ર લાભ જ ઊઠાવે છે, કામ પડે ત્યારે યાદ કરે, તે સિવાય ભાવ પણ નથી
પુછતું.
આવી વ્યક્તિઓને પોતાની નાની નાની મુંઝવણો કોઈને કહી શકવા માટેનો સમય કે અવકાશ
મળવાથી, કે અન્ય લોકોને ખુશ
રાખવાની વ્યર્થતામાંથી થોડી મુક્તિ મળવાથી મળતા લાગણીઓના આરામની જરૂર છે. પોતે જે છે તે જ બીજાં
સમક્ષ રજૂ થવા મળે તેમાં પણ લાગણીજન્ય આરામ મળે છે. જે વ્યક્તિઓની લાગણીઓને પુરતો
આરામ મળ્યો છે તે સાવ જ સામાન્યપણે પુછાયેલ 'કેમ છો?'ના જવાબમાં સચ્ચાઈના રણકાથી કહી શક્શે, 'આજે થોડી ગડાબડ તો છે.' અને પછી, જો તક મળે તો, બીજાં સાથે ન વહેંચી શકાય એવી, પોતાના મનની વ્યથા કે મુંઝવણ કે તકલીફો તમને કહી શકશે.
તમને જો લાગણીઓના આરામની જરૂર હોય, તો શક્ય છે કે તમને સામાજિક આરામની પણ તૂટ પડતી હોય. જે
સંબંધ આપણે નવચેતન કરે તેને બદલે આપણને લાગણીઓથી ખાલી કરી અને થકવી કાઢે તેવા
સંબંધોથી જ્યારે તમે ઘેરાયેલાં હો ત્યારે આવા સામાજિક આરામની જરૂર અનુભવાય છે.
વધારે સામાજિક આરામ અનુભવવા માટે તમારા એવાં લોકો સાથે વધારે સંબંધો હોવા જૉઇએ જે
મૂળતાં હકારાત્મક અને મદદરૂપ બની શકતાં હોય. એ સંબંધો પ્રત્યક્ષ ન હોય અને પરોક્ષ
પણ હોય તો પણ તમે એ વ્યક્તિને તમારી સામે કલ્પીને પણ સામાજિક આરામ અનુભવી શકો છો.
અને આરામનો અંતિમ પ્રકાર છે આધ્યાત્મિક આરામ (મનની શાંતિ). મનની શાંતિ ત્યારે જ
મળી કહી શકાય જ્યારે શારીરિક અને માનસિક સ્તરને અતિક્રમીને મન સાથે તંતુ જોડાય અને
આત્મ-અનુભૂતિ અનુભવાય. આ કક્ષાએ પહોંચવા માટે એક તરફ તો ધ્યાન જેવા ઉચ્ચ પ્રકારના
યોગની સાધન કરી શકાય અને ક્યાં તો સમાજે જે આપ્યું છે તે થોડે ઘણે અંશે પણ પાછું
વાળી શકાયાનો સંતોષ અનુભવી શકાય તેવાં સમાજોપયોગી કાર્યોમાં અસરકારક યોગદાન માટે
ખાસ સમય ફાળવી શકાય.
આ ચર્ચાનું આપણે એટલું જ તારણ કરીશું કે ઊંઘ એ જ એક માત્ર
આરામ નથી. દરેક વ્યક્તિએ પુરતી અને ગાઢ ઊંઘ આવે એ મુજબની જીવનશૈલી જરૂરથી ગોઠવવી જ
જોઈએ. તે ઉપરાંત હજુ પણ તેમાં કયા ખાસ પ્રકારના આરામની ઘટ છે તે ખોળીને તે
અનુસાર ફેરફાર કરવાથી શરીર, મગજ અને અમન વધારે પ્રફુલ્લિત અને તાજગીસભર બની રહેશે.
+ + +
સંપાદકની નોંધ: થાક લગાવાનાં કારણોમાં કોઈ આરોગ્ય
સંબંધી તકલીફ પણ હોઈ શકે છે. એટલે એવી સ્થિતિ લાંબો સમય ચાલે તો તરત જ તબીબી સલાહ
લેવી આવશ્યક છે.
સૌંન્ડ્રા
ડૉલ્ટન-સ્મિથ,
એમ.ડી. તબીબ, સંશોધક અને "Sacred Rest: Recover Your
Life, Renew Your Energy, Restore Your Sanity." પુસ્તકનાં લેખિકા પણ છે. તેઓનું કામ Fast Company, FOX, MSNBC અને Psychology Today પર પ્રકાશિત થતુ રહે છે. ડૉ. સૌંડ્રા ડૉલ્ટન-સ્મિથ
વિશે વધારે જાણવા માટે તેમની વેબસાઈટની
મુલાકાત લેશો.
તેમની સાથે ઈન્સ્ટાગ્રામ (@DrDaltonSmith) કે
લિંક્ડઈન (Linkedin.com/in/drdaltonsmith) પર પણ સંપર્ક રાખી શકાય છે..
+ + +
આ લેખ , તેમનાં TEDxAtlantaના ઉપક્રમે યોજાયેલ વ્યક્તવ્ય, The real reason why we are tired and what to do about
it પરથી તૈયાર કરાયો છે. તે અહીં જોઈ શકાય છે :
ટીઈડી.કૉમ/TED.com પરની ‘કેમ વધારે સારા
મનવી બની શકીએ / How to Be a Better
Human શ્રેણીની ઉપશ્રેણી માનવીઓ આપણે / We humans માં પ્રકાશિત થયેલ સૌન્ડ્રા ડૉલ્ટન-સ્મિથ, એમ ડી, / ના મૂળ અંગ્રેજી લેખ The 7
types of rest that every person needsનો અનુવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો