બુધવાર, 14 એપ્રિલ, 2021

જાનની બાજી ખેલતા આપણામાંના લડવૈયાઓ - દેવદત્ત પટ્ટનાઈક

 ના હોં, આ લેખ એ ફિલ્મનિર્માતાઓ વિશે નથી જેઓ બોલીવૂડને યુરોપનાં કલાગૃહ સિનેમા સાથે કે મુંબઈને શિકાગો સાથે ભેળસેળ કરી દે, કે જેઓ જરા સરખી પણ ટીકા સહન ન કરી શકે અને જ્યારે બજાર ભાવ ન આપે ત્યારે 'હું તો ટકી જઈશ'વાળી, નાટ્યરાણીઓની પસંદની,

પશ્ચાદભૂમિકામાં વાગતી ધુન સાથે કોઈ વિદેશી લોકેશન પર રીસાઈને બેસી જાય.

આ વાત તો બોલીવુડ, દિલ્હી કે કોર્પોરેટ ભારત કે ક્રિકેટની બહારના મોતના કૂવાઓના લડવૈયાઓની છે : લગ્નમંડપમાં તૈયાર થઈને બેઠેલી કન્યાઓને ઘોડે ચડીને પરણવા નીકળતા દલિત વરરાજાઓની છે, જેમણે સાફાને બદલે હેલ્મેટ પહેરવી પડે છે. કેમકે ઘણા આવા વરરાજાઓને આમ કરવાની હિંમત કરવા બદલ તેમના પર સવર્ણ પુરુષો તેમજ સ્ત્રીઓના હાથે ફુલવર્ષા નહીં પણ પથ્થરવર્ષાનો સામનો કરવાનો આવે છે.

હવે એમ ન કહેશો કે આ તો હિંદુઓની એક પરંપરા છે? તે પણ માત્ર ઉત્તર ભારતાના સવર્ણ હિંદુઓની જ. આવું અમુક કોમ પુરતું જ મર્યાદીત છે? જો તમિળ બ્રાહ્મણો કે રેડ્ડીઓ પ્રખ્યાત હિંદી ફિલ્મો કે ટીવી સિરિયલો જોઈને પોતાનાં લગ્નોમાં ઉત્તર ભારતની 'સંગીત' રસમ દાખલ કરી શકે તો, રિમિક્ષના  જમાનામાં પેલો બિચારો દલિત વરરાજા ઘોડે ચડીને ક્યાંય જઈ પણ ન શકે? ચાલતા ન જવાની કે ઘોડે જ ચડવાની તેમની હઠમાં બીજાં બધાંઓને મરચાં શેનાં લાગે?

વર્તમાનપત્રોમાં આવતી ખબરો તો ગાત્રો થીજાવી દે છે. પથ્થર ફેંકાવા, રસ્તા બંધ કરી દેવા, પાણી પીવાલાયક ન રહેવા દેવું જેવા કેટલાયે પડકારો ઝીલીને પણ પેલા વરરાજાઓ તો ઘોડે ચડેશે જ. ધીમે ધીમે જૂનાં સીતમગાર માળખાં વિખરાઈ જશે. આપણા લાડીલા નેતાઓએ કરેલ સારાં કામોને નીચાં દેખાડવાની રાજકીય પ્રપંચોની રમત તરીકે પણ આ બધું ખપાવાઈ શકે છે. પરંતુ તંત્રવ્યવસ્થા સામે વિરોધ અંદરથી જ જાગશે, એ બધું પ્રચાર માધ્યમોના શોરબકોર કે ચકાચૌંધ પ્રકાશના શેરડાઓમાં નજરે પડતી વ્યાપક ક્રાંતિઓનાં સ્વરૂપમાં નહીં હોય પણ, ચુપચાપ છતાં નિશ્ચિતપણે, બહુ ગાજ્યા વિનાનાં સંપોષિત સર્વાંગી પરિવર્તનો થતાં રહેશે.

જ્ઞાતિ પ્રથા ભારતની (વરવી) વાસ્તવિકતા છે. આજે પણ તમારી અટક પુછવા પાછળનું કારણ જ્ઞાતિ જાણવાનું જ હોય છે. ગામડાંઓમાં જો ભૂલેચુકેય કદાચ નીચી જાતિનાં ગણાયાં, તો ચા પણ કાચના બદલે ધાતુના કપમાં મળે. આ સંદર્ભમાં ૨૦૧૩ની પારિતોષિક વિજેતા એક ટુંકી ફિલ્મ In the City ની યાદ આવે છે. એમાં એક દલિત યુવાનને મુંબઈની લોકલમાં મુસાફરી કરતાં કરતાં વિચારતાં બતાવ્યો છે કે અહીં તો એક જ મુસાફરીમાંયે કેટલાં બધાં લોકોને અડી લે છે અને કોઈ પુછા પણ નથી કરતું. આટલાં લોકોની સામે ગામમાં તો ત્રીજા ભાગનાં લોકોને પણ આખાં વર્ષમાં પણ નથી અડી શકતો. પરિવર્તનો હંમેશાં આશ્ચર્યજનક રીતે જ આવતાં હોય છે. જોકે શહેરોમાં વળી આગવા ભેદભાવો પણ હોય જ છે.

જ્ઞાતિપ્રથાને નકારવાવાળા, તેના માટે ભોઠપ અનુભવનારા કે તેનો બચાવ કરનારા તો મળતા જ રહેશે. આપણા એન આર આઈ પિત્રાઇઓને મુઝવણ મુકતી આપણી સંસ્કૃતિ વિશેની દરેક ટીકાને એક મજાકમાં ખપાવી દેનાર  પણ મળશે. દલિત સમાજને થતા નાના મોટા અન્યાયો માટે એ વર્ગ માટે સહાનુભૂતિ ધરાવતા બીન-દલિતો પર તુટી પડનારાઓ પણ મળશે.  તેમાં પણ, આ વિષયમાં  પોતાની માન્યતાથી જરા પણ જુદી માન્યતા ધરાવનારને, તિરસ્કારપૂર્વક અને દ્વેષભાવપૂર્વક, ઘેટાંની ખાલમાં છુપાયેલ 'સવર્ણ' વરૂઓ તરીકે ભાંડી નાખવાવાળા પણ મળશે.

ગુસ્સાના આવેશમાં, ટેકેદારો અને સહાનુભૂતિધારકો પણ, કદાચ, જુલમખોરો દેખાવા લાગી શકે છે. અમુક વખતે તો સંન્નિષ્ઠ ટેકેદારો પણ સમજી નથી શકતા કે તેમનો ટેકો મદદનાં રૂપમાં શોષણ બનવા લાગે છે. આપણે નકારવા નકારવામાં પણ તલવારો ખેંચી કાઢીએ છીએ, હેલ્મેટો ચડાવી લઈએ છીએ અને પથ્થરબાજીમાં જામી પડીએ છીએ. આમ, જેને જીવન તરીકે ઓળખીએ છીએ તે રણભૂમિમાં આપણે જાણ્યે અજાણ્યે સિંહવાઘ છૂટા મુકી દઈએ છીએ.

આમ તો આપણે બધાં જ કોઈને કોઈ સંદર્ભમાં આપણી સામે થતા ભેદભાવ સામે જાનની બાજીની લડત કરતાં જ હોઈએ છીએ કે કોઈને કો સ્વરૂપમાં થતી પથ્થરબાજી સામે હેલ્મેટ રૂપી કવચ પણ ધારણ કરતાં જ હોઇએ છીએ. એવું પણ બનતું હશે કે જાણ્યે અજાણ્યે આપણે પણ કોઈની સાથે ભેદભાવ પણ રાખતાં હોઈએ કે કોઈ પર પથ્થરો પણ ફેંકતાં હોઈએ. આ રમતમાં કોઈ ખેલ જોનારાં પ્રેક્ષકો નથી કે નથી કોઈ રાજાઓ જેમને આવી લોહીલુહાણ રમતો જોવામાં આનંદ આવતો હોય. જે લોકો સૌથી વધારે સમૃધ્ધ કે શક્તિશાળી છે તેમણે પોતાનાં સમૃધ્ધ હોવાને, કે શક્તિશાળી હોવાને કારણે, કે પછી માત્ર દેખાવે સુંદર હોવાને કારણે પણ, કોઈને કોઈ પ્રકારના ભેદભાવનો કે માનસિક (અથવા ક્યારેક શારીરિક પણ) ભારણનો  સામનો તો કરવો પડતો હોય છે. જો ટકી રહેવું હશે, પોતાની લાયકાતનો યોગ્ય સ્વીકાર થાય કે પછી તેને અનુરૂપ માનસન્માન મળે તેમ જોઈતું હશે, તો લડવું તો પડશે. બધાંને ક્યારેક તો એવા દિવસો આવતા જ હોય છે કે ક્યાં તો તંત્રવ્યવસ્થાના  ભોગ બનવું પડે, કે પછી કોઈને કોઈ સિદ્ધાંત કે માન્યતા માટે શહાદત વહોરવી પડે. તો વળી આપણામાંના કોઈકે તો તેનો તમાશો પણ બનાવવો પડે (છે), કે પછી, તેને માટે કરીને તમાશો બનવું પડે (છે).

  • મિડ ડે માં ૨૪ મે, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ, પરના અસલ અંગ્રેજી લેખ, Gladiators Among Usનો અનુવાદ : પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો