બુધવાર, 28 એપ્રિલ, 2021

તાલમાં લપેટાયેલ - દેવદત્ત પટ્ટનાઈક

અમેરિકી લઢણમાં પળોટાયેલ આધુનિક મૅનેજમૅન્ટને આદતો, જોકે સારી આદતો જ વળી, બહુ ગમે છે. આદત એ ઈશારો થતાંવેંત વારંવાર, અજાણપણે, થતી રહેતી પ્રવૃત્તિ છે. આપણે તેના પર ખાસ વિચાર પણ નથી કરતાં. તેમ કરવાની આપણને એની એટલી હદે ટેવ  પડી જાય છે કે તેમ ન કરવા મળે તો આપણે અકળાઈ જઈએ છીએ. ઘણી રીતે, તે પાવલોવિયન માનસપળોટણ જેવું છે, જેમાં ઘંટડી વાગતાં તાલીમ પામેલ કૂતરાના મોંમાં આપોઆપ જ લાળ ખરવા લાગે.

બીજી રીતે જોઈએ તો તે યોગ કે અન્ય હિંદુ આધ્યાત્મિક પ્રણાલિકાઓમાં દરેક પ્રવૃત્તિમાં જાગરૂકતા (ધારણા) અને મનન (ધ્યાન)ની જે વાત કરવામાં આવે છે તેનાથી ઊંધું છે. ધ્યાન રાખવું,બેધ્યાન ન થવું,સંવેદનશીલ, કાળજી લેનારૂં, સંદર્ભ સાથે અનુકૂલન સાધનારૂં, આપણે તો એવાં જ છીએ એટલે એમ જ ન કર્યે રાખવું, ઘૂંટી ઘૂંટીને એ મુજબ જ કર્યે ન રાખવું, જેમકે વા વરસાદ ગમે તે હોય જિમ જવું એટલે જવું, કેમકે તે હવે આદત બની ગયેલ છે.

વિશ્વનાં હિંદુ સ્થાપત્ય અનુસાર મન અને દ્રવ્ય, માનસીક અને ભૌતિક ક્ષેત્રો, વચ્ચે પાયાનો તફાવત છે. અમેરિકી માનસમાં એવું નથી. ત્યાં તો જે સ્પષ્ટપણે સમજી શકાય, માપી શકાય તેવાં દ્રવ્યનું મૂલ્ય અમૂર્ત, ફટકિયાં, મન કરતાં વધારે છે.

મૂળે, અમેરિકનોએ આ વિચારસરણી યુરોપિઅનો પાસેથી વારસામાં મેળવી છે. ૧૮મી સદીમાં 'આધ્યાત્મિક'નો અર્થ માનસશાસ્ત્રીયથી માંડીને વૈજ્ઞાનિક સમજની પરે અસધારણ બાબતોને આવરી લેવાવા લાગ્યો. વીસમી સદીમાં ફ્રૉયડ અને જુંગનાં અભ્યાસો પછી ગૂઢ સૂચિતાર્થોમાથી નીતારી કાઢેલ અભ્યાસ તરીકે માનસશાસ્ત્ર એ સારા અર્થનો શબ્દ બની રહ્યો. જૈન, બૌદ્ધ અને હિંદુ પુરાણોમાં જોવા મળતી હિંદુ વિચારધારામાં  તત્ત્વતઃ અનંત ભણી જાય એવાં વિકસતાં મન સાથે આધ્યાત્મિકનો અર્થ સંકળાય છે.

એટલે અમેરિકામાં યોગને વ્યાયામનું એક પરદેશી સ્વરૂપ જ ગણવામાં આવે છે, પરિણામે અંગઢંગ  (આસન)ને જેટલું મહત્વ મળે છે તેટલું શ્વાસોચ્છશ્વાસ  નિયમન (પ્રાણાયામ) અને મનને લગતી ધ્યાન અને એવી બીજી પધ્ધતિઓને નથી અપાતું. અનંત વ્યાપ ધરાવતાં મન – બ્રહ્મન -નો જરા સરખો ઉલ્લેખ થાય તેવો ચારેબાજુ ભય ફેલાઈ જાય છે. અમેરિકી ન્યાયાલયોમાં યોગને એક ધાર્મિક બાબત ગણતા ચાલી રહેલા અનેક મુકદ્દમાઓ એ માન્યતાની જ સાહેદી પુરાવે છે.

મનને બદલે શરીરને વધારે પસંદ કરવાનાં આ વલણને કારણે આધુનિક મૅનેજમૅન્ટ આદતોને વધારે મહત્ત્વ આપે છે. આપણા કર્મચારીઓને સારી આદતો હોય, એ લોકો પાળેલાં પ્રાણીઓ જેમ વર્તે, સમયસર આવે અને કામ  છે તેમ કહેવામાં આવે તો કોઈ જાતની ફરિયાદ કર્યા વિના મોડાં પણ ઘરે જાય - અને તે પણ પહેલેથી નક્કી થયેલ, શોષણ કરી લેવાની ભાવના સિવાયના નક્કી કરેલ વેતને, સમાવેશી, વૈવિધ્યપૂર્ણ, બીનસાંપ્રદાયિક પારિસ્થિતિકીય પ્રણાલિમાં રહીને. આ બધું સિધ્ધ કરવામાં તાલીમ અને ઘનિષ્ટ માપણીઓ તેમ જ ટેક્નોલોજિઓની  પણ વિશેષ ભૂમિકા રહે છે. બધાંએ એક સીધી રેખા પર બહુ ચોક્કસ મર્યાદાક્ષેત્રમાં રહીને પોતાની ભૂમિકા ભજવતા રહેવાનુ છે.

આ બધામાં માનવ મનને તો ભુલાવી જ દેવામાં આવે છે. મનને બધે ફરવું ગમે. તે કંટાળી પણ જાય. તેને વૈવિધ્ય જોઈએ. તેને ઉત્તેજના પણ જોઈએ. તેને માન્યતા પણ જોઈએ અને અર્થપૂર્ણતા પણ જોઈએ. તે ધ્યાનભ્રમ પણ થયા કરે, તેને સ્વતંત્રતાની ઝંખના રહ્યા કરે. વરિષ્ઠ સંચાલકમંડળોની ગરમાગરમ વ્યૂહાત્મક ચર્ચાબેઠકો દરમ્યાન પણ તેને વૈકલ્પિક વાસ્તવિકતાઓની કલ્પનાઓ થયા જ કરે. તેને કંપનીના નહીં પણ પોતાના નિયમોથી રહેવા મળે એવા સપ્તાહાંતોની ઝંખના થાય. તો રોજિંદી જિંદગીની બધી પળોજણો ભુલાવી દે એવી લાંબી રજાઓ અને હરવા ફરવાની ઝંખના તો પાછી થાય જ.

આપણે એ પણ ભૂલીએ છીએ કે કંપનીના સ્થાપક, કે પછી વરિષ્ઠ સંચાલકનો દૃષ્ટિકોણ તેમના કર્મચારીઓથી બિલકુલ અલગ જ હોય છે. બન્ને પક્ષ પોતપોતાની આદત મુજબ જ વર્તે છે. સ્વાભાવિક છે કે દરેકને પોતાની જ આદત 'શ્રેષ્ઠ' લાગે. બન્ને પક્ષ એમ ઈચ્છે કે સંસ્થાની પ્રક્રિયાઓ તેમની આદત અનુસાર ગોઠવાય. ઘણા અગ્રણીઓ એમ માને કે બધાંએ સમયસર જ આવવું, પોતે ભલે મોડા આવે. બધાંએ મોડે સુધી કામ કરવું કેમકે તે કરે છે. પોતે બધું કામ સમયસર કરતા હોય એટલે બધાં કર્મચારીઓએ પણ એટલાં જ અસરકારક અને કાર્યદક્ષ જ હોવું જોઈએ. આપણે માની લઈએ છીએ કે જેવાં આપણે છીએ તેવી દુનિયા પણ હોય. પણ દુનિયા તો પોતાનો અલગ રાગ જ છેડતી રહે છે. જાતિ, રંગ ,બાંધો, ઉમર જેવા શારીરિક અને  જાતિ, માન્યતાઓ ,ધર્મ, રીતરિવાજો જેવા સામાજિક તફાવતો ઉપરાંત માનસીક વૈવિધ્ય  પણ હોય જ. કેટલીક સંસ્થાઓને આ બધાં વૈવિધ્ય નથી જોઈતાં તો કેટલીકને આમાંથી અમુક સ્વીકાર્ય પણ હોય.

જો આપણું એક સર્વસ્વીકૃત લક્ષ્ય હોય અને બધાં તેની સાથે સંકળાય તે જરૂરી હોય તો બધાં જ એ દિશામાં, એક સાથે દોડે તેમ શી રીતે કરી શકાયબધાંની આદતો જૂદી જૂદી હોય તો એકબીજાં સાથે સહકાર બની રહે તેમ શી રીતે કરી શકાય? કોણ પોતાની આદત પહેલાં બદલે - અગ્રણી કે અનુયાયી? -તેમાં પણ લોકશાહી પધ્ધતિનું મતદાન ચાલે?

આદતો તેમજ વર્તણૂકોના તાલ અને ગ્રાહ્ય ભાત આપણને સ્થિરતા અને સલામતીની અનુભૂતિ પુરી પાડે છે. તેને જ્યારે બદલવાનું આવે છે ત્યારે આપણું શરીર તેને જોખમ ધારી લે છે અને તેથી આક્રમક રીતે પ્રતિકાર કરે છે. આમ કોઈ પણ પરિવર્તનનો આપણે પહેલાં તો વિરોધ જ કરીએ છીએ. આપણને વિકાસ ગમે છે, પણ આપણી, સારી યા ખરાબ, આદતોને ભોગે નહીં. મહાન નેતાઓની નકલ તેમને સારૂં લગાડી જરૂર શકે, અને પરિણામે કદાચ થોડાઘણા ફાયદા પણ મેળવી આપી શકે, પણ છેવટે તો તે અપ્રમાણિક, આપણા મન પર બોજો બની રહેતી, નકલ જ રહે છે, જે બીજાના નહીં, પણ પોતાના જ નિયમોથી રહેવાનું જ ઈચ્છે છે.

ધ ઈકોનોમિક ટાઈમ્સ માં ૨૯ મે, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.

  • દેવદત્ત.કૉમ, પરના અસલ અંગ્રેજી લેખ, Wrapped in Rhythmsનો અનુવાદ : પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા
  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૨૮ એપ્રિલ, ૨૦૨૧ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો