બુધવાર, 3 માર્ચ, 2021

લો, નારદજી પધાર્યા - દેવદત્ત પટ્ટનાઈક

 

દરેક માનવી (સંસ્કૃતમાં, નર)નાં બે પાસાં હોય છે : પોતે શું છે અને તેની પાસે શું છે. પોતે જે છે તે 'નારાયણ' કહેવાય છે અને તેની પાસે જે છે તે 'નારાયણી' કહેવાય છે. નારાયણ માનવીનું સત્ય છે, તો નારાયણી એ સત્ય (સાચવવા) માટેનું પાત્ર છે. આપણે શેનાથી આકર્ષાઈએ છીએ - પાત્રતા, (નારાયણ) થી કે પાત્ર (નારાયણી)થી? આપણે આપણાં સૌંદર્ય, બુદ્ધિ અને સંપત્તિથી કંઈક અધિક છીએ એવું જાણવા છતા, આપણે દરેક માનવીનું મૂલ્યાંકન આ ત્રણ વસ્તુઓથી જ કરીએ છીએ. માનવીની એ કરૂણતા છે કે નારાયણીની પાછળ ભમવામાં તે નારાયણને ભુલી બેઠો છે. માણસને આ મૂળભુત વાત યાદ કરાવવી એ ખટપટિયા મનાતા ઋષિ નારદનું જીવનકાર્ય છે. 

નારદના જન્મની પુરાણકથા અનુસાર જ્યારે તેમનું સર્જન બ્રહ્માની કલ્પનામાંથી થયું ત્યારે તેઓ બધાંને દુનિયાનો ત્યાગ કરીને સાધુ બની અને બધી દુન્યવી બાબતોથી મુક્તિ મેળવી લેવાનું કહેવા લાગ્યા. એટલે દક્ષ, કે અમુક લોકોનાં કહેવા અનુસાર બ્રહ્મા એ જ, તેમને શ્રાપ આપ્યો કે તેમને કદાપિ મુક્તિ નહીં મળે. તેઓ દેવો, અસુરો. માનવોની દુન્યવી બાબતોમાં જ ગુંચવાયેલા રહેશે  એટલે, હવે તેઓ નારાયણ નારાયણનું રટણ કરતાં કરતાં, નારાયણી માટે ઝઘડાઓ કરાવતા ચારે તરફ ભ્રમણ કરતા રહે છે.

પ્રશિષ્ટ પરંપરા મુજબ, નારદ સંગીતજ્ઞ તરીકે અને વિષ્ણુના ભકત તરીકે, ત્રણેય વિશ્વમાં  ભજન ગાતાં ગાતાં. ભક્તિ માર્ગનાં ગુણગાનનો પ્રસાર કરતા રહે છે. લોકગીતો અને પરંપરાગત નાટકોમાં નારદનો પ્રવેશ મુશ્કેલીઓનું આગમનની છડી પોકારે છે. બ્રહ્માના પુત્ર એવા ઋષિ નારદ માનવો , દેવો અને દાનવોનાં ત્રણેય ભુવનમાં ભમતા રહે અને અહીનું જોયેલુ ત્યાં કહેતા રહીને જાણ્યેઅજાણ્યે મુશ્કેલીઓનાં વડાં પીરસતા જતા રહે છે.

નારદને સમજવા માટે તેઓ જે ઝઘડાઓ કરાવતા રહે છે તે ઝઘડાઓને સમજવા જરૂરી છે. તેઓ જ્યારે એક વસ્તુની સરખામણી બીજી વસ્તુ સાથે કરે છે તેમાંથી ઝઘડા પેદા થાય છે. તેઓ એક વેપારીને જઈને કહે કે પેલો વેપારી તો તમારા કરતાં વધારે સમૃધ્ધ છે, અને તેની પ્રશંસા પણ વધારે થાય છે.  એક નર્તકીને જઈને તેઓ કહે કે પેલી નર્તકી વધારે સુંદર છે અને વધારે સારૂ નૃત્ય પણ કરે છે. એક વિદ્વાનને જઈને કહે કે પેલો વિદ્વાન વધારે બુદ્ધિશાળી  છે, તેનાં વધારે સંશોધન પત્રો પ્રકાશિત થતાં રહે છે. વળી એ વિદ્યાર્થીઓમાં વધારે લોકપ્રિય પણ છે અને  પાછો સારૂં કમાય તો છે જ. આવી આવી સરખામણી થાય, તો પછી ઝઘડા જ થાય ને !

અધુરાંપણાં, અસલામતી અને ઇર્ષાની ભાવના પેદા કરતી વાતો દ્વારા નારદ લોકોનાં મનમાં અનેક જાતની કલ્પનાઓના ઘોડા છૂટા મુકી દે છે.  કયા માપદંડથી સરખામણી કરાઈ રહી છે તેના પર સરખામણીનો આધાર છે. એટલે જે માપી શકાય તે જ ઝઘડા માટેનું કારણ બની શકે છે. નારાયણી  સ્થૂળ,ભૌતિક છે અને તેથી માપી શકાય તેમ છે, એટલે કે તે અમુક ચોક્કસ સ્વરૂપ ધરાવતી, મૂર્ત, સગુણ વસ્તુ છે. નારાયણ આધ્યાત્મિક છે અને તેથી માપી શકાય તેમ નથી, એટલે કે તે કોઈ જ દેખીતા સ્વરૂપ વિનાની, અમૂર્ત, નિર્ગુણ વિભાવના છે.

આધુનિક મૅનેજમૅંટ અને જાહેર માધ્યમો  જેનાથી પોરસાય છે તેવી ભૌતિક અને માપી શકાય તેવી બાબતો પર આપણું ધ્યાન કેંદ્રીત થતું હોય છે, જેમાંથી પછી સરખામણી થવા લાગે છે છે, જે આગળ જતાં ઝઘડા પેદા કરે છે. નારાયણીની પકડમાંથી છૂટવા માટે આપણે નારાયણને આપણો સંદર્ભ બનાવવો જોઈએ, સરખામણી કરવાનું બંધ કરી દેવું જોઈએ અને આપણે જે, અને જેવાં, છીએ તેનો સ્વીકાર કરીને, તેને સૌથી વધુ સુખદ અનુભૂતિ કેમ બનાવી શકાય તેના પર ધ્યાન આપવું જોઈએ. નારદ આ  વાત જ કહેવા મથતા રહે છે, પણ તેમનું કોઇ સાંભળતું જ નથી.

જાણ્યેઅજાણ્યે ઊભા થયેલા વિખવાદ પછી તે તો પોતાના તંબુર પર ‘નારાયણ, નારાયણ’નો જાપ કરતા આગળ વધે છે. તેમના મોં પર માનવીની કલ્પી જ શાય તેવી મુર્ખામીઓ વિશે ચિંતિત હાસ્ય હોય છે. તેમના થકી ઊભાં થયેલ બખડજંતર વિશે તેમણે કદી (ક્રૂર) આનંદ નથી અનુભવ્યો કે નથી કદી તેનો ફાયદો ઉઠાવ્યો. તેમને હંમેશાં એ જ આશા રહેતી આવી છે આ બધા અનુભવોમાંથી માનવી આ જન્મે નહીં તો આવતા જન્મોમાં તો જરૂર કંઈ શીખશે.

  • મિડ ડેમાં ૧૦ મે, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ, પરના અસલ અંગ્રેજી લેખ, Here comes Narada નો અનુવાદ : પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો