બુધવાર, 10 માર્ચ, 2021

મૅનેજમૅન્ટના નામસ્રોતીય સિધ્ધાંત : મૅક્લ્યોડનું સ્તરીકરણનું મૉડેલ

 સ્તરીકરણ – બધાં પ્રાણીઓ સરખા છે પણ થોડાં વધારે સરખાં છે – એ સભ્ય સમાજની એક જૂનામાં જૂની વ્ય્વસ્થા છે. વધારે સક્ષમ, અને / કે વધારે નસીબદાર લોકો ઉપલબ્ધ સંસાધનો પર વધારે અંકુશ ધરાવે છે. તેને પરિણામે જે લોકો પાસે ઓછાં સંસાધનો (તેમના અંકુશમાં) હોય  છે તેમના પર આ લોકોનો વધારે પ્રભાવ બની રહે છે. સમય જતાં આ પ્રભાવ સત્તાનું સ્વરૂપ લેતો જાય છે.

૨૦૦૪માં કાર્ટુનિસ્ટ હ્યુઘ મેક્લ્યોડે ‘કંપની સ્તરીકરણ’ નામનું એક સીધુંસાદું કાર્ટુન પ્રસ્તુત કર્યું.



પહેલી નજરે આ મૉડેલ ક્લિષ્ટ પારિભાષિક શબ્દોનો વપરાશ કરતી કોઈ એક નવી સૈધ્ધાંતિક શબ્દજાળ જેવું દેખાય છે. એટલે આ પારિભાષિક શબ્દોને સમજવા માટે આપણે બીજા એક લેખ[1] ની મદદ લઈએ -

કોર્પોરેટ મનોરોગી (નામ) – જેની વ્યાવસાયિક વર્તણૂકમાં નૈતિકતાનો અભાવ છે અને જે દોલત, સત્તા કે નામના કમાવા માટે જોડતોડ કે ખેલના આટાપાટાનાં આયોજનમાં કાર્યકુશળ છે  એવી વ્યક્તિ.

મનોરોગી એવા પ્રકારનો રમતવીર છે છે પોતાની રમતનું સ્તર સુધારવા ડ્ર્ગ્સ લેતાં ખચકાય નહીં, તેને કોઈપણ ભોગે જીતવું જ હોય છે – અને તે માટે તે ગમે તે કરવા તૈયાર હોય છે. મનોરોગી પણ જોડ-તોડ કે બીજાંનું નીચે દેખાડીને પોતાનું લક્ષ્ય પૂરૂં કરે છે. તે પોતાની લક્ષ્યસિધ્ધિ માટે હઠાગ્રહ કહી શકાય તેટલી મહેનત કરી / કરાવી શકે છે. એક તબક્કે તેનાં લક્ષ્ય - અને સંસ્થા સુધ્ધાં – કરતાંપણ પોતાનો અહં કે પોતાનો અંગત સ્વાર્થ તેના માટે વધારે મહત્ત્વનાં બની જાય છે.

કોર્પોરેટ હારખાઊ (નામ) – તે પોતાનાં કામમાં કાર્યક્ષમ તેમ જ વ્યાવસાયિક બાબતોમાં નીતિવાન છે અને જાણે છે કે કોપોરેટ નેતૃત્વ (મનોરોગીઓ) જરૂર પડ્યે નૈતિકતા બાજુએ મુકી શકે છે. કોર્પોરેટ હારખાઊ પોતાની સંસ્થાને વફાદાર નથી કેમકે તેને ખબર છે સંસ્થા તેના તરફ કેટલી વફાદાર છે. જોકે પોતેજ પેદા કરેલ ભય, કે આળસ કે સર્જનાત્મકતાના અભાવને કારણે અંતરાત્માના અવાજને કચડી નાખતી નોકરી તે છોડતો નથી.

આ વર્ગનાં લોકો પિરામિડનાં તળિયે તુટતાં રહે છે તેમાં કંઈ આશ્ચર્ય નથી. જોકે વાસ્તવિક જગત કાયમ આવું રહેતું નથી. તેની વાત અલગથી કરીશું.

કોર્પોરેટ સૂઝવિહોણું (નામ) – સસ્થાને વફાદાર, સંસ્થાની બેવફાઈથી બિલકુલ બેખબર. તે હંમેશાં તેના ઉપરીએ સુચવેલ દિશા જ અનુસરશે અને એ મનોરોગી નેતૃત્વ તેની નોંધ લે છે તે માટે ગર્વ અનુભવે છે. મનોરોગીઓ અને હારખાઉઓ વચ્ચે તે સંવાદનાં અવાહક સ્તરીકરણને વિસ્તારતું ક્ષેત્ર છે. જ્યારે કંઈ પણ ખોટું થાય ત્યારે મનોરોગીઓ તેને સહેલાઈથી બલિનો બકરો બનાવી શકે છે  

સૂઝબુઝવિહોણાઓ મનોરોગીઓના બે બાજુએથી હાથા બની શકે છે:

પહેલું, તેમની વફાદારી તેમને બલિના બકરા બનાવવા માટે સગવડરૂપ નીવડે છે. દોષનો ટોપલો પહેરી લેવાની તેમની કચાશને કારણે મનોરોગીઓ, પોતાની આબરૂને જોખમમાં મુક્યા સિવાય જોખમો ખેડી શકે છે.

બીજું, સુઝબુઝ વગરનાંઓ હારખાઉઓ અને મનોરોગીઓ વચ્ચે ઢાલ બની બેસે છે. બન્ને બાજુએથી જે કોઈ તીર છૂટે, તે આ લોકો પોતાના પર ઝીલી લે. મનોરોગીઓને તો તેને કારણે પાણી પાઈને તેલ કાઢવાની સગવડ મળીજાય છે. તો ,હારખાઉઓ આ ખેલને સમજે છે, એટલે આવું થાય ત્યારે રોષે પણ ભરાય છે. પણ એ લોકો જઈને વરાળ કાઢે સુઝબુઝવાળાંઓ પર. સુઝબુઝવાળાઓએ તો આંખે વફાદારીના ડાબલા બાંધી લીધા હોય, હારખાઉઓની લાગણી મનોરોગીઓને એ જ ભાવનાથી પહોંચાડે નહીં, હારખાઉઓ, વરાળ કાઢીને ઠંડા પડી જાય અને ‘એ લોકો તો છે જ એવા’ કહીને પોતાનો માર્ગ ખોળી લે.

મેકલ્યોડ મૉડેલનાં આવા નકારાત્મક જણાતાં વર્ગીકરણ શીર્ષકોને કારણે આ મૉડેલની ઉપયોગીતાને ઓછી આંકી બેસાશે એવું લાગતું હોય તો, વિકલ્પે, આપણે જેનાથી ટેવાયેલાં છીએ એવાં શીર્ષકો પણ આપી શકાય, જેમ કે, અનુક્રમે. ‘આત્મશ્રદ્ધાવાન અગ્રેસર’, ‘બેહિસાબ વફાદાર’ અને ‘નીતિવાન કમરતોડ મહેનતુ’.

કમનસીબે, પીટર સિદ્ધાંતની જેમ જ સ્તરીકરણનું મૅક્લ્યોડ મૉડેલ પણ નરી વાસ્તવિકતા છે.

આ કક્ષાઓની બહાર વિચારી શકવાને જે ક્ષમતા ધરાવી શકે છે તે ‘કોર્પોરેટ સજાગ’ની કક્ષાએ પહોંચે છે.

કોર્પોરેટ સજાગ (નામ)નેતૃત્ત્વ અને ચાતુર્ય બાબતે ક્ષમતાવાન, સંભાવિત નિષ્ફળતાઓને ગણતરીમાં લઈને જોખમ ખેડવાની આવડત અને તૈયારી ધરાવનાર, પોતાનાથી ઉપરનાં સમોવડીયાં કે નીચેનાં પ્રત્યે સમજણપૂર્વકની સહાનુભૂતિ ધરાવનાર વ્યક્તિ. વેપાર જગતની વાસ્તવિકતાઓ અને રાજકારણને સમજે અને જરૂર પડ્યે, નૈતિકતાની સીમામાં રહીને, સંસ્થાના ફાયદા માટે તેનો ઉપયોગ કરતાં તે ખચકાય નહી. અને સૌથી વધારે મહત્ત્વની બાબત એ કે તે સમજે છે કે પોતાને સંસ્થાની જેટલી જરૂર છે, તેનાથી વધારે જરૂર સંસ્થાને તેની છે.

ડેનીઅલ મિસલર[1]  મેકલ્યોડ દ્વારા પ્રયોજિત ત્રણ પારિભાષિક શબ્દપ્રયોગો માટે અનુક્રમે રાજાઓ, ઋષિઓ અને ગતિપ્રેરક ચક્રના દાતાઓ શબ્દપ્રયોગો સુચવે છે.

વ્યવહારિક જીવનમાં એમ પણ જોવા મળે છે કે જો તમારે આમાંના કોઈપણ ક્ષેત્રમાં ઉપરની કક્ષા તરફ જવું હશે કે આ ભવાટવિમાંથી બહાર નીકળવું હશે તો એવી ક્ષમતા વિકસાવવી પડાશે કે જે તમને વર્તમાન  ભ્રમણકક્ષામાંથી તમે જે ધારો છો તે ભ્રમણકક્ષામાં લઈ જઈ શકે તેટલો નિષ્ક્રમણ વેગ (escape velocity) પુરો પાડે. જો કંઇ જ કર્યા વગર જ્યાં છીએ ત્યાં જ પડી રહેવાની ‘અક્ષમતા’ દાખવીશું તો ગુરુત્વાક્ર્ષણનું બળ આપણને નીચેની કક્ષાએ જ ખેંચી જશે..

જે લોકો અત્યારે અગ્રણી તરીકેનાં સ્થાન પર છે, અથવા તો એ સ્થાન પર પહોંચવા માગે છે, તેમણે, બ્રિટનના બહુખ્યાત પ્રધાનમંત્રી બેંજામીન ડીઝરાયલી કહે છે તેમ, પોતાની ઉપરવાળાંઓ કે સહયોગીઓએ કે નીચેનાં માટે સારાં સંવેદનશીલ સહાનુભૂતિપૂર્વકની સમજણ ધરાવનાર બનવાની સાથે સાથે એક સારા કસાઈ પણ થવું જોઈશે.[2] 

બે ઘોડા પર સવારી કરવા જેટલું મુશ્કેલ છે આ કામ. એટલે જ કહેવાય છે ટોચનાં સ્થાન પર બહુ એકલતા હોય છે. અનુભવાતીત નેતૃત્વની કક્ષાએ પહોંચવું અને ત્યાં બની રહેવું નટબજાણીયાનો એવો ખેલ છે જેમાં તેને ધ્ગધગતાં દોરડાં પર ‘સંવેદનશીલતા’ અને ‘ભાવશૂન્ય લક્ષ્યાભિમુખ કસાઈપણાં’ વચ્ચે સંતુલન જાળવવાનું છે.

પીટર સિધ્ધાંતની જેમ કટાક્ષમય શૈલીમાં રજૂ કરાયેલ મેક્લ્યોડ સ્તરીકરણ મોડેલે પણ મૅનેજમૅન્ટ સાહિત્યમાં તેમજ જાણકારોમાં રમૂજ સાથે જ્ઞાન આપતી અનેક અર્થપૂર્ણ ચર્ચાઓને વહેતી કરી છે.

[2] Who are you, anyway? 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો