બુધવાર, 3 ફેબ્રુઆરી, 2021

અને બધું ધડધડ કરતું પડ્યું હેઠું - દેવદત્ત પટ્ટનાઈક

 

માણસનું  મન ભૂકંપ કે ત્સુનામી જેવી કુદરતી આફતોને સમજવાની કોશીશ કરે છે - આપણી સાથે આમ કેમ બન્યું હશે? માનવ મન મૂલ્યવૃદ્ધિ પણ ચાહે છે - આ ઘટના થકી આપણે આપણા ધર્મનો કે આપણાં રાજકારણનો કે આપણી આગવી ઓળખનો પ્રસાર શી રીતે કરી શકીએમાનવ મન અર્થઘટન પણ માગે છે. આપણા માટે આ ઘટનામાંથી શું શીખ છેપરંતુ કુદરત કંઈ પણ સમજાવતી નથી કે, નથી મૂલ્યવૃદ્ધિની વાત કરતી કે ન તો કોઈ પદાર્થપાઠ આપવાની ચેષ્ટા સુધ્ધાં કરે છે. એ બધી તો માનવ મનની કલ્પનાઓ જ બની રહે છે.

સાંખ્ય તત્ત્વજ્ઞાન આ વિભાજનને નિષ્પક્ષપણે પ્રકૃતિ (કુદરત) અને પુરુષ (માનવ જાત)એ પ્રકારનાં તત્ત્વો વડે સમજાવે છે. જોકે આ અર્થઘટનમાં આપણે વિચારી તેના કરતાં વધારે કંઈ રહેલ છે. અન્ય સજીવો કરતાં એકલો માનવ જ કુદરતી ઘટનાઓ સામે સાવ અલગ રીતે વર્તે છે.  આપણી કલ્પનાશક્તિ આપણે એમ માનવા પ્રેરે છે કે આપણે કંઈક ખાસ છીએ : દુનિયામાં આપણો કોઈ હેતુ છે, કે પછી દુનિયાનું અસ્તિત્ત્વ આપણા ફાયદા માટે છે.

ભારતવર્ષમાંથી ઉદ્‍ભવેલા હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મોની વિચારસરણી એમ ચોક્કસપણે માને છે કે આ દુનિયામાં બધું જ નશ્વર છે. જે આવ્યું છે તે આખરે જવાનું જ છે. સૂર્ય ઊગે છે અને આથમે છે. વિષ્ણુ જાગે છે અને ફરીથી ઊંઘી જાય છે. માનવી જન્મે છે અને અમુક વર્ષો બાદ મૃત્યુ પામે છે. મોટાં મોટાં રાજ્યો વિકસે છે અને પછી પડતી થતાં થતાં અસ્તિત્ત્વ ગુમાવે છે. રાજાઓ આવે છે અને જાય છે. પરિવર્તનનો દર ક્યારેક ધીમો તો ક્યારેક તીવ્ર હોય છે, ક્યારેક નિયમબધ્ધ હોય છે તો ક્યારેક કોઈ જ નિયમને ન અનુસરતો હોય છે. ક્યારેક તેના વિશે આગાહી કરી શકાય તે હોય છે તો ક્યારેક તે સાવ જ અકળ હોય છે. આપણા માટે  અસ્તવ્યસ્તપણે થતાં કે અચાનક થતાં કે અકળ પરિવર્તનો સાથે કામ પાર પાડવું અઘરૂં બની રહેતું હોય છે. એ સમયે આપણે કળાનો આશરો લઈએ, કે કાવ્ય રચીએ કે પછી તત્ત્વજ્ઞાનનો આશરો શોધીએ છીએ. તેનાથી આપણને મૃત્યુ કે કુદરતી આફત જેવી અણધારી ઘટનામાંથી બહાર આવવા માટે બળ મળે છે. પરંતુ કુદરતને આપણી કવિતાઓ કે તત્ત્વજ્ઞાનની પડી નથી હોતી. તે તો પોતાની રીતે આગળ ધપ્યે જાય છે. પ્રકૃતિને નારી જાતિનાં સ્વરૂપે જોવું એ પણ માનવ કલ્પનાનું જ પરિમાણ છે.

  જ રીતે દેશ-રાજ્યો પણ આપણી કલ્પનાનું જ પરિંમાણ છે. આપણે એમ માનીએ છીએ કે એક દેશની સીમામાં પેદા થયેલી સંપત્તિને તેની સીમાની બહાર ન જવા દેવી જોઈએ. એ માન્યતાઓને કારણે તવંગર અને ગરીબ કે સુખી અને દુઃખી એમ અલગ અલગ કક્ષામાં વહેંચાયેલા દેશો બન્યા. એવી જ કલ્પના ભારત દેશને ત્રિ-લોકમાં વહેંચે છે - ભારત લોક(ગ્રામ્ય ભારત કે સ્થાનિક ભાષા બોલતું ભારત), ઈન્ડીયા - લોક - (શહેરી ઈન્ડીયા કે અંગ્રેજી બોલતું ભારત) અને બિનનિવાસી -લોક (વિદેશમાં વસતાં ભારતીય નાગરિકો કે ભારતીય ભાષાના લહેકા વિના અંગ્રેજી બોલતું ભારત). કુદરત માટે તો એ ત્રણેય પોતપોતાનાં સ્પષ્ટ કલ્પનાવિશ્વ ધરાવતાં  પ્રાણીઓ માત્ર છે, જેમણે પોતાના અનુભવો અને ભાષાનો અલગ અલગ રીતે ઉપયોગ કર્યો છે.

ઈન્ટરનેટ પરની ટ્રોલ  લડાઈઓમાં મચ્યાં પડ્યાં રહેતાં ડાબેરી, જંમણેરી કે મધ્યમમાર્ગી યોદ્ધાઓ, કે પછી શિસ્તબધ્ધ ન ટ્રોલ કરનારાંઓ સુદ્ધાં, એવું જ માને છે કે માત્ર પોતાનો જ અભિપ્રાય સાચો છે અને દુનિયાને, કે પછી હિંદુ, કે ઈસ્લામ કે ખ્રિસ્તી કે કોઈ પણ ધર્મ કે કોઈ પણ વાદ કે કોઈ પણ વિચારધારાને તારવાનો એકાધિકાર ઠેકો એમનો જ છે. પરંતુ વાસ્તવિકતા તો સાવ અલગ જ છે. અભિપ્રાયો, ક્રાંતિઓ, સરમુખત્યારો, ગુરુઓ અને શિષ્યો આવે છે અને જતા રહે છે, સંદર્ભ અનુસાર પાછા બદલાતા પણ રહે છે. અને કુદરત તો  પોતાની રીતે જ આગળ વધતી રહે છે.

કુદરતની આ બેપરવાહી ડરામણી છે. આપણે ઈચ્છીએ છીએ કે આપણા મિત્રનાં મા આપણી કેટલી પ્રેમથી સંભાળ લે  છે, તેમ કુદરતે પણ આપણી સંભાળ રાખવી જોઈએ. શિલાઓ અને શિલાલેખો પર આપણે એ અપેક્ષામાં'આંખો' કોતરીએ છીએ  કે જે સર્વશક્તિશાળી બળ આપણને જોઈ નથી શકતું, પણ તે છે તેવું અનુભવીએ જરૂર છીએ, તેની આપણી પર કૃપાદૃષ્ટિ બની રહે. આપણે તેમને ભોગ પણ ધરાવતાં રહીએ છીએ. તેમની સામે આપણે આપણાં જીવનમાં સારાં બની રહેવાની કસમો ખાઈએ છીએ. પછી ભલેને તેને લોહી ચડાવીએ કે ન ચડાવીએ; મંદિરો બાંધીએ કે  ન બાંધીએ; ધર્મિષ્ઠ બનીએ કે બનીએ; ધર્મ કે વિચારધારા પરિવર્તન કરીએ  ન કરીએ; દાન પુણ્ય કરીએ ન પણ કરીએ તો પણ. આપણી કોઈ પણ માન્યતા કે અપેક્ષા હોય, કે કોઈ પણ રૂપકો કે રૂઢપ્રયોગો આપણે વાપરીએ, કુદરતને એ બધાંની કાંઈ જ પડી નથી. તે તો પોતાની રીતે જ આગળ વધતી રહે છે.

ફૂલો તો ખીલતાં રહેશે અને ફોરમતાં રહેશે, ફળો ઉગતાં રહેશે અને પાકતાં રહેશે. તે તો સાધુ હોય કે ડાકુ,  કે પુણ્યશાળી કે હોય પાપી, હોય રેશનાલિસ્ટ કે હોય રૂઢિવાદી, ટ્રોલવાદી હોય કે હોય સત્યસાધક, જે કોઈ તેની પાસે જશે તેને પોતાનો પુરો લાભ આપશે. એ લાભ લો કે ના લો, તમારો પણ એક દિવસે તો નાશ થશે જ. અને તમારું શરીર કોઈ બીજાં સજીવ માટે ખોરાક પણ બની રહેશે !.

મિડ ડેમાં ૩ મે, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.

દેવદત્ત.કૉમ, પરના અસલ અંગ્રેજી લેખ, And all came tumbling down  નો અનુવાદ : પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો