બુધવાર, 12 મે, 2021

સ્વાતંત્ર્ય દિવસે સમલૈંગિકો ક્યાં છે? - દેવદત્ત પટ્ટનાઈક

 

થોડા જ દિવસો પહેલાં એક ખબરપત્રી મિત્રએ મને સવાલ કર્યો જતો કે એલજીબીટી ઈતિહાસ, પુરાણશાસ્ત્રવિદ્યા કે સાહિત્ય કે ફિલ્મોત્સવોનું મહત્ત્વ શું હોઈ શકે? આ સવાલનો જવાબ આપતાં આપતાં મને કથાઓનાં મહત્ત્વનો વિચાર આવ્યો. જેમકે, આપણા ધ્યાનમાં સમલૈંગિક કે ટ્રાંસજેંન્ડર સ્વાતંત્ર્યવીરો વિષે કોઈ કથાઓ નથી આવતી. એ પ્રકારનાં લોકો સ્વાતંત્ર્ય લડાઈમાં સક્રિય હશે? કે પછી તેમને વીણીને દૂર કરી દેવાતાં હતાં? આ બધી બાબતોનું મહત્ત્વ છે ખરૂં? સમલૈંગિક કે ટ્રાંસજેન્ડર લોકો માટે આ વાત જરૂર મહત્ત્વની છે કેમકે તેના થકી તેમનાં અસ્તિત્ત્વને વજૂદ મળે છે.  તેને કારણે એ લોકો પણ એ મહત્વની સામુહિક યાદગીરીનો હિસ્સો બની શકે છે. તે ઉપરાંત 'ભણેલાં' લોકો તેમ કરતાં રોકે  છે. અમુક પસંદગીઓ, ઈચ્છાઓ કે વર્તણૂકો ક્યારે પણ આપણી પરંપરા કે સંસ્કૃતિનો ભાગ એટલે ન હતી કેમકે અન્ય 'ભણેલાં' લોકોએ પોતાના મર્યાદીત સ્વાર્થ માટે સિદ્ધ કરવા માટે સંસ્કૃતિની સાથે તડજોડ કરી શકાય તે માટે  તેમનાં હસ્તાંતરણને રોકી રાખ્યું હતું.

બધી કથાઓ સાચી હશે ખરી? આ સવાલનો જવાબ આસાન નથી, કેમકે વાર્તાઓનું વિશ્વ એક અલગ જ જગત છે. કેટલીક નરી કલ્પનાઓ જ છે જે કોઈનું સત્ય નથી હોતું. અમુક પુરાણ કથાઓ હોય છે જે કેટલાંક લોકો માટે એવાં સત્ય છે જે ન્યાય, પુનર્જન્મ કે સ્વર્ગ જેવી પ્રત્યયાત્મક વાસ્તવિકતાઓનાં સાપેક્ષ સત્યને રજૂ કરે છે. અમુક કિંવદંતિઓ હોય છે જે લોકોની યાદગીરીઓ થકી નાયકોનાં કૃત્યોને મોહક સ્વરૂપ આપીને તેમને બીરદાવે છે.

તદુપરાંત બોધકથાઓ અને દંતકથાઓ પણ હોય છે જે વિચારસરણી કે પરંપરાગતનિર્દેશો જણાવવા ઉપયોગમાં લેવાતી હોય છે. તો વળી અમુક કથાઓ સાથે ઈતિહાસ સંકળાયેલો હોય છે જેમાં કથા એવી ઉપલ્બધ હકીકતો પર આધારિત હોય છે જેને માપી શકાય છે તેમ જ સિધ્ધ પણ કરી શકાય છે. જેમ જેમ વધારે હકીકતો એકઠી થતી જાય તેમ તેમ ઈતિહાસમાં પરિવર્તન આવતું જાય છે.

૧૮૦૧માં બંગાળીમાં મુદ્રિત થનાર પ્રથમ પુસ્તકોમાં મત્યુંજય વિદ્યાલંકારનું 'રાજાબોલી' પણ હતું, જે કુરુક્ષેત્રથી લઈને પ્લાસ્સી સુધીનાં યુદ્ધોના યોદ્ધાઓ અને રાજાઓની વાત કહે છે. તેમાં હિંદુઓ, મુસ્લિમો અને બ્રિટિશરોની વાત પણ આવરી લેવાયેલ છે. તેમાં સિપાહીઓને તેમની નાતજાત મુજબ નથી ઓળખાયા. વધારે મહત્ત્વનું એ છે કે તેમાં કોઈ પાત્રને આપણે સામાન્ય રીતે જેમ વધારે પરિચિત છીએ તેમ મૌર્ય, ગુપ્ત કે બૌદ્ધ તરીકે પણ નથી ઓળખાયાં, કારણકે તે સમયે આ બધાં પાત્રોની એક ઇતિહાસ સંદર્ભી હજુ ઓળખ ઉભી પણ નહોતી થઈ ! વધારે આશ્ચર્યની વાત તો એ છે કે તેમાં વર્ણવાયેલાં ઘણાં પાત્રો આજનાં ઈતિહાસના ગ્રંથોમાં શોધ્યાં નથી જડતાં કેમકે તેમની હકીકતથી વેગળાં, કહીસુની વાતો પર આધારિત, ગણી બાદ કરી દેવાયાં છે. અહીં નોંધવાનો મુદ્દો એ છે કે આજે રામાયણ અને મહાભારત જેટલાં મહત્ત્વનાં ગણાય છે તેટલાં મહત્ત્વનાં ત્યારે નહોતાં મનાતાં. ભારતના ઈતિહાસની યાદ તરીકે તેને કોઈ રીતે અવગણવાની વાત નથી. પરંતુ તેને લગતી ખુબ લગણીસભર ચર્ચા એ છેડાઈ રહે છે કે તેમને ઈતિહાસ ગણવાં, પુરાણશાસ્ત્રો ગણવાં, પૌરાણીક આખ્યાયિકાઓ ગણવાં કે દંતકથાઓ ગણવાં.

હિંદુ ઋષિમુનિઓ હંમેશાં ઈતિહાસ બાબતે કાળજીપૂર્વક વર્તવાનું પસંદ કરે છે. તેઓ જાણે છે કથાઓ સમય સાથે કેમ બદલતી રહે છે, હકીકતોને રાજકારણીઓ કેમ તોડમરોડ કરી નાખે છે, કે ન્યાયસાસ્ત્રીઓ કે વૈજ્ઞાનિકો સુધ્ધાં કેટલી હદે નિર્ભેળપણે તટસ્થ હોય છે અને હકીકતોને બદલે કલ્પનામાંની વાતોએ કેટલી હદે માનવ સમાજની સભ્યતાને ઘડવમાં કેટલી મહત્ત્વની ભૂમિકા ભજવી છે. એટલે તેઓ નિરપેક્ષ સત્ય કરતાં સાપેક્ષ સત્યને વધારે મહત્ત્વ આપે છે. ૧૮મી સદીમાં યુરોપિયન પૌવાર્ત્યવિદો આને મૂળ પ્રજાની આ એક મોટી નબળાઈ ગણી હતી. તેની સામેના પ્રતિક્રિયારૂપ પ્રતિભાવમાં ભારતીય રાષ્ટ્રવાદીઓએ તે પછીથી ભારતીય પુરાણવિદ્યા કેટલી હદે ઐતિહાસિક સત્ય છે તે સાબિત કરવામાં મચી પડ્યા છે. તેમના હિસાબે મહાકાવ્યોને શબ્ધાર્થમાં જ સ્વીકારવાં જોઈએ. પરંતુ તાજેતરનાં સામાજિક માધ્યમોનાં ટ્રોલ યુદ્ધો દર્શાવે છે કે સમગ્ર વિશ્વમાં સંપ્રદાયોના  અનુયાયીઓ અને ભક્તો તેમસ્ના ગુરુઓ અને નેતાઓનાં સંતચરિત્રોને વૈજ્ઞાનિક જીવનકથાઓ  કરતાં કેટલાં વિશ્વાસપાત્ર ગણે છે અને તેમની વિરુદ્ધ લખાયેલો દરેક શબ્દ તેમને માટે ઠાલો પ્રચાર માત્ર છે. આમ, હકીકત એ રહે છે કે માનવીય બાબતોને લાગે વળગે છે ત્યાં સુધી, આપણે માનીએ છીએ, એટલું હકીકતોનું એટલું મહત્ત્વ નથી.

શક્ય છે કે સ્વાતંત્ર્ય સૈનિકમાંથી કોઈ સમલૈંગિક હોય ! તેણે સવિનય અસહકારની લડતમાં ભાગ પણ લીધો હોય અને પોતાનાં પ્રેમીને સાથે 'સાયમન, પાછા જાઓ' જેવાં સુત્રો પણ પોકાર્યાં હોય. પણ તે સમલૈંગિક હોય કે નહીં તેની આપણને જાણ નથી કેમકે પોતાનાં જીવનની એ ગાથા બીજાંને કહેતાં તે શરમાયાં હશે!

 

  • મિડ ડે માં ૧ જૂન, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ, પરના અસલ અંગ્રેજી લેખ, Where were the lesbians on Independence Day? નો અનુવાદ : પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૧૨ મે, ૨૦૨૧

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો